- આરોગ્ય સંજીવની - જ્હાન્વીબેન ભટ્ટ
આજે એક એવા ત્વચાગત રોગ વિશે વાત કરવા જઈ રહી છું, જે રોગ સમાજમાં અતિ નિંદનીય છે. આ રોગનું નામ છે 'શ્વેતકુષ્ઠ'. આ રોગ 'લ્યુકોર્ડમા' તરીકે પણ જાણીતો છે. આ એક ત્વચાગત રોગ છે, જેમાં રોગીને શારીરિક પીડાની સાથે સાથે અધિક વધારે માનસિક યાતના સહન કરવી પડે છે. 'શ્વેતકુષ્ઠ'ને સાદી ભાષામાં 'સફેદ ડાઘ' તરીકે પણ ઓળખતા હોઈએ છીએ.
આ રોગથી ગ્રસ્ત વ્યક્તિ માનસિક રીતે ભાંગી પડે છે. સમાજમાં પણ આવી વ્યક્તિને કુષ્ઠરોગી સમજી સમાજ પણ આવી વ્યક્તિની ઉપેક્ષા કરે છે. આ રોગથી ગ્રસ્તવ્યક્તિને સંક્રામક માનવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. કુષ્ઠરોગમાં ત્વચા, રસ, રક્ત, માંસ આદિ ધાતુઓનો ક્રમશ: નાશ થતો જાય છે. જ્યારે 'સફેદ ડાઘ' એ ત્વચાગત વિકાર છે અને આ કોઈ સંક્રામક રોગ નથી. કુષ્ટ કે લેપ્રસી એ 'લેપ્રી' નામના જીવાણુના સંક્રમણથી ફેલાતો રોગ છે. જ્યારે શ્વેતકુષ્ઠ એ જીર્ણત્વક્ગત (ત્વચાગત) રોગ છે.
આયુર્વેદમાં શ્વેતકુષ્ઠનું વર્ણન પણ અલગથી બતાવેલું છે. હવે શ્વેતકુષ્ઠ થવાના કારણો જોઈએ તો, તેમાં નીચે મુજબના કારણો આયુર્વેદ માને છે, જેમાં
(૧) ખોરાક પચ્યો ન હોય છતાં ભરપેટ ભોજન કરવામાં આવે.
(૨) માછલી, તલ, અડદ, અળસી, ખાટાં પદાર્થો વગેરેનો અધિક માત્રામાં ઉપયોગ કરવામાં આવે.
(૩) દહીં, દૂધ, છાશ તથા માંસ વગેરેનો એકીસાથે અધિકતર ઉપયોગ કરવામાં આવે.
(૪) ભારે પદાર્થો, ચીકણા પદાર્થો તથા દ્રવ્ય પદાર્થોનો અધિક ઉપયોગ પણ આ રોગ થવાનું એક કારણ આયુર્વેદ માને છે.
(૫) ઉલટી, મળ-મૂત્ર વગેરે જેવા અધારણીય વેગોનો રોકવા પણ તેનું એક કારણ છે.
(૬) અતિશય ગરમીમાંથી આવીને તુરંત ઠંડું પાણી પીવુ તે પણ શ્વેતકુષ્ઠનું કારણ બની શકે છે.
(૭) સૂર્યનાં કિરણોથી સંપર્કમાં ના રહેવું અને અસ્વાભાવિક રહન-સહન પણ આ રોગ માટે જવાબદાર બની શકે છે.
(૮) દેવતાઓની નિંદા, ગુરુજનોનું અપમાન તથા પરસ્ત્રીગમન પણ આયુર્વેદમાં 'શ્વેતકુષ્ઠ'ના કારણો માનવામાં આવેલાં છે.
આ રોગનાં લક્ષણોની વાત કરીએ તો સફેદ કોઢ (શ્વેતકુષ્ઠ)ની શરૂઆત સામાન્ય રીતે સફેદ ચકામાનાં રૂપમાં થાય છે. જે મોટાભાગે હાથ, આંગળીઓ, કોણી, હોઠ અથવા જનનેન્દ્રિયોની આસપાસ જોવા મળી શકે છે અને ત્યાંથી ધીમે ધીમે શરીરનાં અન્ય ભાગોમાં તે ફેલાય છે. આ રોગમાં શરૂઆતમાં પ્રભાવિત ભાગની ત્વચાનો રંગ ધીમે ધીમે ફીક્કો પડી જાય છે અને પછીથી ક્રમશ: ધીરે ધીરે જે-તે પ્રભાવી ભાગે રંગહીન થઈ જાય છે. શરૂઆતમાં ચકામાનો આકાર પણ નાનો હોય છે જે સમય જતા વધવા લાગે છે અને ધીરે ધીરે પ્રભાવી ભાગ સંપૂર્ણ સફેદ થઈ જાય છે. કેટલાક રોગીઓમાં તો મોટાભાગનું શરીર સફેદ ચકામાઓથી ભરાઈ જાય છે અને ઘણીવાર તો શરીર પરની રૂંવાટી પણ સફેદ થઈ જાય છે. આ રોગથી પીડિત વ્યક્તિનો જે-તે પ્રભાવી ભાગ સૂર્યપ્રકાશથી કે અગ્નિથી અતિ સંવેદનશીલ હોય છે. જેથી આવા રોગીઓનો જે તે પ્રભાવી ભાગ ગરમી કે પ્રકાશમાં ખોલવો હિતાવહ નથી. આવું કરવાથી તેમને તે ભાગ પર જલન-દાહ પણ થઈ શકે છે. શ્વેતકુષ્ઠના રોગીઓમાં વિટામિન-ડી પણ જોઈએ તે પ્રમાણમાં બનતું હોતું નથી. જેથી આવા રોગીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે.
ઔષધ - સારવાર : આ રોગમાં પંચકર્મ ચિકિત્સા ઘણું સારું પરિણામ આપે છે. જેની શરૂઆત લંઘનથી થાય છે. પંચકર્મ સારવાર નિષ્ણાતની સલાહમાં રહીને જ કરવી, હિતકર છે. પંચકર્મ સારવાર ઉપરાંત નીચે મુજબનાં ઔષધ-પ્રયોગો કરી શકાય છે.
(૧) જેમાં શ્વેતકુષ્ઠ માટે આયુર્વેદમાં 'બાકુચી'ને શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવેલ છે. બાકુચીનો પ્રયોગ આભ્યાંતર અને બાહ્યલેપ એમ બંને રીતે લાભકારક માનવામાં આવેલો છે. બાકુચી તેલનો લેપ સફેદ ડાઘ પર લગાવીને સૂર્યનાં તડકામાં ૫ થી ૧૦ મિનિટ સુધી બેસવું. કેટલીક વાર આ તેલનાં પ્રયોગથી ત્વચા પર ફોડલા પણ પડી જાય છે, જેથી નિષ્ણાતની સલાહમાં રહીને જ આ પ્રયોગ કરવો હિતાવહ છે.
(૨) દારૂહળદર, ખેર અને લીમડાની છાલનો કવાથ ૨૦ મિલિ જેટલો ૨૧ દિવસ સુધી પીવો.
(૩) હરડે, નિમ્બપત્ર, મરી અને આમળા એક મહિના સુધી નિયમિત ખાવાથી આ રોગમાં ઘણો જ ફાયદો થાય છે.
(૧૦) બાહ્ય પ્રયોગમાં હરતાલ-૧ ભાગ, બાકુચી-૪ ભાગ અને કાસીસ-૧ ભાગ લઈ લીમડાનાં સ્વરસ અને ગૌમૂત્ર સાથે પીસીને સફેદ ડાઘ પર તેનો લેપ લગાવવાથી પણ આ રોગમાં પ્રભાવી પરિણામ મળી શકે છે. જો ઉપરોક્ત પદાર્થો ન મળે તો, મૂળીના બીજ તથા બાકુચીનાં બીજને પીસીને લેપ લગાવવાથી પણ આ રોગમાં ધાર્યા પરિણામ મેળવી શકાય છે.
આ ઉપરાંત મહામંજીષ્ઠાદિ ઘનવટી ૨-૨ ગોળી ૨ વાર, આરોગ્યવર્ધિની વટી ૧ ચમચી ૨ વાર લેવાથી પણ આ રોગમાં અસરકારક પરિણામ મળે છે. ખાદિરક્વાથ, પટોલાદિ ક્વાથ અને મહામંજીષ્ઠાદિ કવાથ તેમજ પંચતિક્ત ધૃતનો નિષ્ણાંતની સલાહ મુજબનો પ્રયોગ પણ આ રોગને જડમૂળથી જાકારો આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.


