Get The App

દીપોત્સવીના રંગ માણીએ સંગ-સંગ

Updated: Oct 20th, 2025

GS TEAM

Google News
Google News
દીપોત્સવીના રંગ માણીએ સંગ-સંગ 1 - image

- આખાય વર્ષ દરમિયાન અનેક તહેવારો આવે છે અને જાય છે. દરેક તહેવાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે, પરંતુ દિવાળી બધા તહેવારોથી ભિન્ન છે. આ તહેવાર એવો છે, જેની નાનાં-મોટાં સૌને હોંશ હોય છે, ઉમંગ અને ઉત્સાહ હોય છે.  સૌ ફટાકડા ફોડવાનો લહાવો લે છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને રંગેચંગે આ પર્વ ઊજવે છે.

- આ તહેવાર આખા વરસની કડવાશ ભૂલીને સંબંધોમાં મીઠાશ વધારવાનો મોકો આપે છે

શહેરમાં ચારે બાજુ રોશની, શોપિંગ સેન્ટર અને દુકાનો પર ઝૂલતાં 'સેલ'નાં પાટિયાં, ફટાકડાની દુકાનો, લોકોની ભીડ અને ધુમાડાથી દૂષિત વાતાવરણ... આ કોના આગમનનો સંકેત છે, તે તો તમે જાણી જ ગયાં હશો.

મહિના અગાઉથી સ્ત્રીઓ શોપિંગ માટે આમથી તેમ દોડતી હોય છે. ઘર સજાવવા, નવાં કપડાં સિવડાવવા તેમજ આખા ઘરની સાફસૂફીનું કામકાજ દિવાળી આવતાં પહેલાં એકાદ માસથી શરૂ કરતી હોય છે.

પોતાના માટે અને બાળકો માટે નવાં કપડાં ખરીદીને તેઓ બાળકોને સાથે દુકાનદારોને પણ ખુશ કરી દે છે. પતિ મહાશયનાં ખિસ્સાં ખાલી થવાથી તેઓ ખુશ થતાં હશે કે કેમ, એ વાત જુદી છે.

આખાય વર્ષ દરમિયાન અનેક તહેવારો આવે છે અને જાય છે. દરેક તહેવાર વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે, પરંતુ દિવાળી બધા તહેવારોથી ભિન્ન છે. આ તહેવાર એવો છે, જેની નાનાં-મોટાં સૌને હોંશ હોય છે, ઉમંગ અને ઉત્સાહ હોય છે. નવરાત્રિ અગાઉથી લોકો આ તહેવાર ઉજવવાની તૈયારી કરવા લાગે છે. સૌ ફટાકડા ફોડવાનો લહાવો લે છે. પરિવારના તમામ સભ્યો સાથે મળીને રંગેચંગે આ પર્વ ઊજવે છે.

આવો ખુશાલીભર્યો દિવસ અચાનક શોકભર્યા દિવસમાં પલટાઈ જાય તો? ઘરમાં કોઈ વિવાદ કે ઝઘડો થાય તો? જો આવું થાય તો આ ખુશીલાભર્યા પર્વની મજા મરી જાય ખરું ને?

અલગ-અલગ શહેરોમાં વસતાં એક પરિવારનાં સભ્યો પણ આ તહેવાર ઉજવવા ખાસ ભેગાં થાય છે. મા ઇચ્છે છે કે વાર-તહેવારના દિવસે દીકરો-વહુ વહેલાં ઊઠીને તૈયાર થાય. એવામાં જો વહુ નવ વાગ્યે ઊઠીને બ્રશ કરતી હોય તો કઈ સાસુને તે ગમે? દિવાળીના દિવસે લાપસી, દૂધપાક-પૂરી બનાવવાને બદલે વહુપોતાનાં બાળકોને તૈયાર કરવા રૂમમાં ભરાઈ રહે એવું વર્તન કોણ સહન કરી શકે? ઘર સાફ-સુથરું કે વ્યવસ્થિત કરવાને બદલે પોતાનાં પતિનાં અને બાળકોનાં મેલાં કપડાંનો ઢગલો રૂમમાં કરી રાખે તો એવી વહુને શું કહેવું? એમાંય સાસુ કંઈ કહે અને વહુ દીકરા-છણકો કરી માનું અપમાન કરે ત્યારે મા બિચારી કરે શું? બીજાનાં ઘર રોશનીથી અને સફાઈથી ચમકતાં હોય અને પોતાનાં ઘરમાં તહેવાર ઉજવવા માટે ખાસ બહારગામથી આવેલાં વહુ-દીકરાઓ સવારે ૧૧ વાગ્યા સુધી રૂમમાં ભરાઈ રહ્યાં હોય, તો આ જોઈ માથી કાંઈક કહેવાય જાય તે સ્વાભાવિક છે. 

જો આ બાબત અંગે ઘરમાં કોઇ વિવાદ ઊભો થાય, તો દિવાળી જેવા ખુશીના તહેવારે ઘરમાં આનંદને બદલે વિષાદભર્યું વાતાવરણ સર્જાય છે. દાદીમા પાસે ખાસ દિવાળી ઊજવવા આવેલાં બાળકો રજાઓનો આનંદ પણ માણી શકતાં નથી. આવવા-જવાનો ખર્ચ માથે પડે છે તે તો અલગ.

મોજમસ્તીથી તહેવાર માણવા આવેલાં છોકરાઓ પોતાના ઘેર પાછા ફરવા તત્પર થઈ જાય છે. જ્યારે મા અનિચ્છાએ પણ દીકરા-વહુની રવાનગીની ઘડીઓ ગણવા લાગી જાય છે.

આમ, તહેવારનો આનંદ ક્યાંય ઊડી જાય છે. પૈસા ખર્ચી, સમય ફાળવીને આવેલાં પરિવારનાં સભ્યો ઉમંગ કે ઉત્સાહને બદલે ઉદાસી સાથે પોતાને ઘેર પાછાં ફરે છે. ઉલ્લાસનું વાતાવરણ ઉદાસીનતાભર્યું બની જાય છે. આપણા સમાજમાં આવી ઘટનાઓ ઘણાં પરિવારોમાં બનતી હશે.

દરેક વ્યક્તિ પોતાની નિકટતમ, પ્રિય વ્યક્તિ સાથે દિવાળી ઉજવવાની ઇચ્છા ધરાવતી હોય છે. એમાંય ખાસ કરીને બહારગામ રહેતાં દીકરા-વહુને દિવાળીના દિવસે પોતાને ઘેર બોલાવવાનાં સ્વપ્ન બધાં જ મા-બાપ સેવતાં હોય છે.

આમાં દિવાળીના તહેવારે આખો પરિવાર ેભેગો થાય તેવી પરંપરાગત માન્યતાનું પાલન પણ થાય છે. છતાં આજની પેઢીની બેફિકરાઈ અને ઉધ્ધતાઈને લીધે ક્યારેક પર્વની ખુશી વિષાદમાં પલટાઈ જતી હોય છે. નાની અમથી બાબતમાં દેરાણી-જેઠાણી વચ્ચે ઇર્ષા, કે વિવાદ ઝઘડાનું રૂપ લઈ લે છે. ઘરમાં શોકની લાગણી ફેલાઈ જાય છે, વાતાવરણ ભારેખમ બની જાય છે.

દિવાળી પર ભેગાં થવાનો આનંદ અનેરો છે. આ આનંદની ઘડીને દુ:ખદ ન બનાવશો. વ્યક્તિની રચનાત્મકતાનું પ્રદર્શન તહેવાર પ્રસંગે થાય છે, પરંતુ એ દિવસે કજિયો કે કંકાસ થાય તો, તેનું મહત્ત્વ રહેતું નથી. થોડી સમજદારીથી તહેવાર દરમિયાન ખર્ચેલા પૈસાનું મહત્ત્વ વધે છે એટલું જ નહીં, તે તમારા પરિવારમાં એકતા મેળવવા મદદરૂપ બનશે.

જો તમે સાસરીમાં પતિ અને બાળકોની આજુબાજુ જ ફરતાં રહેશો, તો પરિવારનાં અન્ય સભ્યોને તમારા આવા વર્તન બદલ રોષ ઉત્પન્ન થશે. સાસરું પણ તમારું જ ઘર છે. તમે તમારા ઘરે જે કામકાજ કરતાં હો તે અહીં કરવાનું હોય છે.

તમારો મોટા ભાગનો સમય અન્ય પરિવારજનો માટે પણ ફાળવો બહારગામથી તમારી સાથે તહેવાર માણવા મહેમાન, કુટુંબીજનો આવ્યાં હોય તેમની અવગણના ન કરશો. અન્ય લોકો પણ તમારાં બાળકની એટલી સંભાળ રાખશે જેટલી તમે એમનાં બાળકોની રાખશો. તે તમારાં પોતાનાં બાળકો સમાન છે. આથી બાળકો પ્રત્યે પણ પ્રેમાળ વર્તન દાખવો.

મોટા ભાગે પરિવારમાં કડવાશ ત્યારે જ ઊભી થતી હોય છે, જ્યારે પરિવારની પ્રત્યેક સ્ત્રી પોતાનાં રૂપ સૌંદર્ય, આવડત, કલા વગેરે બદલ ખોટા અભિમાનમાં રાચતી હોય. તેઓ ઘણીવાર પોતાની માન્યતાઓ મુજબ બધાં વર્તે તેવો દુરાગ્રહ રાખે છે. જ્યારે તેમને કહેવામાં કે પૂછવામાં આવે ત્યારે જ બોલે કે સલાહ આપે, તો વધુ સારું. જ્યારે આપણી એ કરુણતા છે કે મોટા ભાગના લોકો ઉપદેશ આપવામાં પાવરધા હોય છે, જ્યારે તેમને અનુસરનાર લોકો બહુ ઓછા હોય છે.

ખાસ કરીને સ્ત્રીઓ વણમાગી સલાહ આપવા સદા તત્પર રહે છે. કોઈનાં કાર્ય અંગે ટીકા કે વણમાંગી સલાહથી વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચે છે.

કેટલીક સ્ત્રીઓને બીજી સ્ત્રીઓ સમક્ષ ખોટી બડાશ હાંકવાની કુટેવ હોય છે. ઘરમાં વોશિંગ મશીન કે વીસીઆર વસાવવામાં આવે તો તરત જ મોટાઈ બતાવવાનું શરૂ કરી દે છે. જાણે પોતે જ બધુ વસાવી શકતી હોય અને બીજા લોકોમાં કોઈ કુનેહ કે આવડત હોય જ નહીં, એવી ડિંગો હાંકે છે. 

ખરી રીતે દિવાળીના દિવસોમાં ખોટી ચર્ચા, દેખાડો, હુંસાતોસી કરી બખેડા ઊભા કરવા, સંબંધોમાં કડવાશ પેદા કરવી તેના કરતાં ભાઈચારો, મિત્રતા, આત્મીયતા વધારવી જોઈએ. નવા વરસનાં સુપ્રભાતે એકબીજા સમીપ આવે સંબંધોની મીઠાશ વધે તેવા સંનિષ્ઠ પ્રયાસ કરવા જોઈએ.