નવરાત્રિના રંગભર્યા દિવસો શરૂ થતાં દરેક નવયુવતીમાં અનેરો આનંદ અને ઉત્સાહનો ઉમેરો થતો જાય છે. મનમયૂર થનગની ઊઠે છે. જાણે કાગડોળે નોરતાની રાહ ન જોવાતી હોય, એવું જ લાગે! એ દરમિયાન કપડાં, ઘરેણાં, પાર્ટી પ્લોટ કે ક્લબોના ગરબા અટેન્ડ કરવા ક્યાં ક્યાં જવું છે, કેવી રીતે તૈયારી કરવી છે વગેરે કંઈ કેટલીય ચર્ચાઓ અને પ્લાનિંગ પહેલેથી જ શરૂ થઈ જાય છે. મહિના પંદર દિવસ પહેલાં જ બહેનપણીઓ અને મિત્રો જોડે તમામ કાર્યક્રમ ઘડી કઢાય છે. આમાં સૌથી વધુ અગત્યની બાબત છોકરીઓ માટે મેકઅપની હોય છે.
આવા રંગરંગીલા ઉત્સવ ટાણે તમારા રૂપરંગને વધુ ખીલવે તેવાં કપડાંને ઘરેણાંની સાથોસાથ સૌંદર્યને નિખારે અને વ્યક્તિત્વને સૌના આકર્ષણનું કેન્દ્ર બનાવે તેવો મેકઅપ જરૂરી છે. દરેક પ્રસંગ અને ઉત્સવને અનુરૂપ મેકઅપનું આગવું મહત્ત્વ હોય છે, એ ન ભૂલવું જોઈએ.
નવરાત્રીના નવે નવ દિવસ સુરુચિપૂર્ણ અને આકર્ષક મેકઅપ કેવો હોવો જોઈએ. આ બાબતે અમે અમદાવાદના જાણીતા દર્શન બ્યૂટીપાર્લરના બ્યૂટિશિયન સલિલ કારખાનિસ સાથે વાતચીત કરી.
સલિલે જણાવ્યું, ''બ્રાઈડલ મેકઅપ હોય, પાર્ટી મેકઅપ હોય કે પછી કોઈ ઉત્સવનો મેકઅપ હોય તેના પાંચ બેઝિક સ્ટેપ્સ હોય છે :
ક્લિઝિંગ, મોઈશ્ચરાઈઝિંગ, ફાઉન્ડેશન, એપ્લિકેશન, આઈ મેકઅપ અને છેલ્લે લિપસ્ટિક. હવે આ તમામ બાબતો તમે કેવી રીતે એપ્લાય કરો છો, તેના ઉપર તમારા મેકઅપના ગેટઅપનો આધાર હોય છે.
નવરાત્રીનો ઉત્સવ રાત્રિનો હોય છે અને મેકઅપ પણ એને અનુરૂપ જ હોવા જોઈએ. આમ તો આ કોઈ મોટી પાર્ટી કે લગ્નપ્રસંગની વેળા નથી એટલે જો છોકરીમાં મેકઅપ સેન્સ હોય તો તે ઘરે પણ જાતે જ મેકઅપ કરી શકે છે. અલબત્ત, બ્યૂટિપાર્લરમાં જવાનો હેતું તો માત્ર મેકઅપનું ફિનિશીંગ સારું હોય એટલો જ હોય છે.''
ડ્રેસઅપ બાબતે ભાર મૂકતાં સલિલે કહ્યું કે, ''સ્કીનના કોમ્બિનેશનના ડ્રેસિંગ સેન્સનું મહત્ત્વ વધારે હોય છે. પર્વની મજા લૂટવાની સાથોસાથ આકર્ષક લુકનું ધ્યાન રાખવું જરૂરી છે. આ રાત્રિનો ઉત્સવ હોવાથી કપડાં રંગબેરંગી પસંદ કરવાનો આગ્રહ છોકરીઓ વધારે રાખે છે. એના લીધે જ ડ્રેસઅપ સાથે મેચિંગ મેકઅપ જરૂરી છે.
જોકે રાતે થોડો ડાર્ક મેકઅપ કરવાનો હોય છે, પરંતુ ચહેરા પર તેના પેચિસ ના દેખાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે. મોટા ભાગે રાતે આઈ મેકઅપનું મહત્ત્વ જ વધારે હોય છે. તેમ છતાં લિપસ્ટિકની ઉપેક્ષા ના કરી શકાય. મરુન અનેરેડ રંગના આઈ શેડો તથા લિપસ્ટિક સામાન્ય રીતે બહુ પ્રચલિત છે, જે ગોરી ત્વચા અને શ્યામ ત્વચાની યુવતીઓને શોભી ઊઠે છે. તેમ છતાં ગોરી ત્વચાની યુવતીઓ પરપલ, પિન્ક અને લેવેન્ડર કલરના આઈ શેડો કે આઈ લાઈનર પોતાના ડ્રેસને અનુરૂપ લગાવે તો વધુ આકર્ષક દેખાય.
એવી જરીતે શ્યામ રંગની યુવતીઓ પર બ્રાઉન અને મરુન રંગની ખાસ ઈફેક્ટ પડે છે. કારણ કે તેઓ સામાન્ય રીતે પેસ્ટલ કલરના ડ્રેસ વધારે પહેરે છે. જો કે ઘણીવાર નેચરલ રંગની લિપસ્ટિકથી હોઠની ચમક ઊપસી આવે છે ખરી, જો ડ્રેસઅપ અને અનુરૂપ હોય.''
મેકઅપમાં ફાઉન્ડેશન અને બ્લશરનું મહત્ત્વ પણ આગવું હોય છે. સલિલના મત મુજબ સંપૂર્ણ મેકઅપને આગવી ઈફેક્ટક આપવા પૂરતું જ રુઝ એપ્લાય કરવું જોઈએ.
ગોરા રંગની છોકરી કોઈ પણ ફેન્સી કલર મેકઅપમાં એપ્લાય કરી શકે છે, જ્યારે ડાર્ક સ્કીનની છોકરીને રંગોની પસંદગી સાવચેતીપૂર્વક કરવી પડે છે. ફાઉન્ડેશન તો દરેક યુવતીએ તેની ત્વચાના રંગ કરતાં એક શેડ આછા રંગનું જ વાપરવું.
મેકઅપના બેઝિક સ્ટેપ્સમાં ફેસિયલ, વેક્સિંગ અને બ્લીચીંગ બે-ત્રણ દિવસ પહેલાં જ કરાવી લેવા જોઈએ. મેકઅપને વધુ ગ્લો આપવા માટે, તેની સારી ઈમ્પેક્ટ ઊભી કરવા માટે બ્લીચીંગ કરતાં ફેસ વેક્સ કરાવી લેવું સારું છે. તેનાથી ચહેરો ક્લીન દેખાય છે અને મેકઅપ સાથે સેટિંગ પણ થઈ જાય છે. જો કે આ કામ કોઈ સારા નિષ્ણાત પાસેથી જ કરાવવું જોઈએ, નહીંતર ત્વચાને નુકસાન થઈ શકે છે અથવા ચહેરા પર પેચિસ પણ પડી શકે છે.
ગરબે ઘૂમતાં દાંડિયા રાસની રમઝટમાં ડૂબી જતાં મેકઅપ અને ડ્રેસઅપનું તો ક્યાં ધ્યાન રહે જ છે. ઘણી યુવતીઓ એવું કહે છે કે પરસેવાને લીધે બધો મેકઅપ રેલાઈ જાય છે, હેરસ્ટાઈલ સરખી રહેતી નથી. એવામાં સાજશણગાર સજવાની મજા જ મરી જાય છે, પણ ના એવું નથી. તમે ગરબામાં રમવાનો અને મેકઅપ વચ્ચેનો ગાળો બરાબર સેટિંગ કરી લો તો મેકઅપની આભા જળવાઈ રહેશે. અને ૪-૫ કલાક સુધી તમારું આકર્ષણ એવું ને એવું રહેશે. એના માટે તમારે એકાદ કલાકનો ફેર રાખવો.
હેરસ્ટાઈલમાં નેચરલ ઈફેક્ટ લાવવા માટે વાળ લાંબા હોય તો પણ છુટ્ટા રાખવા વધુ સારા, તેમ છતાં ચોટલો ગૂંથી તેના પર ફેન્સી ડેકોરેશન કરી શકાય. જાતે બાંધેલું હાઈનોટ જો રમતી વખતે ડિસ્ટર્બ ના થતું હોય તો એ પણ કરી શકાય છે. તેમાં જરીના ફૂમતાં વગેરેથી ડેકોરેશન કરીને આકર્ષક રૂપ આપી શકો છો. હા, હેરસ્ટાઈલ કર્યા પછી છેલ્લે હેરસ્પ્રે જરૂર કરવું, જેથી તે વધારે કલાક સુધી ટકી રહે.''
નવરાત્રિ દરમિયાન મેકઅપમાં ચાર ચાંદ લગાવે છે તમારો ડ્રેસઅપ. જો કે ફેશનને લગતી તમામ બાબતોમાં તમારા ડ્રેસિંગ સેન્સનું ખાસ મહત્ત્વ હોય છે, એ ન ભૂલતાં. લો હવે તમે તૈયાર થઈ ગયાં ગરબે ઘૂમવા ને રાસ રમવા.


