Get The App

મોનસુન મસ્તી...વરસાદમાં પણ ફેશન તો ખરી જ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
મોનસુન મસ્તી...વરસાદમાં પણ ફેશન તો ખરી જ 1 - image


ચોમાસુ આવે એટલે ફેશનેબલ માનુનીઓને સૌથી મોટી એ સમસ્યા સતાવે કે પહેરવું શું? સામાન્ય યુવતીઓને પણ આ પ્રશ્ન સતાવે તો ખરો જ, પણ તેઓ ભીંજાયા પછી પણ ઝટપટ સુકાઈ જાય એવા પંજાબીસુટ ઈત્યાદિ પહેરીને કામ ચલાવી લે. જ્યારે ફેશનેબલ યુવતીને એમ થાય કે ભરવરસાદમાં મારો મેક્સીડ્રેસ કે ડેનિમ શી રીતે પહેરું. મેક્સીડ્રેસ પહેરીને વરસતા વરસાદમાં ઘરથી બહાર નીકળવાનો તો પ્રશ્ન જ ન આવે. પણ ડેનિમ ભીંજાય જાય તો સુકાય ક્યારે? અને આખો દિવસ પલળેલી ડેનિમ પહેરીને ઓફિસમાં બેસવું શી રીતે? ખેર, આવી રમણીઓની સમસ્યાનું સમાધાન કરે છે ફેશન ડિઝાઈનરો. તેઓ કહે છે...,

એ સમય ગયો જ્યારે યુવતીઓ ચોમાસાને કારણે પોતાના ફેશનેબલ વસ્ત્રો સાથે બાંધછોડ કરતી હતી. હવે તેઓ આ સીઝનમાં ક્રોપ્ડ પેન્ટ પહેરવા લાગી છે. આવી પેન્ટને વર્ષાઋતુમાં હાઈ-વોટર પેન્ટના નામે ઓળખવામાં આવે છે. તેઓ વધુમાં કહે છે કે દેશનું ભાગ્યે જ એવું કોઈ શહેર હશે જ્યાં આ વર્ષે ધોધમાર વરસાદમાં રસ્તાઓ પર પાણી નહીં ભરાયા હોય. આવી સ્થિતિમાં ઘૂંટી કે ઘૂંટણ સમાણા પાણીમાં કોઈ સાડી, મેક્સીડ્રેસ, મિડી કે અન્ય ખુલતો પોશાક પહેરીને શી રીતે ચાલી શકે? જો રસ્તા પર ભરેલા પાણીમાંથી ચાલવાની નોબત આવે તો ક્રોપ્ડ પેન્ટ સૌથી વધુ સુવિધાજનક બની રહે. આ કારણે તેને હાઈ-વોટર પેન્ટ નામ આપવામાં આવ્યું છે. એવી પેન્ટ સાથે વોટર-પ્રૂફ સ્નીકર્સ પહેલી લો. આ પેન્ટ પર તમે તમારું ગમતું ટી-શર્ટ કે શર્ટ પહેરી શકો.

સામાન્ય રીતે આપણે હળવા રંગના વસ્ત્રો ઊનાળાની સીઝનમાં પહેરીએ છીએ. અને તેનું કારણ છે ગરમી અને હવામાં રહેલા ભેજને કારણે થતી અકળામણ. પરંતુ આપણે ચોમાસામાં લાઈટ કલરના વસ્ત્રો પહેરવાનું ટાળીએ છીએ. જોકે ફેશન ડિઝાઈનરો કહે છે કે ચોમાસામાં પણ હવામાં ભેજનું પ્રમાણ ઊંચુ હોય છે. પરિણામે ઘેરા રંગના વસ્ત્રોમાં અકળામણ થાય છે. તેથી જેમને આવી તકલીફ થતી હોય તે હળવા રંગના વસ્ત્રો અચૂક પહેરી શકે. વળી જો એ ફેબ્રિક પણ હળવું હોય તો વરસાદમાં પલળ્યા પછી ઝટપટ સુકાઈ જાય. જોકે ચોમાસામાં લાઈનિંગવાળા પોશાક પહેરવાનું ટાળવું. અને હળવા ફેબ્રિકના વસ્ત્રો ઘેરી પ્રિન્ટના લેવા. આમ કરવાથી તે વરસાદમાં ભીંજાશે તોય તમારા અંગો તેમાંથી ઝટ નજરે નહીં પડે.

જો તમે વરસતા વરસાદમાં પિકનિકની મઝા માણવા જઈ રહ્યાં છો તો તમારા માટે શોર્ટ્સથી શ્રેષ્ઠ પરિધાન બીજું કયું હોઈ શકે. શોર્ટ્સ સાથે ટી-શર્ટ અથવા ખુલતું ટોપ પહેરો. પગમાં ગમબૂટ પહેરો. મહિલાઓ માટે બજારમાં રંગબેરંગી તેમ જ પ્રિન્ટેડ ગમબૂટ મળે છે. આ ગમબૂટ પ્લાસ્ટિક, પરપેક્સ અને પેટન્ટ લેધરમાંથી બનાવવામાં આવતાં હોવાથી તમારા પગ પાણી ભરેલા ખાડાં કે કાદવ-કીચડમાં પડે તોય તે ચોક્ખા રહે છે.  જોકે બધી પામેલાઓને ગમબૂટ પહેરવાનું ફાવે એ જરૂરી નથી. જેમને આવા ઢીંચણ સુધી આવતા જૂતાં પહેરવાનું ન ફાવે તે ક્રોક્સ, રેઈનબૂટ્સ કે ફ્લીપફ્લોપ પહેરી શકે. આવા પગરખાં પણ શોર્ટ્સ સાથે સરસ લાગે છે.

જે છોકરીઓને શોર્ટ્સ પહેરતા સંકોચ થતો હોય તે ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતી પેન્ટ પણ પહેરી શકે. જોકે આવી પેન્ટ સાથે ગમબૂટ ખાસ નથી જચતા.

મોટાભાગના મહાનગરોમાં પ્રદૂષણને કારણે વરસાદ બંધ થાય કે તરત ગરમી પડવાનું શરૂ થઈ જાય છે. બે-ચાર કલાક કે બે-ચાર દિવસ સુધી પણ વરસાદ ન પડે તો એમ લાગે જાણે ગ્રીષ્મ ઋતુ પરત ફરી છે. ટૂંકમાં આ મોસમ દરમિયાન થોડાં થોડાં સમયમાં ટાઢક અને ગરમી વારાફરતી આવ-જા કરતા હોય એવો સિનારિયો જોવા મળે છે. તેથી જેમને માટે ગરમી-ભેજ સહન કરવાનું કપરું હોય તેમણે કોટન અને સિન્થેટિક મિક્સ હોય  એવા ફેબિકના કપડાં પહેરવા. જ્યારે જેમનાથી ટાઢ ન સહેવાતી હોય તેમણે પોતાની સાથે હળવા વજનનું જેકેટ રાખવું.

ફેશન ડિઝાઈનરો ઉમેરે છે કે હવે તો બજારમાં વોટરપ્રૂફ ડેનિમ પણ મળે છે. વોટરપ્રૂફ ફેબ્રિકમાં 'ડયુરેબલ વોટર રેપેલન્ટ' (ડીડબલ્યુઆર) કોટિંગ હોય છે. ટૂંકમાં ચોમાસામાં પણ તમે અન્ય ઋતુઓની જેમ મનગમતી ફેશન કરી શકો છો.

Tags :