Get The App

ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ગુસ્સાને કાબૂમાં રાખતા શીખો 1 - image

રોજબરોજની જિંદગીમાં સામાન્ય માણસના મનમાં જે ગુસ્સો, અણગમો અને ચીડ ચાલચાં રહેતાં હોય છે 'એ ક્યારેક આરોગ્ય માટે જોખમી બની શકે છે, કારણ કે આ પ્રકારની લાગણીઓની સાઈડ ઈફેક્ટ અનેક પ્રકારની હોઈ શકે છે. હવે તો ક્લિનિકલ રિસર્ચમાં એવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે કે ગુસ્સો ખરેખર માણસને મારી નાખે છે. એક એવો અંદાજ બાંધી શકાય કે જે માણસ  આખી જિંદગી બહુ ગુસ્સો કરતો રહેતો હોય તે પોતાના આયુષ્યનાં દસ વર્ષ ઓછાં કરી નાખે છે. ગુસ્સાને કન્ટ્રોલમાં રાખવાના કેટલાક ઈલાજ અહીં આપ્યા છે.

૧. ધ્યાન ધરો

ધ્યાન ધરતી વખતે તમે તમારા શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરો અને દરેક ઉચ્છ્વાસ વખતે મનને રાહત મળે એવો શબ્દ ઉચ્ચારો તો તમારા મગજમાંથી ખરાબ વિચારો દૂર ભાગી જાય છે. ધ્યાન ધરવાથી શારીરિક થાક અને ટેન્શન ખૂબ જ ઓછાં થઈ શકે છે.

૨. દ્રઢતા દાખવો

આ દુનિયામાં ઘણા અન્યાયો થતા હોય છે અને એ જોઈને તમને ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. આ પ્રકારનાં ગુસ્સાને અંકુશમાં રાખવાનો અર્થ એ  નથી કે તમે અન્યાયો પ્રત્યે જાડી ચામડીના બની જાઓ. હકીકતમાં તમારે વધુ ચોક્કસ અને સિલેક્ટિવ બનવાની જરૂર છે.

ધ્યાનમાં તમે તમારી જાતને વિમુખ બનાવી દો છો, જ્યારે દ્રઢતામાં તમારે તમારી જાતને એસર્ટ કરવાની છે, પ્રોજેક્ટ કરવાની છે. દ્રઢતામાં તમારે અન્યોને તેમની અમુક વર્તણુક બદલવાનું કહેવાનું છે. તમારે તમારી વિનંતીની બાબતમાં ચોક્કસ રહેવાનું છે અને એકદમ માનપૂર્વક તથા શાંતિથી એ વિનંતી કરવાની છે. આમાં તમારે દ્રઢતા અને મુત્સદ્દીગીરી બન્ને એકસાથે અપનાવવાની છે.

૩. પાળેલાં જાનવરોની સંભાળ

પાળેલાં જાનવરો બહુ ઓછી માગણીઓ કરતાં હોય છે. તેમને ફક્ત ખોરાક અને સારસંભાળ જોઈતી હોય છે. બસ, એટલું મળી જાય તો તેઓ તમારા પ્રત્યે બિનશરતી ભક્તિભાવ દાખવે છે. પાળેલાં જાનવરોનું બંધારણ બૌદ્ધિક અને ઈમોશનલ રીતે આપણી સરખામણીમાં સાવ સીધુંસાદું હોવાથી એટલું તો આપણે સહજતાથી સમજી શકીએ છીએ કે  માણસની વર્તણૂકમાં જે સ્વાર્થ જોવા મળે છે એવો સ્વાર્થ આ પ્રાણીઓમાં નથી હોતો. જો આપણે પાળેલાં જાનવરોની સંભાળ સારી રીતે રાખી શકીએ તો આસપાસના માણસોની સંભાળ રાખવામાં પણ ફાવટ આવે છે. રિસર્ચમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો જાનવરો પાળે છે તેમની તંદુરસ્તી બાકીના લોકો કરતાં પ્રમાણમાં વધુ સારી હોય છે.

૪. સાંભળતા રહો

શક્ય હોય ત્યાં સુધી તમારું મોઢું બંધ રાખો. દલીલો અને તકરારોને કારણે જ્યારે તમારો પિત્તો જઈ રહ્યો હોય એવી પરિસ્થિતિમાં ગુસ્સાને અંકુશમાં રાખવા માટે સાંભળતા રહેવું એ એકદમ સફળ અને પુરવાર થયેલો વ્યૂહ છે. સાંભળતા રહેવાથી દલીલોની શક્યતા ઘટી જાય છે. આમ કરવાથી સામા માણસને પણ તમારી સાથેની વાતચીત રચનાત્મક લાગશે.

૫. સહાનુભૂતિ રાખો

પરિસ્થિતિને બીજાની નજરે જોવાથી ઘણી વાર તમારા ગુસ્સાનો પારો ઉપર ચડે એ પહેલાં જ નીચે ઊતરી જાય છે. તેથી હંમેશાં સ્થિતિને બીજાની દ્રષ્ટિએ જોતાં શીખો.

૬. સહનશીલ બનો

સહનશીલ બનવાનો સારામાં સારો રસ્તો એ છે કે અન્ય લોકો જેવા છે એવા તેમને સ્વીકારો. તમે તેમને જેવા ઈચ્છો છો એવા બનાવવાની અપેક્ષા છોડી દો. જો તમે સહનશીલ બનશો તો તમારું દરેક પગલું વધુ અસરકારક નીવડશે.

જો તમે સહનશીલ બનશો તો એના પ્રતિસાદરૂપે બીજી વાર જ્યારે તમે તમારા મિત્ર, સહયોગી કે પ્રેમિકા સાથે વાત કરતા હશો ત્યારે તેઓ પણ તમારી વાત શાંતિથી સાંભળશે. એનું કારણ ફક્ત એટલું જ કે અગાઉ તમે સહનશીલ બનીને તેમની વાત શાંતિથી સાંભળી હતી.

૭. માફી બક્ષો

ઘણી વાર એવું બને છે કે ભૂતકાળમાં તમારી નજીકની વ્યક્તિએ કંઈક ખોટું કરીને તમને દૂભવ્યા હોય તો એનો રંજ તમે આજે પણ અનુભવતા હો છો. આજે પણ તમે એ અપમાન અને દુ:ખ અનુભવો છો. આજે પણ તમને બદલો લઈને વેરની વસૂલાત કરવાનું મન થઈ જાય છે. જોકે તમારું બૌદ્ધિક મન એ વાત બરોબર સમજે છે કે આવું કરવાથી પણ જે બની ગયું છે એમાં હવે કોઈ ફેરફાર નથી થવાનો.

આવા સમયે તમે તમારી સાથે ખોટું કરનાર વ્યક્તિને માફ કરીને તમારા ગુસ્સા પર કાબૂ મેળવી શકો છો. હવે પછી એક વાર તમે આ રીત અજમાવી જોજો. તમારો ગુસ્સો ચોક્કસપણે ઠંડો પડી જશે.

૮. મિત્રો બનાવો

વિશ્વાસનીય મિત્ર તમને ડગલે ને પગલે મદદરૂપ થઈ શકે છે. તમારે ડૉક્ટરના દવાખાને જવું હોય, કોઈ ઈમર્જન્સીમાં બાળકની સંભાળ રાખવાની હોય કે અન્ય કોઈ મુસીબત આવી પડે ત્યારે તમે મિત્ર પર ભરોસો રાખીને શાંતિ અનુભવી શકો છો. વિશ્વસનીય મિત્રો હોવાનો મુખ્ય ફાયદો એ છે કે એને કારણે તમે તમારી જાત બાબત ખુશ રહો છો. એને કારણે રોજબરોજની જિંદગીમાં તમે ખાસ અજંપો કે વૈમનસ્ય નથી અનુભવતા.

૯. હસતા રહો

ગુસ્સો અને રમૂજ બન્ને એક જ સમયે એક જ મગજમાં રહી નથી શકતાં. જો તમે ખરાબ પરિસ્થિતિમાં પણ હસતાં શીખી જાઓ તો ગુસ્સા પર કાબૂ મેળવી શકશો એટલું જ નહીં, ગુસ્સાને કારણે થતાં જોખમોમાંથી પણ બચી જશો.

૧૦. વધુ ધાર્મિક અને આધ્યાત્મિક બનો

ધાર્મિક કે આધ્યાત્મિક મંડળો અને સંસ્થામાં સક્રિય બનવાથી જીવનને વધુ સાર્થક અભિગમ સાથે અપવાની શકો છો. આ પ્રકારનો સાર્થક  અભિગમ અનેક રીતે તમારા ગુસ્સા અને તમારી આક્રમકતાને  અંકુશમાં લેવામાં મદદરૂપ થશે.

એટલું યાદ રાખો કે તમે જે પ્રકારની જિંદગી જીવી રહ્યા છો એના પર સારો એવો અંકુશ ધરાવતા હો છો. તેથી તમારા પ્રારંભિક નકારાત્મક પ્રતિભાવને અંકુશમાં રાખતાં શીખો અને તરત જ હકારાત્મક વિચારો તરફ વળી જાઓ. જો તમે સભાન રહીને આ પ્રકારના પ્રયાસ કરશો તો જિંદગી વધુ સારી રીતે અને ખુલ્લા મનથી માણી શકશો.