જમરૂખની જેમ જામફળના પાંદડા પણ ગુણકારી
ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેને જમરૂખ ન ભાવે. પેરૂ અને જામફળના નામે પણ ઓળખાતું જમરૂખ જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ સ્વાસ્થ્યપ્રદ ગણાય છે. માત્ર જામફળ જ નહીં, પેરૂના પાન પણ ગુણોનો ખજાનો ગણાય છે. એક સંશોધન અનુસાર પેરૂના પાન કુદરતી ઔષધી તરીકે કામ કરે છે. તે શરીરને નુકસાન પહોંચાડયા વિના તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણોનો ભંડાર ભર્યો છે. જામફળના પાનમાં પોલીફેનોલ, કેરોટેનોઇડ, ફ્લેવોનોઇડ અને ટેનિન જેવા રસાયમો મોજૂદ હોય છે જે ઘણી વ્યાધિઓના ઇલાજ માટે ખપ લાગે છે. તજ્જ્ઞાો પેરૂના પાંદડાના ગુણો વિશે વિસ્તૃત જાણકારી આપતાં કહે છે....
શરીરમાં બ્લડ શુગરને અંકુશમાં રાખે :
પેરૂના પાનમાં રહેલા ફેનોલિક યૌગિક શરીરમાં બનતી શર્કરાની વધારાની માત્રાને અંકુશમાં રાખે છે, જે છેવટે ડાયાબિટિસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં સહાયક :
જમરૂખના પાંદડામાં રહેલા સંખ્યાબંધ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ શરીરમાં કાર્બોહાઇડ્રેટને શોષાતો રોકવાનું કામ કરે છે. તદુપરાંત શરીરમાં શુગર અને કેલરીની માત્રાને પણ ઓછી કરે છે. પરિણામે વજન ઓછું કરવામાં મદદ મળે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડે :
પેરૂના પાન હાઇપરગ્લાઇસીમિયા, એટલે કે શુગરની ઊંચી માત્રાને ઓછી કરવામાં મદદ કરે છે જેને કારણે કોલેસ્ટ્રોલ વધતું અટકે છે. તદુપરાંત પેરૂના પાંદડાંમાં હાઇપોલિપિડેનિક ગુણ પણ હોય છે જે શરીરમાં લિપિડ (એક પ્રકારની ચરબી)ની માત્રા ઘટાડી શકે છે.
ડાયરિયામાં લાભકારક :
જમરૂખના પાનમાં ડાયરિયા મટાડવાના ગુણ પણ મોજૂદ છે. સાથે સાથે તેમાં રહેલા એન્ટિ-હોલ્મંથિક ગુણ પેટને લગતી સઘળી સમસ્યાઓમાં રાહત આપે છે અને શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં સહાયક બને છે.
શુક્રાણુની સંખ્યા વધારવામાં સહાયક :
જમરૂખના પાંદડાં શુક્રાણુની સંખ્યા વધારવામાં સહાય બનતા હોવાથી તેનું સેવન કરવાથી પ્રજનન ક્ષમતા વધે છે.
જોકે અહીં પ્રશ્ન એ છે કે પેરૂના પાંદડાનું સેવન શી રીતે કરવું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે તમે જામફળના પાંદડાની ચા બનાવીે પી શકો. આ ચા બનાવવા પેરૂના ચાર મોટા તાજા પાન લો. હવે એક કપ જેટલું પાણી ગરમ કરીને તેમાં આ પાન નાખો. પાંચેક મિનિટ સુધી પાણી ઉકળવા દો. ત્યાર બાદ આ પાણી ગાળી લઈને તેમાં અડધું લીંબુ અને થોડું મધ ઉમેરો. હવે તેને સારી રીતે હલાવીને ઘૂંટડે પીઓ.