- અંતર- રક્ષા શુક્લ
સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.
પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધૂ્રસ્કે-ધૂ્રસ્કે રડશે.
ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે.
- નયન દેસાઈ
'ઘર' શબ્દ સાથે જ જોડાયેલી આત્મીયતા, પોતાપણું એ એટલી શક્તિશાળી સંવેદના છે કે આપણું સમગ્ર જીવન જેણે ઘર કહી શકીએ એવી જગ્યા શોધવાની આજુબાજુ ઘૂમ્યા કરે છે. આપણે એ ઘરને રિનોવેશન કે સજાવટ દ્વારા વધુ ને વધુુ આકર્ષક અને પરિચિત બનાવ્યા કરીએ છીએ. ઘર સાથે એક માલિકીભાવ જોડાયેલો છે. ઘર સાથે જોડાયેલ કોઈ ચીજ કે સંવેદના છોડવા કે ભૂલવા આપણે તૈયાર નથી. આપણા બધા પાસે એવું ઘર નથી કે જ્યાં આપણે પાછા ફરી શકીએ. કારણ ગમે તે હોય. પરિવાર સાથેનો સંબંધ તૂટી જવો કે પહેલેથી ઘરવિહોણા હોવું. પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા અમેરિકન કવિ, લેખક અને શિક્ષક ગ્વેન્ડોલીન બૂ્રક્સ તેની કવિતા માટે વધુ જાણીતા હતા. પરંતુ તેણે 'મૌડ માર્થા' નામની નવલકથા પણ લખી હતી. તેમની વારંવાર સંકલિત થતી ટૂંકી વાર્તા 'હોમ' વાસ્તવમાં આ નવલકથાનું એક પ્રકરણ છે. જે એક ગરીબ પરિવારની વાર્તા છે જે ન કેવળ પોતાનું ઘર ગુમાવવા બાબત ચિંતિત છે, પરંતુ તેઓ તે બધુંગુમાવવાની ચિંતા કરે છે જે તેઓને ઘરનું હોવાની ધરપત આપ્યા કરે છે. કોઈ કવિએ સરસ કહ્યું છે કે 'ગીત જેવું એક ઘર ને ઘરમાં વ્હાલભર્યા લય-તાલ. કોણ પછી મંજીરા લિયે, કોણ લિયે કરતાલ ?'
ઘર બાંધવાની શરૂઆત પથ્થરયુગથી થઈ હશે. પણ એમાં પ્રવેશ કરતાની સાથે જે રોમાંચ પ્રગટે છે એ કદી બદલાયો નથી. આપણા ઘરનું અંધારું પણ આપણને ઓળખીતું લાગે છે. પરિચિત લાગે છે. ઘર એ કોઈ જગ્યા નથી..એક સંવેદના..લાગણી છે. 'ઘર' એક જ એવી જગ્યા છે જ્યાં માણસ કોઈ ખચકાટ કે સંકોચ વિના ફરી ફરી જાય છે. જ્યાં આપણે સૌથી વધુ બબડાટ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ અને તો પણ સૌથી વધુ પ્રેમ પામીએ છીએ. અહીં આપણું મૌન પણ સૌ સાંભળે છે અને સંવેદનાના સરવાળાની કવિતા રચાય છે. મકાન ઈંટ-પથ્થરનું હોય પણ ઘર તો માત્ર પરિવારના પરસ્પર પ્રેમ વડે જ બંાય છે. એમર્સન સરળ ભાષામાં સરસ વાત કહે છે કે ‘House is made of walls and beams but home is built of love and dreams. અંગ્રેજ કવિ એલિયટની ઘર વિશે એક કાવ્યપંક્તિ છે કે 'માણસ જ્યાંથી જીવનની શરૂઆત કરે તે ઘર. કોઇએ એમ કહ્યું કે જ્યાં હૃદય હોય તેને ઘર કહેવાય.' પરંતુ એ બધી ઉક્તિઓમાં 'ધરતીનો છેડો ઘર' જેવી ધારદાર એકે નથી. આપણા પગ ઘરને છોડતા હોય છે પરંતુ આપણું હૃદય કદી એને છોડતું નથી. ગરીબ હોય કે તવંગર સૌને પોતાનું ઘર એટલું જ વ્હાલું હોય છે. રમેશ પારેખ કહે છે કે...
'ઘર મળ્યું તો ઝંખના સાથે મળી,
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ.'
સત્યમુનિ કહે છે કે 'જે ફળીયામાં શૈશવની પગલી હોય, યુવાનીની મહેક ફેલાયેલી હોય અને વૃદ્ધત્વ સુધીની સ્મૃતિઓનો ખજાનો સચવાયેલો હોય તેનું નામ ઘર'. નંદિની મહેતા કહે છે કે આપણે ઘર એટલે નથી બનાવતા કે આપણે દીવાલોમાં પૂરાઈ જઈએ. પરંતુ એટલે બનાવીએ છીએ કે આપણે દ્વાર ખોલી શકીએ. આપણી જાણ બહાર આપણું ઘર સહિયારું હોય છે જ્યાં કીડી-મકોડા, વંદા, ચકલી, ખિસકોલી કે ગરોળીનો વણલખ્યો હક્ક હોય છે. એક દાદાગીરી સાથે કોઈ ટેક્ષ ભર્યા વિના એ ક્યારે ઘરના કોઈ ખૂણે અડ્ડો જમાવે છે એ કોઈ જાણી શક્યું નથી. ગમે તેવું હોય પણ એ પોતીકા ઘર પાસે ફાઈવસ્ટાર હોટેલનું સુખ પણ વામણું પડે. નાના હોઈએ 'ને ઘર-ઘર રમતા હોઈએ ત્યારે જરા પણ અણસાર ન હોય કે વાસ્તવમાં પપ્પા કે મમ્મી બનવું એ બાર ગાંવ ચાલ્યાનો થાકોડો આપે છે. વિનીદીની નીલકંઠનાં ઘરનું નામ 'હાશ' છે એ જાણીને થયેલું કે સાચે જ ઘરે પાછા ફરીએ ત્યાં હવાનું પોત પાતળું થઈ જાય છે. થાક બધો પીંછા થઈ ખરી પડે છે. સાંજે પપ્પા ઘરે આવે છે અને કલરવ ટોળે વળે છે. ઘર એટલે શરીર અને મન બંનેની પલાંઠી. રાજેન્દ્ર શુક્લ લખે છે...
'આ અહીં ઊભો રહ્યો હું એટલે ઊંબર,
ને પલાંઠી વાળી જો બેસી પડું તો ઘર.'
આજે જાતજાતના ઘર બને છે. કાશ્મીર જેવા પ્રદેશોમાં આપણે બોટહાઉસની મજા પણ માણીએ છીએ. પરંતુ હવે ગાઢ જંગલોમાં ઊંચા વૃક્ષો પર જોવા મળતા 'ટ્રી હાઉસ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અમેરિકાના ટેનેસી રાજ્યના ક્રાસવિલે શહેરમાં વિશ્વનું સૌથી મોટું 'ટ્રી હાઉસ' આવેલું છે. મેઘાલયના એક પણ ગામમાં ટ્રી હાઉસ પણ આવેલા છે જ્યાં રોકાવાની મજા જ કંઈ ઓર છે. બાંધવગઢ નેશનલ પાર્કમાં 'ટ્રી હાઉસ હાઈડઅવે' નામનું ઘરથી દૂર ઘર જેવો આનંદ આપે તેવું સુંદર ટ્રી હાઉસ છે. ફોરેનમાં તો 'પેલેસ ઓન વ્હીલ્સ'ની જેવી લક્ઝુરીયસ ટ્રેઈનની જેમ વ્હીલ વાળા ઘર પણ હોય છે જેને ગમે ત્યાં શિફ્ટ કરી શકાય. ઘરના બાંધકામ જે તે પ્રદેશની તુ મુજબ થાય છે. ઈંટ અને સિમેન્ટ ઉપરાંત ક્યાંક લાકડું, પથ્થર, રબ્બર, સીલીકોન કે બરફમાંથી પણ ઘર બને છે. વાસ્તુશાની બોલબાલા એકવીસમી સદીમાં પણ બરકરાર છે. પણ ધરતીકંપ વાસ્તુશાસ્ત્રની આમન્યા રાખતો નથી. મેટ્રો સિટીમાં મકાનોના જંગલો વધતા જોઈને જાવેદ અખ્તર જેવા કવિનો જીવ કકળી ઉઠે છે. એ કહે છે કે 'ઊંચી ઇમારતો સે મકાં મેરા ઘીર ગયા, કુછ લોગ મેરે હિસ્સે કા સૂરજ ભી ખા ગયે'. વ્હાલબાવરી, પ્રણયઘેલી પ્રિયતમાના ઘરનું સઘળું સુખ એના વાલમની બાથમાં જ સમાય જાય છે. પ્રિયજનથી દૂર ન જઈ શકતો પ્રેમી ગાઈ ઉઠે કે 'તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા...' કોઈ બેઘરને કે અનાથાશ્રમના કોઈ બાળકને 'ઘર એટલે શું ?' પૂછી જુઓ. આવો સવાલ પૂછાતા એની આંખોમાં જે ખાલીપો છવાશે એનો ભાર પણ તમે નહીં ઊંચકી શકો.
ઘરના ઘણા પ્રકાર હોય. નાના-મોટા, મહેલ જેવા કે ઝૂંપડી જેવા. ઘર સૌ માટે એવી જગા જ્યાં સોફિસ્ટિકેશનના સઘળા વાઘા ફગાવીને માણસ મ્હાલી શકે. મન ફાવે ત્યારે શર્ટ ઉતારી શકે. મોજમાં આવી ગઘેડા જેવા અવાજમાં રાગડા તાણી તાનસેન હોવાનો વહેમ પાળી શકાય. જોરથી ઓડકાર કે ફાર્ટીન્ગની મજા લઈ શકાય. લહેરથી નાકમાં અંગુલી પ્રવેશ કરાવી નાકનું 'ડસ્ટીંગ' કરી શકાય. જમતી વખતે આંગળા ચાટી જ શકાય. ઘરનો સ્થૂળ અર્થ મકાન. રહેવાનું ઠેકાણું, ગૃહ વગેરે થાય. ઘરને નિવાસ, આવાસ, ઘરોંદા, આશિયાના કે માળો પણ કહી શકાય. એ સિવાય પણ ઘણા પ્રકારના ઘર હોય શકે. પોતાની ખારી-મીઠી સંવેદના લઈને આવતા એ પ્રકાર આ રહ્યા...અશ્રુઘર, ફૂલઘર, રેતઘર, કાચઘર...વગેરે. જે માણસના મનમાં આકાર લે છે. રાવજી પટેલની લઘુનવલ 'અશ્રુઘર'માં ઘરઝૂરાપા કરતા સાચા ઘરની તલાશ વધુ દેખાય છે. ઘરડાઘર એક એવો શબ્દ જે આપણને વિરક્તિથી ભરી દે છે. 'કોઈ કોઈનું નથી રે...'ની કડવી વાસ્તવિકતા અનુભવે જ સમજાય. એમ તો લાક્ષાગૃહ પણ હોય જેમાંથી પાંડવો તો બચી શક્યા પણ કંકાસની કાજળ કોટડી જેવું ઘર લાક્ષાગૃહ સમું જ હોય છે જેમાં માણસ જીવતે જીવ આખી જિંદગી બળ્યા કરે છે. જીવનમાં જો સાક્ષીભાવ કેળવવો હોય તો પંખી પાસેથી શીખી શકાય. બે-ચાર તણખલાથી જ પોતાનું ઘર..બોલે તો માળો બનાવનાર પંખી બચ્ચાં મોટા થતા જ એ માળાને છોડી ઉડી જાય છે. ફરી કદી ત્યાં પાછા ફરતા નથી. આ માનવદેહ આપણને ધરતી પર મળેલું ભાડાનું ઘર સ્તો છે. જે સમય આવે ખાલી કરવાનું છે. તમારી અનિચ્છા છતાં એ દેહ જ 'પંખીડાને આ પીંજરું જુનું જુનું લાગે'નું ગાણું ગાવા લાગશે અને 'ઘર' બદલવું પડશે. અવિનાશ વ્યાસનું મારું અતિ પ્રિય ગીત એ જ સત્ય કહે છે કે ...
'કહું છું જવાનીને પાછી વળી જા...
ઘડપણ નુ ઘર મારું આવી ગયુ છે'
મનને ઘડપણનો આ સંકેત, આ ડહાપણ ગમતું નથી પણ આ દેહ જ એટલો જીર્ણ થયો હોય છે કે શરીર સાથેનું સગપણ..મોહ ભૂલવા જ પડે તેમ છે.
'વસધૈવ કુટુમ્બકમ્'ની ભાવના સાથે જીવતા માનવી માટે ઘરની વ્યાખ્યા ચાર દીવાલથી વિસ્તરીને ક્ષિતિજ સુધી વિસ્તરે છે. 'એના આંગણિયા પૂછીને' આવનારને કોઈ ઓળખ વગર પણ મીઠો આવકાર મળતો હોય છે. સૌ એક એવું ઘર ઝંખે જેના બારણે તોરણ હોય, જેના આંગણે ગૃહિણીની શુભ કરાંગુલીથી દોરાયેલ સ્વસ્તિકનું મંગલ ચિન્હ શોભતું હોય, આંગણામાં તુલસી નીચેનો દીવો મંદ પ્રકાશ વેરતો હોય..જ્યાં લક્ષ્મી-નારાયણ અજવાળા પાથરતા હોય. આવી કલ્પના ભલે કોઈને જુનવાણી કે પારંપારિક લાગે પણ આ દૃશ્ય શાતા અને સુકુન આપનારું તો છે જ. આવા ચાંદી જેવા ઘરમાંથી જ સોનાનાં કિરણો રેલાય. કવિવર ટાગોર પણ એવું ઘર ઈચ્છે છે જેમાં જગત ટુકડાઓમાં વહેચાય ન જાય. વિશ્વ ઘરની સાંકડી દીવાલોમાં સીમિત ન રહે. માધવ રામાનુજે કેવી સુંદર વાત લખી કે 'એક એવું ઘર મળે આ વિશ્વમાં, જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું'.
પહેલા જે જોવા મળતા એવા નળિયા, નેવા, લીંપણ કે પાણિયારા વાળા ઘરોના સુભગ દ્રશ્યો હવે આંખો માટે દુર્લભ છે. છાપરા જ ગાયબ છે તો એમાંથી ચળાઈને ઘરમાં પડતા ચાંદરડા સાથે રમાવાની નિર્દાેષ રમત તો ક્યાંથી હોવાની ! નેવામાંથી દેકીરો કરી પડતા વરસાદના પાણીના ધધૂડાંનો સ્પર્શ હથેળીને ધોધમાર ખુશી આપતો. રસોઈઘરમાંથી ચૂલો સળગાવતાં બહાર નીકળતો ધુમાડો પણ કલ્પનાની પાંખે આવીને બેસતો. ગામડાના આવા બંને બાંહો ફેલાવીને ઊભેલા ઘરમાં શહેર કે પરદેશમાં રહેતા દીકરોવહુ બાળકો સાથે વેકેશનમાં દાદા-દાદી સાથે રહેવા આવે ત્યારે ઘરમાં સુખનો દીવો ઝળહળી ઊઠે છે. જાણે ઘરને પાંખો ફૂટે છે. રજાઓનું રૂપાંતર રાજાપાઠમાં થાય છે. ઘરની સાથે ઝંખનાઓ મળે છે એટલે જ માણસ જીવનમાં આંધીઓ સામે પણ ટકી રહે છે. દરેક ઘરને ટકોરાની અપેક્ષા હોય છે. ઘરની બારીમાંથી મળતું એક ટુકડો આકાશ પણ માનવીને ઊંચી ઉડાન ભરવાની તાકાત બક્ષે છે.
માણસને ઘરમાં જ વ્હાલનો વજીફો મળતો હોય, સૌની વચ્ચે તાનપુરા સાથે ધીમા સૂરમાં ગવાતા ભજન જેવો સંવાદ હોય, સુખને માટે કોઈ ઘેલી દોડાદોડ ન હોય તો માણસને બીજું શું જોઈએ ! એટલે જ કવિ રિષભ મહેતા લખે છે કે...
'પૂરો થયો પ્રવાસ હવે ઘર તરફ વળો.
કાયમ નથી નિવાસ હવે ઘર તરફ વળો.
પાદર, તળાવ, પીપળો ને સાંજનો પ્રહર,
વર્ષાેથી છે ઉદાસ હવે ઘર તરફ વળો.'
ખુશીઓથી છલકાતા ઘરમાં પ્રવેશ કરવા અજવાળું પણ દોટ મૂકે છે. માણસ ઘરની બહાર સુખ શોધતો ફરે છે પણ હેપીનેસ તો 'હોમમેઈડ' હોય છે. એ કદી બ્હારથી ઉછીની ન લાવી શકાય. કોઈએ સરસ કહ્યું છે કે 'માણસની ખરી સમસ્યા સુખના અભાવની નથી હોતી પરંતુ સુખ માણવાની તત્પરતાનાં અભાવની હોય છે.' ઘરમાં સૌનું જોડાણ સુખી થવા માટે નહીં પરંતુ સુખી કરવા માટે થવું જોઈએ.
ઇતિ
પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહિ.
-રવીન્દ્રનાથ ટાગોર


