નવરાત્રિ ડાયટ : વજન ઘટાડો અને ડિટોક્સીફિકેશન માટે ઉમદા તક
ભારતના સૌથી પવિત્ર મનાતા તહેવારો પૈકી એક નવરાત્રિ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ભક્તિથી ઉજવવામાં આવે છે. આ નવ પવિત્ર દિવસ દરમ્યાન ઉત્તર અને દક્ષિણ ભારતના લોકો ઉપવાસ, પ્રાર્થના અને આધ્યાત્મિક મંથનમાં વ્યસ્ત રહે છે. પણ ફિટનેસ પ્રત્યે સજાગ માટે નવરાત્રિ શરીરને ડિટોક્સીફાઈ કરવાની, વધારાની ચરબી ઘટાડવાની અને પ્રતિકાર શક્તિ વધારવાની અનોખી તક પણ પૂરી પાડે છે.
નવરાત્રિનો ઉપવાસ માત્ર એક ધાર્મિક પરંપરા જ નહિ પણ સાથે આરોગ્ય અને સુખાકારીને પ્રાથમિક્તા આપવાની તક પણ છે. આહારમાં સમજદારીભર્યા વિકલ્પ અપનાવવાથી અને વાસ્તવિક્તાભરી ટિપ્સનું ચુસ્તપણે પાલન કરવાથી ઉપવાસના આ તહેવાર દરમ્યાન પણ વજન ઘટાડા અને ડિટોક્સીફિકેશન કરી શકાય.
નવ દિવસનો નવરાત્રિ ઉપવાસ : વજન ઘટાડા અને ડિટોક્સીફિકેશનનો પથ
આધ્યાત્મિક શુદ્ધતાની શોધમાં કેટલાક લોકો નવરાત્રિ દરમ્યાન ઉપવાસ કરે છે. આ પ્રથા પ્રશંસનીય હોવા છતાં તેના ક્યારેક અનિચ્છનીય પરિણામ પણ આવે છે. પરંપરાને જાળવી રાખવાની આપણી ધગશમાં ક્યારેક આપણે એવા ડાયટની પસંદગી કરી બેસીએ છીએ જેમાં ભરપૂર માત્રામાં તેલ, મીઠું, ચરબી અને સાદા કાર્બોહાઈડ્રેટ્સ હોય.
ઉપરાંત નવરાત્રિ દરમ્યાન હવામાનમાં પણ પરિવર્તન આવતું હોવાથી મોસમી બીમારીના જોખમ પણ વધુ હોય છે. આથી ચયાપચયની ક્રિયામાં સુધારો કરવા અને પ્રતિકારશક્તિને સુરક્ષિત રાખવા જઠરની તંદુરસ્તીની જાળવણી તેમજ શરીરમાંથી ટોક્સિન કાઢવા મહત્વના છે.
નવરાત્રિ ઉપવાસ દરમ્યાન વજન વધારા તરફ દોરી જતી સામાન્ય ભૂલો :
નવરાત્રિના ઉપવાસ કરતી વખતે ઘણા અનેક ભૂલો કરતા હોય છે જે વજન ઘટાડાના સ્થાને વજન વધારામાં પરિણમે છે. એના મુખ્ય કારણો છે :
ઉપવાસ છોડયા પછી વધુ પડતું ખાવું :
ઘણી વાર ઉપવાસ સમાપ્ત થયા પછી લોકો મન પર નિયંત્રણ નથી રાખી શકતા અને ભાવતા ભોજનના ચક્કરમાં વધુ પડતી કેલરીવાળો ખોરાક આરોગી લે છે જેનાથી વજન વધે છે.
પેકેજ્ડ આહારનું સેવન : પ્રોસેસ કરેલા નાસ્તા, ચિપ્સ, થાલી અને લાડવા નવરાત્રિના ઉપવાસ દરમ્યાન સગવડભર્યા વિકલ્પ હોય છે, પણ તે પ્રીઝર્વેટીવ્સ અને હાનિકારક ચરબીથી યુક્ત હોવાને કારણે હાનિકારક પસંદગી સાબિત થાય છે.
ફળો અને શાકભાજીની અવગણનાઃ કેટલાક લોકો ઉપવાસ દરમ્યાન ફળો અને શાકભાજી જેવા વિટામીન અને ફાયબર યુક્ત તત્વોના મહત્વના સ્રોત એવા ફળો અને શાકભાજીની અવગણના કરીને પોષક તત્વો ગુમાવે છે.
પૂરતું પાણી ન પીવું:
નવરાત્રિમાં પાણીની અવગણના કરવાથ ડીહાયડ્રેશન થઈ શકે છે જેનાથી થાક અને ભૂખની લાગણી થાય છે.
બહારના નવરાત્રિ ખોરાક પર મદારઃ
ઘરે આરોગ્યપ્રદ ભોજન બનાવીને સેવન કરવાના સ્થાને બહાર ઉપલબ્ધ નવરાત્રિ સ્પેશિયલ ડીશો પસંદ કરવાથી વજન ઘટવાના સ્થાને વધે છે.
વજન ઘટાડા અને ડિટોક્સીફિકેશન માટે કેટલીક ટિપ્સ :
નવરાત્રિના ઉપવાસને સ્વસ્થતા અને સુખાકારીની પ્રક્રિયામાં પરિવર્તિત કરવા માટે છ વાસ્તવિક ટિપ્સ તમારા ડાયટ પ્લાનમાં સામેલ કરવી જરૂરી છે :
શાકભાજીનો છૂટથી ઉપયોગ : તૃપ્ત રહેવા અને વારંવાર ખાવાની લાગણીથી બચવા વિવિધ પ્રકારના શાકભાજીને ખોરાકમાં ઉમેરો. એના માટે વેજિટેબલ સેલાડ અથવા પોષક વેજિટેબલ સૂપનો પ્રયોગ કરી શકાય.
વારંવાર અને અલ્પ માત્રામાં ભોજન : ભૂખ્યા રહેવાના સ્થાને સમગ્ર દિવસ દરમ્યાન બ્લડ ગ્લુકોઝ સ્તર અને ઊર્જાની સાતત્યપૂર્ણ જાળવણી માટે ઓછી માત્રામાં ત્રણથી ચાર વાર સંતુલિત આહાર લઈ શકાય.
પાણીની અવગણના ન કરવી : નવરાત્રિમાં હજી વાતાવરણ ગરમ હોવાથી શરીરમાંથી પાણીનું પ્રમાણ ન ઘટે, ડીહાયડ્રેટ ન થવાય તેનું ધ્યાન રાખવું. ચહા કોફીના સ્થાને વધુ પ્રમાણમાં લિંબુ પાણી, નાળિયેરનું પાણી, શાકભાજી અને ફળોનો રસ વધુ પ્રમાણમાં ઉપયોગમાં લઈ શકાય.
શારીરિક ક્રિયાને પ્રાથમિકતા આપવી : ઉપવાસથી થાકની લાગણી થઈ શકે,પણ નિયમિત શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. તેનાથી ઊર્જાનું સ્તર વધે છે અને સંતુલિત આહારનું પૂરક સાબિત થાય છે.
ઘરે બનાવેલા નાસ્તા : હાનિકારક તત્વોથી યુક્ત બહારથી લાવેલા નાસ્તાનો સદંતર ત્યાગ કરીને તેના સ્થાને ઘરે શેકેલી સિંગ, મખના અથવા ચણા જેવા આરોગ્યપ્રદ વિકલ્પ અપનાવી શકાય.
ઓછી ચરબીવાળા વિકલ્પો પસંદ કરવા : ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનો અપનાવીને વધુ ચરબીયુક્ત દૂધ અને ચીઝનું સેવન ઘટાડવું. આ ઓછી ચરબીવાળા વિકલ્પો વધુ કેલરી વિના જરૂરી પોષકતત્વો પૂરા પાડે છે.
નવરાત્રિના ઉપવાસ માટે વધુ ટિપ્સ :
ચિપ્સ અથવા અન્ય પદાર્થ તળીને ખાવાના સ્થાને બાફેલા, શેકેલા અથવા સ્ટીમ કરેલા ખોરાકનું સેવન કરવું.
મીઠાઈ અને સાકરયુક્ત પીણા ટાળવા : મીઠાઈ અને સાકરયુક્ત પીણાના સ્થાને ઓછી ચરબીવાળા દૂધથી બનાવેલી સ્મૂધી, તાજા ફળ અને કુદરતી જ્યુસ અપનાવી શકાય.
પાણી પૂરતા પ્રમાણમાં પીવું : હાઈડ્રેટેડ રહેવા અને શરીરમાંથી વિષ બહાર નીકળી જાય તેના માટે પાણીનું પ્રમાણ વધારવું.
લાંબો સમય ભૂખ્યા ન રહેવું : ઉપવાસ દરમ્યાન આહારના સમયપત્રકનું સતત પાલન કરવું જેના કારણે ઉપવાસ પૂરા થયા પછી પણ ઊર્જાનું સ્તર જળવાઈ રહે અને વધુ ખાવાની ઈચ્છા ન થાય.
વહેલી સવારે ચાલવાની આદત રાખવી : ઉપવાસના રૂટીનમાં સવારના ચાલવાનો કાર્યક્રમ સમાવિષ્ટ કરવો જેથી સક્રિય રહી શકાય અને એકંદર સ્વાસ્થ્ય સુધરે.
- ઉમેશ ઠક્કર