Get The App

નોકર-ચાકરને છોડો, જાત મહેનત બધી રીતે લાભદાયી

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
નોકર-ચાકરને છોડો, જાત મહેનત બધી રીતે લાભદાયી 1 - image

- ઘરનોકર પર વધુ પડતું અવલંબન સારું નથી

ભારતી દેસાઇએ ધાર્યું પણ નહોતું કે ઑફિશિયલ ટ્રીપ અચાનક ટૂંકાવીને ઘરે પાછા ફરતાં જ તેમનું વ્યવસ્થિત રીતે ચાલતું ઘર છિન્ન ભિન્ન થઇ જશે. મુંબઇના પોશ વિસ્તાર મલબાર હિલના પોતાના ફ્લેટમાં પ્રવેશતા જ તેમણે તેમની ચાર વર્ષ જૂની નોકરાણીને ડ્રાઇવર સાથે પથારીમાં સૂતેલી જોઇ. ''ગુસ્સો ઉતારતાં જ મને આ નોકરોની આખી અવિશ્વાસુ જમાત પર સખત ચીડ  ચડી ગઇ'' નોકરોની નગુણી પ્રજા પર ગમે એટલી દયા બતાવો પણ એમને કોઇ અસર થતી નથી એવી લાગણી શહેરની એક પ્રતિષ્ઠિત એડવર્ટાઇઝિંગ એજન્સીમાં સિનીયર એક્ઝીક્યુટીવનો હોદ્દો ધરાવતાં શ્રીમતી દેસાઇએ અનુભવી હતી. નોકરો પ્રત્યે એમનો વિશ્વાસ એટલી હદે ડગી ગયો કે એજ રાત્રે તેમણે અને તેમના પતિએ ઘરમાં નોકરોની મદદ વિના ચલાવી લેવાનો વિકલ્પ પસંદ કરી લીધો. જો કે બે બાળકો અને નોકરી સાથે ધરકામ સંભાળવાનું તેમને માટે અતિ મુશ્કેલ હતું પણ એક અઠવાડિયા પછી એ માની શકતાં નહોતાં કે ખરેખર તેમણે નોકરાણી વિના ઘરના બધાં કામ કર્યાં હતાં.

ઘરની પરિસ્થિતિ બદલાતાં શ્રીમતી દેસાઇની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. તેઓ હસતાં હસતાં કહે છે કે ગરમા ગરમ રોટલી અને તાજા રાંધેલા ખોરાક પરથી અમે ઠંડા અને ફરીથી ગરમ કરીને ખાવાના ખોરાક પર આવી ગયા છીએ. પરંતુ મારા પતિએ બાળકોને તૈયાર કરી તેમને સેન્ડવીચ બનાવી આપીને સ્કૂલે મોકલાવાની જવાબદારી સ્વીકારી લીધી છે. સફાઇ અને કપડાં ધોવાનું અમે શનિ-રવિ માટે રાખ્યું છે. તેથી ખાસ તકલીફ પડતી નથી. આ સિવાય મારી પાસે બીજો કોઇ વિકલ્પ નથી.

આજના જમાનામાં ઘરનોકર વિનાની જિંદગી કદાચ અશક્ય લાગે પણ આશ્ચર્યજનક રીતે સ્ત્રીઓમાં આજે, 'અપના હાથ જગન્નાથ'ની લાગણી પ્રવર્તી રહી છે. એ સાચું છે કે નોકર કે નોકરાણી વિનાની જિંદગી ખરેખર ઓછી મુસીબતો વિનાની જ છે. ભારતી બહેન કહે છે કે એકવાર તમને ખબર પડે કે તમને કોઇની મદદ મળવાની નથી એટલે આપોઆપ તમે પ્લાનિંગ પ્રમાણે કામ કરવા માંડો છો. તેમના પતિ આશિષ દેસાઇ ઘરકામમાં તેમને પૂરેપૂરી મદદ કરે છે. બીજા દિવસ માટે શાક સમારવાનું કામ તે કરે છે અને વાસણ સાફ કરવામાં બાળકો સ્કૂલેથી આવીને તેમને મદદ કરે છે. મિત્રો સાથે રમવાને બદલે આવું કામ કરવું પડે એ સામે બાળકો વાંધો નથી ઉઠાવતાં? એવા પ્રશ્નના જવાબમાં આશિષ દેસાઇ જણાવે છે કે શરૂઆતમાં તેમને નહોતું ગમતું પણ હવે એ તેમની રોજિંદી જિંદગીમાં વણાઇ ગયું છે. ફાયદો એ થયો છે કે હવે ખરેખર તેઓ આત્મનિર્ભર બની ગયા છે. ''વધુ અંગતતા, સલામતી અને બચત અને ખાંડ, ચા, દૂધ, તેલ, ઘી, લોટ અને વાસણો જેવી નાની-મોટી ચોરીઓમાંથી છૂટકારો એટલે નોકરાણી વિનાની નિશ્ચિત જિંદગી'' આ શબ્દો છે વ્યાવસાયિક મહિલા શ્રીમતી મમતા મોંગિયાના. શ્રીમતી મોંગિયા જણાવે છે કે બાઇ પાસે કામ કરાવવું એનાં કરતાં વૉશિંગ મશીન, વેકયૂમ ક્લિનર કે ડીશવૉશર જેવાં ઉપકરણો વસાવીને આપણી સગવડ અને આપણા સમય પ્રમાણે કામ કરી લેવું વધુ હિતાવહ છે. નાની દીકરી સાથે સ્વતંત્ર વ્યવસાય સંભાળી રહેલાં શ્રીમતી મોંગિયાને શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ પતિના સહકાર અને આધુનિક ઉપકરણોને લીધે નોકરડી વિના કામ કરવાનું વધુ સુગમતાભર્યું બન્યું છે.

યુવાન ડૉક્ટરને પરણેલાં શ્રીમતી તૃપ્તિ મહેતા કહે છે કે લગ્ન પછી તરત જ તેમના પતિએ ઘરકામમાં મદદ કરે એવી સ્થાનિક નોકરાણીને કામ પર રાખી પરંતુ ચાર મહિનાના અંતે તેમને ખબર પડી ગઇ કે મહિનામાં પંદર દિવસ તો એમણે જાતે જ કામ કરી લેવું પડતું હતું. વારંવાર રજા  પાડતી નોકરાણીથી ત્રાસેલાં શ્રીમતી મહેતા તેમની નોકરાણી પ્રત્યે કોઇ દયા બતાવવા માંગતા નહોતા. મહેતા દંપતીએ તરત જ વૉશિંગ મશીન અને વેક્યૂમ ક્લિનરમાં નાણાં રોકવાનો નિર્ણય કરીને  નોકરાણીને વિદાય આપી દીધી. તૃપ્તિ જણાવે છે કે તેમના પિતા લશ્કરી અધિકારી છે. નોકરોની ફોજ વચ્ચે રહેવા ટેવાયેલા તેમના પિતાને પુત્રીના નિર્ણયથી સૌથી વધુ આઘાત લાગ્યો હતો. કૉલૉનીમાં રહેતા કેટલાક લોકોએ ભવાં ચડાવ્યાં હતાં પણ માનસિક શાંતિ જ અગત્યની હોવાથી આ બધી  બાબતો પર તેમણે લક્ષ આપ્યું નહોતું. ટ્રાવેલ એજન્સીમાં કામ કરતાં તૃપ્તિ મહેતા કહે છે કે પતિ-પત્ની બન્નેએે કામ વહેંચી લીધું હોવાથી કોઇ કામ રહી જતું નથી. પાર્ટી માટેની વાનગીઓ બે દિવસ અગાઉથી જ બનાવીને તેઓ ડીપ ફ્રિઝમાં મૂકી દે છે. એ જ રીતે રોટલી કે પૂરી નજીકની ફૂડશોપમાંથી  ખરીદી લાવે છે અને આમંત્રિત મિત્રો જમ્યા પછી ડીશની સફાઇ કરવામાં મદદ કરવાની તથા એશટ્રે ખાલી કરી દેવાની મિસ્ટર મહેતાના ઘરની પ્રણાલીને બરાબર સમજી ગયા છે. તૃપ્તિ કબૂલે છે  કે નોકર ન હોવાથી ક્યારેક અગવડ પણ પડે છે. ખાસ કરીને તબિયત સારી ન હોય ત્યારે પણ એવા સમયે અમે બહાર જમી લઇએ છીએ અને રોજિંદા ઘરકામો કોરાણે મૂકીએ છીએ. તે કહે છે કે સ્વાતંત્ર્યકે મુક્તિને માટે બહુ ઓછી કિંમત ચૂકવવી પડે છે.

દસ વર્ષ પહેલાં કામવાળી બાઇ કાર ડ્રાઇવર સાથે પ્રણયલીલા ખેલતાં પકડાઇ જવાથી શ્વેતાએ તેજ સમયે તેને કાઢી મુકવાનો નિર્ણય લઇ લીધો હતો. બે સંતાનોની માતા શ્વેતા શાહ કહે છે કે નોકર ન હોવાનો સૌથી મોટો ફાયદો છે જગ્યાની  મોકળાશ. નોકરના રૂમને તેમણે બાળકોના બેડરૂમમાં ફેરવી દીધો છે તેથી ઘરમાં જગ્યાની ઘણી છૂટ થઇ ગઇ છે. નાની દીકરી સાથે પ્લેગુ્રપ ચલાવતાં તથા ગારમેન્ટનો વ્યવસાય કરતાં કવિતા સુતરીયા પોતે જ પોતાની જિંદગીના સ્વામિની છે. નોકર શોધવાની લ્હાયમાં તેમણે કેટલીય રાતો ઊંઘ વિના ગાળી હતી. છેવટે તેમની માતાને તેમના ગામમાંથી નોકરાણી મોકલી આપવાનું જણાવ્યું. અંતે એક બાઇ મળી પણ થોડાં જ દિવસમાં તે હોમ સિક્નેસ અનુભવતા બિસ્તરા-પોટલાં લઇને જતી રહી. સ્થાનિક નોકરને રાખવાનું તેમને પસંદ નથી. કારણ કે તે લોકો પારકી પંચાતમાંથી જ ઊંચા આવતા નથી. ક્યારેક તેમને આ રોજિંદુ કામ નિરસ લાગે છે. પણ પરિસ્થિતિ તેમણે બરાબર સંભાળી લીધી છે. ખોરાક ખૂબ સાદો બનાવવાનો નિર્ણય કર્યો છે અને પતિ તેમાં બનતી મદદ કરે છે. તેમના પતિ તેમની નાનકી દીકરીને સંભાળવા માટે ઘરે હોય ત્યારે એટલે કે માત્ર રવિવારે જ અવનવી વાનગીઓ બનાવવાનું નક્કી કર્યું છે. ઉપરાંત પહેલાં જે બાઇ રાખી હતી તે બીમાર રહેતી હોવાથી તે મદદરૂપ થાય એના કરતાં શ્રીમતી સુતરીયા બાઇને વધારે મદદરૂપ થતાં હતાં. બીજું કે નોકરડી ઘરમાં ન હોવાથી તે અને તેમના પતિ એકાંત પણ સારી રીતે માણી શકે છે. જો કે કવિતા સુતરીયા ભારપૂર્વક કહે છે કે પતિના સહકાર વિના નોકર ન રાખવાનો નિર્ણય શક્ય નથી.

અનેક સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતાં સુરેખાબહેને બીજા બાળકના જન્મ પછી આખો દિવસ મદદ કરે એવી બાઇ રાખી હતી પણ ત્રણ મહિના થતાં પહેલાં જ તેને છોડી દીધી. કારણ કે તેમને લાગ્યું કે તે જે કંઇ કામ કરતી હતી એના કરતાં ઘણું સારું કામ તે પોતે કરી શકે એમ હતાં. ઉપરાંત તેમનું એકાંત છિનવાઇ ગયું હતું. સુરેખાબહેને દિવસનો કાર્યક્રમ એ રીતે ઘડી લીધો છે કે કામનું ભારણ ન લાગે.

''કેટલીક નોકરાણીઓ ખૂબ તોછડી અને ઘમંડી હોય છે. આવાં હલકા વર્ણના લોકોનાં અપમાન સહન કરવા તેના કરતાં જાતે કામ કરી લેવાનું ગૃહિણીઓ વધુ પસંદ કરે છે. સારો નોકર શોધવો એ રેતીમાંથી રતન શોધવા જેટલું અઘરું કામ છે'' આ શબ્દો સાથે પૂર્વી પંડયા જણાવે છે કે મારા કુટુંબનો મને પૂરો સહકાર છે. તેમણે વૉશિંગ મશીન વસાવ્યું છે. બાકીના કામો કુટુંબીજનોની મદદથી જાતે જ કરવાનું પસંદ કરતાં શ્રીમતી પંડયા કહે છે કે મારી તંદુરસ્તી અને શારીરિક ચુસ્તતાનું રહસ્ય  આત્મનિર્ભરતા છે.

સંતાનોને આયાઓને ભરોસે છોડી દેતીમાતાઓને પણ કડક અનુભવો વારંવાર થયા કરે છે. કેટલીક અસુવિધાઓ ઊભી થવા છતાં રાગિણી જોષી આયા વગર વધુ સુખી છે તે કહે છે, ''મારા બાળકને મોટું થતાં જોવાનો યાદગાર''  અનુભવ હવે હું માણી શકું છું. વ્યવહારિક વ્યસ્તતાને કારણે મેં આયા રાખી હતી પણ હવે આખી પરિસ્થિતિ મેં સંભાળી લીધી છે.'' 

રોહિત દવે અપરિણીત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તે કહે છે કે મોટાભાગના કામો તે 'વીક એન્ડ' કે ફાજલ સમયમાં પૂરાં કરે છે. ઘરની સાફસફાઇ અંગે તેમના ખાસ દુરાગ્રહો નહીં હોવાથી દરેક કામ તેમની ફૂરસદે જાતે જ કરવાનું પસંદ કરે છે. આમ આજની નવી પેઢી ''સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ'' માં માનતી થઇ ગઇ છે એમાં કોઇ સંદેહ નથી. શ્રીમતી દેસાઇ કહે છે તેમ 'મારી માનસિક શાંતિ તદ્દન અજાણી વ્યક્તિના તરંગો અને મનસ્વી પણા ઉપર શા માટે આધારિત હોવી જોઇએ?' બધી વાતનો સાર એ છે કે સહાયરૂપ થવાને બદલે  બોજારૂપ થતા ઘરનોકરને તો જલ્દી રૂખસદ આપવી જ સારી. જાત મહેનત ઝિંદાબાદ!

- નયના