નિર્મળા કોલેજમાં પ્રોફેસર છે. તેણે સવારે ૮ વાગે કોલેજ પહોંચવું પડે છે. સવારે ૫ વાગે ઊઠીને તે સમગ્ર ઘરનું ભોજન રાંધીને જાય છે. તેનાં બાળકો પણ સ્કૂલેથી આવીને આ જ ભોજન જમે છે, પરંતુ નિર્મળાનાં સાસુસસરાને ઠંડું ભોજન જમવું ગમતું નથી. નિર્મળા જ્યારે કોલેજથી આવે, ત્યારે તેણે હંમેશાં એ જ સાંભળવું પડતું કે ભોજન ઠંડુ હતું, સ્વાદિષ્ટ લાગ્યું નહીં. આવું ભોજન જમીને અમે કેટલું જીવીશું વગેરે... વગેરે. જો નિર્મળા કહે કે બાઈ રાખી લઈએ તો સાસુસસરાને તેના હાથનું તો જમવાનું ક્યારેય પસંદ જ ન આવે. આમ જોઈએ તો ભોજન બાબતે સાસુસસરા સાથે નિર્મળાને રોજ માથાકૂટ થતી રહેતી હતી.
આ વાત નિર્મળાના પતિ કિશોર સુધી પણ પહોંચી, પરંતુ તે પણ શું કરે. તે મૂંગા મોઢે ક્યારેક પોતાની પત્ની તરફ જોઈ રહેતો તો ક્યારેક માતાપિતા તરફ. એક દિવસ નિર્મળાની નણંદ પોતાની માને મળવા આવી. નિર્મળા હજુ તો કોલેજથી આવી જ હતી. તેના ગૃહપ્રવેશ સાથે જ સાસુ કહે છે કે નમ્રતા આવી છે, તેના માટે થોડો નાસ્તો બનાવી દે. થાકેલી નિર્મળાને ગુસ્સો આવી જાય છે, પરંતુ કશું જ કહ્યા વિના તે પોતાના રૂમમાં ચાલી જાય છે. તેની નણંદ થોડીવાર બાદ માને મળીને ચાલી જાય છે. ત્યારે નિર્મળાની સાસુ નિર્મળા પર વરસી પડે છે કે આખરે નિર્મળાએ તેમની વાત કેમ માની નહીં. આ વાતે ઘરમાં જબરદસ્ત બોલચાલ થઈ જાય છે. સાસુવહુની રોજરોજની કચકચથી કંટાળીને કિશોર પોતાનાં માતાપિતાથી અલગ થઈ જાય છે. એટલે કે સંયુક્ત પરિવાર એકાકી પરિવારમાં બદલાઈ જાય છે. હવે નિર્મળાનાં સાસુસસરા એકલા રહેવા મજબૂર છે. તેમના ઘરમાં રોજ અલગ ચૂલો સળગે છે.
લગ્ન બાદ દરેક છોકરી પોતાના પિતાનું ઘર છોડીને પતિના ઘરમાં આવે છે. અહીં તેને પરિવારના લોકો સાથે તાલમેલ બેસાડીને રહેવું પડે છે. સાસરીવાળા ભલે ગમે તેવા હોય તેમને અપનાવી લેવા તે તેની નૈતિક જવાબદારી બની જાય છે. આમ તો એક આદર્શ પરિવારમાં સાસરીવાળા એટલે કે સાસુસસરાનો વ્યવહાર માતાપિતા જેવો જ હોય છે, પરંતુ ઘણીવાર આમ બની શકતું નથી. નવી વહુ અને સાસરિયાંઓમાં પરસ્પરના સંબંધ હાંસિયા પર ઊભેલા નજરે પડે છે.
સાસુવહુનો સંબંધ માદીકરી જેવો હોવો જોઈએ, પરંતુ આવું હોતું નથી. એકબીજાને મહેણાં મારવાં, નાનીનાની વાતો પર વાદવિવાદ કરવો તેમની દિનચર્યાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની જાય છે.
સ્વાતિ ઘરે આર્ટ્સ અને ક્રાફ્ટ્સનું કામ કરે છે. તે વર્કશોપ ઉપરાંત ઘર પર જ બાળકોને શિક્ષણ પણ આપે છે. તેનો એક નિશ્ચિત સમય હોય છે. તે સંયુક્ત પરિવારમાં રહે છે. ઘરનું તમામ કામકાજ પૂરું કર્યા બાદ પોતાનો કેટલોક સમય હુન્નર પાછળ ગાળે છે, પરંતુ ઘણી વાર તેના સાસુની સાહેલીઓ તે જ સમયે તેમને મળવા આવી જાય છે. બાળકોને શિક્ષણ આપતા સમયે તેની સાસુ ક્યારેક ચા તો ક્યારેક નાસ્તાની ફરમાઈશ કરતા રહેતા હોય છે, જેને કારણે સ્વાતિ પોતાનું સંપૂર્ણ ઘ્યાન પોતાના કામ પર આપી શકતી નથી અને તેના લીધે સાસુવહુ વચ્ચે ઝઘડા થઈ જાય છે. તેનો પતિ નિલેશ કહે છે કે આ સમસ્યા તમારા બંને વચ્ચેની છે. તેથી તેનું સમાધાન પણ તમે બંને જ કરો.
આ પ્રકારની બોલાચાલી સામાન્ય વાત છે, પરંતુ લગ્ન બાદ પુરુષના સંબંધ પણ પત્નીના પરિવાર સાથે જોડાય છે. પરંતુ અલગ રહેવાને કારણે પુરુષના જીવનમાં પોતાનાં સાસરિયાંઓનો હસ્તક્ષેપ હોતો નથી. જો નાનીમોટી ખટપટ થતી હોય તો પણ તેને હસીમજાકમાં ઉડાવી દેવામાં આવે છે. પરંતુ મહિલાઓના જીવનમાં સાસુનો હસ્તક્ષેપ અને રોકટોક નિશ્ચિતરૂપે માનસિક પીડા આપે છે.
મધુનો તેની ૮૫ વર્ષની સાસુ સાથે એટલા માટે ઝઘડો થાય છે કે તેમને પોતાની વહુ દ્વારા કરાતી કોઈપણ પ્રકારની રોકટોક પસંદ નથી. જો તેમને કોઈ સામાનને કોઈ જગ્યાએ મૂકતા રોકવામાં આવે તો તેઓ તરત એટલી વાતો વહુને સંભળાવશે કે બીકની મારી વહુ ચુપ જ રહેવું વધુ યોગ્ય સમજવા લાગે છે.
મધુ જણાવે છે કે તેના સાસુ પહેલાં આવા ન હતા. સસરાના મૃત્યુ બાદથી તેઓ આવા ગુસ્સાવાળા થઈ ગયા છે. બની શકે કે તેઓ સ્વયંને અસુરક્ષિત અનુભવતા હોય, પરંતુ વાસ્તવમાં આવું કશું જ નથી. સમગ્ર પરિવાર તેમનું ઘ્યાન રાખે છે.
એક શોધમાં જાણકારી મળી છે કે ૧૦માંથી ૭ પત્નીઓ પોતાની સાસુના રોજબરોજના મહેણાં ટોણાંથી કંટાળી ચૂકી છે. પરંતુ તેમને સાસુ સાથે રહેવું પણ છે. સાસુઓ ક્યારેક બાળકોના ઉછેરને પગલે, તો ક્યારેક રસોઈ બનાવવાની રીતરસમો પર વહુઓની ટીકાટિપ્પણીઓ કરતી રહે છે.
આ વિશે મુંબઈના એક મેરેજ કાઉન્સેલર કહે છે કે સાસુઓ આવો વ્યવહાર એટલા માટે નથી કરતી કે તેઓ વહુઓ પ્રતિ કોઈ દુર્ભાવના રાખે છે અથવા તો જે વહુ કરી રહી હોય છે તે તેઓને પસંદ નથી હોતું, પરંતુ સાસુઓ કેવળ વહુઓના નવા પ્રયોગો અને રીતરસમોને સમજી શકતી નથી અને ઈચ્છે છે કે જેવી રીતે તેઓએ પોતાના ઘરપરિવારને સંભાળ્યો, તેવી જ રીતે વહુઓ પણ સંભાળે. પરંતુ વહુઓને ખરાબ એટલા માટે લાગે છે કે, તેમને સાસુઓના આદેશોનું પાલન કરવું પડે છે અને તેમની સ્વતંત્રતા છીનવાઈ જતી હોય તેવું લાગે છે.
અહીં વહુઓએ પ્રશ્ન વિચારવું પડશે કે જ્યારે તેઓ પોતાનું ઘર છોડીને નવા વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે અહીંના નવા કલ્ચર, આદતો અને નિયમો, રીતરિવાજોનું ખુલ્લા હૃદય સ્વાગત કરે. શરૂથી જ ખોટી વાતો વિશે વિચાર ન કરે અને ન તો અસ્વીકાર કરવાની ભાવના પોતાના મનમાં રાખે, કેવળ સહયોગની ભાવના રાખે, કારણ કે તમારો પિત તમારા સાસુનો દીકરો છે. સાસુઓને લાગતું હોય છે કે લગ્ન બાદ પોતાના દીકરા પરનો તેમનો હક ઘટી રહ્યો છે. તેમનામાં અસુરક્ષાની ભાવના ઘર કરવા લાગે છે. ફળસ્વરૂપ સાસુઓના વ્યવહારમાં પરિવર્તન આવવા લાગે છે.
સત્ય એ છે કે ભારતીય પરિપ્રેક્ષ્યમાં વહુના મનમાં સાસુની ઉપસ્થિતિનું ક્ષેત્ર વધુ હોય છે, વિદેશોમાં તો એકાકી પરિવારોના વધુ મહત્ત્વને કારણે સાસુનું ઘરમાં આગમન એક મહેમાનની જેમ જ હોય, જે કેવળ થોડા દિવસો માટે પોતાના દીકરાના ઘેર રહેવા માટે આવે છે, પરંતુ ભારતીય પરિવારોમાં માતાપિતા પોતાનાં બાળકો સાથે જ રહેતાં હોય છે. વહુ જો ઈમાનદારીથી પોતાના સંબંધોને સમજી લે, પોતાની સાસુને માન અને સન્માન આપે તો આ પ્રકારના અણબનાવની કોઈ જગ્યા રહેશે નહીં.
ડો.નયના જણાવે છે કે વિચારોમાં વિભિન્નતા દરેક સંબંધમાં હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે વાત જામશે નહીં. અણબનાવના કારણ વિશે જાણકારી મળે, તે જ સમયે જો બંને જણ બેસીને વાતનું સમાધાન કરી લે તો સંબંધ મધુર બની રહેશે. બસ બંનેમાં સમજૂતી કરવાની તૈયારી હોવી જોઈએ, ઘમંડનો ત્યાગ કરો અને વિનમ્ર બનો. સાસુ હોય કે વહુ બંનેને પોતાની વાત કહેવાની રીત આવડવી જોઈએ.
અહીં સાસુએ પણ સમજવું પડશે કે તેમના ઘેર એક છોકરી પોતાનો સંપૂર્ણ પરિવાર છોડીને આવી છે.
તેની માટે તેમનો પ્રેમ અને વહાલ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. જો સાસુના વિચાર સારા હોય તો વહુ સ્વયં સમજી જશે કે તેનું વિચારવું ખોટું હતું. બંનેએ એકબીજા સાથે સહકારની ભાવના કેળવવી પડશે.
સાસુવહુનો સંબંધ એક મજબૂત દોરથી બંધાયેલો છે. વાસ્તવમાં અણબનાવ દૂરદશતા ઘટવાને કારણે થાય છે. જો સાસુ પોતાની વહુને દીકરીનો દરજ્જો આપે, તો તેની ભૂલચૂક આપોઆપ માફ કરી શકાશે.
વહુએ પણ સમજવું જોઈએ કે લગ્નબંધન કેવળ બે દિલોનું મિલન જ નહી સાથેસાથે બે કુટુંબોનું પણ મિલન છે, જેમાં પ્રેમ અને અપનાપન જરૂરી છે.
તદુપરાંત જે વાત સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે તે તો એ છે કે અસુરક્ષાની ભાવના. સાસુવહુના સંબંધમાં અણબનાવનું મુખ્ય કારણ આ જ છે. અને સાસુ જો સમજી લે કે છોકરો પતિ અને દીકરાના રૂપમાં પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવે છે ત્યારે આ સંબંધમાં પણ પ્રેમ અને લાગણી હંમેશાં બનેલા રહેશે.
આ વાતનું પણ ધ્યાન રાખો
* અણબનાવનું કારણ શોધો અને પછી તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરો.
* જો વાત જામતી ન હોય તો મેરેજ કાઉન્સેલરની સલાહ લો.
* પતિએ પણ પોતાની પત્નીને ક્વોલિટી સમય આપવો જોઈએ.
* વહુએ પણ સમય સમય પર પોતાની સાસુની સાથે બેસીને તેમની વાતો સાંભળવી જોઈએ. તેમને વધુ સલાહસૂચન આપવાની કોશિશ ન કરવી જોઈએ.
* સાસુની પસંદનાપસંદનું ધ્યાન રાખો.
* સાસુની મુશ્કેલીઓને સમજો.
* તમારા વિચારો હંમેશાં સકારાત્મક રાખો.


