Get The App

પ્રસંગ અને પરિધાન અનુસાર કરવામાં આવતું 'નેલ ડેકોરેશન'

Updated: Dec 9th, 2024

GS TEAM


Google News
Google News
પ્રસંગ અને પરિધાન અનુસાર કરવામાં આવતું 'નેલ ડેકોરેશન' 1 - image


બદલાતા સમયની સાથે ફેશન ટ્રેન્ડમાં પણ પરિવર્તન આવે છે. આજે જે ફેશન 'ઈન' લાગે છે તે કાલે 'આઉટડેટેડ' (જુની) થઈ જાય છે. મીડિયાને કારણે ફેશન સંબંધિત નાનામાં નાની વિગત આપણા સુધી પહોંચે છે. પેરિસ ફેશન વીકથી લઈને ઇન્ડિયા ફેશન વીક સુધીની તમામ માહિતી મીડિયા દ્વારા મળે જ છે. આ કારણે હવે ભારતીયો પણ ફેશનપરસ્ત બની રહ્યા છે.

આપણામાંથી ઘણાને નખ ખાવાની આદત હોય છે. થોડું ટેન્શન આવતાં જ દાંત વડે નખ તોડીને ખાતા આપણે ઘણાને જોઈએ છીએ. પણ હાથની સુંદરતામાં નખ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લાંબી સુડોળ આંગળીઓના નખ તૂટેલા હોય તો સૌંદર્ય ઝંખવાઈ જાય છે. અને હવે તો નખને ડેકોરેટ કરવાનો ટ્રેન્ડ ચાલે છે. એટલે નખને વધારવા અને જાળવવા અત્યંત જરૂરી બની ગયા છે. નખને સજાવવા માટે નેલપેન્ટ, ઇનેમલનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય છે. તેમ છતાં છેલ્લા થોડા સમયથી નેલ આર્ટ ડિઝાઈનીંગની બોલબાલા વધી રહી છે.

આજથી થોડા વર્ષો પૂર્વે સુધી લગ્ન કે અન્ય કોઈ શુભ પ્રસંગે અથવા તહેવારોમાં જ બ્યુટી પાર્લરમાં જવાની પ્રથા હતી. પણ આજે મોટા ભાગની માનુનીઓ નિયમિત બ્યુટી પાર્લરની મુલાકાત લેતી થઈ ગઈ છે. તે જ પ્રમાણએ નેલપેન્ટ લગાડીને નેલ ડેકોરેટ કરવાનું પણ કોમન બની ગયું છે. અરે, ઘરમાં નવરાં બેઠા બેઠા પણ નેલપેન્ટ લગાડીને નખની શોભા વધારી શકાય છે. પણ નખને વધુ આકર્ષક બનાવવા હાલમાં નેલ આર્ટ ડિઝાઈનીંગ ખૂબ જ લોકપ્રિય થયું છે.

નેલ આર્ટ ડિઝાઈનીંગમાં નખને કેન્વાસ સમજીને તેના પર સુંદર રંગો અને વિવિધ ડિઝાઈનથી  ડેકોરેટ કરવામાં આવે છે. ખાસ પાર્ટી કે ફંકશનમાં જવા માટે કરવામાં આવતું નેલ ડેકોરેશન અનોખું હોય છે. જ્યારે રુટીન લાઈફ માટે કરવામાં આવતું નેલ ડેકોરેશન અલગ હોય છે. મોતી, રંગીન સ્ટોન, સ્ટ્રાઈપીંગ ટેપ, સ્ટડ, ગ્લિટર્સ, બીડ્સ વગેરેની મદદથી નખ પર આકર્ષક ડિઝાઈન કરવામાં આવે છે.

ઘણી વખત કેલ્શિયમની ઉણપને કારણે અથવા નખ પર ઈજા થતાં નખ બટકી જાય છે અથવા ખરબચડા બને છે. આવી માનુનીઓ માટે આર્ટિફિશિયલ (કૃત્રિમ) નખ આશીર્વાદ સમાન સાબિત થાય છે. કૃત્રિમ નખની ઉપર પણ ડેકોરેશન કરવામાં આવે છે. તે જ પ્રમાણે બજારમાં આર્ટિફિશિયલ ડેકોરેટેડ નેલ પણ મળે છે.

સામાન્ય રીતે ડ્રેસ અને અન્ય એસેસરીઝને મેચ થાય તે પ્રમાણેની ડિઝાઈન નખ પર કરવામાં આવે છે. ક્યારેક થીમ પાર્ટી માટે પણ નેલ ડિઝાઈનિંગ કરવામાં આવે છે. આમ, પ્રસંગ અને પરિધાનને ધ્યાનમાં રાખીને જ નેલ ડેકોરેટ કરવાથી સૌંદર્યમાં અભિવૃદ્ધિ થાય છે. નખ પર એકાદ સ્ટડ કે રંગ લગાડીને તેના પર બિડ્સ મૂકીને પણ તેને આકર્ષક બનાવી શકાય છે. પાર્ટી અને ખાસ કાર્યક્રમ માટે અલગ પ્રકારે નેઈલ ડેકોરેટ કરવામાં આવે છે. જ્યારે રોજિંદા જીવન માટે સાદી અને સરળ રીતે નેલ ડેકોરેશન કરી શકાય છે. નોકરિયાત યુવતીઓને કદાચ બધી જ આંગળીઓમાં નેલ ડેકોરેશન કરવાનો સમય ન મળે અથવા ફાવે નહિ તો એકાદ નખને સ્વરોસ્કી સ્ટોન ડેકોરેટ કરવો જોઈએ. આનાથી કામ કરવામાં પણ તકલીફ નહિ થાય અને હાથ પણ આકર્ષક દેખાશે. હાથ પ્રમાણે પગના નખને પણ ડેકોરેશન વડે સુંદર બનાવી શકાય છે.

લગ્ન પ્રસંગે નવવધૂના નખ પર અત્યંત આકર્ષક નેલ ડેકોરેશન કરવામાં આવે છે. હાલમાં બજારમાં નેલ ડેકોરેશનના ઘણા નવા પ્રકાર આવ્યા છે. આમાં થ્રીડી નેલ ડિઝાઈનીંગ, ફ્રી હેન્ડ, ફલોરલ ડિઝાઈન્સ તથા એબસ્ટ્રેક્ટ ડિઝાઈનનો પણ સમાવેશ થાય છે.

કોલેજીયન યુવતીઓ ફેશનેબલ દેખાવા માટે ઘેરા રંગથી નેલ ડેકોરેટ કરે છે. જ્યારે પાર્ટી અને ખાસ કાર્યક્રમ માટે વન ટાઈમ ડેકોરેટેડ આર્ટિફિશિયલ નેઈલ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

Tags :