જ્યારે આખી દુનિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હોય ત્યારે સંબંધો તેનાથી દૂર કેવી રીતે રહી શકે? સંબંધો ભલે ભાઈબહેન, મા-દીકરી, પિતા-પુત્ર, માતા-પુત્ર, પતિ-પત્ની અથવા તો સાસુ-વહુનો હોય પણ પરિવર્તન દરેક જગ્યાએ દેખાય છે.
ઘણો કડવો ગણાતો સાસુવહુનો સંબંધ હવે બરફની જેમ ઓગળવા લાગ્યો છે.
એટલે કે સાસુવહુના સંબંધોમાં પણ હવે ઘણું પરિવર્તન આવી ગયું છે, નહીેતર એક સમય હતો જ્યારે ઘણી બાબતોમાં સાસુના કારણે વહુનું અને વહુના કારણે સાસુનું જીવન મુશ્કેલ બની જતું હતું.
સાસુવહુ એક જ પરિવારના બે મહત્ત્વના સભ્યો છે. કોઈ પણ સંબંધને મધુર બનાવવા માટે અનુકૂલન રાખવું જરૂરી બને છે. સાસુવહુ બંને હવે એ વાત સમજી ગયાં છે કે લડવાઝઘડવાથી હવે કોઈ ફાયદો નથી થવાનો, પરંતુ એનાથી પરિવારમાં અશાંતિ જ ફેલાય છે.
મનોવિજ્ઞાાનના પ્રો.ડૉ.આશા શાહ જણાવે છેે કે, ''મહિલાઓની ઓળખ હવે બદલાવા લાગી છે. હવે સાસુવહુ એકબીજાની સમસ્યા સમજવા લાગ્યાં છે. સાસુ સમજી ગયાં છે કે ઘડપણમાં એકલાં જીવન પસાર કરવું શક્ય નથી. આ ઉંમરમાં ઈમોશનલ જરૂરિયાત હોય છે. સાસુઓમાં આ ભાવના ઝડપથી વિકસી રહી છે કે એ પુત્ર-પુત્રવધૂઓનાં બાળકો અને એમના પરિવારની સંભાળ રાખશે તો જ એ લોકો તેમને સન્માન આપશે.
બીજી તરફ, બધી ભણેલીગણેલી યુવતીઓ લગ્ન પછી પણ નોકરી કરવા ઈચ્છતી હોય છે. વધતી મોંઘવારીમાં એ જરૂરી છે કે પુત્રવધૂ આર્થિક રીતે સધ્ધર હોય. ઘોડિયાઘરમાં બાળકનો ઉછેર થાય, એનાથી વધુ સારું એ છે કે દાદાદાદીની દેખભાળ હેઠળ બાળકો સચવાય અને મોટાં થાય.''
અંતે સારી સાસુ અને સારી પુત્રવધૂની વ્યાખ્યા શું હોઈ શકે? કહેવાય છે કે દરેક સાસુ માટે એક સારી પુત્રવધૂ એ જ છે કે એમની વાતો ચૂપચાપ સંભાળી લે. એટલે કે સહનશીલ હોય અને પુત્રવધૂ માટે એક સારી સાસુ એ જ છે, જે રોકટોક ન કરે, વાતવાતમાં એની ટીકા ન કરે, એની પર શાસન ન કરે, એની આઝાદીમાં ખલેલ ન પાડે. પરંતુ સંબંધને વ્યાખ્યાઓમાં બાંધવો યોગ્ય નથી. બંને એકબીજાને સમજવાનો પ્રયાસ કરે એ જ વધુ યોગ્ય ગણાય.
સાસુવહુના સંબંધોને મધુર બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. બેંગલોરની સંસ્થા 'ગિલ્ડ ઓફ વૂમન એચીવર્સ' દ્વારા ૧૯૯૬થી દર વર્ષે ૨૧મી સપ્ટેમ્બરનાં રોજ સંસ્થા તરફથી સર્વશ્રેષ્ઠ સાસુની હરીફાઈ આયોજિત કરવામાં આવે છે. આ દિવસને 'સાસુ દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આ હરીફાઈમાં પુત્રવધૂને એની સાસુનો વ્યવહાર, રહેણીકરણી વગેરે વિશે પ્રશ્નો કરવામાં આવે છે અને વહુ મુક્તમને પોતાની સાસુની પ્રશંસા કરતાં થાકતી નથી. એનાથી એ વાત જાહેર થાય છે કે સાસુવહુના સંબંધોમાં નવો વળાંક આવ્યો છે અને આ સંબંધ લાગણીસભર બની રહ્યો છે.
બદલાતા સમયની સાથે ફિલ્મો અને ટી.વી. સિરિયલોએ પણ સાસુવહુના સંબંધોમાં મીઠાશ લાવવામાં મદદ કરી છે.
પહેલાંની સરખામણીમાં હવે સાસુ અને વહુ બંને એકબીજાને યોગ્ય રીતે સમજવા લાગ્યા છે.
શિક્ષણે પણ આ સંબંધમાં સુધારો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. માત્ર મહાનગરોમાં જ નહીં, પરંતુ નાનાં નાનાં શહેરોમાં પણ મહિલાઓમાં શિક્ષણનો પ્રચારપ્રસાર થયો છે. એનાથી એમની સમજ વધી છે અને વિચારવાની રીત બદલાઈ છે. એની અસર એમના બદલાયેલા વ્યવહારમાં સ્પષ્ટ જણાય છે. તાજેતરમાં ન્યૂયોર્કમાં કરાયેલા એક સર્વેક્ષણ દ્વારા જાણવા મળ્યું છે કે પત્ની પ્રત્યેના પતિના સારાવર્તનનું કારણ એની મમ્મી છે. એ માટે પુત્રવધૂ પોતાની સાસુને આશીર્વાદ આપે છે. પુત્રવધૂ પોતાના આદર્શ પતિ માટે સાસુની નિંદા નથી કરતી, પરંતુ એમનો આદર કરે છે કારણ કે સાસુના કારણે જ એમના પતિ 'આદર્શ' બની શકે છે.
સાસુ હોય કે વહુ, ઘણી મહિલાઓ હવે નોકરી પણ કરવા લાગી છે. આ સ્થિતિમાં પરસ્પરના સહકાર વગર ઘરનું કામકાજ વ્યવસ્થિત નથી ચાલી શકતું. ભલે પછી રસોઈની બાબત હોય કે બાળકોની સંભાળની, ખરીદીની બાબત હોય કે બીમારીની અથવા કોઈ એક વ્યક્તિ બહાર ગઈ હોય ત્યારે બીજી વ્યક્તિએ ઘરની જવાબદારી સંભાળવી જ પડે છે. નવા સામાજિક વાતાવરણમાં સાસુવહુ હવે એકબીજાની સાહેલીઓ બની ગઈ છે અને સાથે હમદર્દ પણ.


