- પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર ચોકલેટ ડિપ્રેશન દૂર કરી મૂડ સુધારવામાં સહાયક
ટચૂકડા પડદે ચોકલેટની એક જાહેરાત આવે છે. કલિંગડ વેચતો એક યુવક ચોરને ચોરી કરીને ભાગતો જુએ છે. ડરામણા દેખાતા ચોરના ભયથી તે હાથ ઉંચા કરી દે છે. પોલીસથી પીછો છોડાવવા ચોર ત્યાં આવેલી દિવાલ ફાંદવા જાય છે ત્યારે તેની પીઠ પર ભરાવેલી બેગમાંથી ચલણી નોટોનંુ એક બંડલ ત્યાં પડેલી તૂટેલી, ઘાસવાળી ફળોની ખાલી પેટીમાં પડે છે. કલિંગડ વેચતો યુવક આ બંડલ જુએ છે ત્યારે તેના મનમાં 'લાડુ ફૂટે છે' એટલે કે તે એકદમ ખુશ થઇ જાય છે એવું બતાવવા એક ચોકલેટ બોલને ફૂટતો બતાવવામાં આવે છે. આ વખતે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે 'મન મેં પહલા લડ્ડુ ફૂટા.'
આ ફેરિયો પોલીસના હાથમાં ચોરને પકડાવવા માટે જાહેર કરવામાં આવેલી ઇનામની રકમનું ફરફરિયું જુએ છે અને પોલીસને ભીંતની બીજી બાજુની દિશા તરફ આંગળી ચીંધે છે. આ વખતે તેને ચોરને પકડાવવા બદલ મળનારી રકમ મેળવવાની લાલચ હોવાથી ચોકલેટનો બીજો લાડુ ફૂટતો બતાવવામાં આવે છે. સાથે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, 'મન મેં દૂસરા લડ્ડુ ફૂટા'. કહેવાનો અર્થ એ છે કે નાણાં જોઈને માણસના મનમાં જેમ 'લાડુ ફૂટે', એટલે કે ખુશીની લહેર દોડી જાય, તેવી જ રીતે ચોકલેટ જોઈને વ્યક્તિનું હૃદય પુલકિત થઇ ઊઠે. ચોકલેટ જોઈને તેના મોઢામાં પાણી આવી જાય.
ચોકલેટની આવી જુદાં જુદાં પ્રકારની જાહેરાતો જોતી વખતે જો આપણને ચોકલેટ ખાવાનું મન થઇ જાય તો તેના સ્વાદમાં કાંઇ કે'વાપણું હોઈ શકે ખરું? આપણા દેશમાં 'કેડબરી' કંપનીએ ચોકલેટને લોકપ્રિય બનાવી. હકીકત એ છે કે આજદિન સુધી ઘણાં લોકો, ખાસ કરીને અર્ધશિક્ષિત કે નાના નગર-ગામડાંના લોકો ચોકલેટને 'કેડબરી' જ કહે છે. અલબત્ત, હવે મહાનગરોમાં ચોકલેટનું ચલણ એટલં બધું વધી ગયું છે કે સંખ્યાબંધ લોકો માટે વિવિધ પ્રકારની ચોકલેટ બનાવવી એ ગૃહ ઉદ્યોગ બની ગયો છે. મોટા શહેરોમાં છેલ્લા દશકમાં ફક્ત ચોકલેટ વેચતી દુકાનો ખૂલી ગઈ છે. એટલું જ નહીં, માત્ર ચોકલેટ અને તેમાંથી બનાવેલા વ્યંજનો વેચતા રેસ્ટોરાં, લાઉન્જ અને કાફે પણ ખૂલ્યાં છે. ગુજરાતી ઘરોમાં સુદ્ધાં રક્ષા બંધન કે દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈનું સ્થાન ચોકલેટ પચાવવા લાગી છે.
એક વાત ચોક્કસ છે કે ચોકલેટનો સ્વાદ કેટલો લલચામણો હોય તે કહેવાની જરૂર નથી. પણ એવું નથી કે ચોકલેટ માત્ર સ્વાદિષ્ટ હોય છે. ચોકલેટમાં બીજું એવું ઘણું છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે ચોકલેટ ખાવાથી વજન વધે. તેથી પોતાના વજન પ્રત્યે અત્યંત જાગૃત યુવતીઓ ચોકલેટ ખાવાની ઇચ્છાને મનના ખૂણામાં ધરબી દે છે. જ્યારે હકીકત એ છે કે જો ચોકલેટ પ્રમાણસર ખાવામાં આવે તો તેનાથી સ્થૂળતા આવવાની ભીતી જરાસરખી પણ નથી રહેતી. અલબત્ત, તમે બહુ ભૂખ્યા હો કે બહુ ટેન્શનમાં હો ત્યારે વધારે પડતી ચોકલેટ ખાઈ લો તો તમારું વજન અચૂક વધી જાય.
સંશોધકો કહે છે કે તમે માનસિક તાણ અનુભવતા હો ત્યારે ચોકલેટ ખાવાથી હળવાશ મળે છે. આનું કારણ એ છે કે ચોકલેટ ખાવાથી આપણા મગજમાંથી એન્ડ્રોફિન્સ નામનું રસાયણ સ્ત્રવે છે. આ રસાયણ આપણને હળવાશની અનુભૂતિ કરાવે છે. ઘણાં સંશોધકો એમ પણ માને છે કે ચોકલેટમાં રહેલાં તત્ત્વો મેરીજુએના જેવો નશો કરાવે છે. મતલબ કે તે આપણા ચેતાતંત્રને જાગૃત અને ખુશ રાખે છે. મિલ્ક ચોકલેટમાં કેલ્શિયમ તથા મેન્ગેનીઝ હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે અને ચેતાતંત્રની કાર્યક્ષમતા જાળવી રાખે છે. તેમાં રહેલાં ફ્લોરાઈડ અને પોટેશિયમ જેવાં ખનિજ તત્ત્વો દાંતને મજબૂત બનાવે છે. એટલું જ નહીં ચોકલેટમાં રહેલું પ્રોટિન અને ફોસ્ફેટ દાંતના સુરક્ષાકવચને વધુ મજબૂત બનાવે છે. તેથી જ ચોકલેટ ખાવાથી દાંત સડી જવાની માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે. અલબત્ત, તેમાં રહેલી સાકર દાંતને હાનિ પહોંચાડી શકે. પણ આ વાત મીઠાઇને પણ એટલી જ લાગું પડે છે. તેથી બચ્ચાઓને દાંત સડવાના ભયથી ચોકલેટ ખાવાથી વંચિત રાખવા એ તેમની સાથે અન્યાય કરવા સમાન ગણાય.
ચોકલેટમાં રહેલા કોકા બીન્સમાં એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો હાર્ટઅટેકનું જોખમ ઘટાડવામાં અને કેન્સર સામે લડવામાં સહાયક બને છે. કોકાને કારણે બ્લડપ્રેશરમાં પણ ઘટાડો થાય છે. ચોકલેટમાં રહેલી ચરબી એવા પ્રકારની હોય છે જે રક્તમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારતી નથી. તેથી જ મર્યાદિત પ્રમાણમાં ચોકલેટ ખાવાથી લોહી ગંઠાતું નથી. તેમાં રહેલું તાંબુ શરીરની લોહતત્ત્વ શોષવાની ક્ષમતા વધારે છે, પરિણામે રક્તનલિકાની કાર્યક્ષમતા વધે છે અને ત્વચામાં ચમક આવે છે. તેવી જ રીતે તેમાં રહેલું ઝીંક ફળદ્રુપતા વધારે છે. આ કારણે જ પોષક તત્ત્વોની ઉણપ ધરાવતી વ્યક્તિને ચોકલેટ ખાવાની પ્રબળ ઇચ્છા થાય છે. નિષ્ણાતો કહે છે કે ભોજનમાં ચોકલેટ લેવાથી પ્રોટીનની આપૂર્તિ થાય છે.
હવે આપણને સહેજે સવાલ થાય કે ભોજનમાં ચોકલેટ શી રીતે લેવાય? વાસ્તવમાં થોડા સમય પહેલાં મહાનગરોમાં ચોકલેટનો ઉપયોગ ડેઝર્ટ તરીકે થતો. તેથી રેસ્ટોરાંના મેનુમાં તેનું સ્થાન છેલ્લા પાને રહેતું. પણ શહેરીજનોનો 'ચોકલેટપ્રેમ' જોતાં હવે ચોકલેટ મુખ્ય મેનુમાં આવી ગઈ છે. હવે પિત્ઝા, સેન્ડવિચ, બન્સ અને ઢોસા સુદ્ધામાં ચોકલેટે સ્થાન જમાવવા માંડયું છે.
મુંબઈના વાંદરા ખાતે આવેલા એક ચોકલેટ લાઉન્જને ચોકલેટ ફેક્ટરીની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં સજાવેલા પારદર્શક પાઇપમાંથી ચોકલેટ વહેતી હોય એવો દેખાવ ઊભો કરવામાં આવ્યો છે. તમે મરચાંમાં મિક્સ કરેલી ચોકલેટની કલ્પના કરી શકો છો? પણ અહીં આવી હોટ ચોકલેટ મળે છે. આ ઉપરાંત ચોકલેટ સોસમાં ઝબોળેલા સોલ્ટી સ્પેનીશ ડોનટ્સ અને ચોકલેટ પિત્ઝા પણ ખરાં.
અન્ય એક ચોકલેટ કાફેમાં હોટ ચોકલેટ અને ચોકલેટના ટુકડા નાખેલું થીક શેક, ચોકલેટ ગ્રીલ સેંડવીચ ખાવા લોકોની ભીડ જામે છે. આવા જ અન્ય એક ચોકલેટ કાફેના બ્રાઉની સાથે મળતાં પાતળી લેયર વાળા ચોકલેટ પિત્ઝા, ચોકલેટ આઇસક્રીમ અને તેમનું સિગ્નેચર ચોકલેટ સોસ ચોકલેટ ચાહકોમાં અત્યંત પ્રિય છે. મઝાની વાત એ છે કે આ બન્ને કાફે ગુજરાતીઓ ચલાવે છે. અન્ય એક ચોકલેટ સેંડવીચ બનાવતી કંપનીની ગ્રીલ સેંડવીચ એટલી લોકપ્રિય છે કે તહેવારોના દિવસોમાં તે મીઠાઈના સ્થાને ખવાય છે અને લોકો ભેટ આપવા માટે પણ આ ચોકલેટ ગ્રીલ સેંડવીચ પસંદ કરે છે. જ્યારે અન્ય એક ચોકલેટ ક્લબે તો ભારતીયોની ચોકલેટ વિશેની માન્યાતા બદલવાનું બીજું ઝડપ્યું હોય એમ લાગે છે. તેમના મત મુજબ હજી પણ ઘણાંખરા ભારતીયો એમ માને છે કે ચોકલેટ માત્ર બાળકો જ ખાય. તેથી તેઓ યુરોપની ચોકલેટનો સ્વાદ ચખાડીને લોકોને ચોકલેટ ખાવા તરફ વાળવા માગે છે. બલ્કે એમ કહી શકાય કે તેઓ ભારતની પ્રજાને એમ કહેવા માગે છે કે ચોકલેટ માત્ર બચ્ચાઓ જ નહીં, મોટાં પણ ખાઈ શકે. મોટેરાઓ માટે ચોકલેટ ખવાનું બીજું એક રસીલું કારણ છે. સંશોધકો કહે છે કે ચોકલેટમાં ફેનિલ એથિલેમાઇન નામનું રસાયણ હોય છે. આ કેમિકલને સામાન્ય રીતે 'લવ કેમિકલ' કહેવામાં આવે છે. આપણા મગજમાં પણ આ રસાયણ હોય છે. ચોકલેટ ખાવાથી તેમાં રહેલા ફેનિલ એથિલેમાઇનને કારણે મગજના 'આનંદ કેન્દ્રો'માં ઉત્તેજના વ્યાપે છે. પરિણામે સંબંધિત વ્યક્તિ રોમાન્ટિક મૂડમાં આવી જાય છે. તેથી જ ઘણાં લોકો ચોકલેટને 'મૂડ બૂસ્ટર' પણ કહે છે. વળી તેનાથી શરીરમાં તાત્કાલિક શક્તિનો સંચાર થાય છે. તેમાં ઉંચી માત્રામાં રહેલું કાર્બોહાઇડ્રેડ શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે.
ડિપ્રેશનમાં રહેલી વ્યક્તિ પણ ચોકલેટ ખાધા પછી રાહત અનુભવે છે. ચોકલેટમાં રહેલું સિરોટોનીન તત્ત્વ ડિપ્રેશન સામે લડત આપે છે. પરંતુ નિષ્ણાતો ચેતવણી આપતાં કહે છે કે ડિપ્રેશન વખતે વધારે પડતી ચોકલેટ ખાવાથી માનસિક તાણ ઘટવાને બદલે વધી જાય છે. તેથી ચોકલેટ ખાવામાં પ્રમાણભાન જાળવવું આવશ્યક છે.
મોઢામાં પાણી લાવતી મસ્ત મસ્ત ચોકલેટ ખાવાની ભીતિ તો ચોકલેટના ગુણ સાંભળ્યા પછી દૂર થઇ ગઈ હશે. પણ આ ચોકલેટની શોધ કોણે કરી? કહેવાય છે કે મધ્ય મેક્સિકોના એઝટેક્સ નામના કુળના લોકોએ ૧૬મી સદીના આરંભમાં ચોકલેટની શોધ કરી હતી. જોકે એવા ઉલ્લેખો પણ જોવા મળે છે કે ઇ. સ. ૫૦૦ની આસપાસ દક્ષિણ મેક્સિકો અને અમેરિકામાં ચોકલેટ ખવાતી હતી. એ વખતે ત્યાં માયા સંસ્કૃતિ હતી. ચોકલેટ શબ્દ કોકાઓ પરથી ઉતરી આવ્યો છે. માયા સાહિત્યમાં કોકાઓ શબ્દ જોવા મળે છે. કોકાઓને આપણે કોકા પાઉડર તરીકે ઓળખીએ છીએ. કોકાઓના બીનો પાઉડર બનાવીને તેને પાણી, શરાબ, મસાલા અથવા મરચાં સાથે મિક્સ કરીને પ્રવાહીરૂપે પીવામાં આવતો હતો.
૧૬મી સદીમાં યુરોપમાં ચોકલેટનું આગમન થયું ત્યાર પછી યુરોપના દેશોમાંથી ચોકલેટ દરિયાઇ માર્ગે સ્પેન પહોંચી. ત્યાર બાદ ઉત્તર યુરોપ અને બ્રિટન પહોંચી. આ અરસામાં જ ત્યાં એશિયાની, ખાસ કરીને ભારતની ચા અને આફ્રિકાની કોફી પહોંચી. આ સમય દરમિયાન બ્રિટનમાં શ્રીમંત લોકો માટે ખાસ કોફી અને ચોકલેટ હાઉસો ખૂલ્યાં હતાં.
આજે આપણા મહાનગરોમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં ચોકલેટ હવે એટલી લોકપ્રિય થઇ ગઈ છે કે આ વર્ષે દિવાળીની ભેટરૂપે ઘણાં લોકો, ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓએ મીઠાઇના સ્થાને ચોકલેટ આપવાનો નિર્ણય કર્યો હોય એવો સિનારિયો જોવા મળી રહ્યો છે.
જોકે છેલ્લા થોડા સમયથી મિષ્ટાનને બદલે ચોકલેટ આપાવાનું ચલણ વધી રહ્યું છે. પણ આ વર્ષે તેમાં ખાસ્સી વૃદ્ધિ થઇ છે એમ વેપારીઓ કહે છે. તેથી જ સમયની સાથે કદમ મિલાવવામાં માનતા મીઠાઈના દુકાનદારો હવે મિષ્ટાન સાથે ચોકલેટ પણ વેચતા થયા છે અને મીઠાઇઓમાં પણ ચોકલેટનું ફ્યુઝન કરવા લાગ્યાં છે.
* ચોકલેટના છોડનું બોટાનિકલ નામ થિયોબ્રામ્બા કોકાઓ, મતલબ 'ફૂડ ઓફ ગોડ' છે.
* અમેરિકનો અને રશિયનો તેમના અવકાશયાનમાં હંમેશાં ચોકલેટ સાથે લઈને જાય છે.
* એક પ્લેન મિલ્ક ચોકલેટમાં એક કેળાં કરતાં વધુ પ્રોટિન હોય છે.
* પાળેલા પોપટ માટે ચોકલેટ ઝેર સમાન પુરવાર થાય છે. ચોકલેટ તેમને માટે પ્રાણઘાતક નિવડી શકે.
* કોકો બટર માનવ શરીરના ઉષ્ણાતાનમાંથી પણ ઓછા તાપમાનમાં ઓગળી જતું હોવાથી જ આપણે ચોકલેટ મોઢામાં મૂકીએ કે તરત તે પીગળી જાય છે.
* વિશ્વમાં સૌથી વધુ ચોકલેટ સ્વીત્ઝર્લેન્ડમાં ખવાય છે.
* વિશ્વની કુલ બદામમાંથી ૪૦ ટકા બદામ, ૨૦ ટકા શીંગદાણા અને આઠ ટકા સાકર ચોકલેટના ઉત્પાદકો વાપરે છે.
* ૧૮૬૮માં રિચાર્ડ કેડબરીએ પહેલવહેલી વખત 'ચોકલેટ બોક્સ' બનાવ્યું હતું. તેણે આ બોક્સ પર તેની બિલાડી પકડીને બેઠેલી પુત્રીનું ચિત્ર મુક્યું હતું.


