- દેશભરમાં દશેરાની ઉજવણી પતી ગયા પછી અહીં સાત દિવસ સુધી આ પર્વ ઉજવવામાં આવે છે
અનિષ્ટ પર ઈષ્ટના વિજયના પ્રતિક તરીકે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પ્રત્યેક ભાગમાં ધામધૂમથી દશેરાની ઉજવણી કરવામાં આવે છે. પણ હિમાચલ પ્રદેશમાં આ તહેવાર અલગ રીતે ઉજવવામાં આવે છે. દેશના અન્ય વિસ્તારોમાં વસતાં લોકોે દશેરાનો તહેવાર ઉજવી ચૂક્યા હોય છે ત્યારે કુલુમાં દશેરાની શરૂઆત થાય છે.
હિમાલયના ખોળે વસેલું કુલુ પ્રાકૃતિક સૌંદર્ય માટે તો દેશ અને દુનિયામાં જાણીતું છે. તે જ પ્રમાણે દશેરાના પર્વની પણ કુલુ ખીણમાં અનોખી રોનક જોવા મળે છે. કુલુમાં આ તહેવારને 'દશમી' કહેવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે આસો મહિનાના શુકલ પક્ષની દસમી તિથિથી તેની શરૂઆત થાય છે.
આપણે ત્યાં દશેરાના દિવસે દુષ્ટ તત્વો પર મેળવેલા વિજયના પ્રતિકરૂપે રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં બાળવામાં આવે છે. પરંતુ કુલુમાં કામ, ક્રોધ, મોહ, લોભ અને અહંકારના નાશના પ્રતિકરૂપે પાંચ જાનવરોની બલિ ચઢાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો, કુલુના દશેરાનો સીધો સંબંધ રામાયણ સાથે નથી. પણ તેની કથા રાજા સાથે જોડાયેલી છે. લોકવાયકા પ્રમાણે આ કથાની શરૂઆત ઈ.સ.૧૬૩૬માં થઈ હતી. તે સમયે રાજા જગતસિંહ કુુલુનાં શાસક હતા. એકવખત જગતસિંહ મણિકર્ણની યાત્રાએ જતા હતા ત્યારે તેમને કોઈએ કહ્યું કે બાજુના ગામમાં રહેતાં એક બ્રાહ્મણ પાસે કિંમતી રત્ન છે. રાજાએ આ રત્ન મેળવવા સૈનિકોને બ્રાહ્મણ પાસે મોકલ્યા હતા. પરંતુ બ્રાહ્મણે પોતાની પાસે કોઈ રત્ન ન હોવાનું જણાવ્યું હતું. બ્રાહ્મણની વાતને જુઠ્ઠી ગણીને સૈનિકોએ તેને ખૂબ યાતના આપી હતી અને પરત ફર્યા હતા. પરંતુ રાજા જગતસિંહને બ્રાહ્મણની વાત પર વિશ્વાસ નહોતો એટલે તેણે બીજી વખત સૈનિકોને બ્રાહ્મણના ઘરે મોકલ્યા હતા. સૈનિકોની સતામણીથી ડરીને તે બ્રાહ્મણે પોતાના પરિવાર સહિત ઘરમાં આગ લગાડી અને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ તે સાથે જ તેણે રાજાને શાપ આપ્યો હતો.
આ ઘટનાના થોડા દિવસ બાદ રાજાની તબિયત બગડવા લાગી હતી. ઘણી દવા કરાવી પણ રાજાને સારું થતું નહોતું. દરમિયાન નગરના એક સાધુ શ્રીકૃષ્ણ દાસજીએ રાજાને શાપમુક્ત થવા રઘુનાથજીની મૂર્તિની સ્થાપના કરવાની સલાહ આપી હતી. રાજાએ ખાસ અયોધ્યાથી રઘુનાથજીની મૂર્તિ મગાવી અને તેની ઉપાસના શરૂ કરી હતી. ધીમેધીમે રાજાની તબિયત સુધરવા લાગી હતી. ત્યાર પછી રાજાએ તેનું જીવન અને સંપૂર્ણ સામ્રાજ્ય ભગવાન રઘુનાથને સમર્પિત કરી દીધું હતુ.ં ત્યારથી દર વર્ષે કુલુમાં દશેરાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
કુલુમા 'દશમી'નો તહેવાર સાત દિવસો સુધી ઉજવવામાં આવે છે. પર્વનો આરંભ રઘુનાથજીની ભવ્ય રથયાત્રાથી થાય છે. સંપૂર્ણ કુલુ વિસ્તારમાં આવેલા પ્રત્યેક ગામના લોકો રંગબેરંગી પાલખીઓમાં પોતાના આરાધ્ય દેવી-દેવતાઓની મૂર્તિ લઈને કુલુ પહોંચે છે. આ યાત્રા ત્રણ-ચાર દિવસ પહેલાં શરૂ થાય છે. જેથી સહુ સમયસર કુલુ પહોેંચી શકે. અહીં એવી માન્યતા છે કે પાલખી ઉપાડવાથી સ્વર્ગ પ્રાપ્ત થશે એટલે સ્થાનિકો ઉત્સાહપૂર્વક પાલખી ઉપાડે છે.
એક રંગબેરંગી છત્ર નીચે સતત છ દિવસસુધી રઘુનાથજીનો રથ તથા સેંકડો પાલખી ઢાલપુર મેદાનમાં ઊભી રાખવામાં આવે છે. દરરોજ રાત્રે અહીંના કલાકેન્દ્ર નામના ઓપન થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે. કલા તથા સંસ્કૃતિ પ્રેમીઓને આ છ દિવસમાં ઘણું નવું જોવા મળે છે. અહીંના મેળામાં સ્થાનિક કલાકૃતિની અનેક દુકાનો જોવા મળે છે. આ મેળામાં માત્ર કુલુના જ નહિ પણ હિમાચલપ્રદેશખમાં વસતાં તમામ કલાકારો તેમની કલાકૃતિ સાથે જોવા મળે છે.
'દશમી' ઉત્સવના સાતમા અને અંતિમ દિવસો દેવતા દરબાર ભરવામાં આવે છે. આ દરબારનું નેતૃત્વ રઘુનાથજી કરે છે. આ કાર્યક્રમની શરૂઆત બપોર બાદ થાય છે. આમાં સ્થાનિક ઢોલ, નગારા અને સુરાહીના તાલે પરંપરાગત નૃત્ય કરે છે. સાંજના રઘુનાથજીના રથને મોટા મોટા દોરડાં બાંધી ખેંચીને વ્યાસ નદીના કિનારે લાવવામાં આવે છે. અહીં સુધી ડાળખીઓ અને ઘાસની ગંજીમાં આગ લગાડવામાં આવે છે. તેને લંકાદહનનું પ્રતિક ગણવામાં આવે છે. થોડીવાર પછી પાંચ જાનવરોની બલિ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ રથ અને પાલખીઓને પાછી તેમની જગ્યાએ લઈ જવામાં આવે છે. બાદમાં ઢાલપુરનું મેદાન આગામી દશેરાની રાહમાં ધીમે ધીમે ખાલી થવા લાગે છે.
કુલુ સુધી જઈએ તો મનાલીની મુલાકાત લેવાનું ચૂકી ન જવાય. જો કે, અહીં તોે મનાલી સિવાય પણ અનેક જોવાલાયક સ્થળ આવ્યા છે. કુલુથી ૪૦ કિ.મી. દૂર મનાલી આવ્યું છે. આ વિશ્વપ્રસિધ્ધ પર્યટક સ્થળ દશેરાની દ્રષ્ટિએ પણ મહત્ત્વનું ગણાય છે. અહીં હિડિંબા દેવીનું મંદિર છે. હિડિંબા માતા કુલુના રાજપરિવારની આરાધ્ય દેવી છે. તે ઉપરાંત અહીં ઋષિ વશિષ્ઠનો આશ્રમ છે.
પેરાગ્લાઈડીંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સ માટે સાલંગ નાકા છે. બરફ અને ટ્રેકિંગની મજા રોહતાંગ પાસમાં આવે છે. નગર નામનું એક પ્રાચીન નગર પણ અહીં છે. શીખો અને હિંદુઓનું પવિત્ર ધાર્મિક સ્થળ મણિકર્ણ પણ અહીં નજીકમાં જ છે. પાર્વતી નદીની બાજુમાં આવેલી સાંકડી સડક દ્વારા કુલુથી મણિકર્ણ જવાની યાત્રા અત્યંત રોમાંચક છે. આ ગામની ખાસિયત એ છે કે તેમનું પોતાનું બંધારણ છે. ગ્રામવાસીઓ એમ માને છેકે લોકશાહી વ્યવસ્થાને દુનિયામાં પહેલી વખત આ ગામે અપનાવી હતી. આ ઉપરાંત અહીં આસપાસ નાની-મોટી ટેકરીઓ આવી છે અને માઉન્ટેન્યરીંગના શોખીનોનો શોખ અહીં પૂરો થાય છે.
કુલુની ખાસ વાત
* કુલુથી નજીકનું વિમાનીમથક ભુંતર છે જે કુલુ સાથે જોડાયેલું છે. દિલ્હીથી ૧૨.૧૪ કલાકમાં કુલુ પહોંચી જવાય છે. ચંદીગઢ નજીકનું રેલવે સ્ટેશન છે.
* કુલુની ટોપી અને શાલ વિશ્વમાં મશહુર છે.
* દશેરા દરમિયાન કુલુનું વાતાવરણ એકદમ આહ્લાદક હોય છે. મનાલી અને રોહતાંગ પાસ જવું હોય તોે ઊનના કપડા લઈ જવા.


