શિયાળાની ઠંડી ઋતુ ગુલાબી હોય કે કડકડતી, ગરમ વસ્ત્રોની ફેશન એમાં પૂરબહારમાં ખીલે છે. ખાસ તો રંગબેરંગી સ્વેટર અને પુલઓવરની નવીનવી ડિઝાઈનો સૌકોઈના આકર્ષણનું કેન્દ્ર બને છે. યુવતીઓ, ખાસ તો કોલેજિયન કન્યાઓ અને કિશોરીઓમાં જુદી જુદી ફેશનનાં ગરમ વસ્ત્રો પહેરવાની કેમ જાણે કે હોડ લાગે છે.
આજકાલ અગાઉની જેમ મશીનવણાટનાં તેમજ પાતળા ઉનનાં સ્વેટર ખૂબ ઓછાં પસંદ કરાય છે. ખરું પૂછો તો હવે જાડા ઊનનાં સ્વેટરની ફેશન શરૂ થઈ છે. એમાં રંગની વાત કરીએ તો લાલ, પીળા, લીલા, મેજેન્ટા, પીરોજી વગેરે ભભકાદાર અને ભડકીલા રંગોનાં સ્વેટર પહેરવાનું જાણે કે એક ઘેલું લાગ્યું છે. તો સાઈઝની વાતે ચુસ્ત એટલે કે તંગ-ફિટોફિટ સ્વેટરની જગ્યાએ હવે ઢીલાં સ્વેટરો એટલે કે લૂઝર અથવા તો બેગીની ફેશન ચાલી છે.
આ ઢીલાં સ્વેટરની એક ઓર વિશેષતા છે. એ જેટલાં આકર્ષક હોય છે. એટલાં જ એ બનાવવામાં પણ સરળ હોય છે. કેમ કે એવાં સ્વેટર બનાવવામાં તો ખભાના માપની પણ જરૂર નથી પડતી. ખભાની નીચેનું ચલણ હોવાથી ખભા સુધીની લંબાઈ-પહોળાઈની વધઘટની પણ ઝંઝટ નથી રહેતી. એટલું જ નહીં, આવાં સ્વેટરની બાંયોનો આકાર-પ્રકાર પણ હોતો નથી. વળી મજાની વાત તો એ છે કે આવાં સ્વેટર ગમે તે પરિધાન સાથે એટલે કે સાડી સાથે કે પછી સલવાર-કમીઝ સાથે પણ પહેરી શકાય છે.
હાલમાં યુવાન મહિલાઓમાં ગોળાકાર ગળાના સફેદ સ્વેટરની ફેશન ચાલે છે. લાલ તેમજ કાળા રંગનાં કમીઝ સાથે એ ખૂબ જ શોભે છે. એમાં પીરોજી, લાલ અને સ્ટિલ ગ્રે કલરના તારાની ડિઝાઈન હોય છે. ''કેશમિલોન''નાં બનેલાં પીળા અને સફેદ રંગનાં ગોળ ગળાનાં સ્વેટરની પણ બોલબાલા છે. આવાં સ્વેટર યુવક-યુવતી બન્ને પહેરી શકે છે.
સ્વેટરની ફેશનનો એક અન્ય પ્રકાર અંગ્રેજી વર્ણમાળાના 'ફ'ની આકૃતિવાળા ગળાનો છે. આ ગળું ટાઈ અને સ્કાર્ફ બન્નેનો ઉપયોગ કરવમાં ચાલી શકે છે. આવી જાતનાં સ્વેટરો એના લાલ અને પીળા રંગના ગળાના ભાગને કારણે ખૂબસૂરત લાગે છે. એની ડિઝાઈન જાણે ગળામાં લાંબી લટકતી માળા પહેરી હોય એવી દેખાય છે. તો બાજુઓ તેમ જ પીઠ પરના ભાગ પરની ચોરસ અને ઊભી લાઈનો એને એક નવી જ નજાકત બક્ષે છે.
પશ્મીના બનાવેલા બેવડા ગળાના સ્વેટરની તો વાત જ ન્યારી છે. આવા સ્વેટરના કોલર અંદરની બાજુ વાળી શકાય છે. કોલર વાળવા સાથે એ સ્વેટર ગોળ ગળાનું બની જાય છે અને કોલર બહાર રાખો તો શર્ટના કોલર જેવો રુઆબ બક્ષે છે.
પશમીનામાંથી બનાવાતા કોલર કોટ સ્વેટરની પણ આગવી શોભા હોય છે. વિવિધ રંગો અને ડિઝાઈનોના સમન્વય સમા એ સ્વેટરનું ગળું ટાઈ તેમજ સ્કાર્ફ બાંધવાના કામમાં પણ આવે છે.
કેટલીક યુવતીઓ વાદળી અને સફેદ રંગનું બનેલું વિશુધ્ધ ઊનનું સ્વેટર પણ પહેરે છે. એમાં છાતીના ભાગ પર અડધો ભાગ વાદળી અને અડધો સફેદ હોય છે. વચમાં બન્ને રંગની મદદથી એક ખૂબસૂરત ઊભી લાઈન અને એની અડખેપડખે પટ્ટા હોય છે.
બજારમાં આજકાલ સ્વેટરની કેટલીક નવી જાતો પણ મુકાઈ છે. અને એવાં સ્વેટરની નવીન ડિઝાઈનોએ અને રંગોએ ફેશનેબલ યુવતીઓમાં ભારે આકર્ષણ જગાવ્યું છે. વુલટચ, બ્રાયલોન ડિલક્સ, રેબિટ, ક્રિસ્ટીના, કશિશ, ડાયમંડ ડિઝાઈન જમ્પર, મલ્ટિકલર કાર્ડિગન, વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, સ્વેટર વિથ જ્યોમેટ્રિક ડિઝાઈનના નામે ઓળખાતી આ નવી જાતોમાંથી કઈ એક સારી એ કહેવું મુશ્કેલ છે. કારણ, અંતે તો એ આપના શરીરસૌષ્ઠવની સાથોસાથ આપની રંગરુચિ પર પણ નિર્ભર છે.
આમ છતાં એક વાત લખી રાખો કે આપ જો શામળાં હો તો બને તેટલા ખૂલતા રંગનાં સ્વેટર કે પુલઓવર પસંદ કરવાં હિતાવહ છે. એ જ રીતે આપ બેઠી દડીનાં હો તો ઊભા પટ્ટાની ડિઝાઈનવાળા પુલઓવર કે સ્વેટર આપને ઊંચા દેખાડવાનંુ કામ કરશે. એથી ઉલટું, આપ વધુ પડતાં ઊંચા હો તો આડા પટ્ટાની ડિઝાઈનવાળાં સ્વેટર કે પુલઓવર આપને સપ્રમાણ દેખાડવાનું કામ કરશે.
- અનામિકા


