તાજેતરમાં જ એક મુલાકાતમાં જાણીતા મનોચિકિત્સક સ્મિતા દેશપાંડેનું કહેવું હતું કે મોટા ભાગના પતિઓ એવું જ માનતા હોય છે કે પત્નીઓને અક્કલ નથી હોતી અને માનસિક સ્તર હોય કે શારીરિક, દરેક સ્તરે એમનાથી ઊતરતી જ હોય છે. એટલે જો તેઓ સમજદારીની વાત પણ કરે તો એમને લાગે છે કે તેઓ એમને સમજાવીને અને ઉલ્લુ બનાવી રહી છે, દબાવી રહી છે. એનાથી પુરુષનો અહમ્ ઘવાય છે, કારણ કે પતિ પોતાને સુપીરિયર સમજે છે અને એને લાગે છે કે જો હું કોઈ વાત પત્નીની સલાહ અનુસાર કરીશ કે એને પૂછીને કરીશ તો મારી સમાજમાં હાંસી થશે. ક્યાંક ને ક્યાંક એના મનમાં એવી ભાવના પણ હોય છે કે લોકો એને જોરુનો ગુલામ સમજીને એને ઓછો ન આંકે.
પોતાની જ માનસિકતાને કારણે પતિ પત્નીના એવા ઘણા અનુભવોમાંથી કોઈ લાભ ઉઠાવી નથી શકતો જે એની ગૃહસ્થી માટે જરૂરી હોય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે પતિ પોતાની વિચારસરણી બદલે અને એ વાત સ્વીકારે કે પતિ અને પત્ની એક જ ગાડીનાં બે પૈડાં છે, જેમની પોતાની અલગ માન્યતા અને પર્સનાલિટી છે.
હવે પ્રશ્ન એ થાય છે કે પત્નીના અનુભવોનો લાભ પતિ કેવી રીતે અને કેમ લે? આ માટે અમે અનેક પતિ અને પત્નીઓ સાથે વાતચીત કરી. આવો, જાણીએ તેમનું આ વિશે શું કહેવું છે.
સંબંધ નિભાવવાની સમજણ
વ્યવસાયે એન્જિનિયર મુકેશ કહે છે કે એને બહુ જલદી ગુસ્સો આવે છે. બહુ જલદી ગમે તેની સાથે અથડામણ થઈ જાય છે. આ કારણે જ તેના સંબંધી તેને લગ્નમાં કે કોઈ પણ ફંક્શનમાં બોલાવતાં અચકાય છે, પણ તેની પત્ની પોતાના મિલનસાર અને હસમુખ સ્વભાવને કારણે સૌની સાથે સારા સંબંધ જાળવે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં વાતાવરણને બગડતું બચાવી લે છે. એના ક્રોધને શાંત કરે છે અને જ્યારે એ એવું વિચારી લે છે કે કોઈ વ્યક્તિ સાથે જિંદગીભર વાત નહીં કરું તો પત્ની તેને સમજાવે છે અને એ વાતને સંભાળી લે છે.
ધીરજની કસોટી
સમાજસેવિકા શોભાનું કહેવું છે કે જ્યારે છોકરી લગ્ન કરીને એક નવા ઘરમાં જાય છે તો ત્યાંના લોકો સાથે હળવાભળવામાં, એમને પોતાના બનાવમાં ધીરજની જરૂર પડે છે. અનેક વખત એવું જોવા મળ્યું છે કે છોકરી અલગ પરિવેશ અને માહોલમાંથી આવવાને કારણે અનેક વાતે તેણે મહેણાં સાંભળવાં પડે છે. દરેક વાતમાં ખોડખાંપણ કાઢવામાં આવે છે. એ આ બધું સહન કરતી જાય છે અને પોતાને એ માહોલમાં ઢાળે છે.
પરંતુ પુરુષ સામે એવી કોઈ પરિસ્થિતિ હોય તો એ ધીરજ જાળવવાને બદલે બદુ જલદી પોતાનો મિજાજ ગુમાવી દે છે.
વ્યાવહારિક
અમિતે જણાવ્યું કે એની પત્ની બહુ વ્યાવહારિક છે. કોઈ બાળકનો બર્થડે હોય કે પછી કોઈ પાર્ટી, એને ખબર છે કે ક્યાં કઈ ભેટ આપવી. પોતાના ઘરે આવેલા મહેમાનોની કેટલી મહેમાનગતિ કરવી અને કેટલી નહીં એ બધી વાતોની એને સમજણ છે. જે વાતો કે ચીજોને એ પોતે હળવી કે અર્થહીન સમજીને ટાળે છે એના પર એની પત્ની ખૂબ ગંભીરતાથી વિચારે છે. આથી લોકો એનાથી ખુશ રહે છે અને એની પ્રશંસા કરે છે.
એક ખાનગી કંપનીમાં કામ કરતા મોહિતે કહ્યું કે ક્યાંક એકલા જવાની વાત હોય કે પછી બાળકોને ઘરે એકલાં મૂકવાની, એની પત્ની એ માટે વધુ ચિંતિત રહે છે અને જવાબદારી નિભાવે છે. એ ઓફિસેથી ઘણી વખતે બાળકોને ફોન કરે છે. પુત્રીના ફ્રેન્ડ સર્કલ સાથે પણ હળેમળે છે. એના મિત્રો પર નજર રાખે છે અને જો કોઈ મિત્ર ખોટી પ્રવૃત્તિનો લાગે કે પુત્રીને બ્લેકમેલ કરી રહ્યો હોય તો એ પુત્રીના હાવભાવ પરથી પારખી લે છે. પણ મને એ બધું એટલી સરળતાથી સમજાતું નથી.
શિલાએ કહ્યું કે એના પતિને દરેક વસ્તુ કાલ પર ટાળી દેવાની ટેવ છે. એમને લાગે છે કે સમયની સાથે બધું જ થઈ જશે પણ તેઓ એ વાત નથી સમજતા કે ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે જ સમજદારીથી ચાલવું પડશે અને એ માટે મહેનત કરવાની સાથે યોજના પણ બનાવવી પડશે. એટલે એણે એમને ખૂબ સમજાવ્યા અને એક સારું મકાન લેવાને માટે યોજના બનાવવાની શરૂ કરી અને એ અનુસાર ઘરખર્ચમાં ઘટાડો કરીને તે અનુસાર અમે મકાન વિશે વિચારવાનું શરૂ કર્યું, હવે આજે અનેક વર્ષોની મહેનત પછી અમે અમારું એક સુંદર ઘર ખરીદી શક્યા છીએ, હવે બાળકોનાં ભવિષ્ય, એમનાં ભણતર વિશે પણ અમે વિચારવાનું શરૂ કરી દીધું છે.
''હું સરકારી નોકર છું. હંમેશાં જે કમાયો એ ખર્ચી નાખ્યું. ક્યારેય બચત કરવાનું નથી વિચાર્યું. હવે જ્યારે બાળકો મોટાં થયાં અને ભણતરમાં પૈસા નાખવાની વાત આવી ત્યારે વિચારમાં પડી ગયો, કારણ કે એટલું મોટું સેવિંગ કરવાનું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું, પણ મારી પત્નીએ જ્યારે મને આ માટે પરેશાન જોયો તો તેણે મને બાળકોનાં એડમિશન માટે પૈસા આપ્યા. મારી પત્ની હંમેશાં ઘરખર્ચમાંથી બચાવી બચાવીને પૈસા એકઠા કરે છે. ઈચ્છવા છતાં હું એવું કરી શકતો નથી.'' આમ કહેવું છે એક બેંકમાં નોકરી કરતા અશોકનું.
વાસ્તવમાં, શરૂઆતથી એક છોકરી પરિસ્થિતિ અનુસાર તાલેમેલ બેસાડે છે. એને નાનપણથી જ શીખવવામાં આવે છે કે એણે જીવનમાં એક દીકરી હોવા ઉપરાંત, માતા, બહેન, પત્ની, ભાભી અને બીજાં અનેક પાત્રો નિભાવવાનાં છે. લગ્ન પછી એ એટલે જ પોતાના બધા સંબંધોને યોગ્ય રીતે જાળવી રાખે છે, સમયની સાથે ચાલે છે અને દરેક વીતી જતી પળ પાસેથી કશુંક નવું શીખે છે.
કઈ રીતે લાભ લેવો પત્નીના અનુભવોનો
* પોતાનો ઈગો છોડી દો.
* પત્નીની દરેક વાતને ધ્યાનથી સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો.
* લોકો શું કહેશે એ વાતની પરવા કરવાનું છોડી દો. એ જ કરો જે તમને યોગ્ય લાગતું હોય, અન્યને નહીં.
* કોઈ પણ વાતના સંદર્ભમાં લોકોનો અભિપ્રાય વધુ સારા પરિણામ પર પહોંચાડે છે. એટલે સલાહમસલત કરવામાં અચકાશો નહીં.
* એ વાતનો સ્વીકાર કો કે બધામાં કંઈ ને કંઈ ખામી અને કંઈ ને કંઈ સારપ હોય છે. એટલે જો એકબીજાની સારી વાતોની પ્રશંસા કરો અને એને માની લો તો તેમાં કોઈ નુકસાન નથી. તમારો ફાયદો જ છે.
* જો પત્ની કોઈ વાતનો તમારાથી વધુ સારો ઉકેલ કાઢી શકે એમ હોય તો એમાં ગિલ્ટ ફીલ કરવાની વાત નથી બલ્કે આપની જીવનસંગિની આપને જીવન જીવવામાં આપની મદદ કરી શકે છે. એટલે આ વાતને સકારાત્મક દ્રષ્ટિથી વિચારો.
* જ્યારે તમને એમ લાગે કે આવી વાતોને કારણે તમારી પત્ની સ્વયં પર ઘમંડ કરી રહી છે કે તમને ઊતરતા સમજી રહી છે તો તમે એના આ વ્યવહાર માટે એની સાથે ખુલ્લા મને વાત કરો અને સમસ્યાને હલ કરો.
* તમે તમારી પત્નીને થોડી સ્પેસ, પ્રેમ અને પોતાની સમજદારી આપશો તો તમારી વચ્ચે એક અલગ જ દોસ્તીનો અને બરાબરીનો સંબંધ બંધાશે, જે તમારા પરસ્પર સંબંધોને વધુ ગાઢ બનાવશે.
- નયના


