- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- વ્યક્તિએ પોતાની આસપાસ રહેલા લોકો કે વસ્તુઓમાં પ્રેમ શોધવાના બદલે પોતાની અંદર રહેલા પ્રેમના સ્પંદનોને સચેત કરવાના છે. પ્રેમ સ્ટેટ ઓફ માઈન્ડ છે. આ ચેતનાની અવસ્થાને આપણે આપણી અંદર પહેલાં અનુભવવી પડશે તો બાકીની ચેતના આપોઆપ સમજાઈ જશે. બાકી તો આખી જિંદગી દુ:ખી થતા રહીશું અને બીજાને પણ કરીશું.
પ્રેમ અદભુત અને અલૌકિક છે. તેનો માત્ર અનુભવ હોય છે. એક પિતા પોતાના સંતાનોના માથે હાથ ફેરવા, એક માતા પોતાના સંતાનોને ભેટી પડે અને એક બહેન પણ પોતાના નાના ભાઈને પસવારે તેને પ્રેમ કહી શકાય. એક મિત્ર સાવ અમસ્તો ફોન કરીને એમ કહે, ચાલ આજે શાંતિથી કિટલીએ બેસીએ કે અથવા તો આપણી જૂની સ્કુલ કે કોલેજની પાસે આવેલા બાંકડે ભેગા થઈને વાતો કરીએ તે સાચો પ્રેમ છે. અનેક પીડાઓથી ઘેરાયેલા હોઈએ અને કોઈ ખભે હાથ મૂકીને એટલું કહી દે કે, થઈ જશે... શાંતિ રાખ.. બસ આ પ્રેમ છે. આ આત્મિક બાબત છે. સંવેદનાઓનો એવો ધસમસતો પ્રવાહ છે કે, માણસ માત્ર તેમાં પગ નાખે અને આખે આખો તણાઈ જાય અને છતાં સુરક્ષિત બહાર આવી જાય.
આપણે પ્રેમ દ્વારા પઝેશન લેવા માગીએ છીએ. જે આપણું છે તે આપણું જ રહેવું જોઈએ તેવો માલિકી ભાવ આપણામાં આવી જાય છે. વસ્તુથી માંડીને વ્યક્તિ સુધી આ ભાવ રહેલો છે. તેના કારણે જ મિત્ર, પ્રેમી, પ્રમિકા, પત્ની, સંતાનો બધા ઉપર એક બંધન રાખવા માગીએ છીએ. આપણે માત્ર એટલું જ જાણીએ છીએ કે, બંધન હશે તો આપણી ગમતી વસ્તુ આપણી રહેશે અને વ્યક્તિ પણ આપણી પાસે જ રહેશે. આપણે એ જાણવાનો પ્રયાસ જ નથી કરતાં કે તેને ખરેખર આપણા માટે પ્રેમ છે તે સાંકળે નહીં બંધાયેલા હોય તો પણ આપણી પાસે જ રહેવાના છે. તેઓ ક્યારેય આપણને નહીં છોડે.
લગ્ન સંબંધમાં પણ આવું જ હોય છે. વાર-તહેવારે પતિ કોઈ ભેટ ન લાવે, તહેરવારે હાજર ન રહે અથવા જન્મ દિવસે ભેટ ન લાવે તો આપણે માનીએ છીએ કે તે આપણને પ્રેમ નથી કરતો. તેવી જ રીતે જો પત્ની સહસયન માટે સાથ ન આપે ત્યારે પતિને એમ હોય છે કે હવે આને પ્રેમ નથી રહ્યો. આ માત્ર આપણી મુર્ખતા છે. આપણે શારીરિક સ્તરે અને ભૌતિક સ્તરે પ્રેમને શોધવા અને પામવા પ્રયાસ કરીએ છીએ. આપણે માત્ર એમ જ માનીએ છીએ કે, પતિ અને પત્ની બેડરૂમમાં અને પ્રેમી અને પ્રેમિકા જ્યાં તક મળી ત્યાં એકાંત માણે તે પ્રેમ છે. હોટેલના રૂમમાં કે, થિયેટરોના અંધારા હોલમાં એકબીજાને કિસ કરવી કે આલિંગન આપવા તે પ્રેમ નથી. આ માત્ર હવસ છે. શારીરિક ઉત્પાતોની શાંતિ માટે આપણે એમ કરીએ છીએ.
થોડા સમય પહેલાં જ એક મિત્રની મુલાકાત દરમિયાન આવો અનુભવ થયો હતો. પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હતો. બંને વારંવાર ઝઘડતા હોવાના તો અનેક દાખલા હતા પણ ક્યારેક આ ઝઘડા કાબુ બહાર પણ જતા હતા. તે વખતે પણ કદાચ તેવું જ થયું હતું. હું અને મારી પત્ની થોડા સમય પહેલાં રજાના દિવસે એક મિત્રને ત્યાં ગયા. અમે ત્યાં પહોંચ્યા તો તેની પત્ની વિભા મોઢું ચડાવીને ફરતી હતી. મેં પુરુષ સહજતાથી મારા મિત્રને ઈશારો કર્યો કે.... તેણે પણ ઈશારાથી કહ્યું કે, ત્રીજો દિવસ છે આજે આ સ્થિતિનો. તમે આવ્યા છો તો મને થોડા જામીન મળશે, પછી ખબર નહીં આગળ કેટલું ચાલશે.
અમારી વાત પૂરી થઈ ત્યાં જ વિભા બોલી, જૂઓ આ વખતે તમારે વેદાંતનો પક્ષ લેવાનો નથી. કાયમ તમે તર્ક કરીને એનો પક્ષ લો છો અને મારે માની જવું પડે છે. મેં કહ્યું સારું પણ થયું શું. વિભાએ કહ્યું કે, મારો જન્મદિવસ હતો અને એ ગિફ્ટ લાવવાનું જ ભુલી ગયો. મારી પાસે બચાવના હથિયાર જ ના રહ્યા. એક તો પતિ, એમાંય લવ મેરેજ કરેલો પતિ, તેમાંય પત્નીના જન્મદિવસની ગિફ્ટ લાવવાનું ભુલી જાય. બીચારા ઉપર કેટકેટલી કલમો લાગે. લગભગ પત્ની પીનલ કોડમાં આવતી મોટાભાગની કલમો હેઠળ એ ગુનેગાર સાબિત થયો હતો. મેં કહ્યું કે, ગિફ્ટ લાવવાનું કે તને વિશ કરવાનું ભુલી ગયો હોય તો તારે યાદ કરાવવું જોઈએ ને. વિભા વધારે ધુંધવાઈ ગઈ. તેને કશું યાદ રહેતું નથી, કાયમ આવું કહે છે, ગયા મહિને પણ એનિવર્સરી ભુલી ગયો હતો. મેં દલીલ કરવા પૂરતું કહ્યું કે, એક વાત જણાવ કે બે વર્ષ પહેલાં વેદાંતને હાઈપર ટેન્શન ડિટેક્ટ થયું હતું. તેની દવા વેદાંત નિયમિત લે છે. તેનો જવાબ સ્વાભાકવિક રીતે નકારમાં જ આવ્યો. મારે તેને રોજ યાદ કરાવવું પડે છે. મેં તેને સમજાવી કે જે વ્યક્તિ પોતાની દવા લેવા માટે પણ તારી જરૂર પડે છે તે ક્યારેક આવું ભુલી જાય તે સ્વાભાવિક છે. દવા દરરોજ લેવાની છે છતાં તેને યાદ રહેતી નથી તો આવી બીજી ઘણી બાબત હશે. તેને થોડું રિયલાઈઝ થયું કે, મારી વાત સાચી છે છતાં દલીલ કરતી રહી કે હવે તેને મારા માટે પ્રેમ નથી. તે મને પ્રેમ કરતો નથી, પોતાના કામમાં પરોવાયેલો રહે છે. તેનો પ્રેમ હવે ધીમે ધીમે ઘટતો જાય છે.
વિભા અને વેદાંત ખૂબ જ લવિંગ કપલ છે છતાં ક્યારેક આવી બનતી ઘટનાઓ વિચારવા મજબૂર કરી દે છે. માણસ જાત જન્મી ત્યાંથી તેનો અંત આવશે ત્યાં સુધી તે માત્ર એક શબ્દ ફરતે જ ગોળ ગોળ ફર્યા કરશે... અને એ શબ્દ છે પ્રેમ. પ્રેમ શબ્દને જેટલો ખોટો સમજાયો છે, જેટલો ખોટી રીતે જાણવામાં આવ્યો છે કે પછી એમ કહીએ કે માણસજાતની ભાષામાં સૌથી મિસઅન્ડરસ્ટૂડ શબ્દ હોય તો તે પ્રેમ છે. આપણે પ્રેમને સંબંધ સાથે જોડીએ છીએ. પ્રેમને સંબંધ માનીએ છીએ અને તેથી જ સતત પ્રેમની ઝંખનામાં પીડા, હિંસા, વ્યાભીચાર અને કંઈક સ્તર સુધી પહોંચી જતા હોઈએ છીએ. આપણને સંબંધ અને સ્નેહ એ બે વચ્ચે તફાવત જ ખબર નથી. પ્રેમને સંબંધ માનીએ છીએ અને લોકોના વર્તનને સ્નેહ. હકિકત એ છે કે લોકોનું વર્તન આપણને ધારણાના વિશ્વ તરફ ધકેલે છે અને તેના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ પ્રેમ કરે છે કે નહીં. હકિકતે પ્રેમ એ સંવેદના છે અનુભવગત બાબત છે. પ્રેમ માત્ર સંબંધ નથી.
દાંપત્યમાં સમજવા જેવી એક બાબત એ છે કે, પ્રેમ હોય તો સંબંધ હોય, સંબંધ હોય તો પ્રેમ હોય તે જરૂરી નથી. આપણે માત્ર ભૌતિક બાબતોની આસપાસ રહીને પ્રેમ શોધતા અને આપતા હોઈએ છીએ. પ્રેમની નિ:સ્વાર્થ લાગણીને આપણે ક્યારેય અનુભવતા જ નથી કે કોઈને તેનો અનુભવ કરાવતા નથી. કોઈ વ્યક્તિ આપણને વારતહેવારે ભેટ આપે, વસ્તુ લાવી આપે કે આપણી દરકાર રાખે તો તેને પ્રેમ ગણીએ છીએ. કોઈ મિત્ર આપણા જન્મ દિવસે શુભેચ્છા આપતો ફોન કરે, મેસેજ કરે કે પછી ગિફ્ટ લઈને ઘરે આવે તો આપણે માનીએ છીએ કે તે મને પ્રેમ કરે છે. તેમાનું કશું જ ન કરે તો આપણને ખોટું લાગે છે, તેને પ્રેમ નથી તેવું માનીએ છીએ. માત્ર એકબીજાની સાથે બેસીને સુચક મૌન સાથે એકબીજાની આંખોમાં જોઈને કહેવું કે આઈ લવ યુ... તે પણ પ્રેમ જ છે. બંધ હોઠે મનની ભાષાથી કહેવાતી વાતો પણ પ્રેમ જ છે. ઘણા યુગલોમાં એકબીજા સામે વ્યક્ત થવાની કે એકબીજાને સમજવાની ઘણી સમસ્યાઓ રહેલી છે.
સંબંધોની આંટીઘુંટી અને ઈચ્છા-અનિચ્છાઓ કે પછી અપેક્ષા અને અન્ય બાબતો વિશે એટલું જ કહી શકાય કે, તમામ બાબતો આપણા કન્ટ્રોલમાં નથી. વ્યક્તિએ પોતાની આસપાસ રહેલા લોકો કે વસ્તુઓમાં પ્રેમ શોધવાના બદલે પોતાની અંદર રહેલા પ્રેમના સ્પંદનોને સચેત કરવાના છે. પ્રેમ સ્ટેટ ઓફ માઈન્ડ છે. આ ચેતનાની અવસ્થાને આપણે આપણી અંદર પહેલાં અનુભવવી પડશે તો બાકીની ચેતના આપોઆપ સમજાઈ જશે. જ્યાં સુધી આપણે પ્રેમને સંબંધ માનીશું ત્યાં સુધી દુ:ખી જ થઈશું અને જે દિવસે પ્રેમને સંવેદના માનીને માત્ર અનુભવ કરતા રહીશું તે દિવસે તેની દિવ્યતાને પામી લઈશું. બાકી તો આખી જિંદગી દુ:ખી થતા રહીશું અને બીજાને પણ કરીશું.


