Get The App

લેમન બામ : ઘરના બગીચામાં પણ આસાનીથી ઉગાડી શકાતો મન અને શરીરને પ્રફુલ્લિત કરતો છોડ

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
લેમન બામ : ઘરના બગીચામાં પણ આસાનીથી ઉગાડી શકાતો મન અને શરીરને પ્રફુલ્લિત કરતો છોડ 1 - image


લેમન બામ (મેલિસા ઓફિસિનાલિસ) એક આહલાદક જડીબુટ્ટી છે જે બગીચામાં સુંદરતા ઉમેરવા ઉપરાંત મન અને શરીર બંને માટે ઘણી લાભકારક પણ છે. તાજગીભરી લીંબુની સુગંધ અને કુમળા પાન માટે જાણીતો છોડ લેમન બામ સહેલાઈથી ઉગાડી શકાય છે અને તેના ઔષધીય ગુણધર્મો તેમજ રસોઈ માટે સદીઓથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. કોઈ નિપુણ બાગાયતી હોય કે પછી શિખાઉ માળી હોય, લેમન બામ ઘરના બગીચામાં ઉગાડવાનો અનુભવ લાભકારક અને આનંદદાયક છે.

લેમન બામ ઉગાડવાની રીત

સ્થળ : લેમન બામ સારી રીતે પાણી નીકળી શકે એવી જમીનમાં ઉગે છે અને તેના માટે પૂરતો તડકો મળે તેવું સ્થાન વધુ યોગ્ય છે. જો કે આંશિક છાંયડો પણ તેને માફક આવે છે. બગીચામાં એવું સ્થળ પસંદ કરવું જ્યાં દિવસ દરમ્યાન ઓછામાં ઓછા છ કલાક તડકો આવતો હોય.

માટી : માટીને બગીચાના ફોર્ક અથવા ટિલર દ્વારા ઢીલી કરી નાખવી અને તેમાં કમ્પોસ્ટ જેવું ઓર્ગેનિક ખાતર ભેળવવું જેથી પાણી આસાનીથી નીકળી જાય અને ફળદ્રુપતા જળવાઈ રહે.

રોપણી : લેમન બામ બીજ, રોપા અથવા પ્રત્યારોપણ દ્વારા ઉગાડી શકાય છે. બીજથી ઉગાડવા હોય તો તેમને શિયાળો પૂરો થવાનો હોય તેના છથી આઠ અઠવાડિયા પહેલા ઘરમાં જ ઉગાડવા. શિયાળો પૂરો થાય એટલે રોપાઓની વાવણી બહાર કરવી અને પ્રત્યેક રોપા વચ્ચે ૧૨થી ૧૮ ઈંચનું અંતર રાખવું. વાવેતર કર્યા પછી સારી રીતે પાણી આપવું.

પાણી સિંચન અને જાળવણી : માટી સતત ભીની રાખવી પણ પાણી જમા ન રહેવું જોઈએ. છોડની આસપાસ પાંદડા અથવા કોઈ ઓરગેનિક સામગ્રી રાખી મુકવાથી માટીમાં ભેજ સચવાઈ રહેશે. લેમન બામને બહુ ઓછી જાળવણીની જરૂર પડે છે, પણ નિયમિત કાપણી છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપશે અને તેને વધુ પ્રમાણમાં પાતળા બનતા અટકાવશે.

લણણી : છોડની ઊંચાઈ છથી આઠ ઈંચ જેટલી થાય પછી તેના પાંદડાની લણણી કરી શકાય. તીક્ષ્ણ કાતર અથવા કાપણી કાતરનો ઉપયોગ કરીને જરૂરીયાત મુજબના પાન તોડવા. નિયમિત કાપણી કરવાથી છોડની વૃદ્ધિ સારી રીતે થશે અને છોડનો આકાર પણ જળવાઈ રહેશે.

લેમન બામના લાભ

મગજને શાંત અને રિલેક્સ કરવાના ગુણધર્મ : લેમન બામ લાંબા સમયથી ચેતા તંત્રને શાંત કરવાના તેના ગુણ માટે જાણીતું છે. તેનામાં ચિંતા, તણાવને ઘટાડતા અને આરામ વધારતા ઘટકો મોજુદ હોય છે. લેમન બામની ચહા પીવાથી અથવા સ્નાનના પાણીમાં તાજા પાન નાખવાથી તંગ નસને આરામ મળે છે અને શાંતિનો અનુભવ થાય છે.

પાચનમાં મદદ : લેમન બામ ઘણીવાર પાચનમાં સહાય કરવા તેમજ અપચા, પેટ ફૂલવા અને ગેસના લક્ષણો હળવા કરવાના ઉપયોગમાં લેવાય છે. ભોજન પછી લેમન બામની ચહા પીવાથી પાચનમાં સહાય મળે છે અને અસ્વસ્થતા દૂર થાય છે.

એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીમાયક્રોબાયલ ગુણો : લેમન બામમાં શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ હોય છે જે શરીરને ઓક્સીડેટીવ તણાવથી દૂર રાખીને ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. ઉપરાંત તેના એન્ટીમાયક્રોબાયલ ગુણો નજીવા કાપા,  ઘસરકા અને જંતુના ડંખની સારવારમાં ઉપયોગી છે.

મગજની કામગીરી સુધારે છે : અભ્યાસ મુજબ લેમન બામ મગજની કામગીરી સુધારીને સ્મરણશક્તિ વધારી શકે છે. તેનો પરંપરાગત રીતે માનસિક સ્પષ્ટતા અને એકાગ્રતા વધારવા માટે ઉપયોગ થતો રહ્યો છે જેના કારણે તે વિદ્યાર્થીઓ તેમજ વ્યાવસાયિકો બંને માટે એક મૂલ્યવાન જડીબુટ્ટી બની ગઈ છે.

મોઢા અને ગળાના ચેપ : લેમન બામના એન્ટીવાયરલ અને એન્ટીમાયક્રોબાયલ ગુણોને કારણે ગળા અને મોઢાના ચેપમાં તેના પાણીના કોગળા કરવાથી તુરંત લાભ મળે છે.

વજન ઘટાડવા ઉપયોગી : આજકાલ વજન ઘટાડવાની ચિંતા યુવા અને વયસ્ક તમામને સતાવી રહી છે. જેને વજન ઘટાડવું હોય તેના માટે લેમન બામની ચહા અત્યંત ઉપયોગી છે. લેમન બામમાં રહેલું ફ્લેવોનોઈડ નામનું તત્વ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

ડાયાબીટીસ : લેમન બામ એન્ટી ડાયાબીટીક તરીકે પણ કામ કરે છે. તેનો અર્ક લિપિડ પ્રોફાઈલને સુધારવામાં અને ગ્લાઈસેમિક ઈન્ડેક્સને નિયંત્રણમાં રાખવામાં સહાયરૂપ થાય છે. ઉપરાંત લેમન બામનું તેલ પણ ટાઈપ ટુ ડાયાબીટીસના દર્દીઓના બ્લડ ગ્લુકોઝને ઘટાડવામાં સહાયકારક સાબિત થાય છે.

થાઈરોઈડ : લેમન બામ થાઈરોઈડને વધતા અટકાવે છે. તે શરીરમાં થાઇરોઇડ અવરોધકોની જેમ કામ કરે છે. લેબોરેટરીમાં થયેલા એક રિસર્ચ મુજબ લેમન બામનો સૂકો અર્ક થાઈરોઈડ હોર્મોન્સને સંતુલિત કરી શકે છે.

અન્ય ઉપયોગો

કુદરતી જંતુ અવરોધક : તેના કુદરતી જંતુ અવરોધક ગુણધર્મોને કારણે ત્વચા પર લેમન બામના પીસેલા પાન ઘસવાથી  મચ્છર તેમજ અન્ય ડંખીલા જંતુ દૂર રહે છે.

એરોમાથેરપી અને ઘરગથ્થુ ઉપચાર : લેમન બામની સ્ફૂતદાયક સુગંધ તેને એરોમાથેરાપી અને હોમમેઇડ ત્વચા સંભાળ ઉત્પાદનો જેવા કે બામ, સાલ્વ અને લોશન માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.

લેમન બામના લાભ સાથે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તેનાથી નુકસાન પણ સંભવ છે.

લેમન બામ હાઈપોગ્લાયકેમિક ગુણધર્મો ધરાવે છે. તે હાઈ બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે. તે જ સમયે, જો તે જરૂરી કરતાં વધુ લેવામાં આવે છે, તો તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર એટલું ઘટાડે છે કે દરદીને અશક્તિ આવી જાય.

ઉપરાંત, ગર્ભાવસ્થા દરમ્યાન પણ તેનો ઉપયોગ કરવો સલામત નથી.

તેને બાળકો માટે પણ અસુરક્ષિત માનવામાં આવે છે.

થાઇરોઇડની દવા સાથે લેમન બામ લેવાની ભલામણ કરવામાં આવતી નથી.  

લેમન બામનો ઉપયોગ કરનારાએ ધ્યાનમાં રાખવું કે તેનું પ્રમાણ જળવાઈ રહે. તેનો વધુ માત્રામાં ઉપયોગ ન કરવો. ઉપરાંત આ છોડના પાનનો ઉપયોગ માત્ર સહાયક રીતે જ થઈ શકે. કોઈપણ બીમારી માટે ડોક્ટરની સલાહ અને સારવાર જરૂરી છે. જેને કોઈપણ પ્રકારની એલર્જી હોય તેણે પણ ડોક્ટરની સલાહ વિના લેમન બામનો ઉપયોગ ન કરવો.

- ઉમેશ ઠક્કર

Tags :