Get The App

કુંવારીકાઓને લપેટમાં લેતી આધુનિક ફેશન

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
કુંવારીકાઓને લપેટમાં લેતી આધુનિક ફેશન 1 - image

પેઢી બદલાય છે તેમ ફેશન પણ બદલાતી રહે છે. ફેશનનું ચક્ર સદીઓથી ચાલતું આવ્યું છે અને ભવિષ્યમાં  પણ એની ઘેલછા ઓછી થવાની શક્યતા નથી. ફેશનનું ભૂત એવું જક્કી છે કે એકવાર મગજમાં ઘૂસી ગયું પછી તેને બહાર કાઢવું મુશ્કેલ છે. અને આમ પણ ફેશન યુવા પેઢીનો  પર્યાય છે. અને યુવા પેઢીને ફેશન કરતા કોઈ રોકી શકે તેમ નથી. જૂની પેઢી બબડયા કરે છે અને ફેશન પરસ્તો આંખ આડા કાન કરી પોતાનું ધાર્યું કરતા જાય છે.

કેટલાક દાયકાઓ પૂર્વે એક ફિલ્મમાં મનોજ કુમારના એક તારાએ ફેશનનું ભવિષ્ય ભાખ્યું હતું. 'યે ફેશન જૈસે બઢતા ગયા, યે કપડા તન સે ઘટતા ગયા. ચોલે કી બની હૈ ચોલી અભી, ચોલીકા આગે ક્યા હોગા. એક તારા બોલે...' કાંઈક આવી જ ગીતની પંક્તિઓ હતી.  વિસ્મૃતિને કારણે પંક્તિઓ ટાંકવામાં ભૂલ થઈ હોવાની શક્યતા છે પરંતુ કહેવાનો મતલબ એ છે કે એકતારાની આ ભવિષ્યવાણી આજે સાચી પડી છે. આજે બદન પરથી કપડાં ઘટતા ગયા છે. ટેક્સટાઈલ મિલો બંધ થવા માંડી છે એ વાતનું આ કારણે આશ્ચર્ય થતું નથી. અગાઉ એક ચોળી બનાવવામાં એકાદ મીટર જેટલું કપડું આસાનીથી વપરાઈ જતું હતું જ્યારે આજે એક મોટા નેપકિન  જેટલા કપડામાં એક તંગ ચોળી આસાનીથી બની જાય છે. અંગ પ્રદર્શન આજે સામાન્ય બની ગયું છે. ફેશનનો આ વાયરો  ગોરા લોકોના મલક તરફથી ફૂંકાયો છે.

વિદેશમાં તો આજે ૧૨-૧૩ વર્ષની કુમારિકાઓ ટૂંકુ ટોપ અને નાભિથી ઘણું નીચું જીન્સ પહેરલ ફરતી જોવા મળ ેછે. મોજા કરતા જરા પહોળા એવા કેમિસોલ્સનું વર્ચસ્વ દિવસને દિવસે વધતુ જાય છે. હા, એમ્પાયર  વેઈસ્ટ અને સ્પેગીટી સ્ટ્રેસવાળા સુતરાઉ ટૂંકા વસ્ત્રો પહેરેલી કિશોરીઓ પણ હજારોની સંખ્યામાં  જોવા મળે છે. જો કે આપણા દેશની યુવતીઓ પણ આ બાબતે પાછી પડી તેમ નથી.

સ્પેગેટી સ્ટ્રેપ્સ પર બ્રા પહેરવી કે ન પહેરવી અને પહેરવી તો કેવી પહેરવી જેને કારણે ઉરોજોનું આકર્ષણ વધે? આવા પ્રશ્નોની ચર્ચા વિદેશના ટીન એજર્સમાં સામાન્ય છે. આજે સ્કૂલમાં ભણતી છોકરીઓ પણ તેમના ઉરોજ, નાભિ અને નિતંબનું પ્રદર્શન કરતી ફરે છે. માતા-પિતા તેમ જ શિક્ષકોની ફરિયાદ ધ્યાનમાં રાખીને અમેરિકાની કેટલીક સ્કૂલોમાં તો આવા વસ્ત્રો પહેરીને સ્કૂલમાં આવવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.

આમ છતાં પણ આ ફેશન ઓછી થવાને બદલે વધતી જાય છે. હવે તો આપણા દેશ સુધી પણ આ ફેશન બદલાઈ ગઈ છે. આજે દુકાનોમાં તમને સાત થી ૧૪ વર્ષની છોકરીઓના કપડાચ વેચતી દુકાનોમાં ટેરી ક્લોથના બિકીની, મેટાબોલિક જેવી બ્રા અને બિકિની તેમ જ અંડરપેન્ટ મળી આવશે. આ વાત આજની પેઢી કેટલી હદ વટાવી ગઈ છે એ વાતની સાબિતી પૂરી પાડે છે. કેટલીક માતાઓ પણ પોતાની નાની છોકરીઓને આવા 'ફેશનેબલ' કપડા  પહેરાવી ગર્વ અનુભવે છે. અમેરિકાની મુલાકાત લેનાર મારી એક સરખીએ મારી સમક્ષ એક કિસ્સો વણાવ્યો હતો એ કિસ્સો અહીં અસ્થાને નહીં રહે.

'૭ થી ૧૪ વર્ષના બાળકો માટે ડ્રેસ વેચતા એક સ્ટોરમાં હું ગઈ હતી ત્યારે ત્યાં મે સ્ટ્રેચ કોટનનો એક નાનો ટુકડો જોયો. આ ટુકડો એક બેન્ડ એઈડથી થોડો જ મોટો હશે. આ જોઈ મને ઘણી નવાઈ લાગી. તમે આવા કપડા પણ વેચો છો? એવો મેં પ્રશ્ન કર્યો. ત્યાં નોકરી કરતી એક સેલ્સ ગર્લે મને કહ્યું, ''શું કરીએ અમારે આવા કપડા રાખવા જ પડે છે. ગત સપ્તાહે જ એક મમ્મી તેની દસેક વર્ષની બે પુત્રીઓ સાથે આવી હતી અને તેણે તેની પુત્રીઓ માટે આવા થોેન્ગની માગણી કરી હતી. તેના ક્લાસની દરેક છોકરી પાસે આવો ડ્રેસ હોવાથી તેમણે પણ થોન્ગ ખરીદવાની જીદ પકડી હતી. આથી માતા પોતપોતાની પુત્રીઓને લઈને થોન્ગ ખરીદવા આવતી હતી. મારી સખીએ આ કિસ્સો વર્ણવતા મને માહિતી આપી હતી કે આ તો માત્ર એક જ દાખલો છે. પરંતુ ફેશન પરસ્ત અમેરિકામાં આવા ઘણા કિસ્સાઓ મળી આવશે.

જો કે વાલીઓનો વિરોધ થવાથી કેટલાક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી થોન્ગ થવાથી કેટલાક ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી થોન્ગ અલોપ થઈ ગયા છે. નૂતન પેઢીના બ્રિટની સ્પીઅર્સ કીમ કાર્દાશિયા અને જેનિફર લોપેઝ આદર્શ બની ગયા છે.  સ્કૂલના વર્ગોની દિવાલો પર પણ આ નટીઓની નગ્ન તસવીર ધરાવતા પોસ્ટરો ચીટકેલા જોવા મળે છે અને કેટલીક કન્યાઓ આવા પોશાકો પહેરીને પણ આવે છે. આપણા દેશમાં હજુ સુધી સ્કૂલ સુધી આ ટ્રેન્ડ પહોંચ્યો નથી  પરંતુ ભવિષ્યમાં આપણી નવી પેઢી આ હદ સુધી પહોંચે નહીં એ માટે ત્વરિત પગલાં લેવાની જરૂર છે એમ નથી લાગતું?

વર્તમાનની વાત પર પાછા ફરીએ તો હાલમાં આ વાયરાએ કોલેજિયન કન્યાઓને જ લપેટમાં લીધી છે. શહેરની  કોલેજો ફેશન પરેડના સ્ટેજ સમી બની ગઈ છે. કેટલીક  કોલેજોએ આ સામે લાલ આંખ કરતા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ એક આંદોલન કરી મૂક્યું હતું.

ફેશન પરસ્ત મહિલાઓ ગયા ઉનાળા દરમિયાન પિઝન્ટ બ્લાઉઝ પર ઓવરી ગઈ હતી. જો કે મુંબઈમાં લગભગ બારે માસ  ગરમી જ રહે છે. આથી પિઝન્ટ બ્લાઉઝની ફેશન બારમાસી છે એમ કહેવામાં કોઈ વાંધો નથી. આ બ્લાઉઝ સસ્તા ભાડે સિદ્ધપુરની યાત્રા કરાવે એવું છે. કારણ કે, તમે પિઝન્ટ બ્લાઉઝ સ્કર્ટ, ટ્રાઉઝર્સ, જીન્સ કે પછી કેપ્રી પેન્ટ સાથે  પણ પહેરી શકો છો.

આ ઉપરાંત આ સાથે તમે આકર્ષક પટ્ટાજેવી એસેસરીઝનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં પણ તમને ગમતા રંગો પણ તમે કોઈ પણ હિચકિચાટ વિના પસંદ કરી શકો છો. 

અમેરિકામાં થયેલા એક સર્વેક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે ૧૨ થી ૧૮ વર્ષની છોકરીઓ ૩૭ અબજ ડોલરથી વધુ નાણા કપડા પાછળ ખર્ચે છે. ભારતમાં આ પ્રકારનું સર્વેક્ષણ કરવામાં આવે તો...!

- ઈશિતા