Get The App

નોરતાંમાં જાણો : કથા દશભુજાળા મા દુર્ગાના અવતરણની

Updated: Sep 26th, 2022

GS TEAM


Google News
Google News
નોરતાંમાં જાણો : કથા દશભુજાળા મા દુર્ગાના અવતરણની 1 - image


આપણા પૌરાણિક ગ્રંથોમાં આપણા દેવી-દેવતાઓની કથાઓ બખૂબી વર્ણવવામાં આવી છે. અને હમણાં નવરાત્રિ આવી રહી છે ત્યારે આપણે મા દુર્ગાના અવતરણ વિશે જાણીએ.મા દુર્ગાના અવતરણ વિશે વાત  શરૂ કરવાથી પહેલા એ જાણવું આવશ્યક છે કે  ભગવાન રામના રાવણ પરના વિજય અને  મા દુર્ગાના રાક્ષસ મહિષાસુર પરના વિજયને પગલે દશેરા, એટલે કે વિજયા દશમી ઉજવવામાં આવે છે.

આપણા ગ્રંથોમાં જણાવ્યા મુજબ મહિષાસુર રાક્ષસે લાંબા વર્ષો સુધી તપ કરીને દેવાધિદેવ મહાદેવની કૃપા મેળવી.મહિષાસુરની ભક્તિથી પ્રસન્ન થઇને શિવજીએ તેને વરદાન આપ્યું કે તને કોઇ પુરુષ નહીં હણી શકે. તારો વધ માત્ર એક નારીના હાથે થશે. મહિષાસુર આ વરદાનથી ફૂલ્યો નહોતો સમાયો. તેણે માની લીધું કે  કોઇ સ્ત્રી ક્યારેય તેના ઉપર વિજય નહીં મેળવી શકે. આમ પોતાના મદમાં મસ્ત બનેલા મહિષાસુરે સમગ્ર બ્રહ્માંડ પર કેર વર્તાવવો શરૂ કરી દીધો. તેણે ચારેકોર કત્લેઆમ આદરી.આટલું ઓછું હોય તેમ તેણે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા દેવતાઓના નિવાસો પર હુમલાઓ કરીને સ્વર્ગ પર પણ કબજો જમાવી લીધો.

મહિષાસુર સામે હારી ગયેલા દેવતાઓએ બ્રહ્માનું શરણું લીધું.ે બ્રહ્મા તેમને શિવ અને વિષ્ણુ  પાસે લઇ ગયાં. હવે મહિષાસુરનો વધ કરવાનો એકમાત્ર ઉપાય હતો  પ્રચંડ શક્તિના અવતાર સમી સ્ત્રીનું અવતરણે. તેના સિવાય મહિષાસુરને કોઇ વશમાં કરી શકે તેમ નહોતું.છેવટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાંથી શુધ્ધ ઊર્જા એક જ બિન્દુ પર એકઠી કરવામાં આવી અને તેને દશભુજાળા મા દુર્ગાનું સ્વરૂપ આપવામાં આવ્યું.ત્યાર પછી બધા દેવોએ મા દુર્ગાને મહિષાસુર સામે બાથ ભીડવા પોતાના આયુધો અને અન્ય પાવન વસ્તુઓ આપી.

જ્યારે મા દુર્ગાએ મહિષાસુરના સૈન્યને ધૂળ ચાટતો કરી દીધો ત્યારે આ રાક્ષસને સમજાયું કે હવે તે સ્વર્ગમાં પણ પહેલા જેવો સલામત નથી. કોઇપણ રાક્ષસ તેમની સામે લડીને જીતી ન શક્યો ત્યારે મહિષાસુરે  વિકરાળ ભેંસન ો અવતાર ધારણ કર્યો અને મા દુર્ગાના સૈનિકો પર સપાટો બોલાવ્યો. તેણે પોતાની ચાબુક જેવી પૂંછડી મા દુર્ગાના સૈનિકો પર વીંઝીને અનેકને મોતને ઘાટ ઉતારી દીધાં.પરંતુ મા દુર્ગાના સિંહે તેના ઉપર તરાપ મારી અને તેને યુધ્ધમાં વ્યસ્ત રાખ્યો. દરમિયાન મા દુર્ગાએ ભેંસના અવતારમાં રહેલા મહિષાસુરના ગળે ગાળિયો નાખી દીધો. 

જોકે મહિષાસુર એમ ગાંજ્યો જાય એવો નહોતો. તેણે તત્કાળ સિંહનું સ્વરૂપ ધારણ કરી લીધું. અને જ્યારે દુર્ગા માતાએ તેના સિંહ સ્વરૂપનું માથું વાઢ્યું ત્યારે તેણે છટકી જઇને મનુષ્ય અવતાર ધારણ કરી લીધો.હવે મા દુર્ગાએ તેના ઉપર બાણોનો વરસાદ વરસાવ્યો.પરંતુ મહિષાસુર વધુ એક વખત છટકી ગયો અને તેણે મહાકાય હાથીનો અવતાર ધારણ કરીને મા દ ુર્ગાના સિંહ પર દંતશૂળ વડે હુમલો કર્યો. પણ મા દુર્ગાએ મહાકાય હાથીની સૂંઢ ટુકડાઓમાં વાઢી નાખી.આમ છતાં અહીં મા દુર્ગા અને મહિષાસુરના યુધ્ધનો અંત ન આવ્યો. મહિષાસુરે વધુ એક વખત મહાકાય હાથીમાંથી રાક્ષસી ભેંસનું રૂપ ધારણ કર્યું  અને ટેકરીઓમાં ંસંતાઇ ગયો. અહીંથી તેણે પોતાના વિશાળ શિંગડાઓ વડે મા દુર્ગા પર પત્થરોના ઘા કરવા માંડયા. છેવટે મા દુર્ગાએ તેમને કુબેરે આપેલું અમૃત પીધું અને પૂરી શક્તિથી મહિષાસુર પર તરાપ મારીને તેને જમીન પર પટકી દીધો. હવે મા દુર્ગાનો ડાબો પગ મહિષાસુરની છાતી પર હતો. તેમણે તેનું  માથું ઝાલીને તેના ઉપર પોતાના અણિયાળા ત્રિશુળથી વાર કર્યાં. ત્રિશુળ વડે વિંધવા સાથે તેમણે પોતાના દશમાંથી એક હાથમાં ચળકતી તલવાર લઇને તેનું માથું વાઢી નાખ્યું.આ રીતે મહિષાસુરનો વધ થતાં  તેના અદૃશ્ય સૈનિકો  ભયના માર્યાં નાસી ગયાં અને બ્રહ્માંડને મહિષાસુરના કેરમાંથી મુક્તિ મળી.

- વૈશાલી ઠક્કર

Tags :