Get The App

નવી મોસમની નવી ફેશન કોર્સેટ બ્લાઉઝ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
નવી મોસમની નવી ફેશન કોર્સેટ બ્લાઉઝ 1 - image

દિવાળી આવવાની હોય ત્યાં જ નવી ફેશનનું ચક્ર શરૂ થઈ જાય. ચોમાસા પછીનો સમય એટલે પાર્ટી સીઝન. દિપાવલી પછી લગ્નસરા અને ક્રિસમસ, હવે પાર્ટીપ્રેમીઓ આવી મોસમમાં મોજથી સજીધજીને એન્જોય કરવાનું ચૂકે ખરાં? અને ફેશન ડિઝાઈનરો પણ દર વર્ષે કાંઈક નવું રજૂ કરીને તેમને રાજી રાખે. આ વર્ષની વાત કરીએ તો ફેશનિસ્ટોમાં લહંગા, સાડી અને સ્કર્ટ સાથે કોર્સેટની બોલબાલા વધી પડી છે.

બોલીવૂડ સેલિબ્રિટીઓની જ વાત કરીએ તો કૃતિ સેનને એમેરલ્ડ ગ્રીન ફિટેડ કોર્સેટ ગાઉન પહેરીને ગજબનું આકર્ષણ પેદા કર્યું હતું. તેણે ઓફ શોલ્ડર પારદર્શક ગાઉનને ટેક્સચર્ડ સ્કર્ટ સાથે જોડીને સરસ ડિઝાઈનર પોશક બનાવડાવ્યો હતો. તેના સ્કર્ટમાં દરિયાના મોજાં જેવો ચડાવ-ઉતાર હતો તે જોઈને એવું લાગતું હતું જાણે આ મોજાં તેની કામણગારી કટિની આસપાસ રમી રહ્યાં છે. કૃતિએ તેની સાથે એવા જ આરોહ-અવરોહ ધરાવતું નીલમનું નેકપીસ અને વચ્ચેની બંને આંગળીઓમાં નીલમની વીંટીઓ પહેરી હતી. આપણી હમેશાંથી લાલ પરીની વાર્તાઓ સાંભળતા આવ્યાં છીએ. પરંતુ કૃતિ આ લુકમાં નીલમ પરી દેખાતી હતી.

પાર્ટીની મોસમમાં રાતો અને નારંગી રંગ દેખા ન દે એવું બને ખરૃં? આ કમાલ જાણીતી મોડેલ પ્રિયંકા કાત્યારે કરી બતાવી તી. તેણે ઓરેન્જ કલરની સિલ્કની સાડી સાથે ક્રોપ્ઠ કોર્સેટ બ્લાઉઝ પહેર્યું. તેના બ્લાઉઝમાં પરંપરાગત અને આધુનિક ડિઝાઈનને સરસ રીતે ભેળવી દેવામાં આવી હતી. પોતાના બ્લાઉઝની ડિઝાઈન ઢંકાઈ ન જાય એટલે પ્રિયંકાએ સાડીનો પાલવ આગળથી લેવાને બદલે પાછળથી લઈને શોલની જેમ હાથ પર ગોઠવી દીધો.

પોતાનો ટ્રેડિશનલ લુક કમ્પ્લીટ કરવા પ્રિયંકાએ અંબોડો વાળીને તેમાં રાતા-સફેદ ફૂલોનો ગજરો બાંધ્યો. અને ઘરેણાંમાં મોતી સાથે લાલ-લીલા રત્નજડિત હાંસડી, ઝૂમખાં અને વીંટી પહેરી લીધાં. તેનું આ હેરિટેજ-મોડર્ન લુક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પટોળા અને બાંધણી ટ્રેડિશનલવેઅરમાં હમેશાંથી ટોચ પર રહ્યાં છે. પણ અનન્યા પાંડેને આ બંને ડિઝાઈન એકસાથે પહેરતાં આવડી.

અભિનેત્રીએ પટોળાની ભાત આપતા ભરતકામવાળા કોર્સેટ બ્લાઉઝ સાથે શ્યામ રંગની રાતા બંધની ડિઝાઈન ધરાવતી બાંધણી પહેરી. અલબત્ત, તેણે બાંધણીનો પાલવ ખભાપરથી લેવાને બદલે પાછળના ભાગમાંથી બંને હાથમાં વીંટાળી લીધો. બ્લેક-રેડ બાંધણી સાથે તેનું પટોળા ડિઝાઈનમાં રંગબેરંગી ભરતકામ કરેલું બ્લાઉઝ ગજબનો ઉઠાવ આપતું હતું. અને પોતાના પરિધાનને હાઈલાઈટ કરવા અનન્યાએ માત્ર બે વીંટી અને બુટ્ટી સિવાય બીજું કોઈ ઘરેણું ન પહેર્યું.

નોરા ફતેહીના નખરાંથી કોણ અજાણ હોય? તેણે આભલાજડિત ભરતકામવાળા સ્ટ્રેપલેસ કોર્સેટ બ્લાઉઝને એવા જ મરમેડ સ્કર્ટ સાથે મેચ કરેલા પરિધાનમાં મનમોહક દેખાવ સર્જયો હતો. નોરાના આ લુક જોઈને એવું ભાસતું હતું જાણે કોઈ સુંદર માછલી પોતાનો દરિયો છોડીને પાર્ટી માણવા આવી ચડી છે.

- વૈશાલી ઠક્કર