Get The App

દાંપત્ય : ઈમોશનલ બોન્ડિંગથી આઈશોલેશન સુધી

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
દાંપત્ય : ઈમોશનલ બોન્ડિંગથી આઈશોલેશન સુધી 1 - image

- રિલેશનના રિ-લેશન- રવિ ઇલા ભટ્ટ

- એક વખત જીવનસાથી જોડેનું ઈમોશનલ બોન્ડિંગ ઘટવા લાગશે તો મેરિટલ આઈશોલેશનની પીડા ઊભી થવાની જ છે. આવા સંજોગોમાં એક જ ઘરમાં, એક જ છત નીચે કે પછી એક જ રૂમ અને એક જ બેડ ઉપર સાથે રહેનારા, જીવનારા કે જીવન પસાર કરનારા વ્યક્તિ જ આપણને અપરિચિત લાગવા માંડશે. 

લગ્ન પછી મોટાભાગના કિસ્સામાં એકલતાની લાગણી જન્મે તે સ્વાભાવિક છે કારણ કે આપણે પહેલાં જેવું આકર્ષણ ગુમાવી દઈએ છીએ અથવા તો આપણને તે આકર્ષણમાં જ રસ રહેતો નથી. કારણ ઘણા બધા છે પણ સમસ્યાનો ઉકેલ શું તે વિચારવા જેવું છે. સામાન્ય લગ્ન બાદ થોડા વર્ષો પસાર થાય એટલે આ લાગણી એક યા બીજા અથવા તો બંને પક્ષે થતી જ હોય છે. પતિ અથવા પત્ની કે પછી બંને એમ માનતા હોય છે કે તેમના જીવનસાથીને તેમનામાં રસ જ નથી. તેઓ તેને એકલા રાખે છે. વાસ્તવિકતા એવી છે કે, તમે એક જ બેડ પર સુઈ જાઓ છો, એક જ ડિનર ટેબલ પર બેસો છો, એકસાથે જ ટીવી જુઓ છો, એક જ સંતાન અથવા સંતાનોનો ઉછેર એકાસાથે જ કરો છો અને છતાં એકલતા અનુભવાય છે. તમે સહવાસ માણો છો પણ તેમાં પ્રેમ નથી, તમે વાત કરો છો પણ તેમાં ઉન્માદ નથી, તમે સાથે રહો છો પણ તેમાં ક્યાંય સાથ અને સહવાસ નથી.

આ એકલતાનો વાઈરસ સરળતાથી સમજાય કે પકડાય તેવો નથી. તે ધીમે ધીમે મનમાં ઘર કરે છે અને પછી પોતાના પગ પ્રસારે છે. રોગ જ્યારે સમજ જ્યારે આવે છે ત્યાં સુધીમાં તો લગ્નજીવનમાં એકલતા, કંટાળો અને વિષાદ ફેલાઈ ગયા હોય છે. વ્યક્તિ ઈમોશનલ માલન્યુટ્રિશનથી પીડાવા લાગે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે પતિ અને પત્ની સાથે બેઠા હોય અને એક જ વોટ્સએપ ગ્રૂપમાં દસ થી પંદર વખત મેસેજ પોસ્ટ કરશે પણ એકબીજા સાથે વાત નહીં કરે. બેડરૂમમાં સાથે હશે પણ એક ફેસબુક પર અને બીજી વ્યક્તિ વોટ્સએપ પર વ્યસ્ત હશે. વર્ચ્યુઅલ વિશ્વમાં ફરતા આ લોકો વાસ્તવિક સંવાદને સધાવા જ નથી દેતા અને પછી એકલતા અને કંટાળાજનક લગ્નની વાતો કરે છે. આ અંગે થોડા સમય પહેલાં એક બનેલી ઘટનાની વાત કરું.

નિકી અને વેદના લગ્નને ત્રણ વર્ષ જ થયા હતા. બંને હાઈલી ક્વોલિફાઈડ અને સમર્થ પરિવારમાંથી આવતા હતા. વેદ પોતાનો પારિવારિક બિઝનેસ સંભાળતો જ્યારે નિકી મોટાભાગે ઘરે જ સમય પસાર કરતી અને તેના મિત્રો તથા સાસુ સાથે જોડાઈને કેટલાક ચેરિટીના કામ કરતી. તેમનું એક નાનકડું ઓર્ગેનાઈઝેશન ચલાવતી હતી. આમ તો આ સંસ્થા તેના સાસુ માટે જ તેના સસરાએ ચાલુ કરી હતી પણ નિકી થોડો ઘણો સમય તેમાં આપતી જેથી એક્ટિવ રહેવાય. બાકી આખો દિવસ ઘરે રહેતી. હવે સ્થિતિ એવી થઈ કે નિકીના સાસુ અને સસરા અમેરિકા ચાલ્યા ગયા. તેઓ વેદના મોટા ભાઈને ઘરે ગયા હતા. તેના કારણે ઈન્ડિયાના આ ઘરમાં માત્ર બે જ લોકો વધ્યા. શરૂઆતમાં તો વેદના ગયા પછી નિકી ઉત્સાહથી જમવાનું બનાવતી, ઘરને શણગારવાના જાતભાતના પ્રયોગો કરતી. મિત્રોને ઘરે બોલાવીને પાર્ટી ગોઠવતી. વેદ પણ ઉત્સાહભેર તેમાં જોડાતો હતો. લગભગ બે વર્ષ સુધી આ ઉત્સાહ ટકી રહ્યો, પછી ધીમે ધીમે તેમાં ઓટ આવવા લાગી. હવે સ્થિતિ એવી થઈ કે, ઘણી વખત વેદ બિઝનેસ મિટિંગના કારણે મોડો આવતો, ઘણી વખત માણસને મોકલીને કપડાં મગાવી લેતો અને ઓફિસથી સીધો જ બિઝનેસ ટ્રિપ પર જતો રહેતો. શહેરમાં હોય ત્યારે ઓફિસ પાર્ટી અને અન્ય કારણોસર પણ મોડો વહેલો આવતો. 

આ બાબતોનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગ્યું. નિકી ઘણી વખત વેદને ભાવતી વાનગીઓ બનાવે પણ વેદ બહારથી ડિનર કરીને આવે અથવા તો અડધી રાત્રે આવે અને ડિનર કરે જ નહીં. રજાના દિવસે પણ રૂમમાં લેપટોપ લઈને બેઠો રહે, કામ કરતો રહે અથવા તો ઉંઘ્યા કરે. ધીમે ધીમે વેદ અને નિકી વચ્ચે તકરાર શરૂ થવા લાગી. શરૂઆતમાં ચિપગ લવબર્ડ્સ હવે ચિત્કાર કરવા લાગ્યા હતા. નિકીને સતત એવું થયા કરતું કે વેદને હવે તેનામાં રસ નથી. વેદ માત્ર તેને પામવા માગતો હતો અને તેનો ગોલ એચિવ થઈ ગયો છે. હવે તેને બીજા કશાની જરૂર નથી. લગ્ન કરી લીધા, પત્ની બનાવી લીધી હવે બધું પતી ગયું. બીજી બાજું વેદને થતું કે નિકી મોડે સુધી જાગી શકતી નથી, મારી સાથે પાર્ટીઓમાં આવી શકતી નથી તેથી ઘરમાં જ રહે તે સારું છે. બંને પોતાની મનોવ્યથા પોતાની રીતે ઊભી કરીને તેમાંથી બચવાના રસ્તા શોધતા હતા.

મેરિટલ આઈસોલેશન, આધુનિક સમયમાં ઝડપથી પ્રસરી રહેલા પારિવારિક રોગ છે. આઈસોલેશનના ઘણા બધા અર્થ અંગ્રેજી, ગુજરાતી કે કોઈપણ ભાષાની ડિક્શનરીમાં મળી જશે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી બાદબાકી કરે ત્યારે સાચું આઈસોલેશન કે એકલતા જન્મે છે. સંબંધોમાં આ બાદબાકી સ્વાભાવિક રીતે અથવા તો જાણીજોઈને કરવામાં આવતી હોય છે. પારિવારિક સંબંધો હોય ત્યાં સુધી એક સમયે ચલાવી લેવાય પણ પતિ અને પત્ની જ એકબીજાની બાદબાકી કરવા લાગે તો સત્પપદીના સાત પગલાંનો સરવાળો થતો જ નથી કે પછી સંતોષનો ગુણાકાર પણ ન થઈ શકે અને ત્યારે માત્ર સમયનો ભાગાકાર થાય અને અંતે સંતાપની શેષ વધે જે વધારે ઘાતક હોય છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો હતો. હાઈપ્રોફાઈલ પરિવારમાં રહેતા યુગલે છુટાછેડા લેવાનો નિર્ણય કર્યો. લગ્ન પહેલાં ચાર વર્ષ સુધી એક બીજાને ડેટ કરનારા અને સમય પસાર કરનારા આ પતિ-પત્ની લગ્ન પછી ચાર વર્ષ સાથે પસાર ન કરી શક્યા.

એક વાત સ્વીકારવી જોઈએ કે ઘર હોય કે સંબંધ દરેકને સાચવવા માટે એક માસ્ટરપ્લાન જોઈએ. ઘર વસાવ્યા પછી તેની સારસંભાળ માટે આપણે યોજના બનાવીએ છીએ તે લગ્નના સંબંધમાં જોડાયા પછી આપણે આ સંબંધને ટકાવી રાખવા પણ યોજના બનાવવી જોઈએ. એકવીસમી સદીમાં આ આયોજન વધારે જરૂરી બની રહે છે કારણ કે આપણે ભૌતિકતા તરફ પણ એટલી જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ઘણી વખત વસ્તુ આપીને સંબંધ જળવાતો હોય તો આપણે લાગણીઓ વાપરતા નથી. આપણે લાગણીઓની બચત કરીએ છીએ પૈસાનો ખર્ચ કરીએ છીએ તેના કારણે જ સંબંધો સિન્થેટિક થઈ રહ્યા છે.  અહીં વ્યક્તિએ જરૂર છે એકબીજા પર વિશ્વાસ રાખવાની. જીવનમાં કોઈપણ સ્થિતિમાં હોવ તમારે પહેલાં તો મારા જીવનસાથી જોડે જ સંવાદ કરવો જોઈએ. તમારી મુશ્કેલીઓ અંગે મુક્તમને વાત કરવાથી જ તેનો ઉકેલ આવશે. તમારા જીવનસાથી કરતાં વધારે સરળતા અને સહજતાથી તમને કે તમારી મુશ્કેલીઓનો કોઈ સમજી નહીં શકે. તેના ઉકેલ પણ તમારા જીવનસાથીની જેમ સારી રીતે કોઈ નહીં આપી શકે. પતિ અને પત્ની એકબીજાને આઈ લવ યુ નહીં કહે તો ખાસ ફરક નહીં પડે પણ આ પ્રેમનો જો પરસ્પર અનુભવ નહીં કરાવો તો તેનો કોઈ અર્થ નહીં રહે. વ્યક્તિ એકલતા દૂર કરવા જીવનસાથી શોધે છે અને જો લગ્ન બાદ જ વ્યક્તિ એકલતાનો અનુભવ કરવા લાગે તો વિચારવું પડશે કારણ કે સમાજના સૌથી મોટા ચાલકબળ એવી લગ્નવ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભો થાય તેમ છે.

આપણે ત્યાં સમસ્યા એ છે કે, જીવન સાથી જોડે સંવાદ કરવાનું જ આપણે ભુલી ગયા છીએ. જેને જીવનસાથી કહીએ છીએ, જેની સાથે રોજિંદો વ્યવહાર છે, જેની સાથે જિંદગી પસાર કરી છે અને કરવાની છે છતાં તેની સાથે વાત કરવાની તસદી આપણે લેતા નથી. આપણે જીવનસાથીના સ્વભાવ, રિએક્શન કે પછી વિચારણા અંગે ધારણા બાંધવા લાગીએ છીએ અને રિએક્ટ કરવા માંડીએ છીએ. ધારણાના આધારે શરૂ થયેલું આ ચક્ર ધીમે ધીમે વિશચક્ર બનતું જાય છે. આપણે એ સ્વીકારવું પડશે અને સમજવું પડશે કે દાંપત્યની જે પણ સમસ્યા છે અને મુશ્કેલીઓ છે તેની ચર્ચા દંપતિ સાથે કરવામાં આવે તો જ તેનો સાચો, ઝડપી અને સરળ ઉકેલ આવે છે. બાકી આસપાસ જો ઉકેલ શોધવા જઈશું તો બધું જ ડખે ચડશે. પોતાના જીવનસાથી જોડે રહીને જો તેને સમજી ન શકાય અને સમજાવી ન શકાય તો દાંપત્ય જીવવાનો કોઈ અર્થ જ સરતો નથી. એક વખત જીવનસાથી જોડેનું ઈમોશનલ બોન્ડિંગ ઘટવા લાગશે તો મેરિટલ આઈશોલેશનની પીડા ઊભી થવાની જ છે. આવા સંજોગોમાં એક જ ઘરમાં, એક જ છત નીચે કે પછી એક જ રૂમ અને એક જ બેડ ઉપર સાથે રહેનારા, જીવનારા કે જીવન પસાર કરનારા વ્યક્તિ જ આપણને અપરિચિત લાગવા માંડશે.