- મેકઅપના થપેડાને બદલે કુદરતી સૌંદર્ય નિખારવાનો આગ્રહ
લગ્નની મોસમ શરૂ થતાં જ ઝવેરી બજાર અને કાપડ બજાર ગ્રાહકોથી ઊભરાવા લાગે છે. ઘરેણાં સોના, હીરા, મોતીના હોય કે પછી આધુનિક ફંકી જ્વેલરી હોય, આજની નવવધૂઓ ક્યાંય કચાશ નથી છોડતી. વસ્ત્રોની પસંદગીમાં પણ પરંપરાને વળગી રહીને ડિઝાઈનર સાડી, ડિઝાઈનર ચણિયા -ચોળી અને ઈન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન પૂરબહારમાં ખીલ્યાં છે. પરંતુ આ સિવાય સૌથી વધુ મહત્ત્વ મેક-અપને મળી રહ્યું છે. વસ્ત્રાભૂષણો ગમે તેટલા સુંદર હોય, પણ ચહેરા પર ઢંગ-ધડા વગરનો મેક-અપ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો સાબિત થાય છે.
અલબત્ત નવવધૂ શણગારમાં મોખરાનું સ્થાન ધરાવતો મેક-અપનો ટ્રેન્ડ નવો નથી, પણ મેક-અપની રીત અને તેના વિશેના વિચારોમાં મોટું અંતર જોવા મળે છે. જેમ કે અગાઉ નવવધૂના ચહેરા પર એટલોે ઘેરો મેકઅપ કરવામાં આવતો કે પરણવા બેસનારી કન્યા નવવધૂ ઓછી અને સ્ટેજ આર્ટિસ્ટ વધારે લાગે. પણ હવે આધુનિક મેકઅપમાંમ યુવતીના કુદરતી સૌંદર્યની દાટ વાળવાને બદલે તેનો નિખારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
બ્રાઈડલ મેકઅપ નિષ્ણાત નિશા દેસાઈ કહે છે કે આપણે ત્યાં લગ્ન પ્રસંગ દરમિયાન મહેંદી, સંગીત સંધ્યા, લગ્નવિધિ અને રિસેપ્શન જેવા વિવિધ કાર્યક્રમો હોય છે. દરેક પ્રસંગને અનુરૂપ મેકઅપ અને વસ્ત્ર પરિધાન તેમ જ જ્વેલરીની પસંદગી પહેરનારની આંતરસૂઝ છતી કરે છે. પરંતુ ફેશનની પરંપરા સતત બદલાતી હોવાથી બ્યુટીશિયનની સલાહ ફાયદાકારક સાબિત થાય છે. લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પાર્ટી કે ફંક્શન હોય, એક વાત ખાસ યાદ રાખવી રહી. દિવસના સમયમાં મેટ મેક-અપ અને સાંજ અથવા રાતના ફંક્શન માટે ગ્લોેઝી મેકઅપ કરવો જોઈએ.
મેટ મેકઅપ માટે સૌથી પહેલા ચહેરાને ગ્લોઝ પાઉડરથી પોલીશ કરી લો. ત્યાર બાદ નિગ્રોથી જરૂરિયાત મુજબ નોઝ કટીંગ, જો લાઈન કટીંગ અને ડબલ ચીન કટીંગ આપો. આમ કરીને નાક, જડબાં કે પછી દાઢીમાં રહેલી ક્ષતિને છુપાવી શકાય છે. નિગ્રોથી કટીંગ આપ્યા પછી સ્કીન ટોેન પ્રમાણે નેક લાઈન સુધી બેઝ એપ્લાય કરો. ત્યારબાદ ભીના સ્પંજથી બેઝને ફેલાવી દો. છેવટે પફ વડે ટ્રાન્સપરન પાઉડર એપ્લાય કરો. ચહેરાનો બેઝ મેક-અપ થઈ ગયા પછી આંખોનો મેકઅપ કરો. આંખો પર ટ્રાન્સપરન્ટ લિપસ્ટીકનો અથવા વેક્સનો બેઝ લગાવો અને પછી હાઈ લાઈટ કરો. ત્યાર બાદ ડ્રેસના રંગ મુજબ અથવા ગોલ્ડન રંગનો આઈશેડો એપ્લોય કરો. ત્યાર પછી કોન્ટુરિંગ આપો. આટલું કર્યા પછી અપર લાઈનર અને ઈનર લાઈનર લગાવ્યા બાદ મસ્કરા લગાવો. છેવટે ગોેલ્ડન હાઈલાઈટર વડે આઈબોલને હાઈલાઈટ કરો. આંખો પછી હોઠના મેકઅપનો વારો આવે છે. સામાન્ય રીતે કોેઈપણ યુવતીના બંને હોેઠ એકસરખા હોતા નથી. જો ઉપરનો હોઠ જાડો હોય તો નીચેના હોઠની લીપ લાઈન થોડી વધારે નીચેથી આપીને બંને હોઠ એકસરખા લાગે એવું કરો. તે પ્રમાણે જ નીચેનોે હોઠ જાડો હોય તો ઉપરના હોઠની લીપ લાઈન વધારે ઉપરથી આપો. લિપસ્ટીકનો રંગ ડ્રેસના રંગ મુજબ નક્કી કરો. લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ન્યુડ લિપસ્ટિક એટલે કે નેચરલ કલરની લિપસ્ટિક ઈન છે. લિપસ્ટિક લગાવ્યા પછી હલકું બ્લશ ઓન આપો.
સાંજના ફંક્શન માટે ગ્લોઝી મેકઅપ કરવા સૌથી પહેલા વૉટર સ્પ્રે વડે ફ્રેશ વૉશ કરો. પછી મલમલના કપડાથી ડેપ કરો. ત્યારબાદ મેટ મેકઅપની જેમ જ નિગ્રો વડે કટીંગ આપ્યા પછી સ્કીન ટોન મુજબ બેઝ એપ્લાય કરો. ત્યારબાદ થોડો મેટ પાઉડર ડેપ કરીને પછી ગ્લોઝ પાઉડરથી ફેસ પોલીશ કરો. ગ્લોઝી મેકઅપ માટે આઈ મેકઅપ શાઈની અને ગ્લોઝી આવશે. વસ્ત્રોના રંગો મુજબ બેથી ત્રણ રંગનો આઈ-મેકઅપ કરી શકાય. આ ઉપરાંત સાંજના ફંક્શનમાં આર્ટિફિશિયલ આઈ-લેશીસ પણ લગાવી શકાય.
ભારતીય લગ્નોમાં વિવિધ ફંક્શન મુજબ મેકઅપ કરવાનો તેમ જ વસ્ત્રાભૂષણ પહેરવાનો મોકો મળે છે. મહેંદી રસમ એવો પ્રસંગ છે જેમાં પરિવારજનો અને નજીકના સંબંધીઓ ઉપરાંત મિત્ર વર્તુળ જ હાજર હોય છે. આવી પરિસ્થિતિમાં બધા મહેમાનો કન્યાને નજીકથી નિહાળી શકે છે. જો મહેંદી ફંક્શન દિવસ દરમિયાન હોય તો મેટ મેકઅપ અને સાંજે હોય તો ગ્લોઝી મેક-અપ કરવો. હેર સ્ટાઈલ એવી કરવી કે ચહેરા પર વાળની લટો સરી ન આવે. આમાં લોબન વીથ ફંકી લુક, ફ્રેન્ચ બન વીથ ફંકી લૂક અથવા સાઈડ પાર્ટીંગ આપીને વેસ્ટર્ન લૂક આપી શકાય. મહેંદી રસમ વખતે વસ્ત્ર પરિધાનમાં ચણિયાચોળી બેસ્ટ ચોઈસ છે. ડ્રેસના રંગને મળતી આવતી જ્વેલરીથી વસ્ત્રોની શોભામાં નિખાર આવે છે.
તેવી જ રીતે સંગીત સંધ્યામાં પણ મર્યાદિત મહેમાનો હોય છે અને સંગીત સાથે નાચગાનનો કાર્યક્રમ પણ હોવાથી વાળ ચહેરા પર ન આવે એવી હેરસ્ટાઈલ જરૂરી બની જાય છે. પરંતુ આ ફંક્શનમાં વાળ બાંધવાનો નહીં પણ ખુલ્લા રાખવાનો ટ્રેન્ડ છે. માત્ર આગળના વાળને ઉપર તરફ એવી રીતે લઈ લેવા જોઈએ જેથી કપાળ પર વાળ સરી ન આવે. જો આ કાર્યક્રમમાં ગરબા કે દાંડિયા રાસનું આયોજન પણ હોય તો આર્ટિફિશિયલ અથવા તાજા ફૂલોનો ચોટલો પણ ગુંથી શકાય.
લગ્નની વિધિ દરમિયાન ઘરચોળું અને પાનેતર પહેરવાની પરંપરા સાથે આધુનિક યુવતીઓ પણ બાંધછોડ નથી કરતી. ફરક માત્ર એટલો છે કે સાડી ડ્રેપીંગની નવી નવી પધ્ધતિઓ અજમાવવામાં આવે છે. નવવધૂને માથે ઓઢવાનું હોવાથી હાઈ બુફેન વિથ લો બન અથવા થોડો ઊંચોે અંબોડો વાળવાની હેરસ્ટાઈલ યોેગ્ય રહે છે. આનાથી નવવધૂને હાઇટ પણ મળે છે. ઘરચોળા પાનેતર સાથે પરંપરાગત ઘરેણાં વધુ શોભે છે. પરંતુ હવે માત્ર સોનાના ઘરેણાં આઉટ ડેટેડ છે. આજની તારીખમાં કુંદન, રિયલ જડતર, મીનાકારી અને મેચીંગ જ્વેલરી ઈન છે. લગ્ન વિધિ દિવસ દરમ્યાન હોવાથી મેટ મેકઅપ યોગ્ય પસંદગી છે.
જ્યારે રિસેપ્શનમાં સૌથી વધુ મહેમાનો આવે છે. વર-વધૂને સ્ટેજ પર ઊભા રહેવાનું હોય છે અને મહેમાનો તેમને નજીક તેમ જ દૂરથી પણ જોવાના હોય છે. વળી સમય પણ સાંજનો હોવાથી ગ્લોેઝી લુક જરૂરી બની જાય છે. ભારતીય પરંપરામાં વર-વધૂનો વડિલોને પગે લાગવાનો રિવાજ કાયમ છે. આવામાં જો વાળ છૂટ્ટા રાખવામાં આવે તો વાળ વારંવાર ચહેરા પર ધસી આવે અને ટાઈટ બાંધેલા વાળ પ્રસંગને અનુરૂપ ન ગણાય. આ બંને સમસ્યાઓના સમાધાનરૂપે વાળને આગળથી ઉપર તરફ લઈને સાઈડ પરથી લુઝ કર્લ્સ રાખી શકાય. રિસેપ્શન માટે ફિરોઝી, ઓરેન્જ, મહેંદી ગ્રીન અને પીંક રંગના ચણિયાચોળી લેટેસ્ટ ટ્રેન્ડ છે.
જે લોકોને વધારે ખર્ચ કરવાનું પોસાય તેમને માટે તદ્ન આછા મેકઅપથી ચલાવી શકાય તેવી સ્ક્રીન ટ્રીટમેન્ટ પણ મોજૂદ છે. આ સારવારથી ત્વચા પર જે ચમક અને નિખાર આવે છે તે એકદમ કુદરતી હોય છે. મહાનગરોમાં શ્રેણીબધ્ધ ક્લિનિકો ધરાવતી એક સ્કીન ક્લિનિકમાં એવી સારવાર આપવામાં આવે છે. જ્યાં 'બ્રાઈડલ પેકેજ'ની ટ્રીટમેન્ટ લીધા પછી નામ પુરતાં મેકઅપની આવશ્યક્તા રહે છે. તાજેતરમાં 'નચબલિયે'માં ચમકેલા ટીવી કલાકાર ગુરુદીપ કોહલી અને અર્જુન પૂંજે આવી જ સારવાર લઇને પોતાની ત્વચાને કુદરતી નિખાર આપ્યો હતો. ગુરદીપે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ત્રણ સેશન ટ્રીટમેન્ટ લીધા પછી તેની 'મૂળ ત્વચા' પાછી ફરી છે અને મેકઅપની ઝાઝી જરૂર નથી રહી. જ્યારે અર્જુને કહ્યું હતું કે માત્ર એક જ સેશનમાં જાણે કે તેના ચહેરાનો ભાર હળવો થઈ ગયો છે.
આ ક્લિનિકના ડૉ.પ્રીતી સર્વાર્ડેકર કહે છે કે અમારા બ્રાઈડલ પેકમાં અમે બે સ્કીન ગ્લો એક એડવાન્સ ફેશ્યલ અને બે બેક શાઈન સેશન આપીએ છીએ. આનાથી ત્વચાની કુદરતી ચમક પાછી ફરે છે જે લાંબા સમય સુધી ટકી રહે છે. સ્કીન ગ્લો ટ્રીટમેન્ટમાં ચહેરા પરના બધા ડાઘ દૂર થઈ જઈ ત્વચા ચમકી ઊઠે છે. અલબત્ત આને માટે તમારે હજારો રૂપિયા ખર્ચ કરવાની તૈયારી રાખવી પડે છે.
- અમલા


