પતિ-પત્નીના વિવાહિત જીવનનો મહત્વનો દસ્તાવેજ મેરેજ સર્ટિફિકેટ
- નજીવી ફી ચૂકવીને બનાવવામાં આવતું મેરેજ સર્ટિફિકેટ ખાસ કરીને મહિલાઓના અધિકારોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. વળી તેની પ્રક્રિયા પણ ખાસ મુશ્કેલ નથી. યુગલ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે નોંધણી કરાવી શકે છે.
આપણા દેશમાં લગ્ન વિશે ઘણાં કાનૂન બનાવવામાં આવ્યાં છે. આ કાયદાઓ આપણને મળેલા અધિકારોની રક્ષા કરે છે. પરંતુ આ અધિકારોનું સંરક્ષણ મેળવવા જરૂરી છે કે જે તેયુગલ પોતાનું મેરેજ સર્ટિફિકેટ બનાવડાવી લે. નજીવી ફી ચૂકવીને બનાવવામાં આવતું મેરેજ સર્ટિફિકેટ ખાસ કરીને મહિલાઓના અધિકારોને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. વળી તેની પ્રક્રિયા પણ ખાસ મુશ્કેલ નથી. આજે આપણે મેરેજ સર્ટિફિકેટને લગતી માહિતી મેળવીશું.નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે......,
મેરેજ સર્ટિફિકેટ જે તે યુગલ અધિકૃત રીતે પરિણીત છે એ વાતનું ઘોષણા પત્ર કહી શકાય.આપણા દેશમાં લગ્નની નોંધણીને લગતા બે કાનૂન છે. (૧)હિન્દુ વિવાહ કાનૂન(૧૯૫૫) ,(૨) વિશેષ વિવાહ કાનૂન-સ્પેશ્યલ મેરેજ એક્ટ (૧૯૫૪).ભારતના નાગરિકો આ કાનૂનો હેઠળ પોતાના લગ્નની નોંધણી કરાવી શકે છે. હિન્દુ મેરેજ એક્ટ હિન્દુઓના લગ્નને ,જ્યારે સ્પેશ્યલ મેરેજ એક્ટ કોઇપણ નાગરિકના વિવાહને લાગૂ પડે છે. આ બંને કાનૂનથી જે તે યુગલ વિવાહિત છે એ વાત સુનિશ્ચિત થાય છે. અને આ કાનૂનો હેઠળ જ તેમની એકબીજા માટેની જવાબદારીઓ પણ નક્કી થાય છે. વર્ષ ૨૦૦૬માં સર્વોચ્ચ અદાલતે મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું નક્કી કર્યું હતું. આમ કરવા પાછળનો સુપ્રીમ કોર્ટનો મૂળ હેતૂ મહિલાઓને તેમના અધિકારો અપાવવાનો હતો.
જોકે ઘણાં લોકોને એવો પ્રશ્ન થાય છે કે શું મેરેજ રજિસ્ટર કરાવવામાં ન આવે તો તે અધિકૃત વિવાહ ગણાય? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે આપણા દેશમાં લગ્નની નોંધણી ફરજિયા નથી. જો જે તે યુગલના લગ્નના સામાજિક પુરાવા હોય તો મેરેજ સર્ટિફિકેટ વિના પણ ચાલે. પરંતુ આ કાનૂની દસ્તાવેજ ઘણાં ઠેકાણે ખપ લાગે છે. જેમ કે કોઇ યુગલને પરસ્પર ન બનતું હોય અને તેઓ અલગ થવા માગતા હોય તો બાળકની કસ્ટડી ,ઇન્શ્યોરન્સ ક્લેમ ,બેંકમાં નોમિની , વારસા હક જેવી ઘણી બાબતોમાં તે કામ આવે છે.
નિષ્ણાતો મેરેજ સર્ટિફિકેટ વિષયક માહિતી આપતાં કહે છે કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા પતિ-પત્ની જ્યાં રહેતાં હોય તે વિસ્તારના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે અરજી કરવાની રહે છે. યુગલ ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને રીતે નોંધણી કરાવી શકે છે.
મેરેજ સર્ટિફિકેટ મળતાં સાતથી ૧૫ દિવસનો સમય લાગે છે. જોકે તેને માટે વિવાહિત યુગલે મેજિસ્ટ્રેટની કચેરીમાં જઇને કેટલાંક ફોર્મ ભરવાના રહે છે. ઑનલાઇન રજિસ્ટ્રેશનમાં કચેરીની અપોઇન્ટમેન્ટ મેળવવામાં થોડાં દિવસનો સમય લાગી જાય છે. જેમ કે હિન્દુ મેરેજ એક્ટ હેઠળની અપોઇમ્ટમેન્ટ માટે ૧૫ દિવસ અને સ્પેશ્યલ મેરેજ એક્ટ હેેઠળની અપોઇન્ટમેન્ટ માટે એક મહિના જેટલો સમય લાગે છે.
મેરેજ રજિસ્ટ્રેશનના ખર્ચની વાત કરીએ તો હિન્દુ મેરેજ એક્ટ હેઠળ લગ્નની નોંધણી કરાવવાનો ખર્ચ ૧૦૦ રૂપિયા આવે છે.આ રકમ અરજીની ફી પેટે લેવામાં આવે છે. જ્યારે સ્પેશ્યલ મેરેજ એક્ટમાં જે તે યુગલે રૂપિયા ૧૫૦ ચૂકવવાના રહે છે. તદુપરાંત જે તે યુગલે એફિડેવિટ પેટે ૪૦૦થી ૫૦૦ રૂપિયા આપવાના રહે છે.
- ઋજુતા