Get The App

ઉનાળામાં સગવડદાયક રહેશે મેક્સી ડ્રેસ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળામાં સગવડદાયક રહેશે મેક્સી ડ્રેસ 1 - image

ગરમીમાં શોર્ટ્સ અને સ્કર્ટ્સ બાદ હવે સમય છે લાંબા, ખુલ્લા મેક્સી ડ્રેસિસનો. અહીં વાત સ્ટાઈલથી વધુ કમ્ફર્ટની છે. જોકે કમ્ફર્ટનો અર્થ એ પણ નથી કે સ્ટાઈલ સાથે કૉમ્પ્રોમાઈઝ કરવામાં આવે. આવામાં મેક્સી ડ્રેસ સ્ટાઈલ અને કમ્ફર્ટ બન્નેનો સમન્વય બની શકે છે. જોઈએ આ લુકને વધુ સારો કઈ રીતે બનાવી શકાય.

મેક્સી ડ્રેસને તમે કઈ રીતે પહેરો છો એ વધુ મહત્ત્વનું છે. ફિગર ટાઈપ અને હાઈટ પ્રમાણે મેક્સી ડ્રેસની પસંદગી કરવાની રહે છે. લાંબા ડ્રેસ સાથે તમે કેવી એક્સેસરીઝ પહેરો છો અને કેવી હેરસ્ટાઈલ રાખો છો એના પરથી તમારો લુક ઓવરઑલ કેવો લાગશે એ નક્કી થશે. મોટા ભાગની સ્ત્રીઓ આવા લાંબા ડ્રેસને ફોર્મલ પ્રસંગો માટે સાચવી રાખતી હોય છે, પરંતુ હવે સમય બદલાયો છે અને આ ડ્રેસને કેઝ્યુઅલ રીતે જ પહેરવામાં આવે છે. પહેર્યા બાદ શરીર પર એ અયોગ્ય રીતે ચોંટે નહીં અને કર્વ ખરાબ દેખાય એ તમારી પહેરવાની રીત પર ડિપેન્ટ કરે છે. માટે જ હાઈટ અને ફિગરને ધ્યાનમાં રાખીને મેક્સી ડ્રેસ પહેરવો જોઈએ.

જો પટિટ એટલે કે પાતળું ફિગર હોય તો  મેક્સી ડ્રેસમાં તમારો મુખ્ય મોટિવ અને ડ્રેસ તમારા પર ખૂબ મોટો ન લાગે એવો  હોવો જોઈએ, કારણ કે થોડી સ્થૂળ અને ઊંચી સ્ત્રીઓની સરખામણીમાં પાતળી ફિગર ધરાવતી સ્ત્રીઓએ મેક્સી ડ્રેસ પહેરવામાં વધુ ધ્યાન આપવું પડે છે.

મોટા ભાગના લાંબા ગાર્મેન્ટ્સ શૉર્ટ સ્ટ્રક્ચરને સૂટ નથી થતા, કારણ કે એમાં તમે વધુ શૉર્ટ લાગી શકો છો. અહીં બેસ્ટ એ રહેશે કે એનો કટ બરાબર હોય. મેક્સી ડ્રેસ એવો પસંદ કરો કે જે તમારા ફિગર પર બરાબર બેસે. સ્પેશ્યલી થાઈસ અને હિપ્સ પાસે અને કમરના ભાગ પાસે ડ્રેસ થોડો લુઝ હોવો જોઈએ.

મેક્સી ડ્રેસમાં પણ બીજા ડ્રેસિસની જેમ જ અનેક નેક પેટર્નના ઑપ્શન છે. સ્ટ્રેઈટ નેક લાઈન સાથે ખભા પર પાતળી પટ્ટીઓ હોય એવી મેક્સી સારી લાગશે. મેક્સી ડ્રેસ મોટા ભાગે પાતળી પટ્ટીવાળો અથવા સ્લીવલેસ જ સારો લાગે છે. આ સિવાય હોલ્ટર નેક પણ મેક્સીમાં સારી લાગશે. ડીપ વી નેક કે ઓવરલેપ પેટર્ન પણ આમાં સારી લાગે છે.

કૉટન અને મલમલ મેક્સી ડ્રેસ માટે બેસ્ટ છે. આ સિવાય જો  કમ્ફર્ટેબલ લાગે તો જ્યોર્જેટ અને શિફોનમાં અંદર અસ્તર નાખીને મેક્સી ડ્રેસ બનાવડાવી શકાય.  મેક્સી ડ્રેસમાં પ્રિન્ટની પસંદગી ફિગર પ્રમાણે કરી શકાય. પાતળી ફિગર હોય ત્યારે થોડી બોલ્ડ પ્રિન્ટ પણ પહેરી શકાય, જ્યારે સ્થૂળ શરીર હોય તો સ્ટ્રિક્ટલી ઝીણી પ્રિન્ટને જ વળગી રહો. સૉલિડ કલર્સ તમારા પર વધુ સારા લાગશે. જ્યારે પાતળા ફિગર પર ડાર્ક ન્યુટ્રલ કલર્સ સારા લાગશે. જેમ કે બ્લૅક, ચૉકલેટ બ્રાઉન, ડીપ પ્લમ અને ગ્રીન વગેરે. આડી પટ્ટીઓ પણ પાતળી ફિગર પર સારી લાગશે. ટ્રાઈબલ પ્રિન્ટ પણ આજકાલ મેક્સીમાં ઈન છે.

જો હાઈટ લાંબી હોય તો કમ્ફર્ટેબલ મેક્સી સાથે એટલા જ આરામદાયક એવા ફ્લેટ ચંપલ અથવા સેન્ડલ બેસ્ટ રહેશે અને જો હાઈટ થોડી નાની હોય તો મેક્સી ડ્રેસમાં ઊંચી હીલ પહેરવી જરૂરી છે નહીં તો હાઈટ વધુ નાની લાગશે.

મોટો બીડેડ અથવા બીબ નેકલેસ ઓપન નેકવાળી મેક્સી ડ્રેસ સાથે સુંદર લાગશે. આ સિવાય બીડેડ બ્રેસલેટ્સ પણ સારા લાગશે. બેલ્ટ જેવી એક્સેસરી મેક્સી ડ્રેસ સાથે પહેરવાની ભૂલ ન કરવી.

- કેતકી