Get The App

ચણિયાચોળીમાં લહેરાતી નવરાત્રિ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
ચણિયાચોળીમાં લહેરાતી નવરાત્રિ 1 - image

નવરાત્રિનાં નવલાં દિવસો આવી ગયાં છે અને યુવતીઓ, કિશોરીઓ એક અનેરા ઉલ્લાસમાં આવી ગઇ છે. એરકન્ડિશન્ડ શો રૂમ હોય કે રસ્તાની ફૂટપાથ, ઠેકઠેકાણે રંગબેરંગી પોશાકો, ચણિયાચોળીની લાંબી લહેરો જોઇ શકાય છે. અને એ બધાં આગળ અલ્લડ નવયુવતીઓની દિવસ રાત ભીડ ઊભરાતી જોઇ શકાય છે.

મોટાં-મોટાં શહેરોમાં અને હવે તો નાના ગામોમાં પણ બહેનોને નવ દિવસનાં નવ જુદા પોશાકો પહેરવાનું જ ગમે છે. અને આખા વર્ષમાં એક કે વધુમાં વધુ બે દિવસ પહેરવા માટેના પોશાકની પસંદગી કરવામાં પણ બહેનો અત્યંત ચીવટ રાખે છે.

અમદાવાદ અલબત્ત ફેશન પરસ્ત શહેર છે એટલે નવયુવતીઓનો ઘસારો નવરાત્રિને લક્ષમાં રાખીને શહેરનાં ખાસ સ્થળોએ રહેવાનો જ.  અનેક સ્થળો એવાં છે જ્યાં ઉચ્ચ મધ્યમ વર્ગની યુવતીઓ વિશાળ જથ્થામાંથી મનપસંદ વસ્તુ મેળવી શકે છે.

નવરાત્રિ પર્વ એટલે જ એક રીતે જોતાં ચણિયા-ચોળીઓની વિશાળ ફેશન પરેડ બની રહે છે. જોતાં, સાંભળતાં ભૂલી ય જવાય એવી એકબીજાથી ચઢિયાતી ભાતો અનેક પ્રકારોનાં ચણિયાચોળી ઠેર-ઠેર ઉપલબ્ધ છે.

માતાની ભક્તિ પ્રગટ કરતાં ગરબામાં વિવિધ શણગારનાં ગરબા પણ જાણીતા છે. જેમાં માતાજીની ઓઢણી કે ચૂંદડી, કાપડું અને ઘેરદાર ઘાઘરાનાં વર્ણનો પણ આવે છે. કદાચ એના પરથી જ બહેનોમાં ચણિયા-ચોળી પહેરવાની પ્રથા આવી હશે. આમપણ સાડી કરતાં આ પોશાક રાસગરબામાં વધુ અનુકૂળ આવે તેવો હોય છે.

આવા ચણિયાચોળીની એટલી તો અનેક વિધ જાતો હોય છે, કે એમાંની ઘણી બધી તો એ પહેરનાર વિશેષ વર્ગના નામે જ ઓળખાય છે, જેમ કે ગામઠી, રબારી, ભરવાડી..... વગેરે માત્ર અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં અલગ પ્રકારનાં ચણિયા-ચોળીઓ માટે ખાસ અલગ જગ્યાઓ જ પ્રસિધ્ધ થઇ ગઇ છે. થોડાક વખત પહેલાં જરી ભરતનાં, તોઇજવાળાં, સુંવાળા, ચમકીલા કાપડના ચણિયાચોળીની વધુ ફેશન હતી. આજે હવે તદ્દન ગામઠી અને સુતરાઉ કાપડમાંથી વિવિધ રીતે બનાવાતાં ચણિયાચોળી વધુ પ્રસિધ્ધ છે.

દરેક જાણીતી, મોટી સાડીઓની દુકાનોમાં ચણિયાચોળી અનિવાર્ય રૂપે મળી જાય છે. આવી મોટી દુકાનો, શો-રૂમોમાં મળતાં ચણિયાચોળી મુખ્યત્વે સાટીન, સિલ્ક, ગજી અને એવા જરી, ટીપકી, મોતી, બાદલો,  આભલાં કે જુદી-જુદી જાતના  ભરતકામ કરીને અવનવી ભાત ઉપસાવીને નવીન ડિઝાઇન આપવાના પ્રયાસ કરવામાં આવે છે. આ શો રૂમ્સમાં ગાયઠી ચણિયાચોળી પણ મળે છે ખરાં. પરંતુ ગામઠી, રબારી પ્રિન્ટ ધરાવતા એ કાપડનો પ્રકાર સારામાંનો હોવાથી સામાન્ય વર્ગને એ થોડું મોંઘુ પડે છે આ ચણિયાચોળીની કિંમતનો આલેખ લગભગ ૧૦૦૦ થી ૨૫૦૦૦ સુધી પહોંચે છે. પણ દરેક કિંમતના  વિભાગમાં જથ્થાબંધ ખરીદી પણ લોકો કરે જ છે.

આવી જ જાણીતી દુકાનમાં અમને માહિતી આપતાં એક ભાઇએ જણાવ્યું કે ચણિયાચોળીનું એક રીતે પંજાબી ડ્રેસ જેવું છે. મૂળ પોશાકનું સ્વરૂપ નિશ્ચિત છે પણ એમાં  એટલા બધાં નવતર પ્રયોગો કરવામાં આવે છે. એવી તો વિવિધતા ઉમેરવામાં આવે છે કે આશ્ચર્ય થાય. યુવતીઓને મનપસંદ વેરાયટી મળી રહે.

શામજીભાઇ નામનાં એક કારીગરે આ વાતને પોતાની રીતે સમર્થન આપ્યું છે. શામજીભાઇ આમ તો એક-બે મોટી દુકાનોમાં જથ્થાબંધ ઓર્ડરનાં ચણિયાચોળીઓ બનાવડાવે છે અથવા તેનાં પર ભરતકામ કરાવી આપે છે છેલ્લા કેટલોક વર્ષોથી શામજીભાઇનું આખું કુટુંબ આ વ્યવસાયમાં છે. એમણે કહ્યું.

''અમે જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે અમને એટલી બરકત પણ નહોતી અને લોકોને એની બહુ  ઘેલછા પણ નહોતી. પણ આજે તો મોર્ડન છોકરીઓય સીધી અમારી પાસે દોડી  આવે છે.''

શામજીભાઇની વાત સો ટકા સાચી છે. એની પણ પ્રતીતી આપણને તરત થઇ શકે છે તૈયાર ચણિયાચોળી ખરીદવાની રીત,  મેચિંગ, એના પર થતું ભરતકામ બધું યુવતીઓ શોધી કાઢે છે. પોતાના આગવા અંદાજ પ્રમાણે આ આધુનિકતમ લાગતી યુવતીઓ કોઇ પોળનાં ખૂણે કે કોઇ નાનકડા સાધારણ ઘરને ઓટલે બેસીને કારીગરો સાથે માથાફોડ કરતી હોય એ દ્રશ્ય તો સામાન્ય પણે જોવા મળી જાય છે.

બીજી એક નાનકડી દુકાનમાં  અનેક પ્રકારની જરી, તોઇ, લેસ, પટ્ટા, આભલાં જેવી ચીજોનાં ઢગલાં વચ્ચે બેઠાં-બેઠાં વેપારીભાઇએ હસતાં-હસતાં કહ્યું.

''ફેશનનું કે પસંદગીનું તો પૂછતાં જ નહીં બેન, નહીં-નહીંને વીસેક વરસથી આ દુકાન માંડીને બેઠો છું પણ છેલ્લા સાતેક વર્ષમાં જે ફેરફારો જોયા છે એની તોલે કાંઇ ન આવે. બહેનો દુકાનમાં આવી આખી દુકાન ઉપર-તળે (નીચે) કરાવે  અને એકાદી એવી ચીજ શોધી કાઢે જે બહુ 'કોમન' ન હોય અરે, ઘણી બહેનો તો ચિત્ર-વિચિત્ર નમૂનાઓ લઇને  આવે અને પછી અદ્લ  એવી જ વસ્તુ માંગે.''

વાત કોઇપણ વેપારીની હોય સૂર તો એક જ છે કે ચણિયાચોળી એટલે ગરબા ગાવા માટેનો એક પોશાક માત્ર નથી રહ્યો. લોકોને સતત કંઇક નવું. કંઇક જૂદું જોઇતું જ હોય છે ભરતકામ કરવામાં આંભલાં ટાંકવામાં નમૂનેદાર વ્યક્તિ જેવા એક કારીગર બહેન કહે છે, ''પહેલાં છોડીયું   ચીજ લઇને આવે અને અસ્સલ એવી બીજી બનાવરાવે. હવે છોડીયું બીજા બધાંની ચીજો કરતા તદ્દન જુદી. નવી જ જાતની ચીજ બનાવવાનું કહેતી હોય છે.''

છેલ્લા બે-ત્રણ વર્ષથી ગામઠી ભરત ભરેલા જે ચણિયાચોળીની ફેશન ચાલી છે  એને માટે  અમદાવાદના લોકોને ખરીદી કરવાનું સ્થળ બનાવવું પડે તેમ નથી. આ લોકો રાણીનો ચહેરો, બાદશાહનો હજીરો, લો ગાર્ડન એરિયા  વગેરે સ્થળોથી સુપરિચિત છે.

લો ગાર્ડનની ફૂટપાથ પર રંગબેરંગી મનમોહક નાનાં-મોટાં  ચણિયાચોળીને આકર્ષક રીતે લટકાવી બેઠેલાં  અનેક ફેરિયાઓમાંના એકે કહ્યું. ''બેન, ફેશન તો એવી બદલાય છે કે આંખ બંધ કરીને ઉઘાડતાં સુધીમાંય મોડું થઇ જાય છે. અમને કારીગરોને તો ભારે જોખમ. કાલે એક ફેશન જોઇને અને વધારે કશું બનાવવા જઇએ ત્યાં તો ફેશન તદ્ન બદલાઇ ગઇ હોય. જોકે, એકવાત છે કે આવી અમારી દેશી કપડાંની ફેશન બહુ ચાલે છે.''

રાણીનો અને બાદશાહનો હજીરો તો ગામઠી વસ્ત્રો માટે પ્રસિધ્ધ છે જ. ભાતભાતનાં કપડાના ગંજનાં ગંજ ખડકાયાં હોય તેમાંથી અવનવી  મેચિંગ મેળવવા, અનેક ભાતના 'કોમ્બિનેશન' ઊભા કરવા માટે બહેનોનાં ટોળાનો ઘસારો જોવા જેવો હોય છે.

છેલ્લાં એકાદ બે વર્ષથી ઘુંટણ સુધી ઊંચા સ્કર્ટ જેવા બનજારા પોશાકની પણ વણઝાર ચાલી છે. ચણિયાચોળીનું એ થોડું ચરોડેલું, સ્વરૂપ જ છે. એક દુકાનમાં એક ભાઇ મોટા-મોટા ગાંસડા બંધાવતા હતા. પૂછ્યું તો કહે, આ બધા માલની પરદેશમાં ખૂબ જ માંગ છે. જથ્થાબંધ માલ આ રીતે પરદેશ મોકલાય છે. ત્યાંના લોકો આપણા રંગબેરંગી પોશાકો પર ફિદા છે.

આમ તો આશ્ચર્ય થાય એવું છે. પણ જ્યારે સતરંગી ચણિયાચોળીનો મેળો જોઇએ ત્યારે લાગે છે કે  આ મેઘધનુષી  આભા માણસોને મોહી ન લે તો જ નવાઇ ને!

ચણિયાચોળી નવરાત્રિ ઉપરાંત લગ્નપ્રસંગોએ પણ એટલાં જ હોંશથી પહેરાય છે એટલે પરંપરાગત રીતે ચણિયાચોળી બનાવવાનાં વ્યવસાયમાં પડેલાં લોકો કે જમાનાની રૂખ જોઇ ચણિયાચોળી બનાવવાનું શરૂ કરનારાઓ બધાને માટે આ એક નોંધપાત્ર રીતે ફાયદાકારક વ્યવસાય બની રહ્યો છે.

હવે તો કલાત્મક અભિગમ ધરાવતી બહેનો પણ ઘેર બેઠાં ચણિયાચોળીનાં સેલ મૂકતી જ હોય છે એટલે કે નવરાત્રિનું માહાત્મ્ય ભલે ગમે તે હોય અને આપણે એનું સુયોગ્ય પાલન કરીએ કે ન કરીએ, ચણિયાચોળીનું માહાત્મ્ય તો નજરઅંદાજ કરી શકાય તેમ છે જ નહીં, મારવાડી કે રબારી જેવા ઘેરદાર ઘાઘરા કે ઘૂંટણ સુધી ઝૂલતાં ગ્રામ્યકન્યા જેવા બનજારા હોય, નવયુવતીઓ નવરાત્રિ માણે અને મ્હાલે  છે આ જ પોશાકમાં સજીને એ તો નિર્વિવાદ છે.

તેથી જ તો નવરાત્રિને ટાણે ચણિયાચોળીની વાતો કરવી અસ્થાને નથી રહી. કેમકે ઉત્સવ ઉજવવાનું આ ટાણું ખરીદી કરવાનું પણ ટાંણું બની ચૂક્યું છે ને!