હેર કટિંગની નવી સ્ટાઈલ .
હવે કામણગારા નયનો અને વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી હેરકટ કરવાની તથા ચહેરાને આકર્ષક લુક આપવાની વર્ષો જૂની પદ્ધતિમાં બદલાવ આવી ગયો છે. આજના જમાનાની યુવતીઓ જ નહીં, પરંતુ ગૃહિણીઓ પણ લેટેસ્ટ સ્ટાઈલને અપનાવી રહી છે.
આજે પણ વાળની લંબાઈ અને એના ગ્રોથને ધ્યાનમાં રાખી હેર કટિંગ કરવામાં આવે છે. હેર ડિઝાઈનરના જણાવ્યા અનુસાર 'આજની મહિલાઓ કટિંગ અને સ્ટાઈલ્સની બાબતમાં જાગૃત બની રહી છે. હેર કટિંગ કરાવતાં અને એને સ્ટાઈલ અમલમાં મૂકતાં પહેલાં આધુનિક લેટેસ્ટ કટિંગ અને સ્ટાઈલનાં નમૂનાનું આલબમ જોવાની તેમની માગણી રહેતી હોય છે.'
સામાન્યત: હેર કટિંગની ફેશનમાં ઝડપથી બદલાવ આવતો નથી હોતો, પરંતુ ટી.વી. અને ફિલ્મોનાં પાત્રોને અનુસરવાનું ચલણ વધી ગયું છે. એમની સ્ટાઇલ્સ ઝડપથી લોકપ્રિય બની રહી છે.
અગાઉ હેરકટની સ્ટાઈલ્સ હેરડ્રેસર અને બ્યૂટિશિયન નક્કી કરતા હતા. આજે એ યુગ ભુલાઈ રહ્યો છે. આજથી પંદર વર્ષ અગાઉ બ્યૂટિપાર્લરમાં જવાનો મતલબ સ્વયંને એમને હવાલે કરી દેવાનો હતો.
પોતાની સુવિધા માટે પણ યુવતીઓનો હેર કટિંગની સ્ટાઇલ્સ પ્રત્યેનો લગાવ વધી રહ્યો છે એમાં બેમત નથી. જોબ ઓરિએન્ટેડ અને કોર્પોરેટ જગતની મહિલાઓ આકર્ષક અને લોભાવનારી હેરસ્ટાઈલ પર પસંદગી ઉતારે છે, પરંતુ એમની પહેલી શરત એ હોય છે કે તેમની હેરસ્ટાઈલ કુરૂપ, કઢંગી અથવા તો એમના પ્રોફેશન સાથે મેળ ન ખાતી હોય તેવી હોવી ન જોઈએ.
ગૃહિણીઓની પસંદગી પણ કંઈક આવી જ હોય છે, પરંતુ તેમને માટે સુવિધા એ હોય છે કે આજકાલ યુવતીઓ હેરસ્ટાઈલ અવારનવાર બદલતી રહે છે. એક વિદ્યાર્થિની કહે છે, 'સ્ટાઈલ ચેન્જ કરતા રહેવાથી લુકમાં નવીનતાની અનુભૂતિ થતી હોય છે. આમ પણ દરેક વખતે હેર કટિંગના પૈસા ચૂકવવા જ પડતા હોય છે તો પછી પુરુષોની જેમ એકની એક સ્ટાઈલ શા માટે રાખવી જોઈએ?
દરેક મહિલાના મનમાં એવી ઇચ્છા હોય છે કે આ વખતે જ્યારે તે બ્યૂટિપાર્લરમાંથી હેરકટ કરાવીને બહાર આવે ત્યારે લોકો એને પૂછે કે અરે, આ સ્ટાઇલનું નામ શું છે.
આજકાલ યુવતીઓ જે હેર કટિંગ અને સ્ટાઈલ્સ પસંદ કરી રહી છે તેમાં ખરેખર કંઈક નવીનતા જોવા મળે છે. આનાથી વિશેષ કોઈ સ્ટાઇલ્સ હોઈ ન શકે એવી કલ્પના પણ કરી શકાતી નથી. આવો, જાણીએ કેટલીક મુખ્ય હેરકટ સ્ટાઈલ્સ અંગે :
મિક્સ બ્રાઉન સ્ટાઈલ
આ સ્ટાઈલ કટિંગમાં વાળ ખભા સુધી કાપેલા રાખવામાં આવે છે. ૧૮થી ૩૫ વર્ષ સુધીની ૪૦ ટકા યુવતીઓ આ સ્ટાઈલને અપનાવી રહી છે. આ સ્ટાઈલમાં હેરને ત્રણ સ્ટાઈલમાં કટ કરવામાં આવે છે, રેઝર કટ, પોઇન્ટ કટ અને સોલ્ડર કટ.
આ સ્ટાઈલમાં હેરકટ કરતી વખતે પહેલાં હેરને સ્ટ્રેટ કરવામાં આવે છે. પછી ઉપયુક્ત મોડ આપીને કાપવામાં આવે છે. સામાન્ય રીતે આ હેરકટમાં બ્રાઉન અને બ્લેક કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે કટિંગ માટે માત્ર રેઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
હૈવાના સ્ટાઈલ
આ સ્ટાઈલમાં પણ હેરની લંબાઈ ખભા સુધી રાખવામાં આવતી હોય છે. ૨૫ વર્ષની યુવતીઓમાં આનું ચલણ વધારે જોવા મળે છે.
હૈવાના સ્ટાઈલમાં હેરને કુદરતી રંગ સિવાય બીજા ત્રણ કલર પ્રેશર પોઈન્ટ કટની સાથે પ્રયોગ કરવામાં આવે છે. જેના વાળનો ગ્રોથ જથ્થામાં હોય તેવી મહિલામાં આ કટિંગ સ્ટાઈલ ખૂબ જ સુંદર અને નજર કરી જાય તેવી લાગતી હોય છે. આ કટિંગમાં પણ માત્ર રેઝરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
એવાના સ્ટાઈલ
આ સ્ટાઈલ પણ ખૂબ ચલણમાં છે. જેમાં આગળના હેર ૯૦ ડિગ્રીના ખૂણે કાપવામાં આવતા હોય છે. આ સ્ટાઈલની વિશેષતા એ છે કે આગળના ભાગથી હેરનું કટિંગ ઓછું અને પાછળના ભાગમાં વધારે કરવામાં આવતું હોય છે. જોકે કલર પસંદગીની મર્યાદા આ સ્ટાઈલમાં જોવા મળતી નથી. મતલબ તમારી પસંદગીનો કોઈપણ કલર તમે ઉપયોગ કરી શકો છો.
હૈંડી સ્ટાઈલ
શોર્ટ હેરમાં આ ફેશન ખૂબ ચલણમાં છે. શોર્ટ હેર હોય એવી યુવતીઓ માટે આ હેર કટિંગની સ્ટાઈલ વધારે અનુકૂળ હોય છે. હેરની લંબાઈને ધ્યાનમાં રાખીને રેઝર કટ આપવામાં આવે છે, જે ૪૫ ડિગ્રીના ખૂણે હોય છે. સામાન્ય રીતે હેર કટિંગ ચાર ઇંચ જેટલું જ કરવામાં આવતું હોય છે. આમાં પણ ટુ કલર સ્ટાઈલ અપનાવવામાં આવતી હોય છે.
આ વખતે જ્યારે તમે બ્યૂટિપાર્લરમાં હેરકટ કરાવવા જાઓ ત્યારે આ કટિંગ અને સ્ટાઈલ્સને અપનાવવાનું ભૂલશો નહીં. જેથી લોકો તમને પણ જરૂર પૂછે, 'અરે, આ કઈ નવી હેરસ્ટાઈલ છે, નામ તો કહો.'