Get The App

ઝટપટ શ્રૃંગાર કરવાની સરળ-સોંઘી રીત જાણી લો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
ઝટપટ શ્રૃંગાર કરવાની સરળ-સોંઘી રીત જાણી લો 1 - image

આજની તેજ ગતિથી ભાગતી જીવન શૈલીને પગલે નખરાળી નારીઓને પણ વારંવાર બ્યુટી પાર્લરમાં જવા ઝાઝો સમય નથી મળતો. આમ છતાં કઈ માનુની એવી હશે જેને સરસ રીતે તૈયાર થવું ન ગમે? જો તમારી પાસે પણ શણગાર સજવા ઝાઝો વખત ન હોય તો કેટલીક મેકઅપ ટ્રીક્સ અપનાવીને તમે ગણતરીના સમયમાં અને ઓછા ખર્ચે શ્રૃંગાર કરીને ઓફિસ, પાર્ટી કે અન્ય કોઈ પ્રસંગમાં પહોંચી જઈ શકો છો. સૌંદર્ય નિષ્ણાતો આવી સ્માર્ટ ટ્રિક્સ-ટિપ્સ આપતાં કહે છે..,

પરફેક્ટ બ્લસ અને આઇશેડો માટે લિપસ્ટિકનો ઉપયોગ

પીચ, પિંક કે ન્યુડ બ્રાઉન જેવા કોઈપણ હળવા શેડની તમારી પસંદગી મુજબની ક્રીમ અથવા મેટ લિપસ્ટિકને આંગળીના ટેરવા પર લો. હવે તે હળવા હાથે ગાલના હાડકાં પર લગાવીને ફેલાવો. આ જ શેડને પાંપણ પર પણ એટલા જ હળવા હાથે લગાવીને સ્મજ કરો. આ મેકઅપ તમને મોનોક્રોમેટિક લુક આપશે. આવો શણગાર બિલકુલ નેચરલ લાગે છે.

મેકઅપને લાંબા કલાક જાળવી રાખો

મેકઅપ કરવાથી પહેલા, ખાસ કરીને ફાઉન્ડેશન લગાવવાથી પહેલા ચહેરા પર બે-ત્રણ મિનિટ બરફ ઘસો. ત્યાર પછી ફાઉન્ડેશન અને કંસીલર લગાવો. હવે તેના પર બ્યૂટી બ્લેન્ડર કે પફ વડે હળવા હાથે ટ્રાન્સલૂસેંટ પાવડર થપથપાવો. ખાસ કરીને ચહેરાના તૈલીય ભાગમાં. છેલ્લે તમારા આખા ચહેરા પર એક સારી ગુણવત્તા ધરાવતું સેટિંગ સ્પ્રે લગાવો.

હોઠને આપો ફુલર અને ડિફાઈંડ લુક

તમે જે રંગની લિપસ્ટિક લગાવવાના હો એવા જ શેડની અથવા ન્યુડ લિપલાઈનર વડે તમારા અધરના કિનારાઓથી સહેજ બહારની બાજુ લાઈન બનાવો. હવે આ આઉટલાઈનના અંદરના હિસ્સામાં લિપસ્ટિક લગાવી લો. છેલ્લે હોઠની વચ્ચેના ભાગને સહેજ હાઈલાઈટર પણ લગાવી શકાય. આ રીતે તમારા હોઠ ભરાવદાર લાગવાથી ધ્યાનાકર્ષક બની રહેશે.

તૂટી ગયેલા પ્રોડક્ટનો સ્માર્ટ ઉપયોગ

જો તમારી પસંદગીની લિપસ્ટિક, બ્લશ કે આઇશેડો તૂટી ગયા હોય તો તે ફેંકવાની ભૂલ ન કરો. તમારા કોઈપણ ઉત્પાદનનો તૂટેલો ટુકડો પાછો કન્ટેનરમાં નાખીને તેના ઉપર સહેજ રબિંગ આલ્કોહોલ છાંટો. તે સુકાઈ જશે એટલે તમારું પ્રોડક્ટ ફરી નવા જેવું થઈ જશે.

- વૈશાલી ઠક્કર