Get The App

સ્ત્રી અને સાડીના સંબંધની હળવીફૂલ વાતો

Updated: Feb 22nd, 2021

GS TEAM

Google News
Google News
સ્ત્રી અને સાડીના સંબંધની હળવીફૂલ વાતો 1 - image

સ્ત્રી અને સાડી એ એકબીજાના અવિભાજ્ય તત્ત્વો છે. સ્ત્રી ગમે તેટલી મહાન બને, ઈન્દિરા ગાંધી, સોનિયા ગાંધી બને કે હેમા માલિની બને પણ સાડીની વાત આવે ત્યારે એ સામાન્ય નારી જ બની જવાની. કહેવાય છે કે શ્રીમતી ભંડાર નાયક અને ઈન્દિરા ગાંધી પહેલીવાર મળ્યાં ત્યારે એમણે એકબીજાના દેશની કે રાજકારણની ચર્ચા કરતી પહેલાં એકબીજાની સાડીની કિંમત અને એનાં પોત અંગે જ ચર્ચા કરી હતી.

સાડીની વાત આવે ત્યારે સ્ત્રી પોતાના બાળકને પણ ભૂલી જાય છે. એ વાત પ્રેમાનંદે કુંવરબાઈના મામેરામાં માર્મિક રીતે બતાવી છે. ભગવાન મામેરું લઈને આવ્યા ત્યારે સાડી લેવા પડાપડી કરતી સ્ત્રીઓનંબ વર્ણન કરતાં પ્રેમાનંદ લખે છે.

જૂનો કાઢી નવાં પહેરાવે, હેઠાં મૂકી છૈયાંજી

પોતાના બાળકને પણ કેડેથી ઉતારી દઈ સાડી લેવા જતી સ્ત્રી સાડી પ્રત્યેની એની લાલસા દર્શાવે છે.

પણ સ્ત્રી નવી નવી સાડીઓ પહેરવાનું શા માટે પસંદ કરે છે એ પણ વિચારવા જેવું છે. બિચારા કેટલાક ભોળા પતિઓ એમ માનતા હોય છે કે પોતાની પત્ની પોતાને પ્રસન્ન કરવા નવી સાડી પહેરે છે. વાસ્તવમાં પત્ની પડોશણમાં ઈર્ષા જન્માવવા નવી સાડી પહેરતી હોય છે. આદમની પત્ની ઈવ સાડી નહોતી પહેરતી એનું કારણ શું? કેટલાક એમ માને છે કે એને સાડી મળતી નહોતી. પણ વાસ્તવમાં તો એને સાડી પહેરવાની જરૂર લાગતી નહોતી. કારણ કે એની સાડી જોઈ ઈર્ષા કરનારી બીજી કોઈ સ્ત્રી જ નહોતી!

સાડીની દુકાન જોતાં એના તરફ સ્ત્રીનું ધ્યાન ન ખેંચાય એવું ભાગ્યે જ બને. આ લક્ષણ ધ્યાનમાં રાખીને તો પેલા ચબરાક પોલીસે ચોરને પકડી પાડેલો.

વાત એમ બની કે એક ચોરે સ્ત્રીનો વેશ પહેરી કોઈના ઘરમાં ચોરી કરી. પોલીસ એને પકડીને ચોકીમાં લાવ્યો અને ફોજદારને કહ્યું, ''સાહેબ, આ બદમાશે ચોરી કરી છે.'' ફોજદાર તો આશ્ચર્યચકિત થઈને પોલીસની સામે જ જોઈ રહ્યા. એમણે કહ્યું, ''અલ્યા આ બહેનને તું બદમાશ કહે છે? એ પુરુષ છે એવી તને કેવી રીતે ખાતરી થઈ?''

''સાહેબ'' પોલીસે કહ્યું, ''આ માણસ સ્ત્રીના વેશમાં ચોરી કરી રતનપોળમાંથી પસાર થતો હતો ત્યારે હું એની પાછળ પાછળ ચાલતો હતો. મેં જોયું કે આખી રતનપોળ પસાર કરી ત્યાં સુધી સ્ત્રીવેશધારી આ બદમાશની નજર સાડીની એક પણ દુકાન પર પડી નહીં એ પરથી મને ખાતરી થઈ ગઈ કે આ સ્ત્રી નથી પણ પુરુષ છે.''

સ્ત્રીનું આ લક્ષણ જાણનારા પુરુષો પણ સ્ત્રીબજારમાં જાય ત્યારે કેટલા ચિંતાતુર રહે છે એનું પણ એક દ્રષ્ટાંત જાણતું છે. એક ભાઈને ત્યાં એનો મિત્ર બેઠો હતો અને એકાએક વરસાદ પડવા માંડયો. પેલા ભાઈએ એકદમ ચિંતાતુર થઈ કહ્યું, ''અરે યાર, આ વરસાદ શરૂ થયો અને મારી વાઈફ બજારમાં ગઈ છે,'' ''પણ એમાં ચિંતા શી કરવાની? ભાભી રતનપોળમાં હશે તો કોઈ કાપડની દુકાનમાં ઘૂસી જશે. એમ કંઈ એ પલળી જાય એવા ભોટ નથી.'' મિત્રે આશ્વાસન આપ્યું.

''એ પલળે એની ચિંતા નથી, પણ કોઈ સાડીવાળાની દુકાનમાં ઊભી રહે એની મને ચિંતા છે.'' દુઃખી થયેલા પતિએ નિઃશ્વાસ મૂકી કહ્યું.

સાડી માટેના સ્ત્રીના આકર્ષણની આ વાત વેપારીઓ અને મિલ માલિકો પણ જાણતા હોય છે. એથી તો પુરુષના વસ્ત્રોમાં વૈવિધ્ય હશે. એના કરતાં કેટલાય ગણું વધારે વૈવિધ્ય સ્ત્રીની સાડીઓમાં હોય છે. કાપડની દુકાનોમાં પણ વધારે દુકાનો સાડીઓની હોય છે અને વેપારીઓ નમૂના પણ સાડીઓના જ લટકાવે છે. વેપારીઓ જાણે છે કે સ્ત્રીઓ સાડીઓ ખરીદવા આવશે એટલે એમનું બીલ ચુકવનારા તો પાછળ આવવાના જ છે. એમને કાપડ ખરીદવા લલચાવવા, સ્ત્રીની હાજરી જ પૂરતી છે. સ્ત્રી અને સાડી વચ્ચે સામ્ય પણ ઘણું છે. બંને નારી જાતિ છે. બંને આવે ત્યારે જેટલાં આકર્ષક લાગે છે એટલાં જૂના થયા પછી નથી લાગતાં! બંનેની પસંદગી દેખાવ અને ભપકાથી થાય છે. સ્ત્રી અને સાડી બંને જેટલાં વધારે આકર્ષક એટલા પ્રમાણમાં એમની કિંમત પણ વધારે ચૂકવવી પડે!

કહેવાય છે કે સ્ત્રી પાછળ પુરુષ ખુવાર થાય છે પણ વાસ્તવમાં સ્ત્રીને કારણે નહિં, પણ સ્ત્રીની સાડીના કારણે પુરુષને ખુવાર થવું પડે છે. રામને સીતા માટે વનફળ લેવા કદી જવું પડયું નહોતું પણ સોનેરી મૃગની કાંચળી સીવડાવવાની સીતાની હઠને કારણે દોડવું પડયું અને રામાયણ સર્જાયું. દુઃશાસને દ્રૌપદીનાં વસ્ત્રો ખેંચાતા પોતાની લજ્જાનો પ્રશ્ન હતો. એટલો જ મહત્ત્વનો પોતાની સાડી ઝુંટવાઈ જાય છે એ પ્રશ્ન પણ હોવો જોઈએ.

ઈતિહાસ એ વાતમાં સાક્ષી પૂરે છે કે સ્ત્રીને પોષવાનું કામ સહેલું છે પણ સ્ત્રીને સાડી લાવી આપતા પુરુષની કમાણી અને જિંદગી બંને પૂરાં થઈ જાય છે.