નખરાળી નારને સોહે નેટની સાડી
- વિવિધ રંગ અને એમ્બ્રોઈડરી સાથેનો ટ્રાન્સપરન્ટ સેક્સી લુક આકર્ષે છે આધુનિક માનુનીઓને
સામાન્ય રીતે મહિલાઓ ફિલ્મ કે ટીવીની અભિનેત્રીઓ જેવી સ્ટાઈલના પોશાકને પહેરવાનો આગ્રહ રાખતી હોય છે. પરિણીત માનુનીઓ સ્મૃતિ ઈરાની કે સાક્ષી તન્વરની જેમ સાડી, લાંબુ મંગળસૂત્ર અને બંગડીઓ પહેરે છે તથા સેંથીમાં સિંદૂર પૂરે છે તો તરુણીઓમાં 'જબ વી મેટ'ની કરીના કપૂર જેવી શોર્ટ ટોપ અને પટિયાલા પાયજામાની ફેશન જોવા મળે છે. એક એવોર્ડ ફંકશનમાં કરીના કપૂરે નેટની સાડી પહેરી હતી. એટલે ફરી પાછી નેટની સાડીની માગ વધી રહી છે. ડિઝાઈનરોના મતે નેટની સાડીની ફેશન કંઈ નવી નવી શરૂ થઈ નથી. છેલ્લા ત્રણ વર્ષથી નેટની સાડી ચલણમાં છે. પરંતુ બોલીવૂડની અભિનેત્રી નેટની સાડીમાં જોવા મળતાં જ તેની માગ વધી ગઈ છે. ખાસ કરીને તરુણીઓ નેટની સાડી પાછળ ઘેલી બની છે.
નેટ અત્યંત બારીક અને પારદર્શક કાપડ છે. આ કારણે નેટની સાડી પહેરનારી માનુનીઓના અંગ-ઉપાંગોની સુંદરતા છતી થાય છે. જોકે અત્યંત પાતળી કે એકદમ ભરાવદાર ભામિનીઓ પર નેટની સાડી શોભતી નથી. મધ્યમ બાંધો ધરાવનારી લલનાઓ આકર્ષક ઢબે નેટની સાડી પહેરે તો અત્યંત સેક્સી દેખાય છે. પાતળી યુવતી નેટની સાડીમાં એકદમ સુકલકડી લાગે છે જ્યારે જાડી મહિલાના શરીર પર રહેલા ચરબીના થર નેટની સાડી પહેરતાં ઉઘાડા પડે છે. આથી આવી માનુનીઓએ નેટને બદલે શિફોન કે જર્યોર્જટને પસંદ કરવી જોઈએ.
નેટની સાડીની ખૂબી એ છે કે તે તમામ પ્રકારના રંગ અને શેડ્સમાં મળે છે. વળી નેટ પર કરવામાં આવેલી એમ્બ્રોઈડરીથી સાડીની સુંદરતામાં ચાર ચાંદ લાગે છે. કોઈ પણ પ્રકારની એમ્બ્રોઈડરી નેટ પર શોભે છે. શિફોનની સાડી અત્યંત હળવી ગણાય છે, સિલ્કની સાડી વજનમાં મુલાયમ હોવાને કારણે વખણાય છે, જ્યારે નેટની સાડી વૈવિધ્યતાસભર રંગો અને એમ્બ્રોઈડરીને કારણે ઊડીને આંખે વળગે છે.
જોકે નેટની સાડી પારદર્શક હોવાથી પેટીકોટની પસંદગી બાબતે ખૂબ જ સાવધ રહેવું પડે છે. ઉપરાંત નેટની સાડીની સુંદરતાનો આધાર પેટીકોટ પર હોય છે. છુટી-છુટી બુટ્ટીઓ ધરાવતી નેટની સાડી નીચે ભારે એમ્બ્રોઇડરી કરેલો ચણિયો સુંદર દેખાય છે. જો પાર્ટીમાં સહુના આકર્ષણનું કેન્દ્ર બનવું હોય તો નેટની સાડી નીચે પ્રાણી કે ફુલોની મોટી-મોટી ડિઝાઈન ધરાવતો પેટીકોટ પહેરવો જોઈએ. એક અગ્રણી ડિઝાઈનરના મતે મેટાલીક લાયક્રા પેટીકોટ પણ નેટની સાડી સાથે સુંદર દેખાય. જો નેટની સાડીમાં ભારે એમ્બ્રોઈડરી હોય તો સાદો શેડેડ ચણિયો તેની નીચે પહેરવો જોઈએ.
લાયક્રા કાપડ શરીર પર ચીપકી જાય છે. એટલે જો ફિગર એકદમ આકર્ષક હોય તો નેટની સાડી નીચે લાયક્રાનો ચણિયો પહેરવાનો જ આગ્રહ રાખવો. આનાથી દેખાવ એકદમ સેક્સી બની જશે. શુભ પ્રસંગે નેટની સાડી સાથે બ્રોકેડનો પેટીકોટ પહેરવાની ભલામણ ડિઝાઈનરો કરે છે.
સુંદર એમ્બ્રોઈડરી કરેલી નેટની સાડી સાથે પ્લેન બ્લાઉઝનું કોમ્બિનેશન સરસ દેખાય છે. જોકે નેટની સાડી સાથેના બ્લાઉઝનું ફિટીંગ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. નેટની સાડી પારદર્શક હોય છે એટલે જો બ્લાઉઝ બેડોળ હશે તો તરત જ દેખાઈ આવશે. ઉપરાંત બને ત્યાં સુધી પેટીકોટ અને બ્લાઉઝનું ફેબ્રિક એક જ સરખું રાખવું. જેમ કે મેટાલીક લાયક્રા પેટીકોટ હોય તો મેટાલીક લાયક્રા બ્લાઉઝ જ સીવડાવવું. આ રીતે પેટીકોટ અને બ્લાઉઝનું મટિરિયલ એકસરખું રાખવાથી શેડ પણ એક સમાન દેખાશે અને નેટ સાથે કેવું બ્લાઉઝ ખરીદવું તેની મૂંઝવણ પણ દૂર થશે. નેટની સાડી સાથે બસ્ટીઅર પણ સુંદર દેખાય છે. તે જ પ્રમાણે વેસ્ટર્ન લુક માટે કોર્સેટ પણ પહેરી શકાય. ઓફ સોલ્ડર અથવા ખભા પર જાડી પટ્ટી ધરાવતું કોર્સેટ નેટની સાડી સાથે શોભે છે. જોકે પ્રત્યેક માનુનીએ ફિગરને ધ્યાનમાં રાખીને બ્લાઉઝની ડિઝાઈન નક્કી કરવી જોઈએ.
નેટની સાડી સાથે કાનમાં લટકણિયાં અને હાથમાં બ્રેસલેટ પહેરવાની ફેશન છે. ભરચક એમ્બ્રોઈડરી કરેલી નેટની સાડી તથા બ્લાઉઝ સાથે ગળામાં હાર પહેરવાની જરૂર રહેતી નથી. ખભા સુધીના લાંબા લટકતાં એરીંગ, હાથમાં પહોળી પટ્ટીની ચાર બંગડી કે બ્રેસલેટ જ તેની સાથે સરસ દેખાય છે.
'સાત ફેરે' સિરિયલમાં કાવેરીની ભૂમિકા ભજવતી આંચલ નેટની સાડી પહેરવાની શોખીન છે. તેનો વોર્ડરોબ નેટની સાડીથી ભરેલો છે. આંચલને જોઈને ઘણી માનુનીઓ પણ નેટની સાડી પહેરે છે. આમ, કરીના કપૂર અને આંચલ જોઈને નેટની સાડી પહેરતી માનુનીઓ જો થોડી કાળજી રાખે તો તેમની સુંદરતા પણ આ અભિનેત્રીઓની જેમ નીખરી ઊઠશે.
- રેણુકા
નેટની સાડીઓ ઠીંગણી અને સ્થૂળ સ્ત્રીઓને સારી લાગતી નથી
લગ્નસરા અને પાર્ટીઓમાં નેટની સાડીઓનો ખૂબ ટ્રેન્ડ ચાલે છે, ફેટ બૉડી અને નાની હાઈટ ધરાવનાર સ્ત્રીઓને આ સાડીઓ એટલી શોભતી નથી, પણ જો એ સાડીઓ ખૂબ ગમતી જ હોય અને પહેરવી જ હોય તો એ વિશે ફેશન-ડિઝાઈનર આપે છે કેટલીક ટિપ્સ:
તમારે જો નેટની સાડી પહેરવાનું રિસ્ક લેવું જ હોય તો ખૂબ ઘેરા રંગો પસંદ કરો, સાટીનનો પેટીકોટ પહેરો અને સાડી પર વધારે ભાગમાં મોટિફ્સ હોય એવી ડિઝાઈનો પસંદ કરો. નેટની સાડીઓમાં આમ પણ શરીર દેખાય છે માટે જો લાઈટ કલર્સ કે ઓછી ડિઝાઈનવાળી સાડી પહેરશો તો શરીર પરની ચરબીના થરો વધારે નજરમાં આવશે, જ્યારે ઘેરા રંગોમાં તમારી હાઈટ પણ થોડી વધારે લાગશે અને શરીર પણ ઢંકાઈ જશે.
પાતળું શરીર અને પર્ફેક્ટ ફિગર ધરાવતી સ્ત્રીઓને પેટની સાડીઓ વધારે સૂટ કરે છે અને ગળાથી કમરનો ભાગ લાંબો હોય તેઓ નેટની સાડીમાં વધારે સેક્સી લાગે છે, કારણ કે એ તેમના પર્ફેક્ટ કર્વને વધારે નિખારે છે, પણ આ જ બધાં કારણોસર સ્થૂળ મહિલાઓએ નેટની સાડી પહેરવાનું ટાળવું જોઈએ. જો ફુલ નેટની સાડી ન પહેરવી હોય તો નેટ સાથે બીજાં મટીરિયલ કમ્બાઈન કરી શકાય, સ્થૂળ સ્ત્રીઓએ નેટની સાડી પહેરવી હોય તો પેટ તેમ જ ચેસ્ટના ભાગ પર સાડીનો જે ભાગ આવે ત્યાં અંદરની તરફ લાઈનિંગ લગાવી શકાય છે અથવા ચંદેરી ફેબ્રિકની સાડીમાં પાલવ પર નેટ લગાવી નેટની સાડીનો લુક જાળવી શકાય. આમ, એ શરીર પર લાગશે પણ સારી, કારણ કે જો તમને બૉડી-ફેટ્સ ઢાંકતાં ન આવડતું હોય તો નેટ પહેર્યા પછી તમે હાસ્યાસ્પદ લાગી શકો છો. આવી હાફ-હાફ સાડી થોડી વધારે હાઈટવાળી સ્ત્રીઓને તો સારી લાગશે, પણ જો હાઈટ શોર્ટ હોય તો આ સારું નહીં લાગે, કારણ કે બે રંગ કે બે મટીરિયલ આવી જવાથી તમારી હાઈટ વધુ શોર્ટ હોય તો આ સારું નહીં લાગે, કારણ કે બે રંગ કે હે મટીરિયલ આવી જવાથી તમારી હાઈટ વધુ શોર્ટ લાગશે એટલે જો હાઈટ મોટી હોવાનો આભાસ કરાવવો હોય તો સિંગલ અને ડાર્ક કલર્સ પહેરવા.
નેટની સાડી ટ્રાન્સપરન્ટ હોય છે અને તમારી બ્લાઉઝની સ્ટાઈલ વિઝિબલ રહેશે. નેટની સાથે બ્લાઉઝ પહેરવામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. નેટની સાડી સાથે કટોરીવાળાં બ્લાઉઝ ન સિવડાવવાં. ફક્ત પ્રિન્સેસ કટ કાં તો પછી પેડેડ બ્લાઉઝ સારાં લાગશે.