શીળસ અને આયુર્વેદ .
- આરોગ્ય સંજીવની- જ્હાનવીબેન ભટ્ટ
આજના ઝડપી યુગમાં ખાનપાનાદિનાં અજ્ઞાાનને કારણે 'શીળસ' થવાની ફરિયાદ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. વર્ષોથી શીળસ થતુ હોય તેને 'Avil' જેવી ગોળી લઈ રોગ દબાવી દેવાની આદતથી રોગ વધારે ને વધારે પકડ જમાવતો ગયો હોય તેવું ઘણા કેસમાં જોવામાં આવે છે અને ખાસ તો આદત પડી હોય છે કે ચાલો 'Avil'થી બેસી કાયમને થાય ત્યારે દવા લઈ તેથી અત્યારે ખાઈ લો તે અને તેના સ્વાદને ન રોકી શકનારા મનુષ્યો પછી ખૂબ જ હેરાન થતા હોય છે પછી એવા સમય આવે છે Avil કે શામક ગમે તેટલી એલોપેથીની ગોળીઓ લેવા છતા તેનું શમન થતું નથી અને દર્દીને જ્યારે શીળસ ઉપડે ત્યારે આકુળ વ્યાકુળ થઈ જતા હોય છે.
શીળસના રોગમાં હાથ ન રોકી શકાય તેટલી ખંજવાળ આવે છે. મધમાખી કરડી જાય અને જેવા ઢીમચા થાય તેવા ઢીમચા શરીરમાં ઠેર-ઠેર થઈ જાય તે ધીમે ધીમે જેમ જેમ આ તકલીફ લંબાતી હોય તેમ તેમ ખરજ ઉપરાંત દાહ (બળતરા) અને પીડા પણ થાય છે. ખાસ કરીને આ બીમારીમાં શીતળ વાયુ સતત લાગવાથી તે શરીરના કફ અને વાયુના સંપર્કમાં આવે છે. પરિણામે શરીરમાં રહેતા કફ અને વાયુને દુષિત કરે છે. આ દુષિત કફ અને વાયુ પિત્તને જઈને મળે છે અને પિત્તને પણ દુષિત કરે છે. આ દુષિત કફ પિત્ત વાત રક્તાદિ ધાતુમાં પ્રવેશે છે અને ત્યાં નાના નાના ઢીમચા ઉત્પન્ન કરે છે. આ ઢીમચા તુરંત ઉપાય થાય તેને શરૂઆતમાં જ મટાડી દેવામાં આવે તો ટુંકા સમયની સારવાર અને ખાન-પાનની પરેજીથી તો મટી જાય છે પરંતુ તેની તરફ બહુ લક્ષ્ય ન આપવામાં આવે તો તે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. ગમે ત્યારે શીતળવાયુ લાગે, પરસેવો થાય, ઠંડુ પાણી લાગે કે ખાવા પીવામાં કંઈક આવી જાય તો શીળસ તુરંત જ ઉઠી આવે છે જ્યારે જ્યારે તે ઉઠી આવે ત્યારે ત્યારે દર્દીને જંપીને બેસવા દેતું નથી. શરીરમાં ઠેર-ઠેર ખંજવાળ ન શકાય તેથી દર્દી અકળાઈ ઉઠે છે. જેની અસર તેના સ્વભાવ ઉપર પડે છે તો માણસ જલદીથી ઉશ્કેરાઈ જતો કે ચિડિયો થતો જણાય છે. ખંજવાળ આવતા ખંજવાળ કરવાથી તેનો ફેલાવો વધતો જાય છે. તે ખંજવાળીલા ભાગમાં દાહ અને ખંજવાળ બંને સાથે થતા હોવાથી શીળસનાં દર્દી ખુબ બેચેન બની જાય છે.
તેથી શીળસ થવા માંડે કે તરત ખોરાકમાં રહન-સહનમાં ફેરફાર કરી દવાઓથી તેની તાત્કાલિક દબાવી દેવાનો ઉપાય ન કરતા તેને જડમૂળથી જાય તેવા ઉપચાર કરી દૂર કરવું જોઈએ.
સૌ પ્રથમ તો શીળસ શું ખાવાથી થાય છે તો આપણાં આહારનું નિરીક્ષણ કરી તે નક્કી કરવું જોઈએ. 'શીળસ'ને જડમૂળથી કાઢવા માટે પથ્યાપથ્ય પાળવા તે પહેલી શરત છે. ત્યારબાદ આવે છે ઔષધપ્રયોગો -
આપણાં ઘરમાંથી જ મળી રહે તેવાં અનેક ઔષધો શીતપત (શીળસ)ની સારવાર માટે આયુર્વેદમાં બતાવેલા છે. આ ઔષધોનો બે રીતે ઉપયોગ કરવાથી તેને જલ્દીથી મટાડી શકાય છે.
લેપન ઔષધ
૧. કોકીના પાંદડા લાવીને ખૂબ બારીક વાટવાં અને તેનો લેપ શીળસ થયું હોય તો તે ભાગ પર કરવો.
૨. સિંઘવને ખૂબ બારીક વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું તેમાં ઘી મેળવીને શીળસનાં ઢીંમચા પર લગાવવું.
૩. દુર્વા અને હળદરને ભેગા કરી તેનો લેપ કરવો.
ઉપરોક્ત ત્રણ પ્રયોગોમાંથી કોઈ પણ એક પ્રયોગ વૈદની સલાહ મુજબ કરવો જેથી શીળસમાં અદ્ભુત કાયદો જણાશે.
સેવન ઔષધ
૧. અરણીના મૂળને વાટીને ઘી સાથે સાત દિવસ પીવાથી શીળસનો ચોક્કસ નાશ થાય છે.
૨. આ સિવાય શીળસ માટે બીજો એક પ્રયોગ સૂચવું છું. સારી જાતની ઉંચી હળદર લાવીને સાફ કરીને તેનું બારીક ચૂર્ણ કરવું. આ હળદરનું ચૂર્ણ એક તોલો દરરોજ અડધો કપ પાણીમાં હલાવીને પલાળી રાખવું અને આખી રાત ઢાંકીને રાખી મૂકવું. સવારે નયણાંકોઠે પાણી ઉપર ઉપરથી નીતારી લેવું અને પી જવું તે પાણી પીધાં પછી બને તો એક કલાક સુધી બીજું કાંઈ ખાવું-પીવું નહિ. વળી સવારે ફરીથી તે જ પ્રમાણે બીજી એક તોલો હળદળ પલાળી રાખવી જેનું નીતર્યું પાણી બપોરે કે સાંજે પીવું. આ પ્રયોગથી શીળસ ઉપર ખૂબ જ કાયદો જણાશે.
આ સિવાય હરિદ્રાખંડ, આરોગ્ય વર્ધીની ગંધક રસાયણ વગેરે જેવા ઘણાં ઔષધો આયુર્વેદમાં દર્શાવેલા છે જેનો પ્રયોગ નિષ્ણાંતની સલાહ મુજબ કરવો. આયુર્વેદમાં શીળસનાં કાયમી ઉપચાર તરીકે ઘણા પ્રયોગો બતાવ્યા છે. આ પ્રયોગો ધીરજપૂર્વક કરવાથી શીળસ જડમૂળથી મટે છે.
પણ તેમાં પથ્યાપથ્ય જાળવવા ખૂબ જરૂરી છે. શીળસ નીકળતું હોય તેવા દર્દીઓ માટે ખોરાકમાં મગ, ચોખા, કળથી, કારેલા, દાડમ અને ઘઉં ઉતમ છે. આવા દર્દીઓ મધુર સ્નિગ્ધ, તૂરા ખાટા પદાર્થો અને વિરૂદ્ધ આહારનો ત્યાગ કરવો જરૂરી છે. શીતસ્નાન તથા શીતપવન અને આતાયસેવન પણ અહિતકર છે. યોગ્ય ઔષધ પ્રયોગ અને આહારવિહાર આ બિમારીને અવશ્ય જડમૂળથી મટાડે છે.