આધુનિકાઓ મહેંદી મૂકાવતા અડધો દિવસ નહીં, માત્ર અડધો કલાક આપે છે
- મહેંદીમાં મિનિમલ ડિઝાઈનનો ટ્રેન્ડ
તહેવારો અને લગ્નસરામાં મહેંદી લગાવવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ખિલે છે. આ સમય દરમિયાન મહેંદી આર્ટિસ્ટોની બોલબાલા વધી પડે છે. તેઓ પોતાના ક્લાયન્ટ પાસે અવનવી ડિઝાઈનોના આલબમ સાથે પહોંચી જાય છે અને તેમની પસંદગી તેમ જ બજેટ મુજબ મહેંદી મૂકી આપે છે. નવવધૂઓ તો આંગળીઓના વેઢાંથી લઈને કોણી સુધી અને પગમાં પણ છેક ઢીંચણ લગી મહેંદી મૂકાવડાવે છે. આ મહેંદીની ડિઝાઈન વચ્ચે તેમના ભાવિ પતિનું નામ એવી રીતે મૂકવામાં આવે છે કે તે ઝટ નજરે નથી ચડતું. પરંતુ બદલાતા સમય સાથે મહેંદીની ડિઝાઈનમાં પણ પરિવર્તન આવ્યું છે. આજની તારીખમાં યુવતીઓ હળવી ડિઝાઈનની મહેંદી મૂકાવવાનું પસંદ કરે છે. ભરચક ડિઝાઈનની મહેંદી મૂકાવવાનો ટ્રેન્ડ હવે પુરાણો થતો જાય છે.
વાસ્તવમાં આવું થવાનું મુખ્ય કારણ છે સમયની બચત. આજની તારીખમાં લગભગ બધી જ સેલિબ્રિટીઓ મહેંદી માટે હળવી ડિઝાઈન પસંદ કરે છે. ચાહે તે બૉલીવૂડ અભિનેત્રીઓ કેમ ન હોય. આલિયા ભટ્ટથી લઈને કિયારા અડવાણી અને તાજેતરમાં પરિણીતી ચોપરાએ પણ પોતાના વિવાહ વખતે હળવી ડિઝાઈનની મહેંદી મૂકાવી હતી. મહેંદી આર્ટિસ્ટો કહે છે કે હવે સામાન્ય યુવતીઓ પણ છૂટીછવાઈ ડિઝાઈનની મહેંદી મૂકાવવાનો આગ્રહ રાખે છે. વાસ્તવમાં આપણે ત્યાં હિન્દી ફિલ્મોની અભિનેત્રીઓ જે કરે તે કરવાની પરંપરા હમેશાંથી ચાલી આવે છે. હિન્દી ફિલ્મોની જાણીતી અદાકારાઓ જે ફેશન અપનાવે તે ટ્રેન્ડ બની જાય છે. ચાહે તે મહેંદીની ડિઝાઈન હોય કે વસ્ત્રાભૂષણો. આવી સ્થિતિમાં જો બૉલીવૂડની ટોચની અદાકારાઓ મહેંદી લગાવવા પાછળ નાણાં અને સમય ન વેડફતી હોય તો સામાન્ય યુવતીઓને પણ પૈસા બચાવવાની ચાનક ચડે છે. હા, તેમની હથેળીમાં મૂકવામાં આવતી મહેંદીની ડિઝાઈન વચ્ચે પતિના નામનો પહેલો અક્ષર અચૂક મૂકવામાં આવે છે. અને તે પણ ડિઝાઈનની વચ્ચેથી શોધવો પડે એ રીતે. મહત્વની વાત એ છે કે માનુનીઓ સોશ્યલ મીડિયા પર ફોટા મૂકવા માટે પણ બૉલીવૂડની અદાકારાઓને અનુસરે છે.
મહેંદી આર્ટિસ્ટો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી મહેંદીમાં જાળી, ઝૂમર અને વેલની ડિઝાઈન વધુ પસંદ કરવામાં આવી રહી છે. જાળી ધરાવતી ડિઝાઈનમાં ઘણી પેટર્ન બનાવી શકાય છે. તેવી જ રીતે હથેળી તરફ બ્રેસલેટ સ્ટાઈલ પણ નોખો દેખાવ આપે છે. જો તમે જાળી, ફૂલ-પાન, ગોળાકાર સિવાય કાંઈક નવું કરવા માગતા હો તો ઝૂમર ડિઝાઈન પર પસંદગી ઉતારો. આને માટે મહેંદીની કટઆઉટ ડિઝાઈન બનાવ્યા પછી સાઈડ પર બેથી ત્રણ ઝૂમર બનાવી શકાય. તેવી જ રીતે વેલની ડિઝાઈનમાં એક જ આંગળી પર વેલ બનાવવામાં આવે છે જેથી તે ધ્યાનાકર્ષક બની રહે. તદુપરાંત હથેળીના પાછળના ભાગમાં ગોળાકાર બનાવીને તેની અંદર-બહાર બોર્ડરની જેમ સુંદર ડિઝાઈન બનાવવામાં આવે તોય તે આકર્ષક લાગે છે. આ પ્રકારની ડિઝાઈનને મંડલા આર્ટ કહેવામાં આવે છે. આ પેટર્નમાં ઘણાં ગોળાકાર બનાવીને તેની વચ્ચેના હિસ્સામાં ડિઝાઈન ચિતરવામાં આવે છે. નવવધૂઓ આવા ગોળાકાર વચ્ચે વરમાળા કે અલંકારોની ડિઝાઈન ચિતરાવવાનું પસંદ કરે છે. આ પેટર્નમાં ડૉટ્સ મૂકીને એક આખી સાંકળ બનાવવામાં આવે છે.
મિનિમલ ડિઝાઈનનો સૌથી મોટો ફાયદો છે સમયની બચત. જે તે યુવતી અડધા કલાકની અંદર પોતાની હથેળીઓ પર મહેંદી મૂકાવીને નવરી પડી જઈ શકે છે. આજની તારીખમાં જ્યાં યુવતીઓ વિવાહના બે-ચાર દિવસ પહેલા પણ નોકરીએ જવાનું જારી રાખતી હોય ત્યાં તેમને આખો દિવસ બેઠાં બેઠાં મહેંદી મૂકાવવાનું ક્યાંથી પોસાય? વળી હવે માનુનીઓમાં એટલી ધીરજ પણ નથી રહી કે મહેંદી લગાવવા આખો દિવસ બેસી રહે.
કેટલીક પામેલાઓને મહેંદીને કારણે ત્વચા પર ખંજવાળ આવવાની ભીતિ પણ રહે છે. જોકે સામાન્ય રીતે મહેંદીની ગુણવત્તા ઉતરતી હોય તો જ આવું થવાની શક્યતા રહે છે. બહેતર છે કે મહેંદી મૂકાવવાથી પહેલા પેચ ટેસ્ટ કરી લેવામાં આવે. આને માટે હથેળી પર થોડાં ડોટ્સ બનાવીને પણ ચકાસી શકાય. જો ચામડી પર ખંજવાળ ન આવે તો નચિંત બનીને મનગમતી ડિઝાઈન બનાવડાવી શકાય.
- વૈશાલી ઠક્કર