સંક્રાતિ નિમિત્તે ગુજરાતનાં તમામ શહેરો અને ગામોમાં કિશોરો અને યુવાનો અને હવે તો મહિલા વૃન્દો પણ પોતપોતાની સગવડ મુજબ અગાશીમાં, છાપરાઓ ઉપર કે ખુલ્લા મેદાનોમાં કોઈ પણ જાતના ધર્મ કે જાતિ વર્ગ સિવાય આકાશમાં પતંગ ઉડાવીને એક બીજાનાં પંતગો કાપવામાં અનેરો આનંદ લેતા હશે. ભારતનાં મુખ્યત્વે તમામ રાજ્યમાં સંક્રાતિનો ઉત્સવ આનંદથી મનાવવામાં આવે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ મુખ્ય ધાર્મિક તહેવાર માનવામાં આવે છે.
મહારાષ્ટ્રીય સમાજમાં સંક્રાતિનો ઉત્સવ થોડો અન્ય રીતે --- અને અતિ પ્રેમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવને હળદર કંકુ કહેવામાં આવે છે. સંક્રાતિથી ૧૦-૧૨ દિવસ સુધી દરેક મહારાષ્ટ્રીયન કુટુંબ સંક્રાંતિ નિમિત્તે પોતાના સગા-વહાલા, આડોશી-પાડોશીઓ, ઓળખીતા-પાલખીતાઓનાં કુટુંબની સૌભાગ્યવતી બહેનોને 'હળદી-કંકુ' નિમિત્તે ખાસ આમંત્રણ આપતા હોય છે. ઘરે આવનાર દરેક સૌભાગ્યવતી મહિલાઓને આદરથી તેઓનું આસન ગ્રહણ કરવા વિનંતી કરવામાં આવે છે દરેક સૌભાગ્યવતીનાં કપાળ ઉપર હળદર અને કંકુનો ચાંદલો કરવામાં આવે છે. હાથ ઉપર અત્તર લગાવીને તેઓને સુગંધીત વાતાવરણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. દરેક સૌભાગ્યવતી બહેનોનાં હાથમાં તલનો લાડુ અર્પણ કરી પ્રેમથી બોલાવવામાં આવે છે, 'તીલ ગુલ ઘ્યા આણી ગોડ ગોડ બોલા' (તલગોળ લો અને મીઠાશથી વર્તો) આવી મિઠાશને કારણે ગમે તેવો ઝઘડો કે મનદુ:ખ થયેલ હોય તો પણ આ શબ્દો સાંભળીને બન્ને પક્ષ તરફથી પ્રેમ ઉભરાયા વિના રહેશે નહીં. ત્યાર બાદ દરેક સૌભાગ્યવતીનાં હાથમાં હલવો (તલ સાંકળીયા) અર્પણ કરવામાં આવે છે. પછી બોર અને અન્ય ફળફળાદી પણ અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ કુટુંબની યથાશક્તિ મુજબ પ્લાસ્ટીક, પીત્તળ કે સ્ટીલની લ્હાણીથી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે. આવી પ્રથાને કારણે જ્યાં જ્યાં મહારાષ્ટ્રીયન કુટુંબ વસતુ હશે તે તે વિસ્તારની સર્વ મહિલાઓમાં આ પદ્ધતિને કારણે જ સર્વનો પ્રેમ જરૂરથી સંપાદન કરતા હોય છે. પ્રેમની ભાવના ફેલાવવા માટે આ રિવાજનો સર્વત્ર સ્વીકાર કરવામાં આવે તો સમાજમાંથી જરૂરથી કડવાશ દૂર થશે જ.
મહારાષ્ટ્રીયનનો આ રિવાજનો સંપૂર્ણ યશ ઇન્દોરની મહારાણી અહિલ્યા બાઈનાં ફાળે જાય છે. જોકે તે વખતે તો આ ધાર્મિક તહેવાર હતો જ નહિ. માત્ર અંગ્રેજોની સામે રાજકીય ચાલ ચાલવા માટે જ આ પદ્ધતિ શરૂ કરવામાં આવી હતી. જે આજે મહારાષ્ટ્રીય કુટુંબનો મુખ્ય રિવાજ જાહેર થઈ ગયેલ છે.
૧૮૫૭નો લશ્કરી બળવો માત્ર દેશમાં એકતાની ભાવના જાગૃત થયેલ ન હોવાથી જ નિષ્ફળ ગયો હતો. જેથી ઇન્દોરના મહારાજ યશવંતરાયે અંગ્રેજોની સામે એક સંપની અને એકી સાથે સમગ્ર સ્થળેથી બળવો કરવાની યોજનાં વિચારી. આ યોજનાથી માહિતગાર કરવા પોતાનાં વિસ્તારની આજુબાજુનાં તમામ રાજાઓ-મહારાજાઓને પોતાનાં દરબારમાં એકત્રિત કરવાની યોજના ઘડી. ઇન્દોરની મહારાણી અહિલ્યાબાઈએ મહારાજની યોજનાનો થોડો વિરોધ કરીને, પોતાની યોજના મુજબ આગળનો કાર્યક્રમ કરવાની સુધારણા દર્શાવી. મહારાણી અહિલ્યાબાઈએ જે સુધારો દર્શાવ્યો હતો તે મુજબ રાજવીઓને બદલે તેઓની જ ઘરની સૌભાગ્યવતી મહિલાઓને એકત્ર કરીને, તેની મારફત મહારાજની યોજના સંબંધિત રાજવીને પહોંચાડવાની દરખાસ્ત હતી. આ યોજનાનો તમામ દરબારીઓએ સ્વીકાર કરતા, છેવટે આ યોજના નક્કી કરીને, અંગ્રેજોને કોઈ શંકા ઉપસ્થિત ન થાય તે માટે આ ઉત્સવ ફક્ત સૌભાગ્યવતી મહિલાઓનો જ હોવાનું જાહેર કરતા, નક્કી થયેલ દિવસે આજુબાજુના વિસ્તારની સૌભાગ્યવતી મહિલાઓ એક પછી એક ઇન્દોર આવવા લાગી. બ્રિટનની મહારાણીએ બળવા પછી અંગ્રેજો પ્રત્યે ખૂબ જ કડક થયેલ હિન્દુસ્તાનનાં કોઈ પણ ધાર્મીક ઉત્સવમાં અંગ્રેજો ડખલગીરી કરી શકતા ન હતા. તેઓ માત્ર ઇન્દોરમાં વિવિધ રાજવી ઘરાણાની મહિલાઓને રાજમહેલમાં પ્રવેશતી જોઈ રહેતા હતા.
ઇન્દોર રાજમહેલમાં આવી રીતે સૌભાગ્યવતી મહિલાઓનું બહુમાન જોઈને ઇન્દોરની સ્થાનિક પ્રજાએ આજ ઉત્સવ સાર્વજનિક ધોરણે ઉજવવાનંુ શરુ પણ કર્યું. જે ધીરે ધીરે કૌટુંબિક ઉત્સવ બનવા લાગ્યો.આ જોઈને આજુબાજુનાં શહેરો અને ગામોની મહિલાઓ પણ સંગઠિત થઈને પોતાના આંગણે આ ઉત્સવ શરૂ કર્યું.
ધીરે ધીરે આ ઉત્સવનો મહારાષ્ટ્રીયન સમાજે ખૂબ જ હર્ષથી સ્વાકાર કરતા, આ ઉત્સવ તેઓનો મનાવા લાગ્યો. હવે તો આ ઉત્સવ દરેક મહારાષ્ટ્રીયનનાં કૌટુંબિક વંશ પરંપરા ઉત્સવ બની ગયેલ છે.
જાહેર જનતામાં એકતાની ભાવના ફેલાવવા ગુજરાતી સમાજને પણ આ અનુકરણીય ઉત્સવ છે જ. જેથી આ ઉત્સવ ગણેશ ઉત્સવની જેમ અપનાવવામાં કઈ જ હરકત નથી.


