FOLLOW US

ચોમાસામાં થતો રોગ શીળસ .

Updated: Sep 19th, 2022


- આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ

ચોમાસામાં સ્કીન ડીસીઝ એટલે કે ચામડીગત રોગોનું પ્રમાણ આમ પણ વધી જાય છે. 'શીળસ' એ એક ત્વચાગત વિકાર જ છે જે ચોમાસામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. 'શીળસ'ના રોગને શીતપિત્ત તરીકે ઓળખવામાં આવે છે.

આ રોગમાં સ્કીન ઉપર ભમરી કે મધમાખી કરડી હોય અને ત્યાં જેવો દંશ થયો હોય તે તેવા દંશના ચકામા ઉપસી આવ્યા છે. શીળસ શરૂઆતમાં શરીરના ખુલ્લા ભાગ ઉપર થાય છે અને ધીમે ધીમે સમગ્ર શરીર ઉપર ફેલાવા લાગે છે આ ચકામા અનિયમિત આકારના અને લાલાશ પડતા હોય છે.

રોગની તીવ્રવસ્થામાં ખંજવાળ, પીડા ઉપરાંત ઉલટી, તાવ, દાહ, ખંજવાળ, બળતરા વગેરે જેવા લક્ષણો પણ જોવા મળે છે. ઘણીવાર આંખોના ઉપરના ભાગમાં સોજો આવતા દર્દીને જોવામાં પણ તકલીફ પડે છે. મોટા ભાગે રાત્રિના સમયે જેમ જેમ ઠંડક વધે તેમ તેમ ખંજવાળ સાથે ચકામા ઉપસતા જાય છે.

શીળસ થવાના કારણો :

આ રોગના નિદાન એટલે કે કારણોની ચર્ચા કરીએ તો ઠંડા પવનના સ્પર્શથી કફ અને વાયુ પ્રકુપિત થઈ પિત્ત સાથે મળી બહારની ત્વચા તથા આંતરિક રક્ત આદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત ઉત્પન્ન કરે છે. આ રોગ શરીરમાં એક સાથે ઠંડી અને ગરમીના પ્રભાવના કારણે થાય છે. આયુર્વેદમાં શીળસને ત્રિદોષજ વ્યાધિ કહેલ છે. આધુનિક સાયન્સમાં આ આ રોગનેUrticasia કહેલ છે. અને તેને એક પ્રકારની એલર્જી માનવામાં આવે છે. ખટાશની એલર્જી, વાતાવરણમાં ફેરફાર, માખી- મચ્છર જીવજંતુના કરડવાથી, કૃમિના ઉપદ્રવથી, હેરડાઈની એલર્જીથી, આથાવાળી વસ્તુઓનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી દૂધ સાથે દહી, હીંગ, ડુંગળી, લસણ ખાવાથી ફ્રુટ સલાડ કે કોઈપણ ફ્રુટને મિલ્ક શેઇકના રૂપમાં લેવાથી પણ આ વિકાર થવાની શક્યતા રહે છે.

આ રોગ અચાનક જ ઢીમચાના રૂપમાં ઉપસી આવે છે અને તેમાં પુષ્કળ ખંજવાળ આવવા લાગે છે. ઢીમચા થતા રાતા રંગના થઈ જાય છે. અને ચોક્કસ સમયે બેસી જાય છે. ખાટા અને ઠંડા પદાર્થોના અતિ સેવનથી તથા ઠંડા વાતાવરણમાં રહેવાથી આ રોગ એકદમ વધી જાય છે.

સાવધાની :

આ રોગના દર્દીએ ઠંડા પાણીથી સ્નાન ન કરવું. શરીર ઉપર સીધી ઠંડી હવાનો સ્પર્શ થાય તેનું ધ્યાન રાખવું. તડકામાં ન ફરવું, દહી, છાશ, આમલી, ખાટા ફળો, કેળા, હાંડવો, ઢોકળા, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા. ઇંડા, માંસ, મટન બંધ કરવું, કઠોળ, દહી, શ્રીખંડ, મીઠાનો સદંતર ત્યાગ કરવો જોઈએ.

સારવાર :

(૧) મહામંજિષ્ઠાદિ કવાથ ચોથા ભાગે ઉકાળી ગરમ-ગરમ પીવો.

(૨) સ્વ્ ઘનવટી ૨- ૨ ગોળી પાણી સાથે લેવી.

(૩) અજમોદાદિ ચૂર્ણ ૨ ગ્રામ ૨ વાર સવાર-સાંજ લેવું.

(૪) આરોગ્ય વર્ધિની વટી ૨- ૨ ગોળી સવાર- સાંજ લેવી. આખા શરીરે કરંજ તેલ, મરિચ્યાદિ તેલ અથવા સરસવના તેલનું માલિશ કરવું.

(૫) અજમાનો ઉપયોગ રસોઈમાં વધારે કરવો.

(૬) સવાર- સાંજ અજમો અને ગોળ મેળવીને ખાવાથી પણ શીળસમાં ફાયદો થાય છે.

(૭) કબજિયાત રહેવા દેવી નહીં અને જો કબજિયાત રહેતી હોય તો ત્રિફળા ચૂર્ણ, હરડે ચૂર્ણમાંથી કોઈ પણ એક ચૂર્ણ ૨ ચમચી ગરમ પાણી સાથે લેવું.

આ ઉપરાંત કડવા લીમડાના પાણીથી સ્નાન કરવું.

- મરિચ્યાદિ તેલ કે કરંજ તેલનું માલીશ કરવું.

- રક્તશુદ્ધ કરનાર ઔષધોનું સેવન કરવું જોઈએ.

કારેલા, પરવળ, દૂધી,મગ, ભાત, ખીચડી, મેથીની ભાજી, પાલખ, તાંદળજાની ભાજી વગેરે તેમજ કાળા મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી ને સવાર-સાંજ લેવાથી ખૂબ લાભ થાય છે.

આ પ્રકારનો આહાર-વિહાર અને ઔષધ ચોમાસામાં થતા આ અતિકષ્ટદાયક રોગથી અવશ્ય મુક્તિ અપાવે છે.

Gujarat
English
Magazines