- બિન્જ ઈટિંગ રોગ નોતરશે
માનવ જીવનમાં પ્રત્યેક લાગણી, પછી તે પ્રેમ હોય કે ઘૃણા, ખુશી હોય કે અવસાદ, આપણી ખાવાની પેટર્નને ગાઢ રીતે પ્રભાવિત કરે છે. તીવ્ર લાગણીઓ ઘણીવાર આપણને વધુ પ્રમાણમાં ખાવાની (બિન્જ ઈટિંગ) તરફ ધકેલી દે છે અથવા તો ભૂખ્યા રહેવાની આદત લાગી જાય છે. પ્રેમમાં મગ્ન હોય કે નફરતની બળતરા, બંને સ્થિતિમાં વ્યક્તિ કાં તો આહાર પર તૂટી પડે છે અથવા તો પછી ખાવાનું જ છોડી દે છે,અને આ જ અસંતુલન ધીમે-ધીમે શરીર, મન અને ઊર્જાને થકવી નાખે છે.
લાંબો સમય સુધી ભોજન ન કરવાથી ત્યારે આપણા લોહીમાં સાકરનું સ્તર ઓછું થઈ જાય છે, ચિડચિડયાપણુ આવી જાય છે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવે છે. ભોજન વિલંબથી મળે અથવા વારંવાર ભૂખ્યા રહેવાથી બેચેની, અધીરાપણુ અને આક્રોશ પણ વધી શકે છે. બીજી તરફ, બિન્જ ઈટિંગ એટલે એકદમ, નિયંત્રણ ગુમાવીને અત્યાધિક ખાવાથી આપણા પાચન તંત્ર અને સમગ્ર સ્વાસ્થ્ય પર ગંભીર પ્રહાર થાય છે.
બિન્જ ઈટિંગમાં વ્યક્તિ પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતો કારણ કે એ સમયે તેની લાગણીઓ, પછી તે સકારાત્મક હોય કે નકારાત્મક હોય, તેની વિચારધારા, નિર્ણય લેવાની શક્તિ પર હાવી થઈ જાય છે. આ અવસ્થામાં વ્યક્તિ વગર વિચાર્યે ઝડપથી વારંવાર ખાવાનું શરૂ કરી દે છે, અને તેને અહેસાસ પણ નથી થતો કે તે પોતાની પાચન ક્ષમતા અને શારીરિક સીમાથી ખૂબ જ આગળ નીકળી ગયો છે. એવા સમયે મોટાભાગે ખોરાકની પસંદગી પણ ખોટી થઈ જાય છે અને તળેલું, ગળપણ યુક્ત તેમજ પ્રોસેસ્ડ ફૂડ અથવા જન્ક ફૂડ ખાવામાં આવે છે જે આગળ જઈને બીમારીની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે.
અત્યાધિક ભૂખ્યા રહેવાનું હોય કે પછી બિન્જ ઈટિંગ હોય, બંને ચરમ સ્થિતિઓમાં શરીરનું સંતુલન બગડે છે. શરીરની હીલિંગ પ્રક્રિયા ધીમી પડે છે, પ્રતિરોધક ક્ષમતા નબળી પડે છે અને હોમિયોસ્ટેસિસ એટલે કે આંતરિક સંતુલન બગડી જાય છે. એનાથી જૈવિક, શારીરિક અને જૈવરાસાયણિક (બાયોલોજિકલ) સ્તર પર ગડબડ સર્જાય છે જેની અસરથી થાક, હોર્મોનલ અસંતુલન, પાચન સમસ્યા, વજન વધવું અથવા ઘટવું તેમજ મનોદશામાં ઉતાર-ચઢાવના રૂપમાં નજરે પડે છે.
જ્યારે આપણે બિન્જ ઈટિંગ કરીએ છીએ ત્યારે આપણા પાચન તંત્ર પર અચાનક ખૂબ જ બોજ પડે છે. પેટ, આંતરડા અને સમગ્ર પાચન ક્રિયા અસંતુલિત થઈ જાય છે, ભોજનનું પાચન, શોષણ, તત્વોનો યોગ્ય ઉપયોગ અને વિષાક્ત પદાર્થોનું નિષ્કાસન, તમામ પર નકારાત્મક પ્રભાવ પડે છે. આવી પેટર્ન જો લાંબો સમય ચાલુ રહે તો પાચન તંત્રની સાથે સાથે સમગ્ર શરીરની ઊર્જા પ્રણાલી પર પણ બોજ વધે છે, અને ધીમે-ધીમે ડીજનરેશન, રોગ, થકાવટ, સુસ્તી તેમજ જીવન શક્તિની કમી સર્જાય છે.
મન ભાવનાઓનું કેન્દ્ર છે, અને આ જ મનના માધ્યમ દ્વારા આપણે ઈન્દ્રિયો, વિશેષ કરીને જીભ એટલે સ્વાદ પર નિયંત્રણ મેળવતા શીખી શકીએ છીએ. યોગ, ધ્યાન અને પ્રાણાયામની સાધના મનને સ્થિર, સજાગ અને સંતુલિત બનાવે છે, જેનાથી આપણે આપણી લાગણીઓ પ્રત્યે વધુ જાગરુક બની શકીએ. જ્યારે મન નિયંત્રણમાં હોય ત્યારે અચાનક સર્જાતી ખાવાની તીવ્ર ઈચ્છા પર પણ નિયંત્રણ સંભવ બને છે અને વ્યક્તિ અટકીને, વિચારીને ખાવાની આદત વિકસીત કરી શકે છે.
નિયમિત વ્યાયામ, યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન સાધાના શરીર અને મન બંનેને એક જ સ્તર પર લઈ જાય છે. આ અભ્યાસથી આત્મ-જાગૃકતા વધે છે, તણાવ ઓછો થાય છે તેમજ ઊંઘ પણ બહેતર થાય છે, જેની સીધી અસર આપણી ખાવાની પેટર્ન પર પડે છે. જ્યારે આપણે સાત્વિક ભોજન જેવા તાજા ફળ, ભાજી, આખા અનાજ, દાળ, સુકો મેવો અને બીજને પ્રાથમિકતા આપીએ છીએ ત્યારે ધીરે ધીરે આપણા શરીરની બાયોલોજી, કેમિસ્ટ્રી અને સંપૂર્ણ માનસિકતામાં સકારાત્મક પરિવર્તન દેખાવા લાગે છે, ખાવાની લાલસા ઓછી થાય છે અને સંતુલિત, સાત્વિક ભોજની પ્રવૃત્તિ સબળ બને છે.
ફેડ ડાયટ્સ અને અત્યાધિક પ્રતિબંધાત્મક ભોજન-પદ્ધતિ ઘણીવાર વિપરીત અસર કરી શકે છે. જ્યારે આપણે પોતાના પર અમુક જ ખોરાક ખાવો, અથવા બિલકુલ ન ખાવું જેવા વધુ પડતા નિયમો થોપીએ છીએ ત્યારે આપણી ખાવાની લાલસા અનિયંત્રિત બને છે જેનાથી અચાનક બિન્જ ઈટિંગ શરૂ થઈ શકે છે. એના સ્થાને ઉત્તમ પદ્ધતિ છે ધીરે-ધીરે, સમજદારી સાથે આરોગ્યપ્રદ ફેરફાર કરવા, વધુને વધુ ઓર્ગેનિક, આખા, પ્રોસેસ કર્યા વિનાના ભોજન કરવા અને પેકેજ્ડ તેમજ રિફાઈન્ડ ખોરાક બિલકુલ બંધ અથવા સીમિત કરવો.
સમગ્ર દિવસ દરમ્યાન સંતુલિત ભોજન, વિશેષમાં સવારના પૌષ્ટિક નાસ્તા સાથે દિવસની શરૂઆત કરવાથી બિન્જ ઈટિંગની સંભાવના ઓછી થઈ જાય છે. વારંવાર ભોજન ટાળવાથી અથવા લાંબા ગેપ રાખવાથી ભૂખ વધી જાય છે અને પછી એક જ સમયે વધુ ખાવાનું જોખમ રહે છે. એક નિયમિત ઈટિંગ પેટર્ન વિકસિત કરીને સમયસર નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન તેમજ વચમાં ભૂખ લાગે તો હળવા, સ્વસ્થ સ્નેક્સથી શરીરને સુરક્ષાનો સંકેત મળે છે કે ભોજન નિયમિત રૂપથી મળતું રહેશે, માટે શરીર સ્ટોક કરવાની અથવા ગભરાટથી ખાવાની સ્થિતિમાં નથી આવતું.
ધીમે-ધીમે, સજાગતા સાથે તેમજ કૃતજ્ઞાતાની ભાવના સાથે ભોજન કરવાની આદત ખૂબ જ મદદગાર થાય છે. ખોરાકને સારી રીતે ચાવીને ખાવાથી સ્વાદ મહેસૂસ થાય છે અને શરીરને પણ તૃપ્તિનો અનુભવ થાય છે. આ પ્રમાણે માઈન્ડફુલ ઈટિંગથી મગજને તૃપ્તિનો સંદેશ મળે છે અને આપણે ઓવરઈટિંગથી બચી શકીએ છીએ.
દિવસ દરમ્યાન પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ ક્રેવિંગ ઓછી કરવાનો સરળ તેમજ અસરકારક ઉપાય છે. ઘણીવાર આપણે તરસને ભૂખ સમજી લઈએ છીએ અને અનાવશ્યક રીતે કંઈપણ ખાતા રહીએ છીએ. જો આપણે નિયમિત અંતરે પાણી પીતા રહીએ, તો શરીર હાઈડ્રેટેડ રહેશે અને ખોટી ભૂખના સંકેત નહિ આપે. ઉપરાંત સલાડ, ફળ, ભાજી જેવા ફાઈબર યુક્ત ખોરાતથી પણ પેટને લાંબો સમય ભરેલું રાખે છે, જેનાથી વારંવાર ખાવાની તેમજ બિન્જ ઈટિંગની પ્રવૃત્તિથી બચી શકાશે.
ઘરનું વાતાવરણ પણ ખાવાની આદતો પર ઊંડો પ્રભાવ પાડે છે. રસોઈ અને ફ્રીજમાં જંક ફૂડ, ગળ્યા નાસ્તા, તળેલો ખોરાક સંગ્રહ થયેલો હોય, તો ભાવનાત્મર રૂપથી અસ્થિર ક્ષણોમાં આવા જ ખોરાક તરફ હાથ લંબાય તે સ્વાભાવિક છે. માટે ઘરમાં વધુ પ્રમાણમાં ફળ, ભાજી, દહીં, સુકા મેવા, બીજ જેવા આરોગ્યપ્રદ ખોરાક જ ઉપલબ્ધ હોય તેની કાળજી રાખવી.
ભોજનને પાપ અથવા અપરાધ માનવું પણ યોગ્ય નથી. વિશેષ અવસરો, ઉત્સવો, તહેવારો અથવા ખુશીના પ્રસંગે થોડી બિન્જ ઈટિંગ જેવી સ્થિતિ બને તો તેને અપરાધ ન માનવો જોઈએ. મન પ્રસન્ન હોય, મિત્ર અથવા પરિવાર સાથે મળીને હસી-મજાક અથવા ઉત્સવનું વાતાવરણ હોય ત્યારે શરીર પણ અતિરિક્ત ઈનટેકને બહેતર રીતે સંભાળી શકે છે.
મહત્વની બાબત છે કે દુ:ખ, શોક અથવા એકલાપણાની ક્ષણોમાં ખાવાને એકમાત્ર સહારો અથવા પરિસ્થિતિથી ભાગવાનો ઉપાય ન બનાવવો જોઈએ.
જ્યારે પણ મન ઉદાસ હોય, તણાવ અથવા ગુસ્સો હોય અને એવું લાગે કે ખાધા વિના ચેન નહિ પડે, ત્યારે પહેલા તો મૂડ બદલવાનો પ્રયાસ કરવો. હળવી વોક, હળવો વર્કઆઉટ, નૃત્ય, ગીત, સંગીત અથવા પ્રિયજન સાથે વાત કરવા જેવી ગતિવિધિ લાગણીઓ બહાર કાઢીને મન હળવુ બનાવે છે. ક્યારેક પિઝા, પાસ્તા જેવા ફાસ્ટ ફૂડ ખાતી વખતે સજાગતા જાળવી રાખવી. ધીમે ધીમે ખાવું, પ્રત્યેક કોળિયાનો સ્વાદ લેવો અને શરીરના સંકેતો પ્રત્યે ધ્યાન આપવું. શરીર સ્વયં જણાવશે કે હવે પર્યાપ્ત છે. બસ આ સંકેત સમજવાની આદત રાખવી. પ્રત્યેક ભોજન સાથે સલાડ, સૂપ લેવાની આદત જોડવામાં આવે તો પણ એક પ્રકારનું સંતુલન બને છે અને સંપૂર્ણ ભોજન ભારી નથી પડતું.
ઉપવાસ કરવાની જરૂર પડે ત્યારે પણ સમજદારીથી કરાય તો શરીરને લાભકારી થઈ શકે છે. જ્યારે અનેક કલાકો પછી ભૂખ મહેસૂસ થાય ત્યારે સ્વચ્છ, પૌષ્ટિક ભોજન ધીમે ધીમે ખાવું, તો તેનું પાચન અને શોષણ બહેતર રીતે થશે.
જરૂરી છે શરીરની ભાષાને સમજવી. જ્યારે ખરેખર ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે જ પીવું, ભોજનને આવેશ અથવા આક્રોશથી બચવાનો ઉપાય ન બનાવવો.
યાદ રહે કે ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ ચેતના, ઊર્જા અને જીવનશક્તિને પોષિત કરવાનંી પણ માધ્યમ છે. આપણે જે ખાઈએ છીએ તે આપણા વિચારો, ભાવનાઓ અને કર્મોમાં વ્યક્ત થાય છે. આથી થોડી વધુ જાગૃકતા, સંવેદનશીલતા અને સમજદારીથી ખાવાનું પસંદ કરવું જરૂરી છે. સચેત ભોજન, સંતુલિત ભાવનાઓ અને યોગિક જીવનશૈલી સાથે મળીને આપણને એવા બિંદુ પર લાવી શકે જ્યાં બિન્જ ઈટિંગ આપણુ આરોગ્ય છીનવી ન શકે, પણ ભોજન અને લાગણીઓ મળીને આપણા સંપૂર્ણ શરીરને સાધના અને સરસતા પ્રદાન કરે.


