'ના' પાડવાની કળા શીખો લો
- 'ઈન્કાર' ન કરી શકતી માનુનીઓ જાત ઘસીને 'મૂર્ખ'માં ખપી જાય છે
એક અભ્યાસ મુજબ જે લોકો બીજાની ભાવનાનો સ્વીકાર કરવાને બદલે મનગમતા નિર્ણય લે છે તે લોકો વધારે આનંદમાં રહે છે. ઉલ્લેખનીય છે કે આ રીતે ખુશ રહેનારાઓમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે.
શનિવારની સાંજે પલ્લવી ફુરસદ કાઢીને રવિવારે કરવાના કામોનું લિસ્ટ બનાવી રહી હતી. તે વિચારી રહી હતી કે બપોર સુધી સઘળાં કામ સમેટી, બપોરના સમયમાં થોડો આરામ કરીને સાંજે પતિ સાથે ફરવા જશે. હજી તેના કામોની યાદી બનીને તૈયાર પણ નહતી થઈ એટલી વારમાં તેની જેઠાણીનો ફોન આવ્યો કે તેમને અગત્યના કામસર બહાર જવાનું હોવાથી તેઓ બાળકોને પલ્લવી પાસે મુકી જશે. પલ્લવીના રવિવારના આખા કાર્યક્રમ પર મીંડુ મુકાઈ ગયું અને તે રવિવારે આવનારા બાળકોની પસંદગીની વાનગીઓનું લિસ્ટ બનાવીને તત્કાળ ખરીદી માટે નીકળી પડી. મોડી રાત સુધી શક્ય એટલા કામો પૂર્ણ કરી તે પથારી ભેગી થઈ અને રવિવારનો આખો દિવસ જેઠના સંતાનોની પળોજણમાં નીકળી ગયો. તેનો મૂડ તદ્ન બગડી ગયો હતો પણ તે બહારથી હસી રહી હતી. આનું કારણ હતું કે તે તેની જેઠાણીને બાળકોને સાચવવૈાની ના ન પાડી શકી. વળી આ પહેલીવાર નહતું બન્યું. અગાઉ પણ ઘણીવાર તેના જેઠ-જેઠાણી 'અગત્ય'ના કામનું બહાનું કાઢી તેની અઠવાડિક રજાનો ભોગ લઈ ચૂક્યા હતા.
બીજાને ખુશ રાખવાં એ અત્યંત પ્રશંસનીય કાર્ય હોવા છતાં તે ત્યાં સુધી જ યોગ્ય છે. જ્યાં સુધી તમે તેને આસાનીથી કરી શકો. સામાન્ય રીતે સ્ત્રીઓ આ સમસ્યાનો ભોગ વધારે પ્રમાણમાં બને છે. બીજાને ખુશ રાખવાના પ્રયત્નમાં તેમની અંગત ખુશીનો ભોગ લેવાય છે જે તેમના માટે માનસિક તાણનું કારણ બને છે. આ તાણથી બચવાના બે જ ઉપાય છે. એક, તમે જે કરી રહ્યા છો તે પ્રત્યે તદ્ન બેપરવાહ બની જાઓ અને તેને માટે જીવ ન બાળો. બીજું સામેની વ્યક્તિને ક્યારેક ના પાડવાનું શીખો. અલબત્ત આવો સ્વભાવ ધરાવતી મહિલાઓ ના પાડયા પછી ચોક્કસપણે આત્મગ્લાનિ અનુભવશે એ વાતમાં બે મત નથી. આમ છતાં ઈચ્છા વિરુધ્ધ કોઈ કામ કરીને મનોમન ધૂંધવાયા કરવા કરતાં કામ ન કરીને આત્મગ્લાનિ અનુભવવી વધારે બહેતર છે. જબરદસ્તી કોઈપણ કામ ન કરવું જોઈએ.
એક અભ્યાસ મુજબ જે લોકો બીજાની ભાવનાનો સ્વીકાર કરવાને બદલે મનગમતા નિર્ણય લે છે તે લોકો વધારે આનંદમાં રહે છે. ઉલ્લેખનીય છે કે આ રીતે ખુશ રહેનારાઓમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘણી ઓછી છે. આપણને ઘણીવાર એમ થાય કે બીજાની વાત માની લેવાની આદત છોડવાનું આટલું બધું મુશ્કેલ કેમ છે? આ પ્રશ્નના જવાબમાં તજજ્ઞાો કહે છે કે મોટાભાગની સ્ત્રીઓ એમ વિચારે છે કે જો તેઓ બીજાની વાત નહીં માને તો તેમના મિત્રો અને સંબંધીઓ તેમનાથી દૂર જતાં રહેશે અને તે એકલી પડી જશે. આવા વિચારો મહિલાઓની નબળી માનસિકતાનો પરિચય આપે છે. તેમની આવી વિચારસરણીનો અને તેમની ભાલમનસાઈનો ગેરફાયદો ઉપાડીને લોકો તેમનો વસ્તુની જેમ ઉપયોગ કરે છે. નિષ્ણાતો તેમનો બીજો વ્યક્ત કરતાં કહે છે કે માનુનીઓ પુરુષોની તુલનામાં વધારે નમ્ર અને સહૃદયી હોય છે. તેઓ હંમેશા અન્યોની મદદ કરવા તત્પર રહે છે. આ ઉપરાંત તેઓ તેમની પ્રતિભા પ્રત્યે પણ ખૂબ સજાગ હોય છે. તેઓ હંમેશા એમ માનીને ચાલે છે કે તેઓ કોઈની વાત નહીં માને તો અભિમાની અને અતડી ગણાશે. આ સમસ્યા ફક્ત ગૃહિણીઓને જ નથી કનડતી પણ ઑફિસમાં કામ કરતી મહિલાઓ પણ તેમની પ્રતિભા ન ખરડાય તે બાબતે જરૂર કરતાં વધારે સજાગ હોય છે. તેઓ એમ માની લે છે કે જો તેઓ કામની જવાબદારી લેવામાં આનાકાની કરશે તો તેમને પ્રમોશન નહીં મળે. પરિણામ એ આવે છે કે તેઓ બીજાના કામની જવાબદારી પણ પોતાના શિરે લઈ લે છે અને પછી કામના બોજા તળે દબાતી રહે છે. મોટાભાગની ગૃહિણીઓને તમે એમ કહેતાં સાંભળશો કે અમે અમારા પરિવારને રાજી રાખવા અમારી જિંદગીના કિંમતી વર્ષો બરબાદ કરી નાખ્યા છતાં અમારી કદર ન થઈ.
સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે જે લોકો હંમેશા બીજાને રાજી રાખવાના પ્રયત્નમાં રચ્યાપચ્યા રહે છે તેમનામાં આત્મવિશ્વાસની ઊણપ હોય છે. આવી વ્યક્તિઓની આખી જિંદગી અન્યોને ખુશ કરવામાં વિતી જાય છે અને તેઓ પોતાની જાતથી દૂરને દૂર થતી જાય છે. આવી વ્યક્તિઓ વિચારપૂર્વક જો ના પાડતાં શીખે અને બીજાઓ શું કહેશે તેની ચિંતા કરવાનું છોડી દે તો ઘણી હળવી બની શકે છે. ઘણીવાર માનુનીઓ એવા વ્યવસાય સાથે સંકળાયેલી હોય છે જેમાં તેમને મીઠુ બોલવાનું હોય છે અને સેવા કરવાની હોય છે. જેમ કે રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવતી વ્યક્તિને ગમે તેટલો ગુસ્સો ચઢે તોય મીઠું જ બોલવું પડે છે. તેવી જ રીતે નર્સ તરીકે સેવા આપતી મહિલા પોતે થાકીને ચૂર થઈ ગઈ હોય તોય તેણે અન્ય દર્દીઓની સેવા કરવી પડે છે. તેમના કપાળે લાગેલી આ છાપ તેમને ઘરમાં પણ જંપવા નથી દેતી. પરિવારના સભ્યો પણ તેમની પાસેથી એવી જ અપેક્ષા રાખે છે. સંજોગવશાત્ જો તેઓ અકળામણ ઠાલવવા જાય તો 'રિસેપ્શનિસ્ટ થઈને આવી ભાષા બોલે છે.' કે પછી 'નર્સ થઈને આવું વર્તન કરે છે.' જેવાં મહેણાં સાંભળવા પડે છે.
આપણા સમાજમાં પણ છોકરીઓને બચપણથી ના ન પાડવાની ટેવ પાડવામાં આવે છે જેથી તેઓ વયસ્ક થયા પછી પણ આ આદતમાંથી છૂટી શકતી નથી અને જીવનભર બીજાનો બોજો વેંઢારતી રહે છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. નવા જમાનાની સ્ત્રીઓએ પોતાની જાત માટે સમય ફાળવતા શીખવું પડશે. તેમણે પોતાને પ્રશ્ન કરવો પડશે કે તે પોતે શું ઈચ્છે છે? સ્વ વિશે જાણ્યા પછી નિર્ણય કરવાનું સરળ બનશે. અંગ્રેજીમાં એક ઉક્તિ છે ‘‘It is too bad to be too good'' અર્થાત વધારે પડતા સારા થવું પણ બહુ ખરાબ બાબત છે. હકીકતમાં હંમેશા 'સારા' કહેવડાવવાનો મોહ તમને બરબાદ કરી શકે છે. તેથી જો સીધી રીતે ના ન પાડી શકો તો 'હું તમને પછી જવાબ આપીશ.' તાત્કાલિક જવાબ ન આપીને પછી ઉત્તર વાળવાનું ટાળો. જે કામ કરવામાં તમને આનંદ આવે તે કામ જ કરો. પોતાની જાતને 'બિચ્ચારી' સમજવાનું બંધ કરી દો અને દરેક ભૂલ માટે તમે જ જવાબદાર છો એવું માની લેવાની ભૂલ ન કરો. તેવી જ રીતે જો તમે હમેશાં બધાને મદદ કરી હોય તો જરૂર પડયે મદદ માંગતા શરમાઓ નહીં. આવા વખતે જ તમને સમજાશે કે કોણ તમને કામ આવે છે અને કોણ તમારો ગેરલાભ લે છે. ઘરકામમાં પણ પતિ અને બાળકોની મદદ લો. દરેક કામ પોતાના શિરે રાખીને તમે જવાબદારીના બોજા હેઠળ દબાઈ જશો. અંતે એક વાત હંમેશા ધ્યાન રાખો. બીજાનું કામ કરતાં પહેલાં એ જોઈ લો કે તમે જેને મદદ કરી રહ્યાં છો તેને ખરેખર મદદની જરૂર છે કે પછી તે તમારી ભલમનસાઈનો ગેરલાભ લઈ રહ્યું છે. ક્યાંક એવું તો નથી ને કે તે પોતાનું કામ બીજાઓ પાસેથી કરાવવામાં પોતાની શાન સમજે છે.