પાર્ટીમાં કે લગ્ન પ્રસંગે જતી વખતે ખૂબસુરત દેખાવા માનુનીઓ સરસ મઝાના મેકઅપ કરે તે તદ્દન સ્વાભાવિક વાત છે. અને જ્યારે તેમની સુંદરતાની પ્રશંસા થાય ત્યારે તેઓ ફુલી ન સમાય. પરંતુ ઘરે પહોંચ્યા પછી ઝટપટ પથારીભેગા થવાની લહાયમાં ચહેરા પરથી મેકઅપને સરખી રીતે દૂર ન કરે તો આ જ શણાર તેની ત્વચાની દાટ વાળી દે.
હા, સૌંદર્ય પ્રસાધનો તમને ખૂબસુરતી બક્ષે છે એ વાત જેટલી સાચી છે એટલું જ સાચું એ પણ છે કે રાત્રે સુતી વખતે મેક-અપ સારી રીતે દૂર કરવામાં ન આવે તો ત્વચા પર તેની આડઅસર થાય છે. તે ત્વચાને મોટા પ્રમાણમાં હાનિ પહોંચાડી શકે છે. સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે તમે ગમે તેટલા થાકી ગયા હો તોય ચહેરા પરથી મેકઅપ સરખી રીતે ભૂંસીને જ સુવા જાઓ. અને જો ચોક્કસ પધ્ધતિથી મેકઅપ કાઢવામાં આવે તો તે સરળતાથી દૂર કરી શકાય છે. મેકઅપ દૂર શી રીતે કરવો તેની માહિતી આપતાં તેઓ કહે છે...,
* ચહેરાની ક્લીન્ઝર વડે સાફ કરો.
* આલ્કોહોલ વિનાનું ક્લિન્ઝર ઉપયોગમાં લો.
* આઈ મેકઅપ કાઢતી વખતે હળવા હાથે રૂનું પુમડું ઘસો. જોરથી ઘસવાથી આંખોની નાજુક ત્વચાને હાનિ પહોંચે છે.
* મેકઅપ દૂર કરતી વખતે ચહેરા તેમ જ આંખો માટે જુદું જુદું રૂનું પુમડું ઉપયોગમાં લો. જેથી આઈલાઈનરનો કાળો રંગ ચહેરા પર ન ફેલાય.
* ક્લીન્ઝર વડે ચહેરા પરથી મેકઅપ કાઢી નાખ્યા બાદ સોપ ફ્રી ફેસવોશથી ચહેરો સાફ કરો.
* ચહેરો ધોવા ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ ન કરવો.
* ચહેરો ધોઈ લીધા પછી મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવો.
* આંખોની આસપાસ વિટામીન 'ઈ' યુક્ત ક્રીમ લગાવો.
મેકઅપની આડઅસરથી ત્વચાને બચાવવા ઉપરાંત ચામડીને સ્વસ્થ અને તરોતાજા રાખવા માટેના ઉપાયો ચીંધાતા સૌંદર્ય નિષ્ણાતો કહે છે કે,
* ચહેરા પર કાચા બટેટાના પતાંકા મૂકો. તે પ્રાકૃત્તિક બ્લીચની ગરજ સારે છે. તેનાથી ત્વચા સાફ થાય છે અને ચહેરા પર તાજગી વરતાય છે.
* ચહેરાની ત્વચા જેટલી જ માવજત પગની એડીને પણ આપો. જેથી ફાટેલી એડીની સમસ્યાથી મુક્ત રહી શકાય. આને માટે એડી પર પાકું કેળું છુંદીને લગાવો. આ પ્રયોગ એડીની ત્વચાને સુંવાળી રાખે છે. જો પહેલેથી જ એડીની ત્વચા ફાટી ગઈ હોય તોય ધીમે ત્વચા સુંવાળી બને છે.
* એક કપ કોપરેલ તેલમાં એક ટીસ્પૂન ચંદનનું તેલ ભેળવીને એક બોટલમાં ભરી રાખો. સ્નાન કર્યા પછી નિયમિત રીતે આ તેલથી માલીશ કરવાથી ત્વચા કસાય છે અને ચામડી પર કરચલી પડવાની પ્રક્રિયા ધીમી પડે છે.
* શક્યત: રોજેરોજ મેકઅપ કરવાનું ટાળો. માત્ર પ્રસંગોપાત મેકઅપ કરવાથી તમારું સૌંદર્ય ઉડીને આંખો વળગશે. અને સૌંદર્ય પ્રસાધનોમાં રહેલા હાનિકારક તત્ત્વોથી ત્વચાને બચાવી શકાશે.


