Get The App

નવરાત્રી ફેશન ગાઇડઃ સેલિબ્રિટીથી પ્રેરિત સ્ટાઈલિશ પોશાક

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રી ફેશન ગાઇડઃ સેલિબ્રિટીથી પ્રેરિત સ્ટાઈલિશ પોશાક 1 - image

તહેવારોની મોસમ શરૂ થતાં જ, દરેક વ્યક્તિ પોતાનો વોર્ડરોબ ફરી સજાવવાની તૈયારી કરવા લાગે છે. ખાસ કરીને માતાની ભક્તિ અને ઉલ્લાસના પ્રતીક સમા નવરાત્રિના તહેવાર દરમ્યાન આઉટફિટ્સની પસંદગી વિશેષ બની જાય છે.

પૂજા અને ભક્તિના વાતાવરણમાં રંગબેરંગી તેમજ સ્ટાઈલિશ પરિધાન લૂકને વધુ આકર્ષક બનાવી દે છે. નવરાત્રિ પૂજા અને વ્રતનું પર્વ હોવા ઉપરાંત ફેશન અને સ્ટાઈલ દેખાડવાની પણ ઉત્તમ તક છે. દરરોજ દેવીમાતાના અલગ અલગ સ્વરૂપની પૂજા થતી હોય છે અને પ્રત્યેક દિવસ અનુસાર રંગનું મહત્વ હોય છે. એવામાં જો તમારી પાસે યોગ્ય આઉટફિટ હોય, તો તમે આ તહેવારની રોનકમાં વધુ નિખરી શકો છો.

હાલ  અનેક સેલિબ્રિટી પણ પોતાના લુકથી પ્રેરણા આપે છે, જેને જોઈને તમે પણ યોગ્ય પસંદગી કરી શકો છો. તો જાણીએ એવા કેટલાક શાનદાર સેલિબ્રિટી આઉટફિટ્સ વિશે, જેને આ નવરાત્રિ દરમ્યાન વિશેષ અવસર પર અપનાવી શકાય છે.

જો તમે નવરાત્રિના ત્રીજા દિવસે, જ્યારે દેવી ચંદ્રઘંટાની પૂજા થતી હોય છે, ત્યારે હળવા તેમજ આકર્ષક રંગના આઉટફિટ પહેરવા ઈચ્છતા હો તો જસ્મિન ભસીનનો આ બેબી પિંક એ-લાઈન સૂટ યોગ્ય સાબિત થશે. આ સૂટમાં લોન્ગ સ્લીવ્સ અને વી-નેક ડીઝાઈન પર કરાયેલી સુંદર થ્રેડ એમ્બ્રોઈડરી તેની શાનમાં વધારો કરે છે. પેન્ટના બોટમ પર પણ નાજુક એમ્બ્રોઈડરી કરેલી છે, જે તેને વધુ એલીગન્ટ બનાવે છે. હળવા રંગ અને નાજુક એમ્બ્રોઈડરીનું આ કોમ્બીનેશન પૂજા માટે તો યોગ્ય જ છે ઉપરાંત તમને એક રોયલ અને ગ્રેસફૂલ લુક પણ આપે છે.

નવરાત્રિ દરમ્યાન પૂજા-અર્ચનાની સાથે ઘણીવાર ઘરમાં મહેમાનોની અવરજવર પણ હોય છે. એવામાં જો તમારે થોડો વધુ ગ્લેમરસ અને સ્ટાઈલિશ ડ્રેસ ધારણ કરવો હોય તો મૃણાલ ઠાકુરનો  કોફી અને ગોલ્ડન કલરનો એન્કલ લેન્થ અનારકલી સૂટ એના માટે આદર્શ છે. આ સૂટ સાદગી અને રોયલ્ટીનો સુંદર મેળ છે. તેની સાથે હેવી દુપટ્ટો તમને એક વિશેષ તહેવાર લુક આપે છે. આ આઉટફિટ એવા લોકો માટે બહેતરીન છે જે ક્લાસિક પેટર્નને  પસંદ કરતા હોય અને ભીડ વચ્ચે પણ નોખા તરી આવવા માગતા હોય.

તહેવારોમાં મહિલાઓ ઘણીવાર કંઈક અલગ ટ્રાય કરવા માગતી હોય છે. એવા સમયે કૃતિ સેનનનો પિંક અને ગોલ્ડન કોમ્બિનેશન અત્યંત ખાસ છે. આ આઉટફિટમાં અનારકલી કુર્તા અને સ્કર્ટનું કોમ્બિનેશન છે, જે તમને નવરાત્રિના કોઈપણ દિવસે શાનદાર વિકલ્પ આપે છે. પિંક અને ગોલ્ડનનો આ વિકલ્પ કાયમ ક્લાસિક માનવામાં આવે છે અને આ તહેવાર પર તમને વિશેષ નિખાર આપશે. પૂજા હોય, ફેમિલી ગેટ-ટુગેધર હોય અથવા પછી કોઈ પ્રસંગ  હોય, આ પેટર્ન તમને ભીડમાં પણ ખાસ બનાવશે. જો તમે નવરાત્રિ માટે એક રોયલ અને ગ્રેન્ડ લુક ઈચ્છતા હો તો ડાયના પેંટીનો ગોલ્ડન હેવી એમ્બ્રોઈડરી ગરારા સૂટ સચોટ વિકલ્પ છે. આ સૂટની વિશેષતા તેની બારીક ગોલ્ડન એમ્બ્રોઈડરી છે, જે તેને એક રિચ અને ગ્લેમરસ ફીલ આપે છે. તેની સાથે લોન્ગ ઈયરિંગ્સ પહેરવામાં આવે તો તમારો લુક વધુ નિખરશે. જો કે ધ્યાન રહે કે વી-નેક ડીઝાઈન પર અગાઉથી જ હેવી એમ્બ્રોઈડરી હોય, તો ગળામાં કંઈ જ ન પહેરવું, જેથી લુક ઓવરલોડેડ ન લાગે. આ આઉટફિટ નવરાત્રિની રાત ગરબા અથવા ડાંડિયામાં જવા માટે અત્યંત પરફેક્ટ છે.

નવરાત્રિ જેવા તહેવારોમાં કપડાની પસંદગી દરમ્યાન ધ્યાન રાખવું જરૂરી છે કે તમારો લુક પારંપરિક પણ લાગે અને તેમાં એક આધુનિક ટચ પણ હોય. હળવા રંગોની સાથે નાજુક એમ્બ્રોઈડરી દિવસના સમયે ઉપયુક્ત રહે છે, પણ સાંજે ગરબા અને સામાજિક આયોજનો માટે ડાર્ક અને હેવી આઉટફિટ્સ યોગ્ય રહે છે. સાથે જ જ્વેલરી અને મેકઅપ પણ આઉટફિટ્સ સાથે સંતુલિત હોવા જોઈએ. ઓવરડ્રેસિંગથી બચવું અને પોતાના કમ્ફર્ટને પ્રાથમિકતા આપવી.

નવરાત્રિ ભક્તિ અને પૂજાનું પર્વ હોવા ઉપરાંત, ફેશન અને સ્ટાઈલને પણ નવો આયામ આપે છે. જસ્મિન ભસીનનો બેબી પિંક સૂટ હોય, મૃણાલ ઠાકુરનો અનારકલી, કૃતિ સેનનનો સ્કર્ટ-કુર્તા કોમ્બો અથવા ડાયના પેંટીનો ગોલ્ડન ગરારા, તમામ અલગ અલગ અવસરો પર ખાસ બની શકે છે. આ ફેસ્ટિવ સીઝનમાં આવા લુક અપનાવીને તમે પણ પોતાના વોર્ડરોબને સ્ટાઈલિશ બનાવી શકો છો અને નવરાત્રિના નવે નવ દિવસને ખાસ બનાવી શકો છો.

- ઉમેશ ઠક્કર