- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- કોઈપણ કલ્ચર, બ્યુટી, ફેશન, મ્યુઝીક કે ગમે તે હોય તેનું આકર્ષણ એક ટ્રેન્ડ પૂરતું કે ટાઈમ બિઈંગ હોવું જોઈએ. જો આવી બાબતોનું વળગણ જીવનનો ભાગ બનતું જાય તો તેમાં જોખમ સર્જાય છે. કોઈપણ બાબત હોય, જ્યારે જેમાં ઝનુન અને પોતાને બરબાદ કરવાની લાગણી ઘુસવા લાગે છે ત્યારે વ્યક્તિ પોતે બરબાદ થાય છે અને બીજાની જિંદગી પણ ખરાબ કરી નાખે છે.
અભિનેતા આર માધવન જ્યારે ગત વર્ષે તેની ફિલ્મ કેસરી-૨ના પ્રમોશનમાં વ્યસ્ત હતો ત્યારે એક પત્રકાર પરિષદમાં તેણે કે-કલ્ચરની વાત કરી હતી. તે સમયે મોટાભાગના લોકોનું ધ્યાન તેના તરફ ગયું નહોતું. તેણે કહ્યું હતું કે, કોરિયન કલ્ચર ભારતમાં ભયાનક સ્તરે વધી રહ્યું છે. ભારતીય ટીનએજર્સમાં કોરિયન ગેમ્સ, કોરિયન મ્યુઝિક, કોયિરન ફિલ્મો, કોરિયન કોસ્મેટિક્સ અને કોરિયન છોકરા તથા છોકરીઓનું ભયાનક સ્તરે વળગણ છે. તેઓ ભારતીયતા સાથે કનેક્ટ થવા માગતા નથી. તેઓ ભારતીય ફિલ્મો કે સિરીઝ જોવા માગતા નથી. ખબર નથી આ ઈન્ડસ્ટ્રીને કેવી રીતે આગળ વધારી શકાશે. અહીંયા સુધી તો લાગતું હતું કે, તે માત્ર બોલિવૂડની ચિંતા કરે છે, પોતાની ફિલ્મોની વાત કરે છે.
માધવને ત્યારબાદ બીજી એક વાત કરી જે સૌથી વધારે ચિંતા જન્માવે તેવી હતી. આ વાત તેણે એક અભિનેતા તરીકે નહીં પણ એક પિતા તરીકે અને ભારતીય સમાજમાં રહેતી એક વ્યક્તિ તરીકે કરી હતી. માધવે કહ્યું કે, આપણે ત્યાં કોરિયન ભાષા શીખવવાનું પ્રમાણ વધ્યું છે. એકંદરે જોઈએ તો વિદેશી ભાષા શીખવવી જોઈએ પણ ટીનએજર્સ અને યુવાનો દ્વારા કોરિયન ભાષા થકી એક સિક્રેટ નેટવર્ક વિકસાવાયું છે. તેઓ આ ભાષાનો ઉપયોગ કોડ લેન્ગવેજ તરીકે કરી રહ્યા છે. તેમના માતા-પિતા કે વડિલોને તેમની એક્ટિવિટી વિશે ખબર ન પડે કે સમજ ન પડે તે માટે કોરિયન ભાષામાં વાતો થઈ રહી છે અને માહિતીની આપ-લે થઈ રહી છે. સમાજ માટે આ બાબત સૌથી વધારે જોખમી છે. આ જોખમની અસર હાલમાં ગાઝિયાબાદ ખાતે જોવા મળી.
ગાઝિયાબાદ ખાતે ૧૨, ૧૪ અને ૧૬ વર્ષની ત્રણ બહેનોએ ૧૯મા માળેથી પડતુ મુકીને જીવન ટુંકાવી દીધું. તેમણે જે સ્યુસાઈડ નોટ લખી હતી તે હકિકતે પેન કે સ્યાહીથી નહીં પણ લોહીથી લથબથ લાલ અક્ષરે લખાઈ હોય તેવી હતી. આ લોહી સમાજ માટે લાલબત્તી સમાન છે. આ ત્રણેય બહેનોએ તેમના માતા-પિતા સામે બંડ પોકાર્યું હતું. તેઓ કોરિયન લવ ગેમના એડિક્શનમાં એવા સ્તરે હતા જાણે કે કોઈ મનોરોગી હોય. કોઈ સ્કીઝોફ્રેનિયાનો સિરીયસ દર્દી મરવા અને મારવા ઉપર ઉતરી આવ્યો હોય તે હદે આ લોકોને કોરિયન ગેમ્સનું વળગણ થઈ ગયેલું હતું. તેમણે લખ્યું હતું કે,
'શું અમે આ દુનિયામાં માત્ર તમારી મારપીટ સહન કરવા જન્મ્યા છીએ? ના. અમારા માટે મરી જવું વધારે સારું છે. લગ્નનું નામ સાંભળીને અમને ગભરામણ થતી હતી. અમને કોરિયન્સ ગમે છે અને અમે તેમને જ પ્રેમ કરીએ છીએ. અમને કોઈ ભારતીય છોકરા સાથે લગ્ન કરવામાં રસ નથી અને અમને તે સ્વીકાર્ય પણ નથી. કોરિયન્સ જ અમારી જિંદગી છે. તમે અમને અમારી જિંદગીથી દૂર કેવી રીતે લઈ જઈ શકો? તમને ખબર જ નથી કે અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. હવે તમને પુરાવા મળી ગયા હશે. હવે તમને વિશ્વાસ આવી ગયો હશે કે કોરિયન્સ અને કે-પોપ કલ્ચર જ અમારી જિંદગી હતી.'
આ સ્યુસાઈડ નોટ હતી પેલી ત્રણેય બહેનોની જેમણે કે-પોપના વળગણ અને અવિચારી આકર્ષણ પાછળ પોતાના જીવ ગુમાવી દીધા. લોકોમાં ચર્ચા છે કે, આ ત્રણેય બહેનોમાં કોરિયન ગેમ્સ, કોરિયન કલ્ચર અને કોરિયન છોકરીઓનું સખત આકર્ષણ હતું. આવું આકર્ષણ માત્ર આ ત્રણ જ બહેનો નહીં પણ ટીનએજમાં રહેલા લાખો ભારતીય બાળકોને છે. કોરિયાના કે-પોપ, કે-ડ્રામા, કે-ફિલ્મો, કે-બ્યુટી, કે કલ્ચરનું જબરદસ્ત વ્યસન થઈ રહ્યું છે. યુવાનો અને ટીનએજર્સ સતત તેમને ફોલો કરી રહ્યા છે. કે-કલ્ચર પ્રત્યેનું ટીનએજર્સનું આકર્ષણ હવે ઝનુન બનતું જાય છે.
મનોવિજ્ઞાાનમાં એક શબ્દ છે હેલ્યુશિનેશન. જેનો ઉપયોગ આપણે આભાષી દુનિયા માટે કરીએ છીએ. આવી જ સ્થિતિ કોરિયન કલ્ચરની થઈ છે. કે-કલ્ચરના વળગણ પાછળ ટીનએજર્સ એટલા પાગલ થઈ ગયા છે કે તેમના મગજમાં કોરિયાનું એક આખું જીવન તાદ્રશ થવા લાગ્યું છે. તેમાંથી તેઓ બહાર જ આવવા માગતા નથઈ. નવાઈની વાત એ છે કે, ટીનએજર્સમાં જે કે-કલ્ચરનું આકર્ષણ વધ્યું છે તેના માટે ચીની બોલીમાં એક શબ્દ છે. તેને હલ્લ્યૂ કહેવાય છે. આ શબ્દ ચીની શબ્દ હાનલિઉ ઉપરથી આવ્યો છે. તેનો અર્થ થાય છે કોરિયન પોપ કલ્ચરનું અવિચારી આકર્ષણ. હેલ્યુશિનેશન ગણો કે પછી હાનલિઉ ગણો, આ બધું જ આખરે તો અવિચારી ગાંડપણ તરફ જ દોરી જાય છે.
ભૂતકાળમાં નજર કરીએ તો ભારતમાં કે-કલ્ચરની પહેલી મોટી વેવ ૨૦૧૨માં આવી હતી. તે વખતે રેપર સાઈનું ગીત ગંગનમ સ્ટાઈલ ખૂબ જ જાણીતું થયું હતું. દુનિયાના તમામ ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થતો હતો. ભારતમાં તો સ્કુલો, કોલેજો, લગ્નો અને તહેવારો અને ઉજવણીઓમાં આ ગીતનો અને ડાન્સનો બેફામ ઉપયોગ થતો હતો. આજે પણ ઘણી જગ્યાએ હજી આ ગીત સાંભળવા મળે છે. કે-કલ્ચર તે સમયે શરૂ થયું હતું અને માત્ર મ્યુઝિક સેક્ટરમાં તેનો પગપેસારો થયો હતો તેવું કહી શકાય. ભારતમાં કે-કલ્ચરની ઘુસણખોરી ખરેખર તો કોરોનાકાળમાં થઈ હતી. લોકડાઉન દરમિયાન લોકોએ વિવિધ ઓટીટી પ્લેટફોર્મ અને ઈન્ટરનેટ માધ્યમોમાં કોરિયન ફિલ્મો, કોરિયન મ્યુઝિક જોવાનું અને ફોલો કરવાનું શરૂ કર્યું. તેના આધારે ધીમે ધીમે ટીનએજર્સ અને યુવાનો કે-કલ્ચર તરફ આકર્ષાયા, કદાચ એમ કહીએ કે તેની ઘેલછા જાગી તો પણ નવાઈ નહીં. તે સમયે જીૂેૈગ ય્ચસી, છનન ર્ક ેંજ છિી ઘીચગ, ણૈહય ારી ન્ચહગ, ભચિજર ન્ચહગૈહય ર્હ ર્રૃે, ઘીજબીહગચહાજ ર્ક ારી જીેહ, છનબરીસઅ ર્ક ર્જીેનજ જેવા ઘણા શો અને ફિલ્મોનું લોકોને વળગણ થઈ ગયું હતું.
ભારતમાં આજે પણ એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં કે-ડ્રામા, કે-પોપ અને કે-મ્યુઝિકનું મોટું બજાર થઈ ગયું છે. થોડા સમય પહેલાં જ આવેલા એક અહેવાલમાં જણાવાયું હતું કે, વિશ્વમાં હલ્લયુનું પ્રમાણ અતિશય વધ્યું છે. ગ્લોબલ હલ્લયુ સર્વેના આંકડા જણાવતા હતા કે, ભારતમાં કે-કલ્ચરનું આકર્ષણ ૮૫ ટકા જેટલું અધધ છે. ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયા ત્યારબાદ બીજા અને ત્રીજા ક્રમે આવે છે. ભારતમાં અંદાજે ૧૯ કરોડ લોકો રોજિંદા ધોરણે કે-કલ્ચરને ફોલો કરે છે.
ભારતમાં કોરિયન કલ્ચર એ હદે વધ્યું છે કે, ટીનએજર્સ અને યુવાનો કોરિયન ભાષા શીખવાને પ્રાધાન્ય આપવા લાગ્યા છે. દુનિયાભરમાં ટીનએજર્સમાં કોરિયન શીખનારો વર્ગ વધી રહ્યો છે. ૨૦૨૩માં જ એક અહેવાલ આવ્યો હતો કે, ડયુઓલિંગો ઉપર ભારતમાં બીજી ભાષાઓ શીખવામાં કોરિયન ચોથા ક્રમે રહી હતી. સીબીએસઈ દ્વારા ૨૦૨૦માં કોરિયન ભાષાને વિદેશી ભાષા સ્વરૂપે વૈકલ્પિક વિષય તરીકે સ્થાન આપ્યું હતું. ૨૦૨૪ સુધીમાં ૨૦૦૦થી વધારે સીબીએસઈ સ્કુલોમાં કોરિયન બીજી અથવા ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં આવતી હતી. આ ઉપરાંત યુનિવસટીઓમાં પણ ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે કોરિયન ભાષાના કાર્યક્રમોમાં અધધ ૨૮૦ ટકા ઉછાળો જોવા મળ્યો હતો. દેશના મેટ્રોસિટી અને અન્ય મોટા શહેરો તથા ટીયર-૨ શહેરોમાં કોરિયન ભાષા શીખવાનું પ્રમાણ ૨૦૨૫માં પણ મોટા પ્રમાણમાં વધ્યું છે.
માત્ર ભાષા કે ટીવી-શો અને એન્ટરટેઈમેન્ટની જ વાત નથી, હવે કોરિયન કલ્ચર ફેશન અને બ્યુટી બાબતે પણ દુનિયાભરના દેશોમાં ઘુસી ગયું છે. ભારતમાં તો તેમાં સખત વધારો થયો છે. ભારતમાં મોટા શહેરોમાં કે-બ્યુટી અને કે-ફેશનની ઘેલછામાં વ્યાપક ઉછાળો થયો છે. ગત વર્ષે આવેલા એક અહેવાલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ શરૂ થયો ત્યારથી ૨૦૨૩ સુધીમાં કોરિયન કલ્ચરની જે અસર ભારતીય માનસ ઉપર થઈ તેણે કે-બ્યુટી અને કે ફેશનના માર્કેટને બુસ્ટ આપી દીધું. તેના કારણે કોરિયન બ્યૂટી, ફેશન અને ફૂટ સેક્ટરમાં ૩૦૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે સમયે માર્કેટ ૪૨૦ મિલિયન ડોલરની આસપાસ વધી ગયું હતું. આજના સમયે ભારતના ૧૬૦થી વધારે મોટા મોલ્સ અને રિટેલ ચેઈનમાં કે-બ્યૂટી અને કે-ફેશનની બ્રાન્ડ્સના વિશાળ સ્ટોર અને સંસાધનો ઉપલબ્ધ છે.
બીજી તરફ કોરિયન ડ્રામા અને ખાસ કરીને લવસ્ટોરીઝમાં પ્રેમને ખૂબ જ આદર્શવાદી, કેરિંગ, બધું જતું કરનારા અને પોતાના પાત્રની લાગણીઓ અને માગણીઓને કોઈપણ ભોગે પૂરી કરનારી વાતો હોય છે. તેની અસર પણ ટીનએજર્સ અને વર્ચુઅલ વિશ્વમાં રચ્યા પચ્યા રહેતા ભારતીય યુવાનો ઉપર થઈ છે. તેઓ પણ પોતાના જીવનમાં આવા જ જીવનસાથીઓ અને પ્રેમીઓની શોધમાં નીકળી પડે છે. તેમની પોતાની રિલેશનશીપમાં આવી ડિમાન્ડ કરવા લાગે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, જાણકારોના મતે કે-કલ્ચરનું આંધળું અનુકરણ કરનારા લોકોમાં એકલતાનો ભાવ વધ્યો છે. તેઓ એકલતાની સમસ્યાથી વધારે પીડાવા લાગ્યા છે. સાઉથ કોરિયામાં જ આ મુદ્દે સમસ્યા ગંભીર થવા લાગી છે. ૨૦૨૩માં અંદાજે ૪૦૦૦ જેટલા લોકોના મોતને લોનલી ડેથ તરીકે નોંધવામાં આવી હતી. તાજેતરમાં ગાઝીયાબાદની બહેનો દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી ત્યાં પણ ક્યાંકને ક્યાંક એવો જ સંદેશ હતો કે, અમે એકલા છીએ, અમારી સાથે કોઈ નથી, અમને સમજનાર કોઈ નથી. આ એકલતાના કારણે તેઓ આત્મહત્યા જેવા પગલા ભરવા લાગ્યા છે.
મૂળ વાત એટલી જ છે કે, કોઈપણ કલ્ચર, બ્યુટી, ફેશન, મ્યુઝીક કે ગમે તે હોય તેનું આકર્ષણ એક ટ્રેન્ડ પૂરતું કે ટાઈમ બિઈંગ હોવું જોઈએ. જો આવી બાબતોનું વળગણ જીવનનો ભાગ બનતું જાય તો તેમાં જોખમ સર્જાય છે. તેનાથી પોતાના જીવન ઉપરાંત પોતાની સાથે જોડાયેલા લોકોના જીવનમાં પણ વિવાદ અને વિખવાદના વમળ સર્જાવા લાગે છે. કોઈપણ બાબત હોય, જ્યારે જેમાં ઝનુન અને પોતાને બરબાદ કરવાની લાગણી ઘુસવા લાગે છે ત્યારે વ્યક્તિ પોતે બરબાદ થાય છે અને બીજાની જિંદગી પણ ખરાબ કરી નાખે છે.


