નવરાત્રિનાં નવતર : ચણિયાચોળી
આ વર્ષે કોરોનાની આપત્તિને કારણે નવરાત્રિના નવરંગ જોવા મળવાના નથી. જાહેરમાં નવરાત્રિ ઉજવવા પર પણ ઘણી જગ્યાએ પ્રતિબંધ છે. આમ છતાં ખાનગીમાં જ્ઞાાતિ મંડળ, કે સોસાયટી સમૂહમાં કેટલાંક સ્થળે રાસગરબા રમાશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પણ લોકો ગરબે ઘૂમવાની હોશ પૂરી કરશે અને તે પણ ટ્રેડિશનલ નવરાત્રિના પોશાકમાં જ! નવરાત્રિ એટલે ચણિયાચોળી, ધોતી-કુરતા, કેડિયું, કોટી, દાંડિયા અને ગરબા-ડાન્સનો તહેવાર. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે પોતે સહુથી અલગ દેખાઈ આવે. રોજ નવે-નવ રાત્રિ દરમિયાન નોખાં ચણિયાચોળી પહેરે, પરંતુ તે તો બહુ મોંઘા પડે.
ચણિયાચોળી માટે ભારેખમ રકમ ખર્ચવાની જરૂર નથી. તમે જો ધારો તો ઓછા બજેટમાં પણ આકર્ષક ચણિયાચોળી બની શકે છે. ફેશનજગતમાં બાંધણી અને લહેરિયાની ફેશન સદાબહાર છે, પરંતુ આજકાલ નવરાત્રિમાં ચણિયાચોળી માટે ગામઠી કાપડ વધારે વપરાય છે.
આમ તો ચણિયાચોળીમાં અનેક પેટર્ન બની શકે છે. તેને ગ્લેમરસ બનાવવા માટે પેચવર્ક, ઘૂઘરી, તૂઈ, મોતી, આભલાં કોડીથી સજાવી શકાય. આ ડ્રેસ રાતના સમયે પહેરવાનો હોવાથી તેમાં સિતારા (ટિક્કી) વધુ સારા લાગે છે કેમ કે કૃત્રિમ પ્રકાશમાં તેની ચમક કંઈ ઓર હોય છે. ચણિયાચોળી બસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયાની પણ બની શકે છે આનો આધાર પોતપોતાના બજેટ પર છે અને કાપડ, ડિઝાઈન, વર્ક વગેરે પર છે.
ચણિયાચોળીમાં આરીભરત ભરાવીને તેમાં સિતારા લગાવવામાં આવે તો વધુ દીપી ઊઠે છે. આ ઉપરાંત પ્લેન ચણિયાચોળીમાં આભલાં પણ ભરી શકાય. તેની સાથે ગોલ્ડન અથવા સિલ્વર તૂઈ કે બોર્ડર લગાવી દો. આવાં ચણિયાચોળી સાથે કોન્ટ્રાસ્ટ કે મલ્ટિકલર બાંધણી ઓઢણી રૂપે પહેરી શકાય.
ચોલીમાં પણ વિવિધ પ્રકારની પેટર્ન હવે તો યુવતીઓ બનાવે છે. ચોલીમાં ઉપરના ભાગે દોરી બનાવી તેમાં ઘૂઘરી, કોડી કે પછી દોરીને બદલે પરંપરાગત ફૂમતા પણ લગાવી શકાય. અત્યારે બેકલેસ ચોલીની ફેશન પ્રચલિત છે. એ જ રીતે દોરદાર ચણિયા સાથે કાઠિયાવાડી શૈલીનું કાપડું સારું લાગે છે. આવા ડ્રેસ સાથે કપાળ પર લટકતી દામણી, ઓક્સિડાઈઝ કરેલા બાજુબંધ, ગળામાં હાર, હાથમાં કડાં અને પગમાં પાયલ એકદમ 'ટ્રેડિશનલ' લુક આપે છે. એમાંય જો ટેટૂઝનો શોખ હોય, તો હાથ કે પીઠ પર ટેટૂ પણ ચિતરાવી શકાય.
હવે બજારમાં રંગબેરંગી તૈયાર ટેટૂઝ પણ મળે છે, તે પણ લગાવી શકાય. જો ત્રણ-ચાર રંગ અને ડિઝાઈનવાળા કાપડના જુદા જુદા પીસ હોય તો કળીવાળાં ચણિયાચોળી સિવડાવી તેમાં પેચવર્ક તે આભલાં ભરી શકાય. આવાં ચણિયાચોળી સાથે પ્રિન્ટેડ અથવા બાંધણીનો દુપટ્ટો નાખી શકાય. એકદમ સાદા ચણિયા પર પ્રિન્ટેડ બોર્ડર અને પેચ લગાવવાથી પણ તે અલગ લાગશે. લહેરિયામાંથી બનાવેલાં ચણિયાચોળીમાં લહેરિયાના ચણિયા સાથે સાદી ચોલી અને બાંધણી કે લહેરિયાની ઓઢણી એકદમ અલગ લાગે છે.
સાદા ચણિયાચોળીમાં ભરત પ્રિન્ટવાળા ચણિયાચોળીમાં પણ આવા પેચ અને બોર્ડરથી સુંદર ગેટઅપ આવે છે. વધારે ભરતકામ કરેલું હોય તો ચણિયો વજનદાર થઈ જાય છે. તેના બદલે ઓછું ભરતકામ અને ક્યાંક-ક્યાંક સિતારા લગાવી દો. આ ઉપરાંત, ચણિયામાં નીચે રંગબેરંગી ગોટા અને ઘૂઘરી લગાવ્યા હોય તો પણ આકર્ષક લાગે છે. આમ, નવરાત્રિમાં સૌથી અલગ દેખાવા માટે ભારે મોંઘા ચણિયાચોળી પાછળ બિનજરૂરી પૈસા ન વેડફતાં સીધા-સાદા ચણિયાચોળીને થોડી સૂઝબૂઝ અને કલાત્મક રીતે અલગ 'ટ્રેન્ડી' લુક આપી શકો છો, તે પણ તમારા બજેટમાં રહીને.
આજકાલ બજારમાં કચ્છી વર્ક, જરદોશી વર્ક, ભરત ભરેલાં, આભલાવાળાં તથા હેન્ડવર્ક કરેલાં પરંપરાગત ચણિયાચોળી જોવા મળે છે. જ્યારે બીજી બાજુ મશીનવર્ક અને એમ્બ્રોઈડરી કરેલાં ચણિયાચોળી પણ બજારમાંથી ટપોટપ ઊપડે છે. નેટવાળા ચણિયાચોળી પણ આજે બજારમાં 'ઑન ડિમાન્ડ' છે. વિવિધ પ્રકારનાં કાપડ જેવા કે સાટિન, જ્યોર્જેટ અને કોટન મટિરિયલ્સ પર આવા પ્રકારનું વર્ક કરેલું હોય છે. વળી, ચણિયાચોળી અસ્તર સાથે સીવેલાં હોવાથી પહેરવામાં પણ અનુકૂળ રહે છે.
પહેરવામાં પણ અનુકૂળ રહે છે. આજવા લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે ટ્રેડિશનલ રબારી અને મારવાડી સ્ટાઈલનાં ચણિયાચોળી પહેરીને તમે નવરાત્રિ દરમિયાન બહેનપણીઓ વચ્ચે પોતાની આગવી છાપ ઊભી કરી શકો છો. રંગબેરંગી ઘાઘરા અને બેકલેસ ચોલી માટે છોકરીઓનો ક્રેઝ દિવસે ને દિવસે વધતો જાય છે, તો વલ મોતી, ભૂંગળી મોતી અને ગામઠી વર્કવાળાં ચણિયાચોળી દેખાવે સાદા અને શાલીન લુક ધરાવતા હોવાથી આજે છોકરીઓની પસંદગીમાં અવ્વલ છે.
આવા ઠસ્સાદાર ચણિયાચોળી સાથે આકર્ષક મેચિંગ જ્વેલરી વિના ચાલે? ઓક્સિડાઈઝ મટિરિયલ્સમાંથી બનાવેલા સેટ તથા વિવિધ એસેસરીઝ જેવી કે ચૂડા, બાજુબંધ, ઝૂડો તથા કંદોરા અત્યારે હોટ ફેવરિટ છે. ઈમિટેશન જ્વેલરી તરીકે ઓળખાતી અને કલરફૂલ સ્ટોનમાંથી બનાવેલી એસેસરીઝ આજના દિવસોમાં ચણિયાચોળી સાથે એકદમ પરફેક્ટ મેચ થાય છે. લેટેસ્ટ ટ્રેન્ડમાં તો હવે ટેટૂઝ પણ જ્વેલરીનું સ્થાન લઈ રહ્યાં છે. છોકરીઓ પોતાના પીઠ, હાથ અને કમરના ભાગે જ્વેલરી જેવા ટેટૂઝ ચીતરાવી ભીડમાં પણ ઊડીને આંખે વળગે છે.
છોકરાઓ માટે પણ વિવિધ જાતના ટ્રેડિશનલ ડ્રેસીસ જેવા કે ધોતી, ઝભ્ભો, પાઘડી, ઘેરદાર કેડિયું વેગેરે હવે બજારમાં મળે છે. આ ઉપરાંત, જરદોશી અને એમ્બ્રોઈડરી વર્કવાળા કુર્તાની સાથે જીન્સ અને બાંધણીનો દુપટ્ટો નવરાત્રિની એવરગ્રીન ફેશન છે. છોકરાઓ માટે સ્પેશિયલ એરિંગ, કડા, બ્રેસલેટ, પેન્ડન્ટ અને આર્ટિફિશિયલ મટિરિયલ્સમાંથી બનાવેલી એસેસરીઝ પણ બજારમાં મળે છે.
- નયના