ગ્રીષ્મની ગરમીમાં મેક અપ કરેલા ચહેરા પર પરસેવાના રેલા ઉતરે અને તેનાથી અડધોપડધો મેકઅપ બગડી જાય તો કેવું લાગે? તેથી જ આ મોસમમાં મેકઅપ અત્યંત કાળજીપૂર્વક કરવો જોઈએ. ગરમીના દિવસો માટે મેટ મેકઅપ પરફેક્ટ ગણાય છે. જો તમે નોકરી કરતા હો અને તમને ફિલ્ડમાં વધુ ફરવું પડતું હોય તો તમારા માટે લાંબા સમય સુધી ટકે એવો મેટ મેકઅપ બેસ્ટ ગણાશે.
આને માટે ઓઈલ ફ્રી ફાઉન્ડેશન, નોન ક્રીમી કોમ્પેક્ટ, મેટ-બ્લશર, શિમર વિનાની આઈશેડો અને મેટ લિપસ્ટિક ખરીદો.
મેટ મેકઅપ કરવા સૌથી પહેલા ચહેરા પર ઓઈલ ફ્રી ફાઉન્ડેશન લગાવો. ત્યારબાદ મેટ કોમ્પેક્ટ એપ્લાય કરો. મેટ બ્લશર અને આઈશેડો લગાવ્યા બાદ મેટ લિપસ્ટિક એપ્લાય કરો.
ગરમીના દિવસોમાં લાઉડ લુક કરતાં હળવો મેકઅપ વધુ સારો દેખાય છે. આને માટે ન્યુડ મેકઅપ કરતાં વધુ સારું શું? ન્યુડ મેકઅપમાં માનુની એકદમ સોબર અને નિર્દોષ દેખાય છે.
આવા મેકઅપ માટે હળવું શિયર ધરાવતું લાઈટ ફાઉન્ડેશન, સ્કિન અથવા કેરેમલ શેડનો આઈશેડો, બ્રાઉન આઈલાઈનર, પારદર્શક મસ્કરા અને કલર વિનાનું લિપ ગ્લોસ ખરીદો.
સ્ટિકી અથવા કેકી ન હોય એવું, એટલે કે ચહેરા પર ચીકણુ કે બંધાઈ ગયેલું ન લાગે એવું, હળવંું શિયર ધરાવતું ફાઉન્ડેશન લગાવો. ત્યારબાદ કેરેમલ અથવા સ્કિન કલરનું આઈશેડો લગાવો. કાજળ લગાવવાનો પ્રયત્ન ન કરો. આમ છતાં લગાવવું જ હોય તો બ્રાઉન આઈલાઈનર લગાવો. ત્યારબાદ પારદર્શક મસ્કરા લગાવો.
આંખોનો મેકઅપ થઈ જાય ત્યારબાદ ગાલ પર બ્લશ ઓન લગાવો. અધર પર નેચરલ રંગનું ગ્લોસ લગાવો.
આ દિવસોમાં કોઈ પાર્ટી કે ફંક્શનમાં જવું હોય તો જ ગ્લોસી મેકઅપ કરો. આવો મેકઅપ ગ્લેમરસ લુક આપે છે.
ગ્લોસી મેકઅપ માટે લિક્વિડ શિમરી ફાઉન્ડેશન, ટ્રાન્સલ્યુસેંટ પાવડર, કાજલ (ચાહો તો રંગીન કાજલ અજમાવો), આઈલાઈનર, મસ્કરા, વાઈબ્રન્ટ રંગનું શિમરી આઈશેડો, લાઈટ રંગની લિપસ્ટિક અને શિમરી લિપ ગ્લોસ ખરીદો.
મેકઅપ કરતી વખતે પહેલાં બેસ મેકઅપ લગાવો. ચહેરા પર ડાઘ-ધાબા હોય તો કન્સિલરથી ઢાંકી દો. ત્યારબાદ બ્રાઈટ રંગનો આઈશેડો લગાવીને કાજલ તથા આઈલાઈનર લગાવો. આટલું થઈ ગયા પછી બ્રો બોનને શિમરી હાઈલાઈટરથી હાઈલાઈટ કરો. ત્યારબાદ મસ્કરાના બેથી ત્રણ કોટ લગાવો.
હવે ગાલ તરફ આગળ વધો. બ્લશ ઓનથી ગાલને ખૂબસુરત નિખાર આપો. ત્યારબાદ હળવા રંગની લિપસ્ટિક અને ગ્લોસ લગાવો. તમારી આંખોનો મેકઅપ થોડો ઘેરો હોવાથી લિપસ્ટિક હળવા રંગની જ લગાવો.
નાઈટ પાર્ટીમાં હમેશાં શિમર મેકઅપ જ શોભે છે. વળી જો તમારી ત્વચા શુષ્ક હોય તો તમારા માટે શિમરી મેકઅપ બેસ્ટ ગણાશે. પરંતુ જો તમારી ત્વચા તૈલીય હોય તો શિમરી મેકઅપ કરવાનું ટાળો.
આવા મેકઅપ માટે લિક્વિડ ફાઉન્ડેશન, શિમરી ટ્રાન્સલુસંટ પાવડર, શિમરી-શાઈની આઈશેડો, શિમરી લિપ કલર અને શિમર પાવડર ખરીદો.
બેસ મેકઅપ કર્યા પછી ટ્રાન્સલુસંટ પાવડર લગાવી ત્વચાને ફિનિશિંગ આપો. ત્યારબાદ આઈશેડો, કાજલ અને મસ્કરા લગાવી આંખોનો મેકઅપ કરો. છેવટે લિપસ્ટિક લગાવ્યા પછી મોટું બ્રશ લઈને ચીકબોન, કપાળ અને નાકની વચ્ચેના ભાગમાં શિમર પાવડર લગાવો.
- નયના


