મોન્સૂનની મેક-અપ મૅનર્સ
- કેટલાક પાયાના નિયમોનું પાલન વરસાદમાં ભીંજાયેલા સૌદર્યને પણ ચાર ચાંદ લગાવે
મેક-અપ ખાસ પ્રકારની કલા છે જેની મદદથી સૌદર્યને વધારે નિખાર આપી શકાય છે. જોકે શુષ્ક, સામાન્ય અને તૈલીય એમ દરેક પ્રકારની ત્વચાને જેમ અલગઅલગ પ્રકારના મેક-અપની જરૂર પડે છે એવી જ રીતે ચોમાસા, શિયાળા અને ઉનાળામાં એમ અલગઅલગ ઋતુમાં હવામાનને ધ્યાનમાં રાખીને મેક-અપના પ્રકારની પસંદગી કરવી પડે છે. જો ત્વચાને પ્રકાર અને ઋતુગત આબોહવાને ધ્યાનમાં રાખીને મેક-અપ કરવામાં આવે તો ચોક્કસપણે કોઈપણ ઋતુમાં સૌદર્યને ચાર ચાંદ લગાવી શકાય છે.
હાલમાં ચોમાસાની ઋતુ પુરબહારમાં ચાલી રહી છે ત્યારે આ ઋતુમાં કેવો મેક-અપ કરવો જોઈએ એ જાણવું રસપ્રદ સાબિત થશે. ઋતુચક્રમાં ચોમાસાનું આગમન ઉનાળા પછી થાય છે. ઉનાળામાં ત્વચા બહુ ઝડપથી સુકાઈ જતી હોય છે જેના કારણે ચોમાસા સુધી શરીર પર મૃતકોષોના સ્તરમાં સારો એવો વધારો થઈ ગયો હોય છે. જો આ વધારાના મૃતકોષોને ત્વચા પરથી સારી રીતે દૂર ન કરવામાં આવે તો ખીલ અને ત્વચા કાળી પડવી જેવી સમસ્યા ઉભી થઈ શકે છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આ ભેજના વધારે પ્રમાણને કારણે ખાસ પરસેવો નથી થતો, પણ સાથે સાથે ત્વચામાંથી ભેજનું પ્રમાણ ઘટવાનો દર પણ મંદ પડે છે. આ પરિસ્થિતિમાં ત્વચા નિસ્તેજ અને તૈલીય બની જાય છે. આ સંજોગોમાં ત્વચા પર આઇસપેક લગાવવાથી કે પછી બરફના ટુકડા ઘસવાથી એનું તાપમાન તો સંતુલિત રહે છે, પણ તૈલીય તત્ત્વોનું પ્રમાણ પણ ઘટે છે. ચોમાસા દરમિયાન ત્વચા સતત ભીની અને ભેજવાળી રહેવાને કારણે એને ફુગનો ચેપ લગવાની શક્યતા મહત્તમ બની જાય છે. આ ચેપને કારણે ખંજવાળ આવે છે. આ સંજોગોમાં ત્વચાને સારી રીતે સાફ કરીને અને પછી એને ટુવાલથી કોરી કરીને થોડો પાવડર છાંટવો જોઈએ. ત્વચાને ખુલ્લી હવામાં રાખવાથી પણ આ સમસ્યા પણ ઘણા અંશે કાબૂ મેળવી શકાય છે. ચોમાસા દરમિયાન તડકો ભલે ન હોય, પણ વાતાવરણમાં રહેલા સૂર્યકિરણોમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો તો હોય જ છે. આ કારણે માત્ર ઉનાળામાં જ સનસ્ક્રિન લોશનનો ઉપયોગ કરવાને બદલે ચોમાસામાં પણ ઉંચા એસપીએફવાળા સારી ગુણવત્તાવાળા વોટરપ્રુફ સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવાનું જરૂરી બની જાય છે. આ સનસ્ક્રીન લોશન ચોમાસામાં ત્વચાને ટેનિંગ અને પિગમેન્ટેશનની સમસ્યાથી બચાવે છે.
ચોમાસામાં ત્વચાની જાણવણી કરવાની સાથેસાથે યોગ્ય મેક-અપ કરવા સૌથી પહેલાં ત્વચાને યોગ્ય રીતે સાફ કરવા માટે ક્લિનિંગની પ્રક્રિયા કરવી બહુ જરૂરી બની જાય છે. આ ક્લિનિંગ કરવા માટે તમારી ત્વચા શુષ્ક છે કે તૈલીય એ મુદ્દો ધ્યાનમાં રાખીને ત્વચાને અનુકૂળ હોય એવા ક્લિન્સરની જ પસંદગી કરવી જોઇએ. આ ક્લિન્સર ત્વચા પર લાગેલો પરસેવો, ધુળ અને મેક-અપના કણોને દૂર કરે છે. ક્રીમ અને દૂધ આધારિત ક્લિન્સર તો ત્વચાને શુષ્ક થતી પણ અટકાવે છે. સારું ક્લિન્સર ત્વચા પરના વધારે પડતા તેલને દૂર કરીને એના પર નિયંત્રણ રાખે છે. સારું ક્લિન્સર ત્વચા પરની અશુદ્ધિને દૂર કરીને એના જરૂરી કુદરતી તત્ત્વોનું સંતુલન જાળવી રાખે છે.
ત્વચાની યોગ્ય જાળવણી કરવા માટે એની પર રહેલાં મૃતકોષોનોે દૂર કરવા બહુ જરૂરી છે. આ મૃતકોષોને દૂર કરવા માટે ચહેરાની ત્વચાને અઠવાડિયામાં એક વખત સારા સ્ક્રબથી સાફ કરવી જોઈએ. નિયમિત સ્ક્રબિંગ કરવાથી મૃતકોષો દૂર થઈ જાય છે. જોકે વારંવાર સ્ક્રબિંગ કરવાથી નાજુક ત્વચાને બહુ નુકસાન થાય છે અને એના પર પર્યાવરણના પ્રદૂષણની ભારે આડઅસર થાય છે. સ્ક્રબિંગ પછી ટોનિંગ કરવાથી ત્વચા વધારે તંદુરસ્ત અને સ્વસ્થ બને છે. ટોનિંગ માટે આલ્કોહોલ ન હોય એવું ટોનર વાપરવાથી ત્વચા પર રહેલા મેક-અપના અંશો તેમજ વધારાનું તેલ સરળતાથી દૂર થઈ શકે છે અને ત્વચા વધારે પડતી શુષ્ક નથી થઈ જતી. આલ્કોહોલના અંશવાળું ટોનર વાપરવાથી ત્વચાની શુષ્કતાની સમસ્યા સતાવે છે. ટોનર લગાવાથી ત્વચાના છિદ્રો સંકોચાય છે અને ત્વચા વધારે સ્વસ્થ તથા યુવાન લાગે છે.
આ તમામ પ્રક્રિયાઓ કર્યા પછી ત્વચા પર સારું મોઇશ્ચરાઇઝર લગાવવું બહુ જરૂરી છે. ક્લિન્સિંગથી ત્વચાનું કુદરતી તેલ દૂર થાય છે, સ્ક્રબિંગથી ત્વચાનું નવું સ્તર વાતાવરણના સંપર્કમાં આવે છે જ્યારે ટોનરથી ત્વચા થોડી શુષ્ક બને છે. આ કારણોસર આ તમામ પ્રક્રિયા કર્યા બાદ ત્વચા પર સારું મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે. સારું મોઇશ્ચરાઇઝર ત્વચા પર ચાદર જેવું કામ કરીને એને સંપૂર્ણ સુરક્ષા આપે છે. મોઇશ્ચરાઇઝર ચોમાસામાં ત્વચાની સુરક્ષા છત્રી જેવું સાબિત થાય છે. તે ત્વચાને વાતાવરણના પ્રદૂષણ અને હાનિકારક અસરથી બચાવે છે અને એને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ચોમાસા ત્વચાને સ્વસ્થ રાખવા માટે આટલું કર્યા પછી યોગ્ય રીતે મેક-અપ કરવાની કલા પણ સુંદર દેખાવા માટે બહુ જરૂરી છે. ચોેમાસામાં વધારે પડતો ભડક મેક-અપ કરવાને બદલે કુદરતી લુક આપતો મેક-અપ સૌદર્યને વધારે નેસર્ગિક બનાવે છે. ચોમાસામાં હંમેશા સારી ગુણવત્તાવાળો વોટરપ્રુફ મેક-અપ જ કરવો જોઈએ કારણ કે આવો મેક-અપ રેલાઈ જતો નથી અને જો કદાચ થોડા વરસાદમાં ભીંજાવું પડે તો એ ધોવાઈ જતો નથી. મેક-અપ કરવાની શરૂઆત કરતી વખતે ચહેરા પર બરફનો ટુકડો ઘસવો જોઈએ. આમ કરવાથી પરસેવો થવાનો દર ઘટે છે અને પરિણામે મેક-અપ લાંબો સમય ટકી શકે છે.
મેક-અપ કરતી વખતે શરૂઆમાં ચહેરા પર સિલીકોનના બેઝવાળું વોટરપ્રુફ ફાઉન્ડેશન લગાવવું જોઈએ. આ ફાઉન્ડેશનનો રંગ ત્વચાના રંગ સાથે મેળ ખાતો હોવો જોઈએ જેથી એ સરળતાથી ત્વચા સાથે એકરૂપ થઈ જાય. ચોમાસામાં કન્સીલરનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુુધી ટાળવો જોઈએ કારણ કે એ ફાઉન્ડેશન કરતા ગાઢ હોય છે જેના કારણે ધાબા પડવાની શક્યતા વધી જાય છે. ફાઉન્ડેશન લગાવ્યા બાદ લુઝ પાઉડરથી ટચ-અપ કરવાથી બેઝ વધારે મજબૂત બની જાય છે અને પરિણામે મેક-અપ લાંબા સમય સુધી ટકી શકે છે. ત્યારબાદ ગાલ પર નેચરલ કલરનું બ્લશ લગાવવાથી એ ત્વચાના રંગ મેચ થઈને ગાલને કુદરતી આભા આપે છે. હાલમાં વેલ્વેટી પીચ, પાઉડરી રોઝ, પેશન રેડ અને બીજા ઘણાં શેડમાં આ બ્લશ ઉપલબ્ધ છે.
આંખનો મેક-અપ કરવા માટે ચોમાસામાં હંમેશા વોટરપ્રુફ આઇલાઇનર અને પારદર્શક વોટરપ્રુફ મસ્કારનો ઉપયોગ આંખના સૌદર્યને અનેકગણું વધારી દે છે. આ લુક આંખને અનોખો લુક તો આપે જ છે, પણ કલાકો સુધી ટકી પણ રહે છે. જો જરૂર લાગે તો સારી કંપનીના વોટરપ્રુફ કાજલ અને આઇશેડોનો પણ ઉપયોગ કરી શકાય છે. હાલમાં બજારમાં લિપસ્ટિકના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પણ ચોમાસામાં ગ્લોસી એટલે કે ચમકદાર કરતા મેટ ફિનીશની અથવા તો ન્યુડ રંગની લિપસ્ટિક માનુનીઓને વધારે સારી લાગતી હોવાના કારણે એની માગ વધારે રહે છે. વોટર પ્રુફ અને કિસ-પ્રુફ લિપસ્ટિકની સાથેસાથે અને મેળ ખાતા રંગનું વોટરપ્રુફ લિપ લાઇનર હોઠને ચહેરાનું સૌથી આકર્ષક અંગ બનાવી દે છે.
ચોમાસા દરમિયાન આ વોટરપ્રુફ મેક-અપ આખો દિવસ યુવતીને સુંદર દેખાડે છે, પણ રાત્રે સુતા પહેલાં આ મેક-અપને યોગ્ય રીતે કાઢવાનું પણ એટલું જ જરૂરી છે. આ વોટરપ્રુફ મેક-અપ કાઢવાનું કામ સામાન્ય મેક-અપ કાઢવા કરતા થોડું મુશ્કેલ હોય છે, પણ યોગ્ય મેક-અપ રિમુવરની મદદથી એને સરળતાથી કરી શકાય છે. આ મેક-અપ રિમુવર સોપ બેઝડ એટલે કે આલ્કલીય હોય છે જે પાઉડર આધારિત મેક-અપને દૂર કરવાની સાથેસાથે તૈલીય મેક-અપના સ્તરને પણ સરળતાથી દૂર કરે છે અને ત્વચાના ઉપલા સ્તરને નુકસાન ન પહોંચે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે.
- અદિતી