Get The App

નવરાત્રી : ભક્તિની શક્તિ ને શક્તિની ભક્તિનું સાયુજ્ય

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રી : ભક્તિની શક્તિ ને શક્તિની ભક્તિનું સાયુજ્ય 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

તમારી માતા તમારા ઘરની પહેલી કુળદેવી હતી અને તમારી પત્ની ત્યાર પછીની કુળદેવી જ છે. તમારા કુળને સંતાનોનું સુખ આપનારી આવી માતાઓ અને હિતેચ્છુ નારીઓનું ઘરમાં જ સન્માન કરીએ તે નવરાત્રીઓની અંખડ સાધના સમાન પૂણ્ય જ આપનાર છે. ઘરના ઉંબરામાં રહેલી શક્તિનું માન જાળવીશું તો દોડી દોડીને ડુંગરા ખુંદવાની જરૂર જ નહીં પડે. નવરાત્રી શરૂ થતાં જ ભક્તિ અને આનંદનો ઉત્સવ શરૂ થઈ જાય છે. જેમને ભક્તિમાં રસ છે તેઓ આત્મસાધનામાં એકાકાર થઈ જાય છે અને યુવાનો જેમને ગરબા રમવામાં રસ છે તેઓ દસ દિવસ સુધી દુનિયાના સૌથી મોટા નૃત્ય ઉત્સવનો ભાગ બનવા માટે થનગનવા લાગે છે. રાસ અને ગરબા સનાતની સંસ્કૃતિની એવી એક અદ્વિતિય ભેટ છે જે શક્તિ અને ભક્તિ બંને સાથે સંકળાયેલી છે. એક તરફ રાસ સાથે જો કૃષ્ણને જોડવામાં આવે તો સાકાર સ્વરૂપે ઈશ્વર સાથે રમવાનો અલૌકિક આનંદ આપે છે અને બીજી તરફ જો તેને જ્યારે શક્તિ સાથે જોડવામાં આવે છે ત્યારે અનંત ઊર્જાનો સ્રોત બની જાય છે. બંને સ્થિતિમાં વ્યક્તિ ઈશ્વર સાથે એકાકાર થઈ જાય છે.

નવરાત્રીની આમ વાત કરીએ તો તેની પાછળની ધામક કથા આપણે જાણીએ જ છીએ. મહિસાસુર નામના અસુરને માત્ર સ્ત્રી જ મારી શકે તેવું વરદાન મળ્યું હતું. તેના કારણે ચારેકોર તેણે ત્રાસ અને અન્યાય ફેલાવ્યો હતો. ત્રિદેવ પણ આ પાપ અને હિંસાનો અંત આણવા માટે ભેગા થયા અને તેમણે એક અલૌકિક ઊર્જા, આદિશક્તિને યાદ કર્યા. તેના પ્રતાપે માતા મહિસાસુર મદનીનો જન્મ થયો. નવ દિવસ સુધી માતા આદિશક્તિ સાથે યુદ્ધ ચાલ્યા બાદ દસમા દિવસે મહિસાસુરનો સંહાર થયો. આદિશક્તિ ત્યારથી મહિસાસુર મદની પણ કહેવાયા હતા. તેના કારણે દસમા દિવસને વિજયા દશમી તરીકે ઉજવવામાં આવે છે. બીજી તરફ ભગવાન શ્રી રામે રાવણ સાથેના યુદ્ધનો અંત રાવણવધ કરીને આણ્યો હતો. ત્યાં પણ સત્યનો વિજય થયો હતો. આ બંને ધર્મકથાઓમાં સત્ય, પ્રકાશ અને સ્વ તરફ ગતિ કરવાનો બોધ આપવામાં આવેલો છે.

આપણે ત્યાં નવરાત્રી ઉત્સવ નારી શક્તિની ઉપાસના કરવા માટે ઉજવવામાં આવે છે. એક નારી કે એક સ્ત્રી જેને સમગ્ર વિશ્વ ઊર્જા કહે છે, વિજ્ઞાાન જેને એનર્જી નામ આપે છે તેની ભક્તિ માટે અને તેને આત્મસાત કરવા માટે આ તહેવાર ઉજવાય છે. નવરાત્રીમાં ગરબાનું જે મહત્ત્વ છે તે કંઈક અલગ જ સ્તરે છે. આપણે મોટાભાગે ગરબા એટલે રમવાની વાત કરીએ છીએ પણ હકિકતે ગરબા એટલે જે માટલીની અંદર દીવો મુકીને તેની આસપાર ફરીને રાસ રમવામાં આવે તેનો ગરબો કહેવાય છે. મજાની વાત એ છે કે, આ ગરબા સંસ્કૃતિ અને સાયન્સ બંનેનું મિશ્રણ છે. ચૈત્રી નવરાત્રી અને આશો નવરાત્રી બંને એવા સમય છે જ્યારે ડબલ સિઝન ચાલતી હોય છે. તેમાં લોકોને બિમાર થવાની શક્યતાઓ વધી જાય છે. આ સંજોગોમાં ઘરમાં અને જાહેરમાં દીવા, હોમ હવન અને ધૂપ કરવામાં આવે તો વાઈરસ ફેલાતા અટકે છે. આ દરમિયાન વાત, પિત્ત, કફ અને અન્ય ચેપી રોગોનો ફાલવો વધારે થતો હોય છે. આ સિઝનમાં માણસો ઉપવાસ કરે, વ્રત કરે, એક ટાણું કરે એટલે તેના શરીરમાં વિકારો ઊભા નહીં થાય. બીજી તરફ દિવસમાં બે વખત સ્નાન કરશે, માતાજીની પૂજા દરમિયાન ધૂપદીપ કરશે એટલે તેનો ધૂમાડો સમગ્ર ઘરમાં અને વાતાવરણમાં ફેલાશે. આ ધૂમાડો વાતાવરણ શુદ્ધ કરશે અને બિમારી ફેલાવતા વાઈરસોનો અંત કરશે. તે ઉપરાંત તન અને મનમાં નવી ઊર્જાનું સંચાલન કરશે.

તેનાથી આગળ વધીએ તો જે ગરબો વચ્ચે રાખીને રમવામાં આવે છે તેનું પણ અનેરું મહત્ત્વ છે. તેની સાથે ખૂબ જ મોટો તર્ક જોડાયેલો છે. આમ જોવા જઈએ તો ભારતના પ્રાચિન ઈતિહાસમાં ગરબા માત્ર ગુજરાતના સૌરાષ્ટ, કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગમાં રમવામાં આવતા હતા. ધીમે ધીમે તેનો દેશભરમાં વ્યાપ થઈ ગયો. આ ગરબા રમવા માટે જે માટલી રાખવામાં આવે છે તેમાં નવ છિદ્રો હોય છે. આ નવ છિદ્રોવાળી માટલીમાં વચ્ચે દીવો પ્રગટાવીને તેને ચોકમાં વચ્ચે અથવા તો ઘરમાં કે મંદિરમાં રાખવામાં આવે છે. આ નવ છિદ્રો માણસના શરીરના નવ દ્વાર અને તેના પ્રાણનું પ્રતિક છે. ગરબામાં રાખેલો દીવો એટલે કે ગર્ભદીપ તે આપણો આત્મા છે, આપણી ચેતના છે. તે આપણા શરીરમાંથી જવા માટે બે આંખ, બે કાન, બે નસકોરા, મુખ, ગુદા અને જનનાંગ એમ કોઈપણ દ્વારનો ઉપયોગ કરે છે. આ આત્મા, આ પ્રાણ, આ શક્તિ આપણા શરીરની અંદર સતત પ્રજ્વલીત રહે તેના માટે તેને ચાર્જ કરવો પડે છે. જેમ ગરબામાં વચ્ચે ઘીને અખંડ દીવો કરાય છે તેવી જ રીતે ભક્તિ અને પ્રાર્થના દ્વારા શરીરની અંદર રહેલી ચેતના પણ ઊર્જાવાન બને છે. 

બીજી તરફ ગરબામાં ૨૭ છિદ્રો પણ બનાવવામાં આવેલા હોય છે. આ છિદ્રો આપણા ૨૭ નક્ષત્રોના પણ પ્રતિક છે. આપણા બ્રહ્માંડમાં આવેલા આ ૨૭ નક્ષત્રો સૃષ્ટીનો મહત્ત્વનો ભાગ છે. દરેક નક્ષત્રના ચાર પ્રહર હોય છે. હવે આપણે ૨૭ નક્ષત્રોને ૪ વડે ગુણીએ એટલે આપણને ૧૦૮ આંકડો મળે છે. આપણી માળના મણકા અને બીજી ઘણી બાબત ૧૦૮ સાથે જોડાયેલી છે. હવે આ ગરબાની આસપાસ ૧૦૮ વખત ફરવામાં આવે એટલે વ્યક્તિએ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરી લીધી હોય તેવું માનવામાં આવે છે. ગરબાનું આ અનેરું ધામક અને આદ્યાત્મિક મહત્ત્વ છે. 

બીજી ગંભીર બાબત એવી છે કે, નવરાત્રિ મહાપર્વનું ધામક, સાંસ્કૃતિક અને આથક મહત્વ જેટલું છે તેના કરતાં અનેક ગણું વધારે નારીશક્તિનું મહત્ત્વ છે. આપણે વેદો કહે છે કે, આદિશક્તિ અણુ-અણુમાં વ્યાપ્ત થઈ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરે છે. દુનિયામાં વ્યાપ્ત નારીશક્તિ પણ આદિશક્તિનો જ એક અંશ છે. પુરુષની શક્તિ પણ એક સ્ત્રી જ છે. શક્તિ વગર કોઈપણ કાર્ય સંભવ નથી. સમગ્ર સંસારમાં કોઈપણ કાર્ય કરવું હોય તો શક્તિની જરૂર પડે છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે સમગ્ર બ્રહ્માંડની શરૂઆત એક શક્તિ દ્વારા થઈ છે અને વિજ્ઞાાનમાં કહેવાયું છે કે યુનિવર્સ એક .

 એનર્જીથી બન્યું છે. તેના કારણે જ આપણી સનાનતી પરંપાર અને સંસ્કૃતિ નવશક્તિની ઉપાસના માટે આ ઉત્સવ ઉવજે છે. આદિશક્તિના પ્રતાપે બ્રહ્માંડનું સર્જન થયું અને આ બ્રહ્માંડમાં અનેક પૃથ્વી અને તેના જેવા ગ્રહો છે જેમાં જીવન અસ્તિત્વમાં આવ્યું. આદિશક્તિએ જીવન આપવા માટે નારીશક્તિની રચના કરી છે. સંસારનું સર્જન કરનારા નારીને જ આદિશક્તિ કહેવાય છે. 

કમનસીબી ગણો કે નફ્ફટાઈ ગણો આપણા સમાજમાં નવ દિવસ જ નારીની પૂજા થાય છે. નારીને સન્માનવામાં આવે છે, તેને શક્તિ માનીને તેના વખાણ કરવામાં આવે છે. આ તો માત્ર પૂજા દરમિયાન થતી ઔપચારિક વાહવાહીની વાત છે. હકિકતે તો ગરબાના નામે હજારો સ્ત્રીઓની છેડતી થાય છે, અડપલાં થાય છે અને શારીરિક કુચેષ્ટાઓ કરી લેવાતી હોય છે. તે સમયે નઘરોળ અને નફ્ફટ પુરુષો ભુલી જાય છે કે તેમનું પોતાનું સર્જન પણ એક સ્ત્રીમાંથી જ થયું છે. તેમના પોતાના ઘરે એક માતા છે, એક બહેન છે, એક પત્ની છે, એક દિકરી છે. પરિવારમાં રહેલી સ્ત્રીઓનું રક્ષણ કરવા મથતા પુરુષો બહાર જઈને અડપલાં કરે ત્યારે ખરેખર સૃષ્ટિનું સંતુલન ખરોવાઈ ગયું છે તે સમજાય છે અને દેખાય છે.

આપણે ત્યાં તો ટ્રેન્ડ થઈ ગયો છે કે, નાના હોય કે મોટા તેઓ મા-બાપને ગણકારતા જ નથી. તેઓ ઘરમાં માતા-પિતાનું માન જાળવતા જ નથી. તેમાંય ઘરમાં યુવાન સંતાનો, પરિણિત સંતાનો હોય તેઓ તો પોતાની જાતને શું સમજતા હોય છે તેનો ખ્યાલ જ નથી આવતો. તે પોતાની મમ્મીનું, પત્નીનું અને ક્યારેક બહેન કે દીકરીનું જે રીતે અપમાન કરતા હોય છે તે ખરેખર દુ:ખદ હોય છે પણ સ્ત્રી તે બધું જ જતું કરે છે. તેની અંદર રહેલી કરુણા અને ઋજુતા તેને માફ કરવાની શક્તિ આપે છે. આ શક્તિ માફ કરી શકે છે તો આખેઆખો સંસાર સાફ પણ કરી શકે છે. તે શૈલપુત્રી જેવી શાંત છે તો બીજી તરફ મહાકાળી જેવી વિકારળ પણ છે.

ઘરમાં મમ્મીને કહીએ છીએ કે, તમારે મને સલાહ નહીં આપવાની, તમારે મને શિખવાડવાની જરૂર નથી... મારી ફેમિલી મેટરમાં તમે વચ્ચે ના પડશો... મમ્મી તું તો બોલતી જ નહીં... તને કંઈ ખબર તો પડતી નથી... તું જૂના જમાનાની છું... આવા અનેક સુવાક્યો આપણા ઘરમાં બોલાતા જ આવ્યા છે અને બોલાતા જ રહેશે... તેમ છતાં નવરાત્રીઓમાં માતાજીની ભક્તિમાં ઓતપ્રોત થઈ જઈશું. પચ્ચીસ રૂપૈડીનું શ્રીફળ, વિસ રૂપૈડીની ચુંદડી અને પચાસ-સો રૂપિયાનો પ્રસાદ ચડાવીને બે-પાંચ લાખ કે પચ્ચીસ-પચાસ લાખનો કોન્ટ્રાક્ટ મેળવવાની મથામણ કરીશું. ક્યારેય વિચાર્યું છે કે, જગતજનની આ જનેતાને તમારી આ લાંચમાં કોઈ રસ નથી. ઘરમાં રહેલા માવતરને તરછોડીને, તેનું અપમાન કરીને, તેને તડપાવીને પછી આપણે ચાલતા અંબાજી, ચાલતા પાવાગઢ, ચોટીલા અને કેટકેટલા માઈ મંદિરોના ધક્કા ખાઈએ કોઈ ફરક પડવાનો નથી. નવ નવ મહિના તમને ગર્ભમાં લઈને ફરનારી, તમારા પહેલી જાગી જતી અને તમારા પછી ઉંઘી જતી, તમારી નાનામાં નાની બાબતની ચિંતા કરતી, તમારા સુખે સુખી અને તમારા દુ:ખે દુ:ખી રહેતી માતાને આપણે બે ઘડી પાસે બેસીને પૂછતા પણ નથી કે તું કેમ છે. તને કોઈ તકલીફ તો નથી પડતી ને... અમારા વર્તનથી તને ક્યારેય ઠેસ તો નથી પહોંચી ને. આપણે એવી તસદી જ લેતા નથી. ચાર-ચાર સંતાનોને ઉછેરીને સરસ સેટલ કરનારી માતા જતી જિંદગીએ ક્યાંક કોઈ આલિશાન બંગલાના ખૂણામાં પડી રહી હોય છે અથવા તો ક્યાંક આવા જ ઘરડાઘરમાં જિંદગીના અંતિમ દિવસો પસાર કરતી હોય છે. ઘરમાં પોતાના મા-બાપને નવા કપડાં, નવા ચશ્મા લાવી આપવાના કે પછી બીમારીનો યોગ્ય સારવાર કરવામાં કંજૂસી કરનારા આવા લબડો મંદિરોમાં લાખોનું દાન કરી આવે છે. માતાજીને મુગટ, હાર, છત્ર કે કળશ અર્પણ કરે છે. માતા-પિતાના નામે લાખોનું દાન કરીને મંદિરોમાં તકતીઓ લગાવડાવે છે. આ બધા દેખાડાથી શું મળવાનું છે... જેના નામે આ બધું થાય છે તેની સામે તો ક્યારેય જોયું જ નહોતું. નવી સાડી કે નવા ચશ્મા અથવા તો પોતાની ગમતી જગ્યાએ જવા માટે હજારો વખત મનોમંથન કરનારી અને સંતાનોને કહેવું કે ન કહેવું તેનો કચવાટ અનુભવતી લાખો માતાઓ આપણા સમાજમાં આજે પણ જીવે છે. આ સ્થિતિમાં પણ બિચારી એવું જ વિચારતી હોય છે કે, હશે મારો છોકરો બીઝી છે, તેને કામ વધારે પહોંચે છે, થાકી જાય છે તેમાં હું ક્યાં એને હેરાન કરું. ઉંબરે બેસીને તમારી રાહ જોતી, તમારી ચિંતા કરતી, માતાને તરછોડીને, તેને અન્યાય કરીને કે તેને દુ:ખ પહોંચાડીને ડુંગરે બેઠેલી માતાને મનાવવા ગમે તેવા કાલાવાલા કરશો તે ક્યારેય કામ નહીં લાગે. ઘરે બેઠેલી માતાની આંતરડી ઠરશે અને જે આશીર્વાદ મળશે તે મંદિરોમાં વિરાજતી કુળદેવીઓ કરતા લાખો ગણા વધારે હશે. તમારી માતા તમારા ઘરની પહેલી કુળદેવી હતી અને તમારી પત્ની ત્યાર પછીની કુળદેવી જ છે. તમારા કુળને સંતાનોનું સુખ આપનારી આવી માતાઓ અને હિતેચ્છુ નારીઓનું ઘરમાં જ સન્માન કરીએ તે નવરાત્રીઓની અંખડ સાધના સમાન પૂણ્ય જ આપનાર છે. ઉંબરામાં રહેલી શક્તિનું માન જાળવીશું તો દોડી દોડીને ડુંગરા ખુંદવાની જરૂર જ નહીં પડે.