આજના રોકેટ યુગમાં બાળ ઉછેરની જવાબદારીએ નવું પરિમાણ ધારણ કર્યું છે. બાળકોને સહાનુભૂતિ સાથે ઉછેરવાના પડકારો અને આધુનિક જીવન શૈલીનીને અનુરૂપ થવા માટે પેરેંટિંગ કોચની માંગમાં વધારો થયો છે. આ કોચ બાળ ઉછેર વિશે વધુ સહાનુભૂતિપૂર્વક અભિગમ ઈચ્છતા વાલીઓને ક્રોધાવેશથી લઈને સાસરિયાઓ સાથેના સંઘર્ષ જેવી તમામ બાબતોના સંચાલન માટે ઉપાયો અને વ્યૂહરચના સૂચવનારા માર્ગદર્શક તરીકે ઊભરી આવ્યા છે.
બાળ ઉછેર પદ્ધતિમાં મૂળભૂત ફેરફાર
જેમ સમાજ બદલાય છે અને વિકસે છે અને જટિલતાઓ વધતી જાય છે, તેમ નવી પેઢીના વાલીઓ બાળ ઉછેરની ગૂંચવણો સાથે ઝઝૂમતા દેખાય છે. આધુનિક જીવનની ધમાલ વચ્ચે વાલીઓ હવે માત્ર પરંપરાગત પદ્ધતિઓ પર જ મદાર નથી રાખતા. એના સ્થાને તેઓ તેમના બાળકોના ઉછેરમાં માર્ગદર્શન માટે વ્યાવસાયિક સલાહકારો તરફ વળ્યા છે. આ નવા અભિગમે વધુ અસરકારક રીતે પડકારોનો સામનો કરવાના ઉપાયો વાલીઓને સૂચવી શકે એવા કોચના એક નવા વર્ગ માટે માર્ગ મોકળો થયો છે.
બદલાતા સમયમાં સંઘર્ષ
હૈદરાબાદની ૨૩ વર્ષે માતા બનેલી એક એન્જિનીયર યુવતિનો કિસ્સો જાણીએ. વ્યાવસાયિક કારકિર્દી અને નવા જ અભિગમ સાથે બાળક ઉછેરવાની તેની ઈચ્છા વચ્ચે આ યુવતિ માટે બાળ ઉછેરની જવાબદારી પડકારજનક કાર્ય બની રહ્યું હતું. તેની પુત્રી શિશુથી બાળકી બનતા તેની જીદનું પ્રમાણ પણ વધતું ગયું.
એવી જ રીતે મુંબઈ સ્થિત સરકારી નોકરી કરતી યુવતિને માતૃત્વની જવાબદારી અને તેના ફુલ-ટાઈમ નોકરી વચ્ચે સંતુલન જાળવવુ અઘરુ પડી રહ્યું હતું. તેને ઘણી વાર થાક અને અપરાધની લાગણી પણ થતી હતી. આવા કિસ્સા દર્શાવે છે કે આધુનિક વાલીઓએ કામ, વ્યક્તિગત જીવન અને અસરકારક બાળ ઉછેર વચ્ચે સંતુલન જાળવવા કેવો સંઘર્ષ કરવો પડે છે.
કોચિંગ દ્વારા પરિવર્તન
અસરકારક ઉપાયોની શોધમાં આવા વાલીઓ માર્ગદર્શન માટે કોચિંગ તરફ વળે છે. બાળ ઉછેરના કોચ વાલીઓને શાંત રહેવાના અને સંતાનો માટે હદ નક્કી કરવા જેવા વિષયો વિશે વર્કશોપ અને વ્યક્તિગત સત્રો ઓફર કરે છે.
આ ઈન્ટરએક્શનો દ્વારા વાલીઓ સંતાનોના વર્તનને સુધારવા અગાઉ પોતાની લાગણીઓને કાબુમાં રાખવાનું, સમજદારી વધારવાનું અને સહાનુભૂતિપૂર્વક વર્તન કરવાનું શીખે છે. આ નવો અભિગમ વાલીઓને તેમના સંતાનોની જીદ સામે ઝૂકી જવાના સ્થાને ધૈર્ય અને કરૂણાથી તેનો સામનો કરતા શીખવે છે. કેટલાક કિસ્સામાં તો આવા માતા-પિતા પછી પોતે જ બાળ ઉછેર કોચ બની ગયા હોવાનું જણાયું છે.
આજના યુગના માતાપિતા માટે આવું કોચિંગ પરિવર્તનકારી સાબિત થઈ રહ્યું છે. આવા કિસ્સા દર્શાવે છે કે કેવી રીતે વાલીઓ બાળ ઉછેરના કોચિંગને માત્ર તાત્કાલિક પડકારોનો સામનો કરવા માટે જ નહિ પણ તેમના મૂલ્યો સાથે સુસંગત હોય તેવી નવી કારકિર્દી બનાવવા પણ ઉપયોગ કરે છે.
બાળ ઉછેર કોચિંગનો ઉદ્ભવ
બાળ ઉછેર કોચ વિશિષ્ટ પ્રકારના સલાહકાર વ્યાવસાયિકો તરીકે ઊભરી રહ્યા છે જેઓ આધુનિક વાલીઓની વિશિષ્ટ જરૂરીયાત પૂરી પાડે છે. મનોચિકિત્સકો અથવા મનોવૈજ્ઞાનિકોથી વિપરીત બાળ ઉછેર કોચને કોઈ ઔપચારિક ડીગ્રીની જરૂર નથી રહેતી. તેઓ બાળ ઉછેર સંબંધિત વિવિધ સમસ્યાઓનો સામનો કરતા વાલીઓને માત્ર માર્ગદર્શન આપે છે. જો કે તેઓને પોતાની મર્યાદા વિશે સ્પષ્ટ જાણકારી છે. તેઓ તણાવ અથવા હતાશા જેવી તબીબી બાબતો વિશે કોઈ થેરપી નથી આપતા.
એક બાળ ઉછેર કોચે જણાવ્યું કે તેમનું કામ વાલીઓને રોજબરોજની બાળ ઉછેર વિશેની સમસ્યા વિશે સલાહ આપવાનું છે.
વાલીઓના કાર્યક્ષેત્રનો બદલાતો વ્યાપ
માહિતી તંત્રજ્ઞાનના યુગે બાળ ઉછેરની પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવ્યા છે અને સલાહ તેમજ મંતવ્યોનો પટારો ખોલી નાખ્યો છે. આ માહિતીની સુલભતા સશક્ત કરનારી જરૂર છે, પણ તેનાથી મંતવ્યોમાં વિવિધતાને કારણે વિસંગતી પણ સર્જાય છે.
સોશિયલ મીડિયા મંચો સ્તનપાનથી લઈને સ્ક્રીન ટાઈમ જેવા મુદ્દા પર વિવિધ અભિપ્રાયોનું મિશ્રણ રજૂ કરે છે. બાળ વિશેષજ્ઞાો આવા શોર વચ્ચે વિશ્વનીય સ્રોતોને પારખવાના મહત્વ પર ભાર મુકે છે અને જણાવે છે કે બાળ ઉછેર અજમાયશ અને ભૂલની સફર છે જેમાં તમામના વ્યક્તિગત અનુભવો ભિન્ન હોય છે.
પેઢીઓમાં તફાવત અને નવો બાળ ઉછેર અભિગમ
બાળઉછેરની બાબતમાં આવેલા પરિવર્તનને કારણે પરંપરાગત અને આધુનિક અભિગમ વચ્ચે તણાવ સર્જાયો છે. હવે 'સેન્ડવિચ જનરેશન' તરીકે ઓળખાતું તત્વ ઊભરી આવ્યું છે જેમાં વાલીઓ તેમના પોતાના માતાપિતાની પદ્ધતિ અને સમકાલીન વૈશ્વિક ટ્રેન્ડ વચ્ચે સપડાઈ ગયા છે.
મુંબઈ સ્થિત બાળ ઉછેર કોચ અનુસાર વૈશ્વિક ટ્રેન્ડ વિશે આસાનીથી મળતી માહિતીને કારણે સ્થાપિત પ્રથા અને નવીનતમ અભિગમો વચ્ચે સંઘર્ષ સર્જાયો છે. આ ફેરફાર પોતાના માતાપિતાએ ન આપ્યું હોય તેવું બાળપણ પોતાના બાળકોને આપવાની ઈચ્છામાંથી સર્જાયો છે.
વિવિધ પેઢીઓ વચ્ચેના સંઘર્ષ વચ્ચેથી માર્ગ કાઢવો
વાલીઓ સામે સામાન્યપણે પોતાના બાળ ઉછેર મૂલ્યોનો નવા મૂલ્યો સાથે સમન્વય કરવાનો પડકાર રહેલો હોય છે. કેટલાક વાલીઓ તેમના પરિવારો સાથે વાત કરીને આમાંથી માર્ગ કાઢી લે છે. આ બાબતમાં દાદા-દાદી અથવા નાના-નાનીની ભૂમિકા મહત્વની છે. તેઓ ઘણીવાર પોતાના પૌત્રો-પૌત્રીઓને વધુ પડતા લાડ લડાવીને વંઠાવી નાખતા હોય છે અથવા જીદ્દી બનાવી નાખતા હોય છે. બાળ ઉછેરના કોચ ઘણી વાર આ સમસ્યા વિશે પણ સૂચન કરે છે જેમાં બંને પક્ષોને ખુલ્લા મનથી ચર્ચા કરીને સમજદારી જાળવવા અને બાળકો માટે એક હદ નક્કી કરવાના મહત્વ વિશે સમજાવવામાં આવે છે.
બાળ ઉછેર કોચિંગમાં દાદા-દાદીની ભૂમિકા
પેઢીઓ વચ્ચેનો તફાવત ઓછો કરવા તેમજ સમજદારી વધારવા દાદા-દાદીને સાંકળવા લાભદાયી સાબિત થયું છે. બાળ ઉછેર કોચ વ્યક્તિગત જીવનની વાસ્તવિકતા સાથે બાળ ઉછેરના નિર્ણયોના મહત્વ પર ભાર મુકે છે.
દાદા-દાદીને ચર્ચામાં સામેલ કરીને અને તેમના પરિપેક્ષ્યને જાણીને વાલીઓ સમાનતા શોધીને સંભવિત સંઘર્ષો ઓછા કરી શકે છે. બાળરોગ નિષ્ણાંતો તો ઘણીવાર દાદા-દાદીને સમકાલીન બાળ ઉછેર પદ્ધતિથી વાકેફ કરવા તેમના દવાખાનામાં બોલાવે છે.
સંતુલિત અભિગમ
આધુનિક બાળ ઉછેરની સફર બદલાતા સામાજિક ધોરણો વચ્ચે સંતુલન જાળવવાની સતત શોધ બની રહી છે. વાલીઓ સામે નિત નવા પડકારો આવતા રહે છે ત્યારે તેમને સહાનુભૂતિ પ્રેરિત અને અસરકારક બાળ ઉછેર તરફ માર્ગદર્શન આપવામાં બાળ ઉછેર કોચની ભૂમિકા મહત્વની બની રહે છે. વર્કશોપ, વ્યક્તિગત સત્ર અને સમાન અનુભવો દ્વારા વાલીઓને વધુ આત્મવિશ્વાસ અને મક્કમતાથી બાળ ઉછેરની જટિલતાઓનો સામનો કરવા સશક્ત કરવામાં આવે છે.
અંતે એમ કહી શકાય કે બાળ ઉછેર કોચોનો ઉદ્ભવ આધુનિક વાલીઓનો બાળ ઉછેર પરત્વેનો અભિગમ કેવો પરિવર્તિત થયો છે તે દર્શાવે છે. જેમ જેમ બાળ ઉછેરના પડકારો અને માગણીઓ બદલાતા જાય છે, તેમ તેમ આ કોચ સહાયકની ભૂમિકા નિભાવે છે અને વાલીઓને બાળ ઉછેરની સમસ્યાઓનો કરૂણા અને સહાનુભૂતિથી સામનો કરતા શીખવે છે. સમાન અનુભવો અને નિષ્ણાંત માર્ગદર્શન દ્વારા વાલીઓને તેમની જવાબદારી નિભાવવામાં અને સમજવામાં સહાય મળી રહી છે.
- ઉમેશ ઠક્કર


