કાળા મોતીની આ માળાને હજી આધુનિક ફેશનનો ઓછાયો લાગ્યો નથી. સોનાના ગંઠનમાં સોનાના પારા સાથે વિવિધ ડિઝાઈનોમાં ઉપલબ્ધ મંગળસૂત્રને સોનીઓ ઉત્સાહ ઉમંગથી ઘડે છે. ઝવેરી બજારની દુકાનોમાં લટાર મારવા નીકળીએ તો 'સામાન્ય' કહેવાતું આ ઘરેણું એક એકથી ચઢિયાતું જોવા મળશે. 'કહાની ઘર ઘર કી', 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' જેવી સિરિયલો મંગળસૂત્ર વધુ પસંદ કરે છે.
સૌથી નવાઈની વાત તો એ છે કે સામાન્ય રીતે કાળા રંગને અશુભ ગણવામાં આવે છે. વાર તહેવારે શુભ પ્રસંગે, અરે, એટલું જ નહીં, ઘણાં જૂનવાણી પરિવારોમાં કાળા રંગના વસ્ત્રોની ખરીદી જ કરવામાં આવતી નથી. ફક્ત અશુભ પ્રસંગે જ કાળા વસ્ત્રો પહેરવાનો રિવાજ છે. પરંતુ કાળા મોતીની આ માળાને 'સૌભાગ્ય ચિહ્ન' ગણવામાં આવ્યું છે, ગળામાં પહેરાતું આ આભૂષણ હિંદુ ધર્મમાં કોડીલી કન્યાને વરરાજા પહેરાવે છે તે પળથી તે તેની પત્ની બને છે. આમ દરેક સ્ત્રીઓનું સૌથી માનીતું આભૂષણ મંગળસૂત્ર છે. દરેક પરિણીતા પાસે હાર કે અન્ય કોઈ આભૂષણ ન હોય એવું બની શકે, પરંતુ મંગળસૂત્ર હોય જ. અમુક કોમમાં સ્ત્રીઓને પિયર તરફથી અને અન્યમાં સાસરિયાં તરફથી લગ્ન સમયે શુકનનું મંગળસૂત્ર આપવામાં આવે છે તે પરિણીતાના સૌભાગ્યનું ચિહ્ન હોઈ મંગળ માનવામાં આવે છે.
પહેલાંના જમાનામાં લાંબુ મંગળસૂત્ર પહેરાતું હતું. હવે સ્ત્રીઓ સંજોગાનુસાર લાંબા, ટૂંકા તેમ જ ફેન્સી મંગળસૂત્રો પહેરતી થઈ ગઈ છે. મંગળસૂત્ર દરરોજ પહેરવાનું હોવાથી સ્ત્રીઓ તેની પસંદગી ખૂબ જ સમજીવિચારીને કરે છે. નોકરી કરતી અને રોજ ટ્રેનમાં સફર કરતી મહિલાઓ નાનાં મંગળસૂત્રો વધારે પસંદ કરે છે. ઉપરાંત ઘણી સ્ત્રીઓ પોશાક અનુસાર એકથી વધારે મંગળસૂત્ર બદલતી રહે છે અને પ્રસંગે પહેરવા માટે લાંબુ મંગળસૂત્ર પણ રાખતી હોય છે. મહારાષ્ટ્રિયન બહેનોમાં સાસરિયાં તરફથી લાંબા અને વાટકીવાળાં મંગળસૂત્રો આપવામાં આવે છે. તેઓમાં લગ્નમાં એક વર્ષ સુધી વાટકી ઊંધી રાખવાનો અને ત્યારબાદ છતી કરવાનો રિવાજ છે. કન્યાને તેનાં પિયર તરફથી પણ એક નાનું મંગળસૂત્ર આપવામાં આવે છે. ઉપરાંત તેઓમાં કોરલ (કેસરી કલરના ગોળ અને લંબગોળ નંગ) વાળાં મંગળસૂત્રો પણ પ્રચલિત છે. જો કે હવે કોરલ ફેશનમાં હોવાથી અન્ય મહિલાઓ પણ તેની પર પસંદગી ઉતારે છે.
દક્ષિણ ભારતીય મહિલાઓનું મંગળસૂત્ર એટલે જાડી ચેઈન અને પાન આકારનું પેન્ડન્ટ, ધનિક સ્ત્રીઓ હીરાનાં મંગળસૂત્ર કરાવે છે. હાલમાં મંગળસૂત્રની એટલી વરાઈટી આવી છે કે સ્ત્રીઓ એકથી વધારે મંગળસૂત્ર ખરીદવા સહેજે આકર્ષાય.
સફેદ જડતરની અફલાતૂન કારીગરીવાળા પેન્ડન્ટમાં કાળી સેર બંધાવી એવું મંગળસૂત્ર બનાવવામાં આવે છે કે દૂરથી જોનારને અસ્સલ હીરાનું જ લાગે. લાલ-લીલા મીણામાં, જડતરમાં અને લાલ-લીલા મોતીના સોનાના ગંઠનમાં પણ મંગળસૂત્ર બનાવવામાં આવે છે. અમેરિકન ડાયમન્ડ, ચાંદી ઉપર સોેનાનો ઢોળ ચડાવેલાં અને ચાંદીના મંગળસૂત્ર પણ પહેરાય છે.
ઘણા કિસ્સામાં સફેદ મોતીનો પણ સેરમાં ઉપયોગ કરવામાં આવે છે. હજી થોડા સમય પહેલાં મંગળસૂત્રની સેરમાં કાળા મણકા અને સોનાના મણકા અથવા પારાનો ઉપયોગ થતો હતો. હવે તો મંગળસૂત્રની સેરની અપાર ડિઝાઈનો મળે છે. તમે એક બે અથવા ત્રણ સેરવાળાં મંગળસૂત્ર પસંદ કરી શકો. તેમાં વચ્ચે વચ્ચે સોનાના મણકા, સાદી ચેઈન અથવા ડિઝાઈન કરેલી જાડી ચેઈન મૂકાવી શકો. બે કાળા મણકાની સેરમાં સોનાના પારા પણ નખાવી શકો. મંગળસૂત્રની સેરમાં ક્યારેક લાંબા અને ડિઝાઈન કરેલા સોનાના પીસ પણ નખાવી શકાય.
મંગળસૂત્ર રોજબરોજ પહેરવાનું આભૂષણ હોવાથી આજકાલ એવા પેન્ડન્ટ-બુટ્ટીના સેટ પણ ખૂબ જ મળે છે. યુવતીઓ પેન્ડન્ટને કાળા મણકામાં સોનું અથવા સાદા દોરાના ગંઠનથી બંધાવે છે. સાદા દોરાના ગંઠનમાં મુખ્યત્વે મોતીની ઘણી બધી સેરનો ઉપયોગ કરવામાં આવે છે. સેરને ટ્વિસ્ટ પણ કરાવી શકાય અથવા વચ્ચે વચ્ચે તેમાં ગાભાના (ઉપર સોનું અંદર લાખ) મોટા મણકાઓ મૂકવામાં આવે છે. મંગળસૂત્ર સાથેની મેચિંગ બુટ્ટીમાં અને બંગડીઓમાં પણ કાળાં મોતી પરોવેલા સેટ તૈયાર મળે છે.
છેલ્લામાં છેલ્લી ફેશન મુજબ એન્ટિક પેન્ડન્ટ સાથે એકદમ ઝીણા ફક્ત કાળા મણકાની સોનાના ગંઠનવાળી સેર હોય છે. આધુનિક યુવતીઓને આવાં ડેલિકેટ અને ફેશનેબલ મંગળસૂત્રો વધારે પસંદ પડે છે. અમુકયુવતીઓ ટ્રેડિશનલ ગોળ (ઠળિયા જેવું ) પેન્ડન્ટ કાળા દોરામાં પરોવી બનાવેલું મંગળસૂત્ર ખુલ્લા ગળાના પોશાક પર ગળામાં શોભે એ રીતે પહેરે છે. આમ, પરંપરાગત હોય કે આધુનિક કીંમતી હોય કે સસ્તું, દરેક સ્ત્રીને પોતાનું મંગળસૂત્ર વહાલું હોય છે.
જે ધર્મમાં મંગળસૂત્રને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવતું એ સમાજની યુવતીઓ પણ ફેશનની તાલ પર સદાય થિરકતા આ અલંકારને ધારણ કરવાનો મોહ ત્યજી શકતી નથી.
સોનાનો ભાવ આસમાને હોય છતાં પણ મધ્યમવર્ગીય તથા તેના કરતાં પણ ઓછી આવકવાળા લોકો મંગળસૂત્રની ખરીદી કરવાના જ, આ કાળા મોતીની માળામાં નામ માત્ર સોનું હોય તો પણ નવવધૂને પહેરાવવાનું આ મહત્ત્વ છે. સુંદર દેખાતું આ ઘરેણું પહેરનાર કુંવારી કન્યા હોય કે સૌભાગ્યવતી સ્ત્રી હોય કે તેઓના ગળાનું સૌંદર્યવર્ધન કરે છે. તેમાં શંકાને સ્થાન નથી.
આ અલંકારના મોહપાશમાંથી તો સિનેઉદ્યોગ પણ છટકી શક્યો નથી. સામાજિક હિન્દી ફિલ્મોમાં દિગ્દર્શકે ઘણી વખત મંગળસૂત્રને મહત્ત્વનું સ્થાન આપ્યું છે. આ તો થઈ બૉલીવૂડની ચમકતી દુનિયાની વાત પરંતુ અંગત જિંદગીમાં કલાકારો પણ તેને પહેરતા અચકાતા નથી. રસ પડે તેવું ઉદાહરણ છે. શબાના આઝમી મુસ્લિમ ધર્મની આ કલાકાર ઝુંપડપટ્ટીઓની સમસ્યા દૂર કરવા પ્રેસ કોન્ફરન્સ યોજે અથવા તો ઝુંપડપટ્ટીવાસીઓની મુલાકાતે જાય ત્યારે કપાળમાં ચાંદલો કરી લે છે તથા ગળામાં મંગળસૂત્ર પહેરીને ગરીબ-અભણ જનતાની લાગણી જીતી જાય છે. આ તો થઈ કલાકારોની વાત, વિદેશીઓને પણ મંગળસૂત્રનું આકર્ષણ રહ્યું છે. મુંબઈની પ્રસિધ્ધિ ઝવેરીની દુકાનના મેનેજર જણાવે છે કે 'અમારી દુકાનેથી વિદેશીઓ પણ મંગળસૂત્રની ખરીદી કરે છે. મંગળસૂત્રને જોઈ 'ઓહ, ઈટ્સ વેરી બ્યુટીફૂલ' જેવા ઉદ્ગારો કાઢી હોંશે હોંશે તેની ખરીદી કરે છે. એટલું જ નહીં, તો મંગળસૂત્ર વિશે જાણવાની ઈચ્છા પણ હોય છે.'' આ રીતે મંગળસૂત્ર ફેશન તરીકે પણ વિદેશીઓના ગળાની શોભા વધારે છે.
ઝવેરી બજારની દુકાનમાં કે સોનીની કોઈપણ નાની-મોટી દુકાનમાં મંગળસૂત્ર ઓછા બજેટથી શરૂ થઈ અતિ કિંમતી પણ મળે છે. કહેવાનું તાત્પર્ય એ જ કે દરેક ઘરાકના ગજવાને પોષાય તેવી 'રેન્જ' સોનીઓ ઘડીને રાખે છે જેથી સૌભાગ્યના આ ચિન્હને ખરીદ્યા વગર ઘરાક નિરાશ થઈ દુકાનેથી પાછો ન ફરે.
આ તો થઈ સોનીની દુકાનની વાત પરંતુ મુંબઈ જેવા મહાનગરમાં તો પરાંની ટ્રેનોમાં મહિલાના ડબ્બાઓમાં મંગળસૂત્ર વેચાતા મળે છે. એક વખત આવી જ રીતે મહિલાનાં ડબ્બામાં મંગળસૂત્ર વેચનારી સ્ત્રી સાથે વાતચીત થઈ, તેનો સારાંશ અહીં જણાવ્યો છે. દિવસ દરમિયાન ૧૫-૨૦ મંગળસૂત્ર સરળતાથી વેચાઈ જાય છે. એટલું જ નહિ, ઘણી સ્ત્રીઓ તો તેની પાસેથી પાંચ-છ મંગળસૂત્ર ખરીદે છે અને પછી તેના પર કમિશન ચઢાવી પોતે તેનો વેપલો કરે છે. મંગળસૂત્ર વેચનાર સ્ત્રી ખાત્રીપૂર્વક કહેતી હોય છે કે દુકાનના માલ જેવો જ તેનો માલ છે. દુકાનદાર તેની દુકાનનો ખર્ચો કાઢવા વધુ મોંઘા વેચે છે જ્યારે આ સ્ત્રી પોતાનું પેટીયું રળવા દુકાનદાર કરતાં થોડાં સોંઘા મંગળસૂત્ર વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. એટલું જ નહિ મંગળસૂત્ર વેચનાર સ્ત્રી એવું પણ કહે છે કે, ''હું દુકાનદાર કરતાં થોડું સસ્તું વેચીશ તો જ મારો માલ ખપશે તેની મને જાણ છે. દુકાનદાર જેવો જ માલ સસ્તાંમાં વેંચીને જ મારે મારું ગુજરાન ચલાવવું પડે છે. નિયમિત ધંધો કરનાર વ્યક્તિને ખોટું કરવું પોષાય નહિં. હમણાં મંગળસૂત્રની ફેશન ચાલે છે તેથી આનો વેપલો કરું છું.
ફેશન ચાલે છે તેનો વેપલો કરવો પડે છે.'' તેની વાત પરથી એ વાતની પણ જાણ થઈ કે સૌભાગ્યના આ ચિન્હને મુસ્લિમ, ખ્રિસ્તી ધર્મની સ્ત્રી પણ હોંશે હોંશે ફેશન તરીકે અપનાવે છે. મંગળસૂત્ર એ સૌભાગ્યની નિશાની છે. પરંતુ ઘણી યુવતીઓ અમુક સ્થળે પોતે પરિણીત છે એ બતાવવામાં નાનમ સમજતી હોય તો તેનું મંગળસૂત્ર બ્લાઉઝ કે બીજા પરિધાનની અંદર સરકાવી દે છે. શું તમે જાણો છો કે પહેલાંના સમયમાં મંગળસૂત્ર એટલે લાલ દોરામાં પરોવેલા કાળાં કાળાં મોતીની માળા બસ આટલી જ અમથી વાત સમય જતાં લાલ દોરાનું સ્થાન સોનાએ લીધું. જૂની પેઢીઓની સ્ત્રીઓ સુહાગનના આ પ્રતીકને ખરીદવામાં બહુ ઝંઝટ કરતી નહીં. પવિત્ર ઘરેણાંને સૌભાગ્ય ચિન્હ સમજી પહેરી લેતી. પરંતુ આધુનિક યુગની નારી પાસે વિવિધ જાતનાં મંગળસૂત્રનો સંગ્રહ જોવા મળશે. ચાંદીના, સોનાનાં, હીરાનાં દરેક જાતનાં મંગળસૂત્ર તેનાં ઘરેણાંના ડબ્બામાં પડેલાં નજરે ચડે છે.
ગમે તે કહીએ પણ મંગળસૂત્રને પવિત્ર બંધન કહો કો ફેશન, ટીવીના રંગીલા જુવાનિયાઓ પણ તેના મોહપાશમાંથી છટકી શક્યા નથી.
-કેતકી


