અનેક રોગોનું ઔષધ : હિંગ
આપણાં પ્રાચીનોએ કેટલાંક ઔષધો તો રસોડામાં જ ગોઠવી દીધા છે. આમાંનું એક ઔષધ છે 'હિંગ.' રસોડામાં હિંગ વગરના વઘારની કલ્પના પણ કઈ રીતે થઈ શકે ? કદાચ આ કારણથી જ હિંગને લોકવ્યવહારમાં 'વઘારણી' એવું નામ આપવામાં આવ્યું છે. આ હિંગ-વઘારણીને આયુર્વેદમાં 'હિંગુ' કહેવામાં આવે છે. હિંગ એ હિંગના વૃક્ષનો ગુંદર છે. અને તેના શ્વેત અને કૃષ્ણ એવા બે પ્રકાર છે. હિંગના વૃક્ષનો શ્વેત ગુંદર સુગંધિત અને હિરકવત્ શુભ્ર સ્ફૂટીકાકાર હોય છે. જેને 'હિરા હિંગ' પણ કહેવામાં આવે છે. આજકાલ સાચી અને બનાવટી એમ બે પ્રકારની હિંગ પણ બજારમાં મળે છે.
જે હિંગ પાણીમાં નાખવાથી ધીમે ધીમે સંપૂર્ણપણે ઓગળી જાય અને તે પાણી સ્વચ્છ સુગંધિત બની જાય અને પાત્રના તળિયે કોઈ અવશેષ બાકી ન રહે, તેને ઉત્તમ પ્રકારની હિંગ માનવામાં આવે છે. અથવા હિંગને દિવાસળીથી સળગાવતા, જે હિંગ પૂરેપૂરી સળગી જાય તથા જેનો રંગ શ્વેત, ગંધ તીક્ષ્ણ-ઉગ્ર અને સ્વાદ તીખો હોય તેને ઉત્તમ ગણાય છે.
હિંગનો ઔષધ રૂપે ઉપયોગ કરતા પહેલા તેની બે પ્રકારે શુદ્ધિ કરવામાં આવે છે. પ્રથમ પ્રકારમાં હિંગથી આઠ ગણા જળમાં તેને ઓગાળીને ગાળી લીધા પછી, તેને મંદ મંદ તાપે જળહીન બનાવી ભરી લેવામાં આવે છે. બીજા પ્રકારની શુદ્ધિમાં હિંગને ગાયના ઘીમાં શેકી લેવામાં આવે છે.
અમે વૈદ્યો ઉદરરોગોમાં શેકેલી હિંગના ઔષધયોગો અને ફેફસાના રોગોમાં કાચી હિંગનો ઉપયોગ કરીએ છીએ. કાચી હિંગમાં અધિક તીક્ષ્ણતા અને છેદન શક્તિ હોય છે. જેથી તેનો પ્રભાવ ફેફસા પર વધારે થાય છે. ઉદર રોગોમાં કાચી હિંગ ઉત્કલેશકર અને ક્ષોભક બને છે. તેથી તેનો ઉપયોગ ઘીમાં શેકીને કરવો વધારે હિતાવહ બને છે.
આયુર્વેદીય મતે હિંગ ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર, વાયુનું અનુલોમન કરનાર તથા તે હોજરી અને આંતરડાની ક્રિયાને ઉત્તેજના કરાવે છે. હિંગ ચોંટેલા મળને ઉખાડીને નીચેની તરફ સરકાવનાર, વાયુહર, કૃમિઓનો નાશ કરનાર, કફ દુર્ગંધ નાશક, જ્ઞાાનતંતુઓને તથા ગર્ભાશયને ઉત્તેજનાર, અજીર્ણ, આફરો, દમ, ઉધરસ, શૂળ, ગેસ વગેરે અનેક રોગોમાં હિતાવહ છે. હિંગમાં એક પ્રકારનું ઉડનશીલ તેલ રહેલું હોય છે. જે શ્વાસ, ત્વચાના છિદ્રો અને મૂત્ર દ્વારા બહાર ફેંકાય છે અને તે તે માર્ગોને ઉત્તેજના આપે છે.
આફરો-ગેસ, અજીર્ણ વગેરે ઉદર વિકારોમાં પેટ પર હિંગનો લેપ પ્રચલિત છે. આવા વિકારોમાં હિંગને એરંડિયા તેલમાં મિશ્ર કરીને કૃમિવાળા દર્દીઓને તેની બરિન-એનિમા આપવામાં આવે છે. એક ગ્લાસ ઠંડા પાણીમાં ૪ થી ૫ ગ્રામ હિંગ મિશ્ર કરીને કૃમિવાળા દર્દીઓને તેની બસ્તિ આપવામાં આવે છે. ઉધરસ અને શ્વાસમાં તેનો છાતી પર કરવામાં આવતો લેપ સારું પરિણામ આપે છે.
સાવ ઓછા પ્રમાણમાં અને દુઃખાવા સાથે આવતા માસિકમાં તે ગર્ભાશય સંકોચક હોવાથી આપવામાં આવે છે. આ ગુણને લીધે જ તે ગર્ભાશયની શુદ્ધિ કરે છે.
જમ્યા પછી ત્રણ ચાર કલાકે ઉત્પન્ન થતા પેટના દુખાવાને પરિણામ શૂલ કહેવામાં આવે છે. પરિણામ શૂળમાં એકથી બે ગ્રામ હિંગ પાંચ ગ્રામ સોડા બાય કાર્બ અને અડધી ચમચી જીરાનું ચૂર્ણ મેળવીને આપવામાં આવે તો પરિણામ શૂળ મટે છે.
આયુર્વેદમાં વપરાતા હિંગના મુખ્ય ઔષધયોગોમાં રજપ્રવર્તિનીવટી, હિંગુકર્પુરવટી, હિંગ્વાદિવટી, હિંગ્વાષ્ટક ચૂર્ણ, હિંગ્વાદિ કવાથ અને શીવાક્ષાર ચૂર્ણનો સમાવેસ થાય છે. જે વિભિન્ન રોગોમાં વિભિન્ન અનુપાન સાથે પ્રયોજાય છે.
દાંત પોલો હોય અને સખત દુઃખ તો હોય તો તેમાં હિંગ ભરવાથી તરત જ દાંતનો દુઃખાવો મટે છે. ઉધરસમાં કફ ગંધાતો હોય કે મોઢામાં શ્વાસની દુર્ગંધ હોય તો હિંગ આપવાથી મટી જાય છે. ઔષધમાં સારી જાતની હિંગ વાપરવી જોઈએ તથા બાહ્ય લેપમાં 'હિંગડો' વાપરવો જોઈએ.