Get The App

નવા જમાનાનો થાક, જૂના જમાનાનો ઉપાય

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
નવા જમાનાનો થાક, જૂના જમાનાનો ઉપાય 1 - image


- સ્લીપ મિસ્ટ : મહેંકમાં છુપાયેલી છે નિરાંતની ઊંઘ

ઊંઘ બગડવાનું ચક્ર યુવાવસ્થામાં જ ટકોરા દે છે, પણ જેમ જેમ વય વધે છે, વિશેષ કરીને વીસ વર્ષની વય પાર કરતા જ ચેનની ઊંઘ એક સ્વપ્ન બની જાય છે. ગાઢ નિદ્રાની તલાશમાં આપણે ચહાથી લઈને તકિયા સુધી તમામ વસ્તુઓ અજમાવીએ છીએ. કેટલાક ચોમોમાઈલ ચહા પીવે છે, લવન્ડર મિસ્ટ સ્પ્રે કરે છે જેથી ઊંઘવા અગાઉ મગજ શાંત થઈ જાય. પણ શું ખરેખર આ વસ્તુઓ કામ કરે છે?

શું છે સ્લીપ મિસ્ટ?

મનોચિકિત્સકોના મતે સ્લીપ મિસ્ટ એવું સ્પ્રે છે જેને તકિયા અથવા પથારીની આસપાસ છાંટવામાં આવે છે. એમાં ચોમોમાઈલ, લવન્ડર, બર્ગમોટ જેવા આવશ્યક તેલ હોય છે જે તણાવ ઓછો કરીને ઊંઘ લાવવામાં સહાયક સાબિત થાય છે.

કેટલાક મનોચિકિત્સકો ચોમોમાઈલ, જુનિપર બેરી, મોરક્કન રોઝમેરી, લેમન ટી ટ્રી અને લવન્ડર યુક્ત સ્પ્રેની ભલામણ કરે છે. પણ સવાલ એ છે કે મિસ્ટ અસર કરે છે કે પછી સ્પ્રે કરવાની આદત આપણને થોભી જવાની અને આરામ કરવાનો સંકેત કરે છે તેનો પ્રભાવ પડે છે?

ગાઢ નિદ્રા હવે વૈભવ બની ચુકી છે

આજના યુગમાં નિરાંતની ઊંઘ મળવી જાણે એક લક્ઝરી બની ચુકી છે. કદાચ એટલે જ હાલ સ્લીપ ઈકોનોમી પાંગરી રહી છે. વેટેડ બ્લેન્કેટથી લઈને સ્લીપ ટ્રેકિંગ રિંગ અને વરસાદના અવાજ વાળા પ્લેલિસ્ટ સુધી, બજારમાં અનેક વસ્તુઓ આપણી ઊંઘ સુધારવાનો પ્રયાસ કરી રહી છે. અને સ્લીપ મિસ્ટ આ દોડમાં પરફેક્ટ સંતુલન છે. વેલનેસ, બ્યૂટી તેમજ રિચ્યુઅલનું મિશ્રિત સ્વરૂપ છે.

રોઝમૂરના બ્રાન્ડ ડાયરેક્ટરના મતે છેલ્લા કેટલાક વર્ષોથી સ્લીપ-એન્હાન્સિંગ ઉત્પાદનોની માગમાં ભારે વધારો થયો છે જેમાં સ્લીપ મિસ્ટ, એરોમાથેરપી ઓઈલ્સ, સેન્ટેડ કેન્ડલો વગેરે મુખ્ય છે. આ પરિવર્તન એવી જાણકારીથી આવી રહ્યું છે કે સારી ઊંઘ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને દવાઓ વિના પણ તેના વિકલ્પ મોજૂદ છે.

જૂના ઉપાયો નવા પેકિંગમાં

આ ટ્રેન્ડ બિલકુલ નવો નથી. સદીઓથી આયુર્વેદ અને પારંપરિક ચીની ચિકિત્સા પદ્ધતિઓમાં સુગંધ અને તેલોનો ઉપયોગ માનસિક શાંતિ અને ચેતા તંત્રને શાંત કરવા માટે થઈ રહ્યો છે. લવન્ડર આજે પણ ઊંઘ અને આરામ માટે સૌથી પસંદગીની સુગંધ છે. તેના પર થયેલા અભ્યાસથી પણ સાબિત થયું છે કે એની મહેંક હૃદયના ધબકારાને ધીમા કરે છે, બ્લડ પ્રેશરને ઘટાડે છે અને કોર્ટિસોલ (તણાવ સર્જતા હોર્મોન)ને ઓછા કરે છે.

વિજ્ઞાાનનો મત શું છે?

સ્લીપ મિસ્ટનો ઉપયોગ કરતી વખતે જે સ્વ-સંભાળની ભાવના જાગે છે, તે આપણા માટે એક મનોવૈજ્ઞાાનિક ટોનિક બની જાય છે. વૈજ્ઞાાનિક અભ્યાસ જણાવે છે કે ઊંઘની ઈચ્છા રાખવાથી પણ ઊંઘ બહેતર બની શકે છે. એટલે જો આપણે માનીએ કે કોઈ વસ્તુ આપણી ઊંઘમાં મદદ કરશે તો ભલે તે દેખાડો હોય, પણ આપણુ મગજ અને શરીર બંને બહેતર પ્રતિક્રિયા આપે છે.

મનોચિકિત્સકોના મતે ભલે કેટલીક અસર માનસિક હોય, પણ એનો અર્થ  એવો નથી કે તે યોગ્ય નથી. જ્યારે મગજને સુરક્ષાનો સંકેત મળે અને તે નિયમિત બની જાય ત્યારે તેની અસર ગાઢ હોય છે.

પ્રત્યેક સ્લીપ મિસ્ટ સમાન નથી હોતી

સ્લીપ મિસ્ટનો ઉપયોગ કરનારાએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે  પ્રત્યેક સ્લીપ મિસ્ટ સમાન રીતે અસરકારક નથી હોતી. 

કેટલીકમાં મહેંકનું પ્રમાણ વધુ હોય છે જે થોડી મિનિટોમાં ગાયબ પણ થઈ જાય છે અને કેટલીકમાં મહેંક એટલી તો કૃત્રિમ હોય છે કે માથાનો દુ:ખાવો શરૂ થઈ જાય છે. અને જેમને ઊંઘની તીવ્ર અથવા ક્રોનિક સમસ્યા હોય તેમનો ઈલાજ માત્ર એક સ્પ્રેથી નહિ થઈ શકે પણ તેમણે પોતાની સમગ્ર જીવનશૈલીમાં પરિવર્તન લાવવું પડશે.

સેન્સરી સેલ્ફ-કેઅરનો નવો યુગ

આજનો ફ્રેગ્રન્સ ઉદ્યોગ માત્ર મહેંકનું વેચાણ નથી કરતો પણ ભાવનાત્મક અને માનસિક ભલાઈના ઉત્પાદનો બનાવે છે. સુગંધ હવે આત્મ-સંવેદના અથવા માનસિક સંતુલનની દિશામાં એક ડગલુ માત્ર છે. અને તેથી જ સ્લીપ મિસ્ટ માત્ર એક ટ્રેન્ડ નહિ પણ એક ગાઢ આદત બનતી જાય છે.

તો શું સ્લીપ મિસ્ટનો ઉપયોગ કરવો જોઈએ?

જો તમે થાકેલા હો, કૈફિનમાં ગરકાવ હો, સ્ક્રીનના ગુલામ હો અને એક સૌમ્ય, આરામદાયક આદતની શોધ હોય તો સ્લીપ મિસ્ટ એક સારી શરૂઆત બની શકે છે. એ કોઈ ચમત્કારી ઈલાજ નથી, પણ તેનાથી તે તમને યાદ અપાવે છે કે આરામ લેવાનો શરીરનો અધિકાર છે.

- ઉમેશ ઠક્કર

Tags :