લગભગ ત્રણેક વર્ષ પહેલા મેટાલિક રંગોના વસ્ત્રોની ફેશન પૂરબહારમાંં ખીલી હતી. અને આ વર્ષે આ ફેશન ે ફરી માનુનીઓમાં પ્રિય થઇ પડી છે. ખાસ કરીને સ્કર્ટ્સમાં. પાર્ટીઓમાં જતી પામેલાઓના પરિધાન પર નજર નાખીએ તો તેમનો મેટાલિક રંગના સ્કર્ટ્સ પ્રત્યેનો મોહ ઉડીને આંખે વળગે.
તાજેતરમાં શહેરમાં રજૂ થયેલા એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કોન્સર્ટમાં ગયેલી આલિયા ભટ્ટે ચળકતા સોનેરી રંગનું નાઇફ પ્લીટેડ સ્કર્ટ અને તેની ઉપર સૈનિકોના ડ્રેસ જેવી ડિઝાઇનનું જેકેટ પહેર્યું હતું. આ કોમ્બિનેશન ખૂબ સુંદર લાગતું હતું. તેવી જ રીતે જેકલીન ફર્નાન્ડીસે એક વખત હવાઇ મથક પર સિલ્વર કલરનું સ્કર્ટ પહેર્યું હતું. તે વિમાન મથક પરથી પરત ફરી રહી હતી ત્યારે તેના પ્રશંસકો તેના આ ડ્રેસને એકીટશે જોઇ રહ્યાં હતાં. તેવી જ રીતે તેણે તાજેતરમાં એક રીઆલિટી શોના જજ તરીકે ડાર્ક બ્લુ કલરના ચળકતા સ્કર્ટમાં દેખા દીધી હતી. માંડ એકાદ ફૂટ લાંબા આ સ્કર્ટમાં તે ખૂબ જચી રહી હતી.આ સિવાય એક બર્થ-ડે પાર્ટીમાં દિશા પટ્ટણી જ્વેલ ટોન્ડ સ્કર્ટમાં દેખાઇ હતી. અલબત્ત, આનો અર્થ એવો નથી થતો કે અન્ય અદાકારાઓને આવા ચળકતા રંગો નથી ગમતાં. આજની તારીખમાં પેજ થ્રી પાર્ટીઓેમાં મેટાલિક રંગના સ્કર્ટ્સ સૌથી વધુ જોવા મળી રહ્યાં છે. ફેશન ડિઝાઇનરો કહે છે કે શિયાળાની ઋતુમાં મેટાલિક રંગો હૉટ લુક આપે છે. વળી પાર્ટીઓ માટે શિયાળો શ્રેષ્ઠ સિઝન ગણાય. અને આ દિવસોમાં તમે જે મટિરિયલના વસ્ત્રો પહેરવા ચાહો તે પહેરી શકો.
એક પાર્ટી ઘેલી યુવતી કહે છે કે મને એક જાણીતી હસ્તીની પાર્ટીમાં જવાનું હતું. અને હું કાંઇક નોખું પહેરવા માગતી હતી. તે વખતે મને લાગ્યું કે ગોલ્ડન કલરના પ્લિટેડ સ્કર્ટથી રૂડું શું? અને મેં બ્લેક કલરના સ્લીવલેસ ટોપ સાથે મેટાલિક ગોલ્ડ રંગના સ્કર્ટનું કોમ્બિનેશન કર્યું. તેની સાથે પ્લેન બ્લેક કલરના ફ્લેટ શૂઝ પહેર્યા. અને મારું આ ડ્રેસિંગ લોકો જોતાં જ રહી ગયા.
ફેશન ડિઝાઇનરો કહે છે કે વિવિધ મેટાલિક રંગના એંકલ લેન્ગ્થ, પોણિયા કે ઘૂંટણ સુધીની લંબાઇ ધરાવતા સ્કર્ટ ખૂબ સુંદર લાગે છે.આવા રંગોમાં તમે ચાહો તો પ્લિટેડ સ્કર્ટ પહેરો કે 'એ' લાઇન એ તમારી મરજી પર અવલંબે છે. જોકે સ્કર્ટની પેટર્ન નક્કી કરતી વખતે તમારા બાંધાને ચોક્કસ ધ્યાનમાં લો. જો તમારા નિતંબ ભરાવદાર હોય તો તમારા માટે પ્લિટેડ સ્કર્ટ અચ્છો વિકલ્પ ગણાય. પરંતુ પાતળી કટિ ધરાવતી માનુનીઓ 'એ' લાઇન સ્કર્ટ પણ પહેરી શકે. જ્યારે જેના પગ પણ એકદમ પાતળા હોય તેને માટે મીની સ્કર્ટ વધારાનું ઓપ્શન બની જાય. તેઓ વધુમાં જણાવે છે કે આજની તારીખમાં મેટાલિક કલરમાં ગોલ્ડન અને સિલ્વર સૌથી ફેવરિટ કલક છે. પણ તમે ચાહો તો ગ્રે, વાયોલેટ, પિંક જેવા રંગ પણ ખરીદી શકો છો. તેઓ વધુમાં જણાવે છે કે આવા સ્કર્ટ્સ બ્લેઝર અને ટ્રેનર્સ સાથે પણ સુંદર લાગે છે.
તાજેતરમાં અભિનેત્રી પરિણીતી ચોપરા ચળકતા રંગના સ્કર્ટમાં જોવા મળી હતી. તેને તેના એકવડા બાંધા પર આ મીની સ્કર્ટ અત્યંત સુંદર લાગી રહ્યું હતું. આમ છતાં તેણે તેની સાથે પહેરેલું ટોપ સમગ્ર દેખાવને બગાડી રહ્યું હતું. વાસ્તવમાં તેણ ચળકાટ વિનાનુંુંે પ્લેન ટોપ પહેરવું જોઇતું હતું. પણ તેણે શાટિન જેવા મટિરિયલનું ચળકતું ટોપ પહેર્યું હતું. તેને કારણે તે આખી ઝગમગી રહી હતી. ફેશન ડિઝાઇનરો કહે છે કે જો તમે મેટાલિક રંગનું સ્કર્ટ પહેરો છો તો તમારે માત્ર તેને જ હાઇલાઇટ કરવાનું હોય છે. તેથી તમારું ટોપ સાદું હોવું જોઇએ. તેની સાથે પગરખાં પણ એવા હોવા જોઇએ કે લોકોનું ધ્યાન માત્ર તમારા સ્કર્ટ પર જ જાય. અન્ય એક્સેસરી પર નહીં. મેટાલિક રંગનું સ્કર્ટ તમારું સ્ટેટમેન્ટ બની જવું જોઇએ.
એવું નથી કે વિવિધ મેટાલિક રંગના સ્કર્ટ માત્ર સાંજની પાર્ટીમાં જ પહેરી શકાય. તમે ચાહો તો દિવસ દરમિયાન પણ આવા કલરના સ્કર્ટ્સ પહેરી શકો છો. પણ દિવસે આવા સ્કર્ર્ટ્સ સાથે સ્નીકર્સ પહેરો, અને સાંજે બ્લોક હીલ્સ કે હાઇ સ્ટિલેટોસ શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. ફેશન ડિઝાઇનરો કહે છે કે જેવી રીતે મેટાલિક રંગોના સ્કર્ટ્સ સાથે દિવસ કે રાત માટે જૂતાં અલગ અલગ પ્રકારના હોય છે એવી જ રીતે તેના ટોપ પણ જુદા જુદા રંગના હોવાના.
જેમ કે તમે સાંજની પાર્ટીમાં જતાં હો તો બ્લેક કલર બેસ્ટ ચોઇસ બની રહે. પણ દિવસ દરમિયાન તો વાઇટ ટોપ જ ઉત્તમ ગણાય. બાકી દિવસ હોય કે રાત, મેટાલિક સ્કર્ટ સાથે તેના વિરોધાભાસી કલરનું મેટાલિક ટોપ ન જ પહેરાય. બંનેમાંથી એક જ વસ્ત્ર મેટાલિક હોવું જોઇએ.


