- ગૃહિણીની કુશળતા પુરવાર કરે છે
ગૃહિણી રસોડાની રાણી કહેવાય છે. રસોડામાં તેનું સામ્રાજ્ય હોય છે. પ્રત્યેક નાની-મોટી વસ્તુની ગોઠવણી તે પોતાની આવડત અને જરૂરિયાત પ્રમાણે કરે છે. ખાદ્ય સામગ્રી, વાસણો, કુકિંગબુક, વિવિધ ઉપકરણો જેવી અનેક વસ્તુઓ રસોડામાં હોય છે.
ઘણી વસ્તુઓ વરસને વચલે દહાડે વાપરવાની હોય છે જ્યારે બીજી કેટલીક રોજિંદા વપરાશની હોય છે. નિયમીત વપરાતી વસ્તુઓ હાથવગી રાખવામાં આવે છે જ્યારે બીજી વસ્તુઓને રોજ હાથમાં ન આવે તે રીતે મૂકવામાં આવે છે.
હવે તો ગૃહિણીની સુવિધા માટે તૈયાર કિચન કેબિનેટ મળે છે. રસોડાની જગ્યા પ્રમાણે તેની પસંદગી કરવામાં આવે છે.
રસોડાની સજાવટ પણ ગૃહિણીની કુશળતા સાબિત કરે છે. તે માટે કેટલીક જરૂરી ટીપ્સ આ પ્રમાણે છે-
* પેન્ટ્રીને તમારી નજીક રાખો. તે માટે ખેંચી શકાય (પુલઆઉટ) તેવી પેન્ટ્રીનો ઉપયોગ કરો. તેમાં વાયર શેલ્ફ હોય છે જેથી વસ્તુઓ નીચે પડી જતી નથી તથા ઉપર પડેલી વસ્તુઓ સહેલાઇથી જોઇ પણ શકાય છે. આ પ્રકારની પુલ આઉટ પેન્ટ્રીને યોગ્ય રીતે ગોઠવવી જોઇએ તથા તે સહેલાઇથી ફેરવી શકાય તે રીતે રાખવી જોઇએ.
* કેબિનેટને ઉપરની તરફ રાખો. જો તમે નવા કેબિનેટ બનાવવાનું વિચારતાં હો તો છતને અડે તેવી કેબિનેટની ડિઝાઇન પસંદ કરો. જોકે, આટલે ઊંચેથી વસ્તુઓ લેવા-મૂકવામાં તકલીફ થાય છે પણ તેમાં ક્યારેક જ વપરાશમાં આવતી હોય તેવી વસ્તુઓ મૂકવી.
* તમારો હાથ પહોંચે તે રીતે થોડી અભેરાઇ (શેલ્વ) બનાવો અને ત્યાં તમારા વાસણો (ડિનરવેર) મૂકો.
* સૂકા ખાદ્ય પદાર્થોને હવાબંધ ડબ્બા કે બરણીમાં ભરીને મૂકો. ખાદ્ય પદાર્થોના પેકેટ ઘણી જગ્યા રોકે છે એટલે તેને બરણી કે ડબ્બામાં ખાલી કરવાથી ઘણી જગ્યા બચશે.
* રસોડામાં વારંવાર વપરાતા હેન્ડી-ઉપકરણોને દીવાલ પર હૂકમાં ફિટ કરાવો જેથી તેનો સહેલાઇથી ઉપયોગ કરી શકાય. બને તો મસાલા મૂકવા માટે પણ નાની છાજલી લગાડો તથા બુક હોલ્ડર લગાડી તેમાં કુકિંગ બુક મૂકો.
* બારેમાસના મસાલા ભરેલી બરણીઓને ખાનામાં અંદરની બાજુ એવી રીતે મૂકો કે તેના લેબલ દેખાય. બને ત્યાં સુધી તેને પ્લેટફોર્મની નીચે આવેલા ખાનામાં મૂકો. પ્લેટફોર્મની ઉપર આવેલા કેબિનેટને સતત ગેસની ગરમી લાગતી હોય છે. એટલે ગરમીની અસરથી મસાલા ખરાબ થવાની શક્યતા રહે છે.
* બને ત્યાં સુધી ખાનાઓ છીછરા રાખવા. ઊંડા ખાનામાં મૂકેલી વસ્તુઓ સહેલાઇથી મળતી નથી. અથવા ક્યાંક અંદરની બાજુ ઘુસી જાય છે.
* ખાનાની જગ્યાને વિભાજીત કરવા એડજેસ્ટેબલ ઇર્ન્સ્ટર (ગોઠવી શકાય તેવા)નો ઉપયોગ કરવો. આનાથી ખાનામાં બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી શકાશે. તથા એક નજર નાંખતા કંઇ વસ્તુ ક્યાં પડી છે તેની ખબર પણ પડી જશે.
* વસ્તુઓનો સંગ્રહ સારી રીતે કરી શકાય તે માટે કેબિનેટના દરવાજામાં પણ નાના ખાના બનાવો. તેમાં નાના પેકેટ્સ જેવું મૂકી શકાય. પણ દરવાજો ખોલ-બંધ કરતા તે પડી ન જાય તે પ્રમાણે ગોઠવણી કરવી.
* ખાસ પ્રકારના વાસણો મૂકવા એડજેસ્ટેબલ છાજલીઓ બનાવવી. એવી છાજલી પસંદ કરો જેને જરૂર પ્રમાણે પહોળી કે સાંકડી કરી શકાય. ડિશ કે થાળી મૂકવા માટે શેલ્વસ બનાવતી વખતે પહેલાં તેનું માપ લઇ લેવું. પછી તે પ્રમાણે તેની ડિઝાઇન બનાવવી.
* બે છાજલીઓ વચ્ચે વાસણો કે વસ્તુ સરખી રીતે લઇ-મૂકી શકાય તે પ્રમાણેનું અંતર રાખો. છાજલીની બાજુમાં વાયર બાસ્કેટ મૂકવાથી તેમાં ખાદ્યપદાર્થ કે હાથ લૂછવાના નેપકીન જેવું મૂકી શકાય.
* ટ્રે ડિવાઇડર્સ, સ્લાઇડ આઉટ બિન્સ (સાઇડમાં નાના ખાના) અને પ્લેટ મૂકવાના ખાના સાથેના રેટ્રોફિટ કેબિનેટ બનાવો. સાઇડના નાના ખાનામાં ચાની બેગ, મસાલાના પેકેટ જિલેટીન બોક્સ વગેરે મૂકી શકાય છે.
* કાચના હેન્ડલવાળા કપને એકબીજા સાથે અથડાય તે રીતે ન મૂકવા. આ કપ માટે છાજલીની નીચેની બાજુ હૂક લગાડવા જેથી કપના હેન્ડલને હૂકમાં ભરાવીને લટકાવી શકાય.
* નિયમીત જોઇતી વસ્તુઓને પ્લેટફોર્મ પર જ રાખો.
* કટીંગ બોર્ડ અને પ્લેટર્સ જેવી સપાટ વસ્તુઓને ઉપરની બાજુ રાખો. સિંક કે કુકિંગ રેન્જની બાજુમાં આવેલી થોડી જગ્યામાં પણ આ મૂકી શકાય. વસ્તુઓને સહેલાઇથી મૂકવા અને વિભાજીત કરવા ડિવાઇડર્સનો ઉપયોગ કરવો.
* રસોડાના ખૂણામાં આવેલી જગ્યાનો પણ મહત્તમ ઉપયોગ કરો. ઓછી જગ્યા હોય તેવા ખૂણામાં પણ નાનકડું કેબિનેટ જેવું બનાવો જેથી ત્યાં સુપડી, છાપા વગેરે મૂકી શકાય.
* વૉશ બેસિનની નીચેની બાજુ પાઇપલાઇન હોય છે છતાં ત્યાં એકાદુ ખાનું બનાવીને તેમાં વાસણ તથા કપડા ધોવાનો સાબુ-બ્રશ- ફિનાઇલ જેવું મૂકી શકાય. ત્યાં ખાદ્ય પદાર્થ ન મૂકવા.
* જરૂર પડે તો કેબિનેટની નીચેની બાજુ નાનકડી અભેરાઇ લગાડો- ત્યાં વાનગીઓના પુસ્તકો કે રસોડામાં રહેલી અન્ય આકર્ષક વસ્તુઓ મૂકી શકાય.
* કેબિનેટ અને અભેરાઇની ગોઠવણ ખૂબ જ સમજદારીપૂર્વક કરો. ફ્રિઝની આસપાસ રહેલી ખાલી જગ્યાનો પણ પૂરતો ઉપયોગ કરવો.
* વૉશ બેસિનની પાસે જ નેપકિન મૂકવાની સગવડતા કરવી. તે માટે તૈયાર સ્ટેન્ડ મળે છે. એકથી વધારે દાંડાવાળા સ્ટેન્ડને પસંદ કરો જેથી નેપકિન સરખી રીતે સુકવી શકાય.
* કચરાની ટોપલી દરવાજા પછવાડે અથવા બેસિનની નીચે મૂકો. સૂકા અને ભીના કચરાને તથા અન્ય કેન, ટીન, પેકેટને જુદા રાખી શકાય તેવી વ્યવસ્થા કરો.
* ટીવી માટે દીવાલ પર સ્ટેન્ડ લગાડી પાટિયું મૂકો કેન ઓપનરને ઉપરના કેબિનેટ નીચે લટકાવો તથા ચપ્પુઓને કેબિનેટના દરવાજામાં ભરાવો.


