Get The App

મેનિફેસ્ટેશન : પહેલા જૂનું પૂરું કરીએ પછી નવું વિચારીએ...

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
મેનિફેસ્ટેશન : પહેલા જૂનું પૂરું કરીએ પછી નવું વિચારીએ... 1 - image

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ

આપણા જીવતરનું પણ નામુ લખવાનું કામ આ દિવસોમાં કરી જ લેવાનું છે. તેમાં બહુ જ સીધો નિયમ કરી દેવાનો આવે તેને આપણા ખાતે ઉધારી દેવાના અને જે જાય અથવા તો જતા રહ્યા છે તેને કાયમ માટે વિસરાઈ ગયેલી લાગણીઓની પેટીમાં જમા કરીને સમયના વહેણમાં વાહવી દેવાના. ભાદરવો મહિનો શરૂ થયો ત્યારથી લોકો તહેવારોની વાત કરતા હતા અને તેમાંય દિવાસો આવ્યો પછી તો ચારેકોર માત્ર દિવાળી.... દિવાળી...ની જ ચર્ચા ચાલતી હતી. લો આ દિવાળી આવીને જતી રહી, નવું વર્ષ પણ પૂરું ગયું. લગભગ બધા તહેવારો આટોપાઈ ગયા. ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન અને સાથે સાથે પેટ પૂજન પણ પૂરા થયા હશે. લાભ પાંચમના મુર્હત પણ થઈ ગયા અને નોકરી, ધંધા હતા એમના એમ શરૂ પણ થઈ ગયા. આમ જોવા જઈએ તો હિંદુ સંસ્કૃતિ અને પરંપરાના મોટા તહેવારો લગભગ ઉજવાઈ ગયા છે. હવે ઉજવણી માટે માત્ર ઉત્તરાયણની રાહ જોવાની છે. લાભ પાંચમે લાભ થવાની આશા સાથે આપણે નવા મૂર્હત કરી દીધા અને કામગીરી પણ શરૂ કરી દીધી. નવા વર્ષના નવા સંકલ્પો નક્કી થઈ ગયા, નવા મેનિફેસ્ટેશન આવી ગયા, નવી ઈચ્છાઓ, નવા કાર્યો બધું જ નવું નવું થઈ ગયું પણ પંદર દિવસ પહેલાં જે જૂનું અધુરું રહી ગયું હતું અથવા તો જેને ઘણી દિવાળીથી પૂરું કરી જ નથી શક્યા તેનું શું કરીશું.

નવા ચોપડાં આવી ગયા, નવી એન્ટ્રીઓ શરૂ થઈ ગઈ પણ જે જુનું બાકી રહી ગયું છે તેનું શું કરીશું... દર નવા વર્ષે આપણે સંકલ્પ કરતા હોઈએ છીએ, નવા સપનાં જોતા હોઈએ છીએ, નવા ટાર્ગેટ, નવી ખુશીઓ અને નવી શરૂઆતની વાતો પણ કરતા હોઈએ છીએ. ઉપરોક્ત પંક્તિ વાંચીએ તો આપણે અત્યાર સુધી કરેલા સંકલ્પો, શરૂઆતો અને સપનાંની વાસ્તવિકતા સમજાઈ જાય તેવી છે. આપણે કાયમ જાત સાથે રમત કરતા હોઈએ છીએ. કંઈક સારું થાય તો તેને જાળવી રાખવાના વાયદા અને ખોટું થાય તો ધ્યાન રાખવાના વાયદા. આ વાયદા ક્યારેય પૂરા થતાં જ નથી. 

આ વર્ષે થોડું અલગ કરીએ. આ વખતનું નવા વર્ષનું મેનિફેસ્ટેશન એવું રાખીએ કે આપણે પહેલાં જેટલું જૂનું પડયું છે તે બધું પૂરું કરી દઈએ. જે કામનું છે તે રાખીએ અને નકામું છે તે જવા દઈએ. દિવાળીની સાફસફાઈમાં ઘરમાં જે કામ કરતા હોઈએ છીએ તે આપણા અંગત જીવન સાથે પણ કરવાનું છે. સારા વિચારો, નવા વિચારો, વિકાસ કરાવતા કે સફળતા અપાવતા નવા વિચારોનું સ્વાગત કરીએ અને જૂના વિચારો કે જેમાં ઈર્ષા, આળસ, અકારણ સ્પર્ધા, બહાનાઓ, આડોડાઈઓ રહેલી હોય તેને જતા કરી દઈએ. જૂના માણસો કે જે સેપ્ટિક ટેંક જેવા વિચારોથી આપણા મનમાં અને મગજમાં કચરો ઠાલવતા હોય અને તેમની ગંધ આપણા જીવનમાં ફેલાવતા હોય તેમને દૂર કરી દઈએ. નવા માણસોની જીવનમાં એન્ટ્રી કરીએ જે આપણને આગળ લઈ જવા માગતા હોય, આપણામાં સુધારો લાવવા માગતા હોય, આપણાને હકારાત્મકતાથી ભરપૂર કરી દેવા માગતા હોય. ઘરની સાફસફાઈ કરીએ તેવી જ રીતે આપણા તન, મન અને ધનની પણ સાફસફાઈ કરી દેવી જોઈએ. મનમાં પણ ઘણા વિચારો ભરાયેલા હશે, ખોટી માન્યતાઓના જાળા બાઝેલા હશે, ક્યાંક ખુણામાં દ્વેષ અને ઈર્ષાથી ભરેલી લાગણીઓ ગંધાતી હશે, આ બધાને સાફ કરી દેવાના છે. 

આપણે આ વખતે નવું કશું શરૂ કરવું જ નથી. પોતાની જાત સાથેના વ્યવહારના ચોપડા ચકાસવાના છે. આપણે નવા વાયદાની કોઈ એન્ટ્રી કરવી જ નથી. આપણે જે જૂની એન્ટ્રીઓ છે તેને સરભર કરવાની છે. આપણે જો દંભ વગર કે પોતાની જાતને છેતર્યા વગર પ્રામાણિકતાથી સ્વીકારીએ તો આપણે પણ ઘણા વાયદા પોતાની જાતને કર્યા છે જે પૂરા નથી કર્યા. આ વર્ષે આપણે એક વાયદો એવો કરવાનો છે જે આપણી સાથે સાથે સમાજને પણ ઉપયોગી સાબિત થાય. આ નવા વર્ષે પહેલો વાયદો પોતાના જાતને કરીએ કે હું કોઈને નડીશ નહીં. આપણે સામાન્ય ફરિયાદ કરતા હોઈએ છીએ કે, આના કારણે મારું કામ અટકી ગયું કે, પેલો વ્યક્તિ નડયો ન હોત તો આજે મારી પાસે ઘણું હોત... વગેરે વગેરે... આ વર્ષે સંકલ્પ કરીએ કે આપણને કોઈ નડે કે ન પડે પણ આપણે પોતાની જાતને એવી સરળ બનાવીશું કે કોઈને નડીએ નહીં. 

બીજો વાયદો કરવાનો છે કે સપનાં પૂરા કરવા માટે સતત પ્રયાસ કરીશું. નવા વર્ષે આપણે સંકલ્પ કરીએ છીએ કે હું આ વખતે વજન ઉતારી જ દઈશ, ટોપ ટેનમાં તો આવી જ જઈશ, આવતી દિવાળી પહેલાં આપણી પાસે મોટી ગાડી આવી જ જશે, વગેરે. આવા અનેક સપનાં જોવામાં કોઈ વાંધો નથી પણ તેને પૂરા કરવાનું ડેડિકેશન આ વખતે લાવવું પડશે. ક્યાં સુધી જાતને બહાના બતાવીને કે અડચણો બતાવીને છેતરતા રહીશું. તમાચો મારીને ગાલ લાલ રાખવાની આ આદત બદલવી પડશે. એક રીતે નહીં તો બીજી રીતે પણ આ વખતે સપનાં પૂરા કરવા પ્રયાસ કરવો જ પડેશે. સપનાં પૂરા થાય તો ઈશ્વરકૃપા માનવી અને ન થાય તો ઈશ્વર ઈચ્છા માનવી પણ મનને એટલો સંતોષ તો મળવો જ જોઈએ કે આપણે સો ટકા પ્રયાસ કર્યો હતો.

સૌથી મહત્વની વાત છે એક અલગ જ પ્રકારની નવી શરૂઆત કરવાની. અહીંયા એમ થાય કે નવી શરૂઆત એટલે શું. નવી શરૂઆત એટલે જીવનના દરેક તબક્કે અધુરા છોડેલા કામ, અધુરા છોડેલા સંબંધો અને એવી તમામ બાબતો જે આપણે અધુરી છોડી દીધી છે તેને પૂરી કરવાની શરૂઆત. નવી શરૂઆત નવા કામ માટે નહીં પણ અધુરું રહેલું પૂરું કરવાની નવી શરૂઆત. તમારે કોઈ સંબંધ રાખવો છે કે નથી રાખવો. જો જૂનો સંબંધ આગળ નથી વધારવા તો તેને અંતિમ સુધી લઈ જાઓ. કોઈ વ્યક્તિ તરછોડી દે અથવા તો તેના પ્રત્યે અણગમો થાય કે અણબનાવ બને તો તેને છોડી દેવી અયોગ્ય છે. તે સંબંધને સંપૂર્ણ રીતે પૂરો કરો અથવા તો તે વ્યક્તિને સુધરવાની તક આપીને કે પછી થયેલી ગેરસમજ દૂર કરીને સંબંધ સુધારવાનો અવસર આપો. આ શરૂઆત વધારે લાભદાયી નિવડતી હોય છે. નવેસરથી કોઈ બાબત શરૂ કરવી તેના કરતા અધુરી બાબતોને પૂરી કરવી વધારે સારી હોય છે. 

આપણી સમસ્યા એ છે કે, આપણે ક્યારેય પાછું વાળીને જોતા નથી. આપણે સતત આગળ વધવામાં, દોડવામાં, મેળવવામાં, પામવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે પોરો ખાવાનો સમય મળતો જ નથી અથવા કાઢતા જ નથી. આ દિવાળીથી શરૂ થયેલા નવા વર્ષમાં પોરો ખાઈએ અને જીવનમાં સમજણ આવી ત્યારથી વર્તમાન સમય સુધી જે પણ કામ, જે પણ સંબંધ, જે પણ બાબત અધૂરી છોડી છે તેને પૂરી કરવાનો પ્રયાસ કરીએ. જૂની તમામ પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ અથવા તો તેમાં બહાર આવીને તેને છોડીને આગળ વધી જવાનો પ્રયાસ કરવો જોઈએ. બંને આયામોને સાથે રાખીને દુ:ખી થઈને ફરતા રહેવાનો કોઈ અર્થ જ સરતો નથી. 

તમારે એક વખત તો ફરીથી બધું જ અજમાવવું જ પડશે. જે અધુરું છે તેને પૂરું કર્યા વગર છૂટકો નથી. તેનું કારણ એટલું જ છે કે એવી ઘણી બાબતો છે જે આપણે જાણે-અજાણે અધુરી છોડી દીધી હતી, અથવા તો છોડી દેવી પડી હતી અથવા તો એમ કહીએ કે જાણી જોઈને તેના તરફ ધ્યાન આપ્યું નહોતું. આપણને કંઈક નવું ગમી ગયું એટલે પણ જુનું છોડી દીધું હશે એવું પણ હશે. આવું કાયમ થતું જ રહે છે. નવું મેળવવાના ચક્કરમાં આપણે ઘણું જૂનું છોડી દઈએ છીએ અથવા વિસરી જઈએ છીએ. આ નવા વર્ષે આપણે નવી શરૂઆત, નવા આયોજનો અને નવા સપનાંના વાયદા કર્યા વગર અત્યાર સુધી જે અધુરું મૂકીને આવ્યા છીએ તેને પૂરા કરવાનો પ્રયાસ કરીએ. આ વખતે કદાચ નવું શરૂ નહીં થાય તો વાંધો નહીં પણ જે જૂનું અને અધુંરું છે તેને પૂરું કરી લઈએ તો પણ સંકલ્પ સિદ્ધિ જ ગણાશે. 

લાભ પાંચમે ધંધા-રોજગારના લાભની સાથે સાથે પોતાની જાતને પણ લાભ થાય તેવા મૂર્હતમાં કામગીરી શરૂ કરીએ. જેટલા જુના હિસાબો છે જિંદગીના તે તમામ હિસાબો સરભર કરી લઈએ અને તે તમામ ચોપડા મનમાંથી કાઢી નાખીએ. નવા સમયમાં નવા સંબંધો, નવા કાર્યો અને નવી લાગણીઓ કે નવા આયોજનોની નોંધ કરવા લાગીએ. આપણા જીવતરનું પણ નામુ લખવાનું કામ આ દિવસોમાં કરી જ લેવાનું છે. તેમાં બહુ જ સીધો નિયમ કરી દેવાનો આવે તેને આપણા ખાતે ઉધારી દેવાના અને જે જાય અથવા તો જતા રહ્યા છે તેને કાયમ માટે વિસરાઈ ગયેલી લાગણીઓની પેટીમાં જમા કરીને સમયના વહેણમાં વાહવી દેવાના. આ લાગણીથી જીવતા થઈશું તો રોજે રોજ દિવાળી અને નવા વર્ષ જેવું લાગશે.